રચનાવલી/૧૬૭


૧૬૭. રૉબિન્સન ક્રુઝો (ડેનિયલ ડેફો)


બાળપણાનું જગત એ સાહસોનું રોમાંચક જગત છે અને આપણામાંનું બાળક વળી ક્યારે મરી જાય છે? તેથી જ તો જોનાથન સ્વિફ્ટની ‘ગુલેવર્સની યાત્રાઓ', સ્ટિવન્સનનો ‘ખજાનાનો ટાપુ’, જૂલે વર્નની સમુદ્રમાં એક લાખ કિલોમીટર નીચેની ડૂબકીઓ કેમે ય ભુલાઈ નથી અને એ બધામાં શિરમોર છે ‘રોબિન્સન ક્રુઝો’ ડેનિયલ ડેફોની ‘રોબિન્સન ક્રુઝો’ અંગ્રેજી નવલકથાનું પણ પહેલું સાહસ છે. આ જ નવલકથાએ અંગ્રેજી નવલકથાનો પાયો નાંખ્યો. એમાં હૂબહૂ બનતી ઘટનાઓ અને રોજિંદા જીવનની હકીકતોને આદર્શ, તરંગ કે કપોલકલ્પનાના વાઘા પહેરાવ્યા વિના વાસ્તવિક બનાવવામાં આવી છે. ખરેખર બધું બન્યું જ હોય એવી ખાતરી એમાંથી બંધાય છે અને આમે ય આ નવલકથા ડેનિયલ ડેફોએ ૧૭૧૧માં એલેકઝાન્ડર સેલ્ફર્ક નામના કોઈ શખ્સ ઇંગ્લેન્ડમાં સનસનાટી ફેલાવેલી એને આધારે જ રચાયેલી છે. સમુદ્રમાં ભાગી ગયેલા એલેકઝાન્ડરને વહાણના કપ્તાન જોડે ઝઘડો થાય છે અને કપ્તાન એને ચીલી નજીકના ટાપુ પર ઉતારી મૂકે છે. પાંચ વર્ષ બાદ બીજો કોઈ વહાણનો કપ્તાન એલેક્ઝાન્ડરને એ ટાપુ પરથી છોડાવે છે. એલેકઝાન્ડરની બનેલી આ સત્યઘટનાનો અંગ્રેજી પ્રજાના મનમાં મોટો રોમાંચ હતો. એના પાછા ફર્યા અંગેના ઘણા અહેવાલો પ્રગટ થયેલા. ડેનિયલ ડેફોએ એલેકઝાન્ડરના સાહસને નવલકથામાં મઢી લીધું અને એવી તો સચોટ રીતે રજૂ કર્યું કે આજે પણ ‘રોબિન્સન ક્રુઝો’ રસપૂર્વક વંચાય છે. ‘રૉબિન્સન ક્રુઝો’માં બે જ મુખ્યપાત્ર છે એક પોતે અને બીજો ક્રુઝોનો મિત્ર બનેલો નરભક્ષી જાતિનો ફ્રાઈડે. ક્રુઝોના પિતા સોનો વકીલ બનાવવા માંગતા હતા પણ ક્રુઝો લંડન જતાં વહાણમાં ૧૯ વર્ષની વયે ચઢી બેસે છે. વહાણ તોફાનમાં સપડાય છે. ક્રુઝોને ઘડીક થાય છે કે આ તોફાનોમાંથી ઊગરી જઈશ તો હું અક્ષરશઃ માતાપિતાની આજ્ઞાનું પાલન કરીશ, અને ક્યારેક સમુદ્રમાં નહીં જાઉં, પણ તોફાન શમી જતા ક્રુઝોનું મન બદલાઈ જાય છે. એ સાહસ કરવા નીકળી પડે છે. આગળ જતાં કોઈ આફ્રિકન વહાણમાં ચઢી જતાં ક્રુઝોને ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે પણ ગમે તેમ કરીને ત્યાંથી નાસી છૂટી એ બ્રાઝીલ પહોંચી શેરડીઓનાં ખેતરો ઊભાં કરે છે. ખેતરોમાં કામ કરવાને ગુલામો લેવા એ આફ્રિકા નીકળી પડે છે. રસ્તામાં વહાણ ખડક સાથે અથડાતા ક્રુઝો કોઈ આફ્રિકા નજીકના અજાણ્યા ટાપુ પર જઈ ચઢે છે. અજાણ્યા નિર્જન ટાપુ પર ક્રુઝો પાસે કાંઈ નથી. સદ્ભાગ્યે ભાંગેલા વહાણમાંથી થોડી ઘણી વસ્તુઓ અને થોડું ઘણું અનાજ એને મળી આવે છે. કમોસમી અનાજ વાવતા અનાજ નકામું જાય છે. વાસણો બનાવવામાં એ શરૂમાં નિષ્ફળ જાય છે. ટાપુ છોડીને જવા માટે એક મોટા ઝાડના લાકડામાંથી નાવ તો તૈયાર કરે છે પણ પછી એને ખબર પડે છે કે નાવ તો તૈયાર કરી પણ આવી ભારે નાવને સમુદ્ર સુધી પહોંચાડવી કઈ રીતે? અનેક નિષ્ફળ પ્રયત્નો અને ભારોભાર હતાશા પછી ક્રુઝોને માંડ માંડ બધું ફાવવા માંડે છે. એ અનાજ ઉગાડે છે, જંગલી બકરીઓને દૂધ માટે કેળવે છે, પોપટને પાળે છે. ૧૨ વર્ષ પછી એક દિવસ... ટાપુ ૫૨ એની નજર ઓચિંતી માનવપગલાં તરફ જાય છે અને ૨૨ વર્ષ પછી જ્યાં એણે માનવપગલાં જોયાં ત્યાં માણસનાં હાડકાં અને એના માંસને જુએ છે. અહીં નરભક્ષી માનવજાત પોતાના દુશ્મનોને પકડી લાવી એને રાંધીને ખાઈ જતી હતી. ક્રુઝોએ આ બધું જોયું ત્યારે એને કમકમા આવ્યા પણ બહાદુરીથી ઝંપલાવી એમાંના ઘણાને ખતમ કરી, સો એમાંથી એકને જીવતો પકડે છે. આ નરભક્ષી માણસ ફ્રાઈડે પછીથી એનો સેવક અને સાથી બની ગયો. પછી તો નરભક્ષી જાતિ અને ક્રુઝો વચ્ચે સંઘર્ષ ચાલુ રહે છે. એકવાર તો ક્રુઝો પકડી લવાયેલા એક ગોરા અંગ્રેજને પણ છોડાવે છે. બત્રીસ વર્ષ પછી ક્રુઝો ઇંગ્લૅન્ડ પાછો ફરે છે. એનાં માતાપિતા ગુજરી ગયાં હોય છે. એ પરણે છે અને બાળકો થાય છે. પણ પછી પત્નીના મૃત્યુ બાદ ક્રુઝો પોતાના ટાપુને જોવા ફરી નીકળી પડે છે. ‘રોબિન્સન ક્રુઝો’ નવલકથામાં એક રીતે જોઈએ તો હોમરના ‘ઓડીસી’ મહાકાવ્યની જેમ નાયકનાં પરાક્રમો ચાલે છે. ક્યારેક બેચેન, ક્યારેક ભયભીત છતાં એકલતાના લાંબા ગાળાની સામે હાથે ઝઝૂમી ક્રુઝો સાબિત કરે છે કે માણસ ગમે તેટલો નિર્બળ હોય પણ એનામાં અપાર સાહસ, શક્તિ અન સ્ફૂર્તિ પડેલાં છે. એને એ વાપરતા આવડવાં જોઈએ. માતાપિતાની આજ્ઞાને ઉલ્લંઘીને આવેલો હોવાથી ક્રુઝોને અપરાધભાવ તો હશે જ અને સાથે સાથે નર્યા એકાકીપણાનો ઓથાર પણ એને પીડતો હશે. પણ સતત પોતાને પ્રવૃત્તિઓમાં જોતરી રાખી, કામોમાં પરોવાયેલો રાખી ક્રુઝોએ જે સમતુલન મેળવ્યું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. ગમે તેવા નિર્જન કે વેરાનમાં પણ જીવનને ઘાટ આપવાની માણસની અદમ્ય શક્તિ સુદ્ધાં વ્યક્ત થઈ છે. આજના આધુનિક યુગમાં માણસ માણસ વચ્ચેનો સંપર્ક યાંત્રિક સાધનોથી આટલો બધો વધી ગયો હોવા છતાં માણસ માણસ વચ્ચેનો સંબંધ સંદતર તૂટી ગયો છે. દરેક માણસ જાણે કોઈ અલાયદા એકાકી ટાપુ પર ફેંકાઈ ગયો હોય એવો અનુભવ આ પહેલાં આટલો ઉત્કટ ત્યારે નહોતો બન્યો. આવી પરિસ્થિતિમાં દરેક માણસ કોઈને કોઈ રીતે પોતાનામાં રહેલી શક્તિ અને સ્ફૂર્તિ મારફતે પોતાના ટાપુ પર એકલો હોવા છતાં કઈ રીતે પોતાનું અને જીવનનું સમતુલન સાચવે એનો છૂપો સંદેશ આ નવલકથામાં પડેલો છે.