રણજિતરામ ગદ્યસંચય – ૨/ઈસુનું વર્ષ ૧૯૧૩

ઈસુનું વર્ષ ૧૯૧૩

ચંડવેગથી પાંચ વર્ષ વીતી ગયાં. ગુજરાતના સારસ્વત જીવનમાં અનેક પ્રસંગો જન્મ્યા તો અનેક વિલય પણ પામ્યા. કવિ ન્હાનાલાલનું ‘ઇન્દુકુમાર’(૧૯૦૯) નામનું નાટક પ્રગટ થયું. સુમતિની ખીલતી પીમળ ખરી પડી. (૧૯૧૧). ઘણે વર્ષે એક ઇંગ્લિશ વ્યુત્પન્ન ગ્રંથનું સફળ ગુજરાતી ભાષાન્તર થયું છે. રા. રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ લેન્ડોરના કાલ્પનિક સંવાદો(૧૯૧૧–૧૨) ગુજરાતીમાં ઉતારી એ વિજય મેળવ્યો છે. રાજકોટ અને વડોદરામાં સાહિત્ય પરિષદના અધિવેશન (અનુક્રમે, ત્રીજું ૧૯૦૯માં; ચોથું ૧૯૧૨માં) થયાં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પોતાનો મણિમહોત્સવ ઊજવ્યો(૧૯૦૮–૦૯). અમદાવાદ શહેરની સ્થાપનાની(૧૪૧૧–૧૨) પંચશતસંવત્સરી વગર ઊજવી વહી ગઈ. સરસ્વતીચંદ્રનો નવલકથામાંથી રૂપાંતર પામી રંગભૂમિ પર અવતાર થયો(૧૯૧૨). ‘વસન્ત’નું તંત્રીપદ બદલાયું [1] કેટલીક લોકમાન્ય પ્રતિષ્ઠા વીખાઈ છે. કેટલીક પ્રતિષ્ઠા મિત્રમાન્ય હતી તે લોકમાન્ય થવા માંડી છે. (નાનાલાલની) નવી કવિતા સામે ઝબકારા મારતો વિરોધ વિલોપ પામ્યો લાગે છે. ભારતીના વૈકુંઠમાં અનેક સિદ્ધો પ્રવેશ કરતા જાય છે અને ગરુડની પાંખમાંથી જેમ સામવેદનું ગાન સંભળાય છે તેમ તેમની ગતિમાંથી કવિત્વના સ્વર કંપિત થાય છે. ભારતીના ઉપવનમાં ગાતાં કેટલાંક પંખીઓ નિઃશબ્દ પણ થયાં છે. કેટલાક અભિલાષો મૂર્તિમાન થયા છે તો કેટલાક હજુ અભિલાષ જ રહ્યા છે અને કેટલાક સફળ થવાને બદલે નિષ્ફળ થયા છે. આ જ વર્ષનું અવલોકન શા માટે? છેલ્લા અવલોકન(‘ઈસુનું વર્ષ ૧૯૦૮ જુઓ: રણજિતરામ ગદ્યસંચય-૧ પૃ. ૩૩૮) પછી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ પારિતોષિક આપી આવું વાર્ષિક અવલોકન નિયમિત કરવાની વ્યવસ્થા કરી અને અવલોકનનું કાર્ય પ્રતિષ્ઠિત વિદ્વાનોને સોંપ્યું. આથી મારા મિત્ર જીવણલાલ અમરસી અને મને પરમ આહ્લાદ થયો. પણ અમારાથી શરૂ થયેલી પ્રવૃત્તિ ઉછેરાતી અને વયે વધતી જોવાની અભિલાષા બર આવી નથી. દરમ્યાન સપ્ટેમ્બર ૧૯૧૩માં આપણા અગ્રેસર સાપ્તાહિક ‘ગુજરાતી’એ અવલોકનની યોજના ચાલુ રહેવા બાબત સૂચન કર્યું. તે પરથી ચાલુ જ વર્ષનું અવલોકન કરવા ઊર્મિ ઊઠી અને આ લેખ તે ઊર્મિનું ફરઝંદ છે. છેલ્લા અવલોકન કરતાં આ ઘણી રીતે નિરાળું છે. ગુજરાતના સાહિત્યસેવકોની ન્યૂનતા કરતાં તેમના ગુણનું પ્રકીર્તન કરવામાં આવ્યું છે. કવિ નાનાલાલ કહે છે કે ફૂલ ખરે એને માટે શોચ મા કરો પણ નવું ફૂલ વાવવા પ્રયત્ન કરો. તેમ ન્યૂનતાની દાંડી પીટવા કરતાં ગુજરાતની વિભૂતિનાં યશોગાન ગાવાનો ઉપક્રમ કર્યો છે. સરસ્વતીચંદ્રકારે એમની અમર વાણીમાં કહ્યું છે કે દોષ કરતાં ગુણની કદર કરવી એ અઘરું છે. અલબત્ત ન્યૂનતા પ્રત્યે તદ્દન આંખમીંચામણાં નથી કરવામાં આવ્યાં. કદર અને તારીફમાં ખુશામત જણાવાની દેહશત રહે છે પણ માનવ આત્માની વિભૂતિનું દર્શન કરતાં થતી સ્તુતિ અને ઈશસ્તવન જેવી જ છે. અને ઈશસ્તવનમાં ખુશામત હોવાનો દોષ હસતે મુખડે ગુણ બતાવાય છે. સાધનો મેળવવાની મુશ્કેલી પાંચ વર્ષને અંતે પણ ઓછી નથી થઈ. સરકારી ગેઝેટમાંથી માસિકો અને બીજાં ક્રમિક પત્રોનાં ગ્રંથસ્વીકાર અને જાહેર- ખબર પરથી વાર્ષિક ગ્રંથપ્રસિદ્ધિનું ભંરતિયું તૈયાર કરી મળ્યા એટલા ગ્રંથો જોઈ અથવા વાંચી જવામાં આવ્યા છે. કાઠિયાવાડ વગેરે દેશી રાજ્યોમાં છપાતા ગ્રંથો ‘રજિસ્ટર’ ન થતા હોવાથી તેમની સંપૂર્ણ યાદી મળી શકી નથી. વળી રા. રા. જીવણલાલ અમરસીએ ગ્રંથસ્વીકાર કરતી વખતે પ્રકાશનની સાલ આપવાનો પાડેલો રિવાજ સર્વત્ર આદરપાત્ર ન થવાથી જોઈએ તેવી સગવડ મળી શકી નથી. આથી આ લેખમાં કોઈ ગ્રંથનો નિર્દેશ રહી ગયો હોય