રણજિતરામ ગદ્યસંચય – ૨/‘ગોપકાવ્યો’

‘ગોપકાવ્યો’

આપણા ગુજરાતના ઉદયની ઉષા ઝળઝળવા માંડી છે. નવું ચેતન, નવો તનમનાટ, નવો ઉત્સાહ, નવો આગ્રહ સ્થળે સ્થળે પ્રવર્તતાં જાય છે. વ્યક્તિઓ અને વ્યક્તિઓના સમૂહ પોતપોતાની ઉન્નતિ સાધવા અને એ રીતે દેશની અને દેશનિવાસી લોકોની ઉન્નતિ સાધવા નાના પ્રકારના પ્રયત્નો કરે છે. આવા પ્રયત્નોના પ્રેરક તથા ફલરૂપે વિવિધ કોટિના આદર્શ આપણા દેશના વાતાવરણમાં તરવરી રહ્યા છે. વ્યક્તિની ઉન્નતિ વ્યક્તિ માટે જ નથી, તરેહ તરેહના સંબંધવાળા વ્યક્તિઓના સમૂહ માટે જ નથી, પણ દેશ સમગ્રની ઉન્નતિ અર્થે જ છે. તેમ ‘દેશ’ સંજ્ઞા સાર્થક કરતી પ્રત્યેક વ્યક્તિની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ પણ નથી. આ યુગના બે મોટા મંત્ર છે; દેશભક્તિ અને લોકાધિપત્ય. જે દેશમાં જન્મ થયો હોય તેની સંસ્કૃતિ ખીલવવા, તેની સુખસમૃદ્ધિ વધારવા પ્રેરનાર બળ તે દેશભક્તિ. જેમનાથી દેશ અસ્તિત્વમાં આવે છે તે પ્રત્યેક વ્યક્તિ આ બળથી પ્રજ્વલિત હોય, અને દેશની સાચેસાચી ઉન્નતિ આણવા એ બળ વાપરવું હોય, તો પ્રયત્ન માત્રની પ્રેરણા હૃદયે હૃદયે જન્મવી જોઈએ, અને તેનો નિર્વાહ સર્વેએ એકલાં અને સાથે મળી કરવો જોઈએ. પોતાનું અને સર્વનું ભાગ્ય ઘડવાનું આમ પોતાના તેમ જ સર્વમાં સમાયેલા પોતાના હાથમાં આવવું એ લોકાધિપત્ય. ભાગ્ય ઘડવાની સત્તા સર્વના હાથમાં છે. જન્મ, લક્ષ્મી, સંસ્કારિતા કે પદવીથી મળેલી શક્તિના જ હાથમાં નથી. એ શક્તિ મેળવવાનો, પોતાની અને પોતાના દેશની ઉન્નતિ સાધવા એ શક્તિનો ઉપયોગ કરવાનો સર્વ દેશજનને આ જન્મપ્રાપ્ત હક છે, હક છે એટલું જ નહિ પણ ધર્મ પણ છે. ધર્મ અને હક હોવાથી સત્તા એકદમ પ્રત્યેકના હાથમાં આવી જતી નથી. એને પ્રયાસથી, આહુતિથી, યોગ્યતાથી મેળવવી પડે છે. ધર્મ અને હકનું વાસ્તવિક ભાન થવા, તેમના પરિપાલન માટે પ્રયાસ કરવાની વૃત્તિ થવા, એ પ્રયાસોને આગ્રહથી પાર ઉતારવા, જરૂર પડે પોતાની વાસનાઓની આહુતિ આપવા, – અને આ સર્વમાં(ઓતપ્રોત) અમાનુષી સત્તા મેળવવા જ્ઞાનસંપન્ન થવું ઘટે છે. શિક્ષણ વિના જ્ઞાનની પ્રાપ્તિ નથી. શિક્ષણ મેળવવાની અનુકૂળતા જેમ જેમ અને જેટલી જેટલી વધતી જાય તેમ તેમ ઉન્નતિનાં પગલાં વહેલાં ઊપડવાનાં. આપણી હાલની પરિસ્થિતિમાં એ અનુકૂળતા ભિન્ન ભિન્ન માર્ગે મેળવી શકાય છે. દીર્ઘદર્શી, ઉદાર, ઉન્નતિપ્રિય અંગ્રેજ સરકારે દેશમાં ઠેર ઠેર શિક્ષણમંદિરો સ્થાપી એક માર્ગ અનુકૂળ કરી આપ્યો છે. જેઓ આ અનુકૂળતાનો લાભ લેવા નાનાવિધની અડચણોથી અસમર્થ હોય તેમને યોગ્ય મદદ આપી સમર્થ કરવા નિર્દિષ્ટ પ્રયાસોમાંના કેટલાક મથે છે. શિક્ષણ લીધેલા અથવા લેતાં જનોનો, એ વિષય પરત્વે અને જે લક્ષ્યનું સાધન શિક્ષણ છે તે પરત્વે, રસ ઉત્તેજિત રાખવા, તેનો પ્રવાહ વિપુલ ફળદ્રૂપ કરવા વાચનસામગ્રીની લહાણી નિરન્તર કરી શકાય છે. શિક્ષણવિમુખ જનો પણ એ લહાણીનો લાભ લઈ શકે છે. આંખ જે લહાવો માણવા અશક્તિમાન હોય છે તે કાન માણી શકે છે. કવિતા ઉક્ત સામગ્રીનો એક પ્રકાર છે. વાચન અને ગાયનથી તે સર્વત્ર પ્રસરી શકે છે; તેના ભોક્તાઓના હૃદયને સ્પર્શી તેમનું અને તેમના વંશજોનું જીવન સંસ્કારી કરી શકે છે. ગુજરાતના ખેડૂતોની ઉન્નતિ કરવા જે મંડળે સુરતમાં ખેડૂત વિદ્યાર્થીઓ માટે છાત્રનિવાસ સ્થાપ્યો છે તે મંડળ, વિદ્યાર્થીજીવનમાંથી ઉત્તીર્ણ થયેલા અને વિદ્યા પ્રાપ્ત કરવાના ભાગ્યથી હીનજનોમાં પોતાનો આદર્શ વિશેષ પરિચય મેળવે એવા ઉદ્દેશથી ‘પટેલબન્ધુ’ નામનું માસિક પ્રગટ કરે છે. એ પત્ર દ્વારા પ્રગટ થતા આદર્શને અર્કરૂપે અને સંગ્રહિત સ્વરૂપમાં સર્વને સુલભ કરવા ગુજરાતી સાહિત્યની ફૂલવાડીમાંથી કેટલાંક ફૂલો તોડી રા. રા. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા અને રા. રા. ચુનીલાલ રામચંદ્ર શેલતે ગુચ્છ ગૂંથ્યો છે. આ પુષ્પોને મકરંદ, પરિમલ, રંગ, રૂપ આદિથી પ્રકૃતિએ વિભૂષિત કર્યાં છે. છતાં પ્રકૃતિએ અર્પેલી સંપત્તિનો પરિચય કરાવવાનું કાર્ય મને સોંપવામાં આવ્યું છે. જે વર્ગને એ પરિચય કરાવવો છે, તેમનો મને ખાસ અનુભવ નથી. એમના માનસવ્યાપાર, વાતાવરણ આદિથી હું તદ્દન અજ્ઞાત છું, તોપણ ગુજરાતના વતનીઓમાંથી કોઈ પણ સમૂહની ઉદયગામી પ્રવૃત્તિમાં યથાશક્તિ સહાય કરવાનો ગુજરાતી તરીકે મારો મનુષ્યધર્મ હોવાથી મને સોંપાયેલી સેવા સ્વીકારી છે. દેશમાં વ્યાપતા ચેતનની જે રૂપરેખા પ્રારંભમાં આંકી છે તે ચેતનના અંશ રૂપે જે ભાવના આ સંગ્રહમાં વસેલી છે તેની ટૂંકી મીમાંસા કરીશું. ખેડૂતનું જીવન કેવા પ્રકારનું છે? કયાં લક્ષણોથી એ ઉજ્જવલ છે? કાવ્યાંક ૨૯, ૩૯, ૪૦, ૪૪, ૬૦, ૬૨, ૬૭ વગેરે જોવાથી સ્પષ્ટ થશે કે સાદાઈ, ઉદારતા, પરોપકાર, દિલની મોટાઈ, આત્મવિલોપન, સંતોષ, દયા, આત્માવલંબન, આરોગ્ય આદિથી ખેડૂતનું જીવન ‘સ્વર્ગસુન્દર’ છે. એના સ્વર્ગમાં બે દાનવો છે; રાજપુરુષો તરફથી વેઠવી પડતી હાડમારી અને કુદરત તરફથી ખમવા પડતા કેર. આમ આસુરી સંપત્ થી હેરાન હેરાન થવા છતાં તેનું દેવત્વ સહેજ પણ ઝાંખું થતું નથી, પ્રકૃતિમાતા રૌદ્ર રૂપ ધારણ કરી ખેડૂતને પાયમાલ કરે છે તેમ સૌમ્ય રૂપે ન્યાલ પણ કરે છે. રાજપુરુષો રાજભાગ માટે એને કનડે છે, તો એની નાનાવિધની આપત્તિઓના પ્રતીકાર પણ તેઓ જ શોધે છે – એના સુખની યોજનાઓ તેઓ જ ઘડે છે. પ્રકૃતિ રૂઠે છે ત્યારે રાજપુરુષો એની વહારે આવી પ્રકૃતિના કોપની અસર નકામી કરી નાંખે છે. પ્રકૃતિની શક્તિઓને વશ કરી, રાજપુરુષો એવી એવી યોજનાઓ ખેડૂત માટે કરે છે કે પ્રકૃતિના ચંચલ પ્રસાદ પર ખેડૂતની આબાદીને આધાર રાખવો પડતો નથી. આવા સંજોગોમાં પ્રકૃતિના નિરન્તર સહવાસમાં તે પોતાનું જીવન ગાળે છે. પ્રકૃતિ પ્રભુનું મહામંદિર છે. આ મહામંદિરમાં એ જીવન ઉચ્ચ લક્ષણોથી પ્રકાશિત રહે એ સ્વાભાવિક છે. ખેડુજીવનને આ સંગ્રહમાં સાદા જીવનના વિશેષણથી અનુલક્ષિત કરવામાં આવ્યું છે. સાદાઈનું પ્રકીર્તન અન્વય વ્યતિરેકથી કરવામાં આવ્યું છે. ખેડુનો નિવાસ પ્રાયઃ ગામડાંઓમાં હોવાથી એના ગ્રામ્યજીવનને નગરજીવનથી સરસું બતાવવામાં આવ્યું છે.

‘આ નારી નહોતી નગરવાસી ફિક્કી પાણ્ડુ વર્ણની,
મજબૂત શરીરે ગામડાની લોહીભરી મહિલા હતી;
સહવાસ જેનો જીવન અર્પે, જીવન ઉત્સાહે ભરે,
મુખચન્દ્ર જેનો પ્રકટ થઈ, ગ્લાનિતિમિરને સંહરે.
કો નગરગૃહ વિશાલ પણ જ્યાં સૂર્ય વાયુ ન સંચરે,
માનવ તણી જ્યાં કુશલતા, સુક્કી જ દૃષ્ટિએ પડે;
આ સ્થળ કદી પકવાન ખાઓ, ને મશાલા જે તમે,
પણ તે સહુ આ રોટલા ને દૂધ આગળ તુચ્છ છે.’ પૃ. ૨૦.
‘જોયાં બહુ ધનિક શ્હેર મહીં કુટુમ્બોઃ
નિશ્ચિંત એ સુખ વિલાસ અનેક મ્હાણે;
સંતોષ તોય નજરે ન પડ્યો જ તેમાં,
એ આજ સર્વ શીખવ્યું અહીં ડોશીમાએ.’ પૃ. ૪૧
‘શ્હેરો ને શ્હેરી રોગો ને કંતાયેલાં શ્હેરી તન;
ટૂંકાં જીવન, નિર્બળ કલુષિત શિથિલ બિચારાં શ્હેરી મન.
શ્હેરી ગરીબી, શ્હેરી સુસ્તી, વ્યર્થ શ્હેરી તણી જંજાળ;
શ્હેરી પાપો, શ્હેરી જૂઠાણાં, શ્હેર તણા કલહો કંગાળ.’ પૃ. ૪૬.
‘તાજી, સુખદ, ચોખ્ખી હવા શી! મગજ – તન વિકસાવતી,
રે! ભોગવે ખેડૂત તે છે ધન્ય! જીવન સર્વથી.’ પૃ. ૫૨.
જશમા કહે છે ‘રાજા કામ કરી ખાવું ગમે રે,
મુજને બેસી રહેતાં વાધે અંગે રોગ,
મારા નવરા દહાડા બેઠે નવ નીઠે કદી રે.

