રચનાવલી/૨૮


૨૮. ગોટલાની ફિલસૂફી (બકુલ ત્રિપાઠી)


ઘણાં બાલોદ્યાનનાં દર્પણ ગૃહોમાં મન બહેલાવવા માટે જાતજાતના અરીસાઓ ગોઠવેલા હોય છે. એની બહિર્ગોળ કે અંતર્ગોળ સપાટી પર વાંકાચૂંકાં, જાડાંપાતળાં ઝીલાતાં પ્રતિબિંબો આપણને હસતા કરી મૂકે છે. આપણું જ રૂપ અળવીતરું બનાવીને આપણું કેવું ધ્યાન ખેંચે છે! જગતના હાસ્યકારોએ આ જ રીતે આપણાં અળવીતરાં રૂપોથી આપણને બહેલાવ્યા છે. આપણને નવેસરથી આપણી પોતાની તરફ જોતા કર્યા છે. ગુજરાતી હાસ્યસાહિત્યનું નામ લો એટલે પહેલા સ્મરણમાં આવે જ્યોતીન્દ્ર દવે. એમ તો મધ્યકાલન મહાકવિ પ્રેમાનંદ કે અર્વાચીન દલપતરામ, રમણભાઈ નીલકંઠ જેવાઓનું હાસ્ય વખણાયેલું નહોતું એવું નથી પણ જ્યોતીન્દ્ર દવેએ હાસ્યને પૂરા સાહિત્યની કોટિએ મૂક્યું અને હવે જ્યોતીન્દ્ર દવે પછી ય કોઈનું નામ દેવાનું હોય તો? તો, ઘણાં નામોની વચ્ચે એક નામ જુદું તરી આવે અને તે છે બકુલ ત્રિપાઠીનું. જ્યોતીન્દ્ર દવેની જેમ બકુલ ત્રિપાઠી પણ આજે હાસ્યનો પર્યાય બની ગયા છે. આજના બીજા કોઈ પણ હાસ્યલેખકને હાસ્યલેખક સિવાય બીજા કશાકથી પણ ઓળખાવશે પણ બકુલ ત્રિપાઠીની ઓળખ એ સિવાયની હોઈ શકે નહીં. આસપાસ બનતી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય ઘટનાઓને નિમિત્તે તેઓ વર્ષોથી ગુજરાતનાં દૈનિકોમાં એમની હાસ્યફૂંકથી વાચકોને સવારની સંજીવની આપતા રહ્યા છે. પણ એમનું હાસ્ય દૈનિકો પૂરતું મર્યાદિત હોત તો દૈનિકો સાથે સીધું પસ્તીમાં ગયું હોત. દૈનિકોની પાર જઈને એમણે હાસ્યલેખો ઉપરાંત વિવિધ શૈલીએ કેટલાક હાસ્યનિબંધો પણ રચ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં એ પ્રગટ થતા રહ્યા છે અને ‘સચરાચરમાંથી માંડી હિંડોળો ઝાકમઝોળ’ જેવાં પુસ્તકોમાં એ સંગ્રહાયા છે. ‘હિંડોળો ઝાકમઝોળ" (૧૯૯૨) એમના હાસ્યનિબંધોનો યશસ્વી ગ્રંથ છે. એકલું હાસ્યલેખન કે એકલું નિબંધલેખન પ્રમાણમાં સહેલું છે પણ લેખનને હાસ્યનિબંધ તરફ વાળવાનું કામ અર્થ કામ છે. એમાં ય હાસ્યનિબંધોને લલિતનિબંધની જેમ સાહિત્યની નજીક લઈ જવાનું કામ વળી એથી ય અઘરું છે. બકુલ ત્રિપાઠીએ હાસ્યને લલિત બનાવવાનું કે લલિતને હાસ્ય તરફ દોરવાનું કપરું કામ કર્યું છે. કોઈ પણ જાતના આયોજન વગર હાસ્યકેન્દ્રી લખાણ થઈ શકે છે પણ હાસ્યનિબંધ માટે એક પ્રકારનું આયોજન અને એક પ્રકારની શિસ્ત જોઈએ. તો વળી હાસ્યને લલિત કે લલિતને હાસ્ય સુધી પહોંચાડવા માટે લેખકની પાસે વિશેષ પ્રકારની સાહિત્યિક સૂઝ અને સંવેદના જોઈએ. ‘હિંડોળો ઝાકમઝોળ’માં લેખકે હાસ્યને, પોતાને, નિબંધને અને સાહિત્યને એમ ચારેય ને સંડોવ્યાં છે. લેખક લાગણીશીલ બન્યા છે પણ લાગણીવેડાથી ગદ્ગદ્ બન્યા નથી. તેઓ સંપૂર્ણ આશાવાદી થવાની શક્યતા અંગે નિરાશાવાદી છે અને સંપૂર્ણ નિરાશાવાદી થવા જેવી જિંદગી નથી જ એવું માનીને મનુષ્યની કોઈ પણ સ્થિતિ પર હસી લે છે. એમની પાસે જગતને જોવાની એક વાંકી દષ્ટિ છે પણ સાથે એ વાંકી દૃષ્ટિને પ્રગટ કરતો સમભાવ શીલ અવાજ છે. આ બધાથી પર દૃષ્ટિ, અવાજ અને ભાષા ત્રણેને સમતુલ રીતે બાંધી લેનારી સંયોજનશક્તિ છે. આથી ‘હિંડોળો ઝાકમઝોળ’ના લલિત હાસ્યનિબંધો દરરોજના આપણા જાણીતા જગતનો બહુ જુદી રીતે આસ્વાદ કરાવે છે. જીવતાં થતાં ચરિત્રો, સંવાદથી ઊભા થતાં નાનાં નાનાં નાટકો, વર્તનની અસંગતતાઓની રજૂ થતી દિલચશ્પ ભંગીઓ અને ભાષાનાં પ્રગટ થતાં નિરનિરાળાં રૂપો આ બધાંથી ભરપૂર કેટલાક નિબંધોને કારણે આ ગ્રંથ મૂલ્યવાન બન્યો છે. એમનો ‘ગોટલાની ફિલસૂફી' હાસ્યનિબંધ જ લો. લેખક કહે કે ‘કેરી ક્ષણિક છે અને ગોટલો ચિરંજીવ છે.’ ત્યાં આપણું કેરી અંગેનું જ્ઞાન તદ્દન બદલાઈ જાય છે. ભારતની આધ્યાત્મિક ફિલસૂફીની ઠેકડીની ભોંય પર મૂકાયેલું આવું વાક્ય ખડું કરીને લેખક પછી આપણી નાગરિક તરીકેની ગંદી હરકતોને અડફેટમાં લે છે, ‘ઉનાળાની ઋતુમાં રસ્તાઓમાં, ફૂટપાથો પર, ગલીને નાકે, શેરીને ખૂણે, ઠેરઠેર ગોટલા દેખાય છે. ક્યાંક ક્યાંક ગોટલા જોડે ગાયો હોય છે, ક્યાંક ગાયોની રાહ જોતા ગોટલા પડ્યા હોય છે. કેટલાંક નાનાં ગામડાં એવાં છે કે જ્યાં ગાયો છે પણ એને માટે ગોટલા નથી.’ મુંબઈમાં ઘણાં એવાં પરાં છે કે જ્યાં ગોટલા છે પણ ગાયો નથી. ગોટલો ચૂસવાની કલાને લેખકે નમૂનેદાર ઢંગથી અલંકાર સાથે આપણી આગળ રજૂ કરી છે : ‘ગોટલો અવકાશયાનની જેમ શટ દઈને છટકીને અન્યના ખોળામાં, અન્યની રકાબીમાં, ટેબલની વચ્ચે, પાણિયારાના માટલા પર, સામે બેઠેલાના નાક પર ‘લૅન્ડ’ થઈ જાય છે આ પછી ગોટલા ઉપરથી લેખક આજની સંસ્કૃતિ પર છટકે છે : ‘હમણાં તો એક અત્યંત આધાતજનક સમાચાર વાંચ્યા... મધ્યપ્રદેશની લેબોરેટરીમાં તદ્દન બી વિનાનાં સંતરાં લગભગ તૈયાર થઈ ગયાં છે... શું થવા બેઠું છે આપણી સંસ્કૃતિનું? બી વિનાની નારંગીની પેશી આવી એમાં મઝા શી? એ તો ટીનમાં નારંગીનો રસ આવે જ છે ને?’ આ ટીનની સંસ્કૃતિ સામે લેખકનો મર્માળો વિરોધ સૂર જુઓ : ‘અમને અમારી બી સાથેની નારંગી ખાવા દો! કેળાની છાલ કમળની પાંદડીઓના આકારે ઉતારવી એમાં આનંદ છે. નારંગીની છાલ સહેજ ઉતારી, એમાંથી પેશી કાઢી, એના મધ્યભાગથી પેલો કેન્દ્રવર્તી તંતુ કાઢી નાંખવો અને પછી એક છેડેથી દાંત વડે છિદ્ર પાડી પેશીમાંથી રસ ચૂસવો, બિયા મોમાં ન આવે ને રસ ચૂસાય...' - આ પછી લેખક ધીમે રહીને ઉમેરે છે કે, ‘તમને મુબારક તમારા ટિન્સ; અમને મુબારક અમારી બિયાંવાળી પ્રાણપ્યારી સુગંધી નારંગી' વાક્યના અંત ભાગમાં પ્રાસની નજીક જઈ લેખક જે મજાક સાથે લાડ કરે છે એ નોંધવા જેવું છે. હાસ્યનિબંધને અંતે લેખકનો અવાજ સૂત્રાત્મક બની એક ધારદાર સત્ય પર પહોંચે છે : ‘સૌંદર્યલુબ્ધ બનતા જઈએ છીએ આપણે અને સૌંદર્યમુગ્ધ બનવાની સાહજિક કળા વીસરતા જઈએ છીએ, આપણે.’ સૌંદર્યથી મુગ્ધ થવાની નીરોગી ક્રિયા અને સૌંદર્યથી લુબ્ધ થવાની રુગ્ણ લાલસાનો વિરોધ અહીં તીવ્ર બન્યો છે. લેખકે આ પુસ્તકમાં આભાર માનવાની, ખબર પૂછવાની, આત્મપ્રશંસા કરવાની, ઓળખાણ કેળવવાની, ટાલ પાડવાની, ચા પીવાની, અફવાઓ ફેલાવવાની, મનુષ્યની સહજ ક્રિયાઓમાંથી હાસ્યનો સુઘટ્ટ વણાટ ઊભો કર્યો છે.