તો આવી જ કોઈ અગવડને લીધે એવું સુજ્ઞ લેખકો માનશે એવી આશા છે. આવા સિંહાવલોકનની વિવિધ કારણોસર જરૂર લેખકો અને વાચકોને લાગી છે. ૧૯૦૮ના સિંહાવલોકન તરફ ગુજરાતમાં જ ધ્યાન ખેંચાયું હતું. એટલું જ નહીં પણ આફ્રિકા સુદ્ધાંમાં ખેંચાયું હતું. ઘણા લેખકોએ સ્નેહભરી ઉદારતાથી પોતાના ગ્રંથો મોકલ્યા હતા. ૧૯૦૯ની પ્રવૃત્તિ અવલોકવાનું ન બની શક્યું એટલે એ ગ્રન્થોની નોંધ ન લેવાયાથી એમનો હું ઋણી રહ્યો છું. પ્રસ્તુત લેખ એવા ઋણમાંથી છોડાવશે તોયે એના જન્મનું સાર્થક થશે. ભૂત સમય ભવત્ અને ભવિષ્યતનું ગર્ભાશય છે. વંશાન્વયના નિયમાનુસાર તેનાં લક્ષણ જાણવાની અગત્ય છે. મુકાબલાથી પ્રગતિનો ઉન્મેષ થાય છે. મુકાબલાથી નિરાશા અને આત્મલાઘવ પણ ઘણી વાર પ્રગતિ ખોટકાવી દે છે. તેમ આત્મવિભૂતિની સિદ્ધિ, શક્તિમતા અને ન્યૂનતાનો અનુભવ પણ સરખામણી કરાવે છે. પ્રસ્તુત લેખમાં સ્પષ્ટ મુકાબલો નથી, છતાં ઇંગ્લિશ, સંસ્કૃત, બંગાળી અને મરાઠી સાહિત્યનાં તોશાખાનાં જેવો ઝગઝગાટ આપણે ત્યાં છે કે નહીં તે તપાસતી વૃત્તિ સમગ્ર લેખમાં પ્રસરી રહેલી છે. આપણી ખાણોમાં નીકળતાં હતાં તેવાં કેવાં અને કેટલાં રત્નો નીકળે છે? પરદેશની ખાણોમાંથી કેવાં કેવાં રત્નો આવે છે? અને નવી ખાણો ખોદાઈ હોય તો તેની નીપજ કેવી છે? ઝવેરાતમાંથી કેટલું નકરું રહી તો કેટલું જડાવ થઈ જેબ આપે છે? આવા આવા સવાલો પ્રતિવર્ષે ઊઠ્યા કરે પણ તેની ચર્ચા દર વખત એક જ આસામીને હાથે રસિક કે માર્ગદર્શક ન પણ નીવડે. એટલે જ તોશાખાનાનું ‘ઇન્સપેક્શન’ વર્ષેવર્ષે નવનવા અધિકારીથી થવું ઘટે છે. અધિક અને યોગ્ય નિષ્ણાતતાથી થતી તપાસણી વિવિધ દૃષ્ટિબિંદુઓ, તરેહતરેહના અનુભવો અને ખુલાસાઓ રજૂ કરી પ્રગતિ કહો કે ઉત્ક્રાન્તિ કહો તેના રસ્તા બતાવે એની ખાસ જરૂર છે. કદાચ આવું ન થાય તોપણ જમાનાના વિચારનું સુકાન કઈ દિશામાં હતું તે ભવિષ્યના સાહિત્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, નીતિશાસ્ત્રી અને ઇતિહાસકારને જાણવાનું સુગમ થાય છે. મારા છેલ્લા સિંહાવલોકનની શરૂઆત સાહિત્યથી નિરાળા વિષયોનાં વિહંગદર્શનથી કરવામાં આવી હતી, ને તેમ કરવાનું પ્રયોજન પણ સાથેસાથે વિદિત કરવામાં આવ્યું હતું. આવા લેખોની કેટલેક દરજ્જે ત્યારે શરૂઆત કરાતી હોવાથી એવા વિહંગદર્શન માટે જેવી અનુકૂળતા અને સામગ્રી હતી તેવી પ્રતિવર્ષે મળવી સંભવિત નહોતી છતાં પાંચ વર્ષ પછી નંખાતી દૃષ્ટિને નિરાશ થવાનું કારણ નથી. શેષશાયી વિષ્ણુના નાભિકમળ જેવું મનુષ્યજીવન છે. તેની એક પાંદડી સાહિત્ય છે. મનુષ્યજીવનના અનુભવો પ્રગટ કરવાનું અથવા તેના કોઈ ઈષ્ટ અથવા લક્ષ્યને પ્રાપ્ત કરાવાનું વાહન તે થાય છે ત્યારે સાહિત્યનાં ઉત્પત્તિપોષણ નોંખનોંખી તરેહથી થાય છે. દેવી સરસ્વતીના વૈકુંઠમાં વાલ્મીકિ અને વ્યાસ, કાળીદાસ અને ભવભૂતિ, શેકસપીઅર અને ઇબ્સન, કલાપી અને ગોવર્ધનરામ વગેરે સામીપ્યમુક્તિ પામ્યા હોય છે. અનુભવપ્રકાશ અને લક્ષ્યપ્રાપ્તિ માટે સાહિત્ય ઉપરાંત સંગીત, ચિત્ર, નાટ્ય, મૂર્તિવિધાન, સ્થાપત્ય આદિ લલિતકળાઓનો આશ્રય પણ લેવામાં આવે છે. જે દેશમાં પ્રજાની આત્મસંપત્તિની મોરલીના સૂરસરસી આ સર્વે કલાગોપીઓ રાસ રમી રહી હોય છે તે દેશનું સૌભાગ્ય પૂર્ણિમાના પ્રકાશ જેવું ખીલી અમર થાય છે. આપણા ગુજરાતમાં આવો રાસ જામ્યો છે? સમસ્ત ગુજરાતનું નિરનિરાળું અને અખિલ જીવન જોવાની નારદ જેવી શક્તિ અને તક હોય તો જ આ પ્રશ્નના ઉત્તર અપાય. નારદતા સર્વના ભાગ્યમાં નથી. જેના ભાગ્યમાં એ હોય તે મોખરે આવી પોતાને લેવાની ધુરા લે ત્યાં લગી વાટ જોવી પાલવે એમ નથી. એકથી થાય તે કરવું અથવા અનેકને ભેળા કરી સંઘશક્તિથી થઈ શકે તેવું કરવું. પરિષદો અને ક્રમિક પત્રોના ખાસ અંકોને