*

નગરે અંધારી શેરી તે ઊંચી મેડીઓ રે, પૃ. ૫૭.

*

રાજા મેલાં મન માણસનાં મેલાં શ્હેરનાં રે,
મેલી ગલીઓમાં બહુ મારે છે દુર્ગંધ,
મેલા ઝેર તણા જીવો તે જીવે ઝેરમાં રે.’ પૃ. ૫૮.
‘શી સુન્દર ને સુખકર અમારી પર્ણકુટી
થઈ રહે સ્વર્ગ સંસાર, મલિનતા દૂર બધી;—

*

આયુવર્ધક મીઠો વાયુ, સૂર્ય કરે છે સ્વચ્છ પ્રવેશી પર્ણકુટી -

*

શાન્તિ અનુપમ મળતી અહીંયાં, મન રહે છે સંતુષ્ટ રે,
પ્રેમ વસે છે સહુને અન્તર, દેવકૃપાથી પૂર અમારી પર્ણકુટી-
કપટ અને કો દુર્બુદ્ધિનો નહિ અહીંયાં સત્કાર રે
પાપ તણો નહિ પ્રવેશ કિંચિત્ એવી પરમ પવિત્ર અમારી પર્ણકુટી.’ પૃ. ૭૫, ૭૬.
‘શહેર કરતાં તો ઘણું, રમણીય લાગે વંન;
ત્યાં વસવા ઉજમાળ છે, ઓ સખી! મારું મન.
શુદ્ધ ભાવથી વન વસી, જપીએ પ્રભુનો જાપ;
તો ભવબંધન છૂટીએ, કપાય પાપ અમાપ.’
‘થોડેક કોસ દૂર ગામડું એક નાનું,
સૌન્દર્ય રંગ મહીં ઝૂકતું એ મઝાનું;
તે માંહિ છે ધનપતિ પ્રિય કાન્ત મારા,
રાખે કૃપા અમ ગૃહે પ્રભુ દુઃખહારા.
પ્રભાતે ઊઠું છું, સ્તવન કરું છું દાન દઉં છું,
સમારું છું ને હું તુલસી, અતિશે મગ્ન રહું છું;
બપોરે પોઢાડું પતિ મધુર ગીતો વિલસીને,
મીઢો ઢોળું વાયુ, વિરલ વર પામીય છું હું એ.

વિનોદે વિલાસી નિશ પડી અને વાળુ પીરસું,
પડોશીની સાથે મધુર મધુરી ગોઠડી કરું;
સુખે સૂઉં છું એ, મુજ ગૃહ કૃપા છે પ્રભુ તણી,
દુઃખી કાં હો મારું જીવન? નકી છું હું સુખી ઘણી.’ પૃ. ૮૬,૮૭.