આ કર્તવ્યધુરા વહન કરવાની છે. કાંઈક વિસ્તારથી વર્ણન કરીશું એટલે કર્તવ્યનું બિંબ સ્પષ્ટ પ્રકાશશે. આપણા ગુજરાતની પ્રવૃત્તિ જાણવાનાં બે પ્રકટ સાધનો છે. ક્રમિક પત્રો અને અંગ્રેજ સરકાર તથા દેશી રાજ્યો તથા ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી પ્રગટ થતા ક્રમિક અહેવાલો. વર્તમાનપત્રોની ઑફિસમાં ભેટ તરીકે આવેલા આ અહેવાલોનો જવલ્લે જ સંગ્રહ થાય છે એટલે તેનો ઉપયોગ બિલકુલ થતો જ નથી. આવા અહેવાલો વાંચી તેમાં નિરૂપેલી હકીકત તેમ જ આપેલા આંકડાઓનાં કોષ્ટકો પરથી જરૂરી લાગતું તારતમ્ય તારવી આપવાની મુરાદ છેલ્લા સિંહાવલોકન પછી જાગી હતી અને તેને હાંસલ કરવાની નાનીસરખી શરૂઆત કરી હતી પણ ખરી. શરૂઆત શરૂઆત રહી અને ટિપ્પણ નોંધેલા કાગળો રવડી ગયા. એકલવાયા કરવાનું જલદી ન બને તેમ વિશાળ દૃષ્ટિથી સારગ્રહણ પણ ન થઈ શકે એવું ધારી વર્તમાનપત્રોના નિકટ સેવકોમાંના એકાદ મિત્રને એવા પ્રયત્ન આદરવાની સૂચના કરી હતી. વર્તમાનપત્રની નિરંતરની સતત સેવામાંથી એવા સેવકોને નિવૃત્તિ ન મળતી હોવાથી તેમના કરતાં અન્ય દ્વારા એવા પ્રયત્ન થાય તો તેના પ્રકાશન માટે વર્તમાનપત્રો સહાય આપી શકે એવો જવાબ સૂચનાને મળ્યો હતો. જવાબ ઉડાઉ નહીં પણ વાજબી છે. દર વર્ષે આપણાં વર્તમાનપત્રો ખાસ અંક અમુક ટાંકણે છાપે છે. આવા ખાસ અંકોમાં નિર્દિષ્ટ સિંહાવલોકન સામટું નહીં પણ વર્ગવાર સ્થાન પામે તોયે કાંઈ ઓછું નથી. ઉદાહરણના વિસ્તારમાં ઊતરીશું. સરકારી, રજવાડી અને સંસ્થાગત કેળવણીના અહેવાલો લઈ તે પરથી કેળવણીની સ્થિતિ, પ્રગતિ, અડચણો, સવાલો, ખામી વગેરેની મીમાંસા કરવામાં આવે. આરોગ્યના, ન્યાયના, વેપારના, ઉદ્યોગના, ધંધાના, ગુનાના અહેવાલો વિશે પણ એવી જ રીતે જુદા જુદા લેખકો પાસે ચર્ચા કરાવવામાં આવે તો ભવિષ્યની આગાહી જાણવાનું દૂર રાખીને પણ વર્તમાનનો યથાસ્વરૂપ પરિચય તો થાય, અને એ લાભ જેવો તેવો નથી. પત્રોમાં હંમેશ કવિતા, વાર્તા કે નિબંધો લખવાથી પ્રસિદ્ધ થયેલા લેખકોથી આવાં કામ ન થઈ શકે તો કામમાં રોકાયેલા વિદ્વાનોને આ સેવા કરવા પ્રોત્સાહ પ્રેરી, તેમની ધર્મબુદ્ધિ ઉત્તેજી વર્તમાનપત્રોએ પોતાના જીવનનો એક હેતુ સાધવો ઘટે છે. પ્રારંભમાં મુશ્કેલીઓ નડશે પણ તેથી ડરવાનું નથી. બજાર હશે તો માંલ તૈયાર થવાનો જ. નાતોની પરિષદો ભરાવાથી સામાજિક ઉત્કર્ષ વિશે લોકગમ્ય સાહિત્ય કેવું સરસ રચાતું જાય છે? જે લોકો જિંદગીભર લખત નહીં અથવા લખ્યું ન હોય એવાએ ગૌરવશાળી, મીઠી, સચોટ અને વિચારપૂર્ણ પણ સાદી વાણી દ્વારા ઉત્કર્ષનાં અગત્ય, સાધન અને લક્ષ્ય દાખવ્યાં છે. જે વર્ગ કલમથી દૂર ભાગતો અને કલમ અમુકનો જ ઈજારો છે એવું માની બેઠો હતો તેણે પણ એવી જ કલમ પકડી સામાજિક ઉત્કર્ષના નાનાવિધના પ્રશ્નોની ચર્ચા કરી છે. આ અનુભવ ઉત્સાહ પ્રેર્યા વિના રહેશે નહીં. વળી આજે ઘણાં સુશિક્ષિત નરનારીને લખવાની ઊર્મિ ઊઠે છે, પણ વિષય જડતા નથી. તેમને આવી પ્રવૃત્તિથી પોતાની શક્તિ અને પ્રવૃત્તિના વ્યાપાર માટે સરલતા થશે. ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે પ્રયાસ સતત ઉત્સાહભેર થવો જોઈએ. પોતાથી ચાલી શકે એટલી લાગવગ ચલાવવી જોઈએ. વર્તમાનપત્રોના તંત્રીઓને માટે આ દિશામાં તૈયારી સાહિત્યસભાઓ, મિત્રમંડળો, જ્ઞાનપ્રસારક સભાઓ કરી શકે. બીજી સાહિત્ય પરિષદ(૧૯૦૭) ભરાયા પછી અમદાવાદની સાહિત્યસભાથી તેનું તંત્ર નાંખું પડી ગયું તે સાહિત્યસભાના ઘણા સભાસદોને રુચ્યું નહોતું અને એ ભેદને માટે તેઓ અફસોસ કરતા હતા. આ અરસામાં, તંત્ર હાથમાં રાખવા કરતાં સેવા કરવાની વૃત્તિ હોય તો તેની અનેક પ્રણાલિકા છે એવી મિત્રભાવે મેં સૂચના કરી હતી. સાહિત્ય પરિષદ સિવાય અનેક પરિષદો અમદાવાદમાં ભરવાનું ભાગ્ય સાહિત્યસભાને મેળવતાં આવડે તો છે. કેળવણીપરિષદ, કલાપ્રદર્શન આદિની સવિસ્તર યોજના પણ રોશન કરી હતી. ભવ્ય પાયા પર કરવા વખત અને દ્રવ્યની તંગી હોય તો જુદી રીતે પણ થઈ શકે એવું છે. અમદાવાદ જેવા પાટનગરમાં અનેક જાતના વિદ્વાનો નિવાસ કરે છે. સભાનાં કોઈ ક્રમિક કે નૈમિત્તિક અધિવેશનમાં તેમની વિદ્વત્તાનો ચર્ચાથી લાભ લઈ શકાય—જેવો એક વેળા ‘કાવ્ય એટલે શું?’ની ચર્ચાથી લેવાયો હતો. મૅટ્રિક્યુલેશનમાં ગુજરાતી ભાષાનો પ્રશ્નપત્ર અઘરો હોવાની ફરિયાદ મુંબઈ યુનિવર્સિટી આગળ લઈ જનાર સભા પછી કેળવણીના હિત માટે—કેળવણી અપાતાં ઉપયોજાતાં સાહિત્યની સ્થિતિનાં સંસ્કરણ માટે કાંઈ કરી શકી નથી. સાહિત્ય પરિષદનો પ્રભાવ દેશ પર પથરાવાથી રાજકોટ, સુરત અને ભરૂચમાં સાહિત્યસભાની સ્થાપના થઈ હતી. સુરતમાં એક વાર ગોવર્ધનરામજયંતી ઊજવાઈ હતી. ભરૂચમાં રા. બ.(પછીથી સર) રમણભાઈ અને રા. રા. નરસિંહરાવ આદિનાં વ્યાખ્યાન થતાં હતાં. રાજકોટમાં પણ થોડાંક ભાષણો થયાં હતાં, પણ બંગાળના ભિન્ન ભિન્ન નગરની સાહિત્ય પરિષદો(=આપણી સાહિત્યસભા)ની પ્રવૃત્તિ આગળ આપણે શરમાવાનું જ રહ્યું છે. અમદાવાદ સિવાયની સાહિત્યસભાઓ જીવે છે કે મરે છે તે પણ વર્તમાનપત્રો જણાવતાં નથી. આ સભાઓને આડકતરી રીતે પોષણ આપે એવી વ્યાખ્યાનમાળા પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ત્રીજી સાહિત્ય પરિષદ વેળા યોજી હતી પણ તેયે સિદ્ધ નથી થઈ. આ સર્વે ખેદજનક પરિણામ શાથી? વિદ્વતા, ભાષાપ્રેમ, દેશહિત, આરોગ્ય અને નિરાંત હોય તો જ આ સર્વે સંસ્થાઓ નભી શકે. પણ એકલા આના અલ્પાધિક અભાવ ઉપરાંત નીતિનો રોગ નહિ હોય ને? માથે લીધેલું કામ કરવાની પ્રામાણિક ધર્મબુદ્ધિ સતેજ નહીં હોય? ઘણી સંસ્થાઓ વિદ્યાર્થીદશાના ઉત્સાહમાં જન્મે છે અને શક્તિ ન્યૂન હોય તો પણ ઉત્સાહથી અને વિદ્યાર્થીઓના સંઘભાવથી ચાલે છે. વિદ્યાર્થી કુટુંબપોષણનાં સાધન મેળવવામાં પડે છે એટલે વિદ્યાનું વાતાવરણ ઓછું થવા માંડે છે, નિરાંત ઘટી જાય છે અને વ્યવસાયો વધે છે. સાથે સાથે ભાવના પણ ઊંચી થાય છે એટલે ઉત્સાહની રુચિ ભાવનાને ઉત્કૃષ્ટ નથી લાગતી. વિદ્યાલયોમાં લાગેલો સાહિત્યનો ઢોળ જિંદગીના તડકાથી ઊડી જાય છે. ઘણી વેળા જિંદગીમાં પડ્યા પછી અનુભવો સાહિત્ય કરતાં બીજા જનહિત કે દેશહિતના પ્રશ્નોને મહત્ત્વ આપે છે. જેમને રુચિ, શક્તિ અને સંજોગ હોય છે તે પોતાનો એવો વાડો બાંધી બેસે છે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ હિતાવહ અને આવશ્યક હોય છતાં પોતાને માટે ત્યાજ્ય બલ્કે હાનિકારક લેખે છે. સાહિત્ય એ આચાર કરતાં વિચાર અને ભાવનાને આવિર્ભાવ પામવાનું સાધન હોવાથી જેમને આચારમાં ફળ નિહાળવાની સ્પૃહા હોય છે—‘વાતો’ કરતાં પરિણામ માટે જ તીવ્ર આગ્રહ હોય છે તેમને સાહિત્ય નિરુપયોગી લાગે છે. સંસ્થાઓના તંત્રવાહકો પણ મંદતાને માટે દોષાસ્પદ હોય છે. સત્તા હાથમાં આવ્યા પછી તેને મીણો ચડે છે અને સેવાધર્મ ભૂલી જવાય છે. ઉત્સાહ અને શક્તિની ભરતી કરવાનું આટોપી લેવામાં આવે છે. જિંદગીની દરેક ઉમ્મર સાથે સમભાવી સખ્ય રાખવું વિરલ હોવાથી વિદ્યાલયો સાથેનો નિકટ સંબંધ પણ તૂટી જાય છે અને સંસ્થાના જીવનમાં આવતો રસ સૂકાઈ જાય છે. આથી ઘણી વાર વિદ્યાર્થીઓ જૂની સંસ્થાના અંગભૂત થવા કરતાં નવી સંસ્થા સ્થાપે છે. વળી દેશમાં જ્યાં ઉત્સાહ અને શક્તિ નજરે પડે કે તરત જ તેમની સાથે મિત્રતા બાંધી સંસ્થાના પોષણવિકાસમાં તેમનો ઉપયોગ કરવાનું દરેકથી બની પણ નથી શકતું. ધાર્મિક અથવા રાજદ્વારી હિલચાલો જેવું મંથન કરે છે તેવું સાહિત્ય કરી ન શકતું હોવાથી સાહિત્યસેવકો – જેમને મિત્રો અને ભાવિકો ‘સાક્ષર’ કહે છે – ઉપરાંત અન્ય વિદ્વાનોને આ પ્રદેશમાં આણી શકાતા નથી. રાજકોટમાં પ્રો. ઠાકોરે ત્રીજી સાહિત્ય પરિષદ – વેળા(૧૯૦૯) સાહિત્યસેવકો અને વ્યવહારકુશળ વિદ્વાન નાગરિકો વચ્ચે એખલાસ વધારી સાહિત્યસેવાની વૃદ્ધિ અર્થે જબરો અને સફળ દેખાતો પ્રયત્ન કર્યો હતો. પણ અફસોસ છે કે વડોદરાની પરિષદ(૧૯૧૨) વખતે રાજકોટનાં ઉત્સાહ અને એખલાસ ગેરહાજર રહ્યાં હતાં. વડોદરાનાં ઉત્સાહ અને એખલાસનું પણ એ જ ભાવિ છે. ઉક્ત સંસ્થાઓના નિર્વાહ માટે દેશમાં દેશી પ્રોફેસરોની સારી સંખ્યા હોય અને વિદ્વાન વકીલદાક્તરોની ધર્મબુદ્ધિ દેશાનુરાગી અને સાહિત્યવિલાસી હોય તો કોઈ પણ પ્રકારની ઊણપ ન રહે. સાહિત્યસભાઓની આવી સ્થિતિ છે ત્યારે સાહિત્ય પરિષદનું ભાવિ કેવું થશે?—આ એના હિતેચ્છુઓને મૂંઝવતો પ્રશ્ન છે. નર્યા સાહિત્ય માટે ઉત્સાહ હંમેશ રહેવો કઠણ છે તેથી તેમ જ દેશજીવનના વિવિધ પ્રશ્નોની મીમાંસા ભાષા મારફત કરાવવી હિતાવહ હોવાથી સાહિત્ય પરિષદની કાર્યદિશા મુંબઈ અને રાજકોટમાં વિશાળ અને સર્વવ્યાપી રાખવામાં આવી હતી. આ હેતુ ન સમજાવાથી ‘ગુજરાતી’ પત્રે તેનું ખંડન કર્યું હતું અને વડોદરા પરિષદે પણ ખંડનથી ગભરાઈ હેતુ સંકુચિત કરી સંકોચમાં સમાયેલો ભય પ્રત્યક્ષ કરાવ્યો. ઘણાં ઘણાં અભિલાષોનાં રોજા, છત્રી કે પાળીયા જોતાં નિરાશા નથી થતી. મૃત્યુ કરતાં જન્મ દુનિયામાં વધારે થાય છે. સાહિત્યસભાઓ પરથી નજર વાળી દેશના પગથાર પર પાથરું છું તો મારું હૃદય અનેક નાનીમોટી હિલચાલોનાં દર્શનથી ઉલ્લાસ પામે છે. ગુજરાતના ગ્રેજ્યુએટ સાક્ષરો જે કેટલુંક નથી કરી શકતા તે ઈતર લેખકો કર્યે જાય છે. અલબત્ત ઊંચી વિદ્વત્તાની અને રસિકતાની ખોટ છે તે તો રહે છે જ. પણ પ્રવૃત્તિનો રથ આગળ ચાલ્યો જાય છે – રબરની વાટ નહીં મળે તો લાકડાની વાટથી પણ. જૈન કોમ જાગૃત થઈ છે. પોતાના ઉદ્ધાર અર્થે તેઓ નિશાળો સ્થાપે છે, વર્તમાનપત્રો ચલાવે છે અને ગ્રંથસંગ્રહો કરી વિદ્યાનું લહાણું કરે છે. નામદાર ગાયકવાડ સરકારે કેળવણીનો ફેલાવો કરવાની સાથે ગ્રંથસંગ્રહની વૃદ્ધિ કરવા માંડી છે અને શિક્ષણથી લાગેલી ભૂખને પણ મટાડવા આહાર ઘેર ઘેર પહોંચાડવા માંડ્યો છે. સ્વામી અખંડાનંદ ઉદ્દેશપૂર્વક સસ્તી ગ્રંથસમૃદ્ધિ વધારે છે તો ગ્રંથ વેચવાનો ધંધો કરનારા અને છાપખાનાની વૃદ્ધિ થવાથી પણ પુસ્તકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. અલબત્ત સારું થોડું લખાતું હશે, હાનિકારક ઘણું લખાતું હશે અને શાણાઓ જે કરતાં ડરતા હશે તે મૂર્ખાઓ ઝપાટામાં કરી નાંખતા હશે. શિક્ષણના પ્રસાર સાથે વાંચનની વાંછના વધતી જવાની તેને તૃપ્ત કરવાના ઉદ્દેશપૂર્વક પ્રયત્ન ન થાય તો હાનિ છે. વહેમ છે કે તરસ લાગી હોય તો પાણી પીધા વિના સૂઈ ન જવું કારણ કે તરસ્યું મન પછી ગમે ત્યાં પાણી પીવા જાય છે અને ઢેડના ઘરમાં માટલું ઉઘાડું દેખે તો ત્યાંથી પી આવી વટલાય છે. ઊંચી વાચનસામગ્રી ન પૂરી પાડવામાં આવી તો ગમે તેનાથી ચલાવી લેવાશે. શિક્ષણના પ્રસાર અને ગ્રંથસંગ્રહોની વૃદ્ધિથી સારા ગ્રંથો લખવાનું કર્તવ્ય આપણા વિદ્વાનોને ભાગ્યે પ્રાપ્ત થયું છે. મુંબઈ યુનિવર્સિટીના સભામંડપમાં રા. રા. કેશવલાલે (બીજી સાહિત્ય પરિષદમાં; ૧૯૦૭) સિંહનાદથી તેમની કર્તવ્યપરાયણતા પ્રદીપ્ત અને અખંડપ્રકાશિત કરવા કરેલી ઘોષણાનો [2] પડઘો પણ હજુ નથી પડ્યો તે વસ્તુસ્થિતિની વાકેફગારીથી મારા દેશબન્ધુઓને ઉત્સાહિત કરશે એવી આશા અને આસ્થા છે. નવું ગુજરાત ઘડવાની મહેચ્છા દેશમાં ફોરી રહી છે. સાહિત્યસભા અને સાહિત્ય પરિષદનો જન્મ એ મહેચ્છામાંથી થયો હતો માટે જ લોકાદર મેળવી શક્યો છે. આ વર્ષે જ ભાવનગરમાં મળેલી વિદ્યાર્થી પરિષદ પણ એમની જ સહોદર છે. મુંબઈમાં કૉલેજના ગુજરાતી વિદ્યાર્થીઓનું મંડળ છે. તે ‘ધી યુનિયન’ના લઘુ શરમાળ અભિધાનથી વ્યવહાર ચલાવતું હતું. મંડળના સભાસદોમાં ઘણા આશાસ્પદ લેખકો છે એટલું જ નહીં પણ ભાષકો અને વાદકારકો છે. મુંબઈની વિવિધ લોકસેવાની હિલચાલોમાં આ સભાસદો ઉમંગ, શક્તિ અને ધર્મબુદ્ધિથી સામેલ થાય છે. મુંબઈની કૉલેજોમાં પ્રતિવર્ષે નિમાતા ગુજરાતી. ‘ફેલો’ ખસુસ કરીને અને ઈતર વિદ્યાસંપન્ન ગ્રેજ્યુએટોને પોતાના મંડળ પ્રત્યે આકર્ષવાની ખંત એના તંત્રવાહકોને છે. એ મંડળમાં થતી ચર્ચા રસભરી અને સ્નેહભરી હોય છે. ચાલુ વર્ષમાં એ સભા ઉંમરે આવી હોય – એનો બ્રહ્મજન્મ થયો હોય એવું લાગે છે. એણે પોતાનો અભિધાન-સંસ્કાર નવેસર કર્યો છે અને ‘ગુર્જરસભા’નું [3] ગૌરવાન્વિત નામ લીધું છે. મુંબઈ શહેરમાં અને મુંબઈની કૉલેજોમાં ગુજરાતીઓની સભાઓ અતીત કાળમાં જન્મી ઉત્સાહી આશ્રયદાતાઓનાં નિષ્ક્રમણને(emigration – ‘એમિગ્રેશન’ને) લીધે સુષુપ્તિમાં પડેલી છે, છતાં અમે આ નવી સભાનાં ઉત્સાહભર્યાં મીઠડાં લઈએ છીએ. એના તંત્રવાહકો પણ હજુ કમાણીના આંગણામાં ઊભા છે – અનુભવથી પીઢ થયેલા કે નિર્વાહજોગું કમાઈ નિશ્ચિંત થયેલા નથી. તોપણ મુંબઈની વિવિધ પ્રવૃત્તિમાં તેમનો સહકાર હોવાથી અમને ગુર્જરસભાનું ભવિષ્ય ઊજમાળું લાગે છે. ગુજરાતમાં સારા ગુજરાતી ભાષકો નથી એ નાનીસૂની હીણપત નથી. વાણીમાં પ્રવાહ, માધુર્ય, આકર્ષણ, તર્કસંકલિત વિચાર કે હૃદયસ્પર્શી ભાવનાનો સંભાર ન હોય ત્યાં લગી ભાષણ નિરુપયોગી છે. પંડિત લાલને ઘણાં વર્ષો પર ‘સદ્વક્તા’ નામનું પુસ્તક લખી વક્તૃત્વકળા કેળવવા પોતાના હમશરીખોનું લક્ષ ખેંચ્યું હતું. આ વર્ષે ડો. શુકલે ‘વક્તા’ નામનું પુસ્તક છપાવી એ પ્રકારની કંગાલીયત દૂર કરવાનો શુભ પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાં મીઠાશની વાણી માટે રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ અને રા. રા. નંદનાથ કેદારનાથ દીક્ષિત પ્રખ્યાત છે. લાગણીભરી વાણી માટે નામદાર પ્રભાશંકર પટ્ટણી અને પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ છે. દી. બ. અંબાલાલની વાણીનો રણકો ઓર જ છે. સાંભળ્યું છે કે રા. રા. રાજારામ રામકૃષ્ણ ભટ્ટ યાને રસાત્માના જેવી વાણીની મીઠાશ અને મૃદુતા ભાગ્યે જ કોઈ ગુજરાતીની વાણીમાં હશે. ગુર્જરસભાના કેટલાક સભ્યોની વાણી ભિન્ન ભિન્ન ગુણોથી અલંકૃત હોવાથી ભવિષ્યમાં કાંઈક અંશે સારા ગુજરાતી ભાષકોને સાંભળવાના પ્રસંગો પ્રાપ્ત થશે. મરાઠી ભાષામાં જેટલી છૂટથી, જેટલા પ્રભાવથી અને જેટલા ઓજસથી સ્ત્રીપુરુષો ભાષણ કરી શકે છે તેવું આપણે ત્યાં થતું નથી. વર્ષમાં નિરંતર ભાષણ કરવાના પ્રસંગો આપણા વિદ્વાનો જવલ્લે જ શોધે છે. પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પોતાની નોકરીને અંગે પડતી રજાઓમાં જ્યાં જતા ત્યાં ખાસ કરીને ભાષણ કરવાનો પ્રસંગ મેળવતા. ઘણી વાર એકનો એક વિષય ભિન્ન ભિન્ન સ્થળે સ્થળકાળની સ્થિતિ અનુસાર થોડાક ફેરફાર સાથે ભાષણો દ્વારા ચર્ચે છે. રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ અને રા. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાને પણ સ્થળે સ્થળે ભાષણ કરવાની ટેવ છે. ગુજરાતને આ કળાની હવે ખાસ જરૂર છે માટે વિદ્વાનોએ તે સંપાદન કરવી જોઈશે. એક બીજી દિશામાં – ભાષણને લગતી દિશામાં સ્તુત્ય ઉપક્રમ શરૂ થયો છે. દક્ષિણી હરદાસોનાં જેવાં કીર્તન વિદ્વાનોએ કરવાની શરૂઆત પ્રાર્થના સમાજે કરી. રા. બ. રમણભાઈ અને રા. રા. નરસિંહરાવનાં કીર્તનો અમદાવાદ, મુંબઈ, સુરત જેવાં સ્થળોએ પ્રશંસા અને આદર પામ્યાં છે. રા. રા. અનંતરાય ત્રિકમરાય [4] વૈષ્ણવે જુદી જ ઢબથી રસિક કીર્તનોની પ્રથા શરૂ કરી છે. એમના અનુયાયીઓ ગામે ગામ થતા જાય છે. અને એમની શક્તિ તથા પ્રસાદની ન્યૂનતા છતાં તેઓ કીર્તનો કર્યે જાય છે. દેશી(ગુજરાતી) હરદાસો જ્યાં જ્યાં. ઊભા થયા છે ત્યાં ત્યાં થોડે ઘણે અંશે રા. રા. અનંતરાયજીની છાયા એમનામાં આવતી જાય છે. હમણાં હમણાં લલિત, રા. મૂળજી દુર્લભજી વેદ વગેરેએ કીર્તન કરવાં શરૂ કર્યા છે. અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, મુંબઈ, ભાવનગર, રાજકોટ, ગોંડલ વગેરે શહેરોમાં લલિતનાં કીર્તનોએ લોકોને- મોહિની લગાડી છે. એમનો કંઠ મીઠો છે, લાગણીઓ સાદી અને અનુભવગમ્ય હોય છે, ભાષા સહેલી અને કાંઈક વધારે પડતી લાડકી હોય છે, તેમ જ હૃદયની મૃદુતા, પ્રશ્રય(= વિનય) અને સૂરની લહેંકી લોકહૃદયનું આકર્ષણ કરી શકતાં હોવાથી એમનાં કીર્તન લોકપ્રિય થયાં છે. મિત્રભાવે કહેવું જોઈએ કે વિચાર અને વિમર્શક ગંભીર અને વિશાળ જોઈએ એવાં નથી. પ્રાકૃત વર્ગને જેટલાં એ કીર્તનો હૃદયસ્પર્શી થાય છે તેટલાં સંસ્કૃત વર્ગને નથી થતાં, કલાની પણ ખામી હોય છે, આખું કીર્તન સુઘટિત નથી હોતું. પ્રસંગો( anecdotes) અને સદ્બોધનો ભંડાર પણ લખલૂટ નથી. વિશાળ વાંચનથી અને વધતા જતા અનુભવોથી આ ન્યૂનતાઓ દૂર થશે એવી આશા છે. મુંબઈમાં રા. રા. મૂળજી દુર્લભજી વેદે પોતાના પત્નીસહ તહેવારના દિવસોએ કીર્તન કરવા માંડ્યાં છે. શ્રેય:સાધક અધિકારી વર્ગના વાર્ષિક અને પ્રાસંગિક સાધનસમારંભોમાં પણ નવા પ્રકારનાં કીર્તનો થાય છે. આવાં કીર્તનો અને નગરસંકીર્તનની આ જમાનામાં ખાસ જરૂર છે. રસિક અને સચોટ રીતે જીવનના નાનાવિધના પ્રશ્નો જનસમૂહને ગમ્ય કરી શકાય છે અને અસર વિસ્તૃત ને સ્થાયી થાય છે. નવી ઢબ, નવા વિચાર, નવી ભાવનાનો ફેલાવો કરવા આનાથી સમર્થ સાધન બીજું એકે નથી. જૂની ભજનમંડળીઓ પર આમનો પ્રભાવ અંકાશે અને પ્રાચીનકાળમાં આપણા દેશના ઘરેઘરમાં સંસારની નશ્વરતા અને ઈશ્વરની શાશ્વતતાનો અનુભવ જેના વડે પ્રસર્યો તેના જ વડે સંસારયાત્રામાં બજાવવાનાં કર્તવ્યો અને ધર્મોના સ્વરૂપનું પીછાન કરાવી શકાશે. આથી કવિતાના સહોદર સંગીતની સ્થિતિ ઊંચી થશે. વિશ્વાવસુ, તુંબરુ અને નારદ ગુજરાતીની ભૂમિમાં આવી વસવા લલચાશે. ભજનમંડળી, ગરબી, ગરબા, રાસડા, મુજરા, નાચ, કલગીતોરાની મેહફિલ વગેરેના તિરોભાવ થવાથી નિઃસત્ત્વ થયેલું, નાટકશાળા અને ગાયન-કલબોનાં ગાયનોથી જેવું તેવું પોષણ મેળવતું સંગીત હૃષ્ટપુષ્ટ થશે. આ હેતુની સિદ્ધિ અર્થે કવિ અને ગાયકનો નિકટ સંબંધ થવો જોઈએ. કવિ અને ગાયક બંને એક જ વ્યક્તિ થઈ શકે તો પછી પૂછવું જ શું? વડોદરા પરિષદમાં લલિતે પોતાનાં કાવ્યો ગાઈ સભા રંજન નહોતી કરી? પરિષદના ભાવિ અધિવેશન પ્રસંગે કવિઓને કવિતા ગાવાનો અથવા પઠન કરવાનો સંજોગ ગોતાય તો ગુજરાતની કોઈ નવીન સમૃદ્ધિનો બહાર ચકિત કર્યા વિના નહીં રહે. કવિની કૃતિ કવિતા કંઠથી સાંભળવાથી અસર પણ અવનવી જ થવાની અને એ કૃતિ પ્રત્યે આદરભાવનું કુંડાળું મોટું ને મોટું થતું જવાનું. ગુજરાતને ગૌરવ આપે એવું સંગીત ઉત્પન્ન થવા પ્રચલિત સંગીતનો સાર્વજનિક પ્રચાર થવો જોઈએ. પુણામાં ગાયનસમાજ અને ગાંધર્વમહાવિદ્યાલય વગેરે સંગીતશાળાઓ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણની પાઠશાળાઓ પર્યંત સંગીતશિક્ષણ આપે છે એવું ગુજરાતના શહેરેશહેરમાં થાય ત્યાર વિના સિદ્ધિ નથી. રાજદરબારોમાં સંગીતનો શોખ વધે અને પ્રજામાં ફેલાય એવી સ્થિતિ પણ ઇષ્ટ છે. ભાવનગરના હાલના નરેશને [5] સંગીતનો શોખ છે. એમણે રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ અને રા. રા. ડાહ્યાલાલ શિવલાલની મદદથી સંગીતમાં ઘણા પ્રસંગો ઉતારી R. B. T. ના નામથી પ્રગટ કર્યા છે. રોમના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ અને મેકોલેની કવિતાથી ઇંગ્લિશ વાચકોને અતિ પરિચિત હોરેશીઅસના પરાક્રમના તથા ગ્રીકમહાભારત ઇલીયડના જુદા જુદા પ્રસંગો વિશે ગાયનો આ ત્રિપુટીથી રચાયાં જાય છે અને પ્રગટ થાય છે. સંગીતને હાલમાં રંગભૂમિ પર પોષણ મળવાનો સારો યોગ છે. પાલીતાણા અને ધ્રાંગધ્રાના મરહુમ રાજાઓને નાટકોનો શોખ હતો અને રાજમહેલમાં નાટકશાળાઓ રાખી તેઓ નાટક કરાવતા હતા. પાલીતાણાના ઠાકોર માનસિંહ ભૈરવભક્ત હોઈ એમણે પોતાના ઇષ્ટદેવનાં સ્તવનો ભિન્ન ભિન્ન રાગોમાં લખ્યાં છે. આ ઉપરાંત બીજા રજવાડામાં પણ સંગીતનું લાલનપાલન થતું હશે. પણ રૈયતમાં એનો શોખ ઊતરવો જોઈએ તેવો ઊતર્યો નથી તેમ રજવાડાં ગુજરાતી કે પરદેશી (= ઉત્તરહિંદી) ઉસ્તાદોથી વિભૂષિત થયાં નથી. રાસડા લેવાનો જેવો શોખ પૂર્વે હતો તેવો હવે રહ્યો નથી. આથી રૈયતમાં પણ એ વિનોદ મોળો પડતો જાય છે. વારતહેવારે કે પ્રસંગોપાત્ત સ્ત્રીઓને ગાવાની ઊર્મિ ઊઠતી તે પણ કેળવણીના પ્રસારણથી હવે ઊઠતી નથી. વડોદરાના કલાભવને જેવો રંગાટનો હુન્નર દેશમાં ખીલવ્યો તેવી રીતે ત્યાંની મૌલાબક્ષવાળી સંગીતશાળા ગુજરાતીઓમાં સંગીત ફેલાવી શકી નથી એ શોચનીય છે. ભાવનગરની અંગ્રેજી નિશાળમાં સંગીતશિક્ષણની વ્યવસ્થા થઈ છે એ આદરણીય અને સ્તુત્ય છે. સંગીતના પ્રસારની સાથે તેના ઉદ્ધારનો પ્રશ્ન પણ મહત્ત્વનો છે. દેશીસંગીત જેવા જેવા રૂપમાં મળી આવે તે લેખનપદ્ધતિથી, ‘ગ્રામોફોન’થી અથવા નવી કવિતા તે પ્રમાણે કરાવું જોઈએ. કાઠિયાવાડમાં આવી વિપુલસમૃદ્ધિ છે. એનો ખ્યાલ તેમ જ પરિચય આપણા ઘણા સાક્ષરોને નથી. કવિ નાનાલાલના ‘નાના નાના રાસ’ માંનાં ઘણાં ગીતોના રાહ કાઠિયાવાડી હોવાથી ગુજરાતીઓને અજાણ્યા લાગ્યા છે. સંગ્રહ ઉપરાંત હલકા વર્ણોમાંથી એ સંગીતનો ઊંચા અને સંસ્કારી વર્ણોમાં પ્રવેશ થવો જોઈએ. રંગભૂમિ પર લક્ષ આપવામાં આવે તો સંગીતનો ઉદ્ધાર અને પ્રસાર સુદ્ધાં થઈ શકે. સંગીત માટે શોખ લોકોમાં નથી એવું નથી. નાટકોનાં ગાયનોની રસમય ચૂંટણી અવારનવાર થયાં જાય છે. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીયાએ ‘સંગીતમંજરી’ નો સંસ્કારી સંગ્રહ પ્રગટ કર્યો તે પૂર્વે અને તે પછી પણ એવા સંગ્રહો થયા જાય છે અને સારી પેઠે ખપે છે. આ વર્ષે અમદાવાદના ‘બુકસેલર’ રા. રા. જેસીંગભાઈ મોતીલાલ શાહે ‘ગુલાબનાં ફૂલ’ ‘કંચનના કટકા’ ‘સો ટચનું સોનું’ વગેરે વગેરે મનોહર નામથી એવા સંગ્રહ પ્રગટ કર્યા છે. રા. રા. દામોદર જગજીવન નામના ગાયનમાસ્તરે ગાયન સંગ્રહથી ગાવાબજાવવાની કુનેહ લોકોને મેળવવા સગવડ કરી આપી છે.

[અપૂર્ણ]



  1. ગુજરાત કૉલેજ ખાનગી મટી સરકારી બનતાં, થોડાં વર્ષ તંત્રી તરીકે નામ સ્વ.. આનંદશંકરને બદલે સ્વ. રમણભાઈનું આવતું તેનો ઉલ્લેખ.
  2. આને માટે જોવાં, ‘પરિષદ–પ્રમુખનાં ભાષણો’માંના બીજા વ્યાખ્યાનનાં ‘પૂર્વનું ઉત્તેજક અને પશ્ચિમનું પોષક સાહિત્ય’ તથા ‘આપણી શારદાપીઠના પદવીધારી નરો.’
  3. ૧૯૧૩થી માંડી પાંચસાત વર્ષ લગી એ સંસ્થાના મુખ્ય કાર્યકરોમાં સ્વ. રણજિતરામ ઉપરાંત સ્વ. ચન્દ્રશંકર ન. પંડયા, સ્વ. કનૈયાલાલ મા. મુનશી, સ્વ. ઈન્દુલાલ ક. યાજ્ઞિક- આદિ હતા.
  4. અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવ એ સમયના ગુજરાતી કીર્તનકેસરી હતા. ભગવદ્ભક્ત એવા કે નરસિંહ મહેતાનો અવતાર કહેવાતા. રાધનપુર રાજ્યના દીવાન; પછીથી કીર્તન એ મુખ્ય પ્રવૃત્તિ. ‘રાણકદેવી’ નામે નવલ તથા ગીતા ને ઉપનિષદ્ પર લખ્યું છે. સ્વ. સર લલ્લુભાઈ શામળદાસને ત્યાં રહેતા. તેમનાં કવિ-પુત્રી સ્વ. સૌ સુમતિબહેનના જીવન તથા લેખન પર અનંતપ્રસાદજીની ઊંડી અસર છે. પોતે ધર્મવિષયોનું માસિક ‘આનંદ’ પણ સરસ ચલાવતા.
  5. એટલે સ્વ. સર ભાવસિંહજીને. આગળ જતાં આ કંડિકામાં જ અંગ્રેજી પ્રથમાક્ષરો છે તે એમના જ, કેમકે R. B. T. = Raval Bhavsinhji Takhtsinhji.