સાદા જીવનને પૃથક્કૃત કરી એમાં સમાયેલાં અંશોનું નિરૂપણ કરવા કરતાં આ વિસ્તીર્ણ ઉતારાઓ સંગ્રહકારોની ભાવનાનો અચ્છો ખ્યાલ આપે છે. આ રસિક પદાવલિની છાપ આબેહૂબ પડશે. સંગ્રહકારોએ સાદું જીવન ફક્ત ખેડૂતોને માટે જ ઉપદેશ્યું નથી. એમનો પેગામ મનુષ્ય માત્રને માટે છે. કાવ્યાંક ૧૦, ૧૧, ૧૨, ૪૨, ૫૧, ૫૨, ૫૮, ૬૬, ૬૭, ૬૮, ૬૯ વગેરે વાંચતાં એ પ્રતીત થશે. ત્યાગ, ઔદાસીન્ય, સત્યનિષ્ઠા, વૈભવશૂન્યતા, પારદર્શિતા, સંતોષ, સંસારના ધર્મ પરત્વે વૈરાગ્ય, સંસારની આધિવ્યાધિના ત્રાસમાંથી મોક્ષ, શાંતિ, નિર્લોભત્વ, નિર્દોષતા, મીઠાશ, મનની ઉત્તમતા, જનહિતપરતા, ઉદ્યમશીલતા, નિશ્ચિંતતા, શ્રદ્ધા, હેતાળપણું, શુદ્ધિ, આનંદ, નિષ્કપટતા, નિષ્પાપત્વ, સહનશીલતા, વાંછનાઓની અલ્પતા, આરોગ્ય, બલ, નિયમિતતા, સુખ, નિરાંત, આદર, અનૃણીતા, સ્વતંત્રતા, નીડરતા, ઉદારતા, નીતિ, પરમાર્થ, પુરાણપ્રિયતા, રસ, પુણ્ય, પ્રભુપરાયણતા, આદિ સર્વે સુલક્ષણોનો સાદા જીવનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વે લક્ષણોની શાસ્ત્રીય મીમાંસા કરી સાદા જીવનની ભાવના નીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યાની દૃષ્ટિએ આલેખવા કરતાં કવિત્વમય સ્વરૂપમાં જ એનું આસ્વાદન થવા દઈ, એ ભાવનાના નિરૂપણમાં પ્રવેશ પામેલા કેટલાક દોષોનું દિગ્દર્શન કરાવશું. સ્નેહજ્યોતિ પ્રણીત ‘ખેડૂતની ડોશી’ નામના કાવ્યમાં ખેડૂતને ભણવાની જરૂર નથી એવો ઉપદેશ અપાયો છે:

‘ખેડૂતનું ભણવું ખેતરમાં જ સાચું;
વાંચ્યે લખ્યે નહિ શીખે હળ જોડવાનું;
એ રોટલો જ સુખનો દિવસે કમાઈ,
સાંજે ઘરે કરી નિરાંત ભજે પ્રભુને.’

આ અને એની પૂર્વેની પંક્તિઓ સત્કાર પામે તો દેશને કેવડી મોટી હાનિ થાય તેનો લેખકને લગીર પણ ખ્યાલ નહીં રહ્યો હોય. હાલનું ભણતર અમુક કારણોથી નિષ્ફળ નીવડ્યું હશે, ખેડૂતના દીકરાઓને પોતાના ધંધા માટે નાલાયક બનાવી શક્યું હશે, માટે વિદ્યા આવશ્યક જ નથી એવો ઉપદેશ કરવો એ મોટું પાતક છે. ખેતરમાં હળ ફેરવ્યું અને દાણા વાવવાથી જ ખેડૂતનો જન્મારો સફળ નથી થઈ જતો. ભાભારામની બડાશના દિવસો વહી ગયા છે. જમીન પાસેથી મળે એટલો બધો રસ મેળવવાનો છે. વરસાદ ન પડે અથવા બહુ પડે, જીવાત પડે, હીમ પડે વગેરે આફતોથી પોતાના પાકનું રક્ષણ કરવાનું છે. પોતાના દેશના લોકોને અનાજ પૂરું પાડવા ઉપરાંત દેશના હુન્નર–ઉદ્યોગ માટે જોઈતો ‘કાચો માલ’ સારામાં સારો પકવવાનો છે, દેશના દેશજન તરીકે દેશનાં રાષ્ટ્રીય અને રાજદ્વારી જીવનમાં પોતાનું યોગ્ય સ્થાન જાળવી દેશ અને લોકના હિતના પ્રશ્નોના ઉકેલમાં મદદ કરવાની છે. પોતાનો સંસાર ઉન્નત કરી દેશની સંસ્કારિતા ઝીલવાની છે. બધા કુટુંબીઓને પોષવા ખેતી અસમર્થ હોય તો દેશમાં ધીકતા અનેક ધંધા–રોજગાર અને અમલદારી માટે અથવા પરદેશ જઈ અણખેડાયેલી જમીન મેળવી ખેડવાનું સાહસ વહોરે એવા લાયક બનાવવાના છે, ત્યાં સ્નેહજ્યોતિનો ઉપદેશ કેટલો બધો નિપાતજનક છે? અમારે તો અમારા ખેડૂતો વિદ્યાસંપન્ન જોઈએ છે. પુરાણા કાળનાં હળ રગસીઆપણાથી જમીનમાં ઘસડતા અને બળદનાં પૂંછડાં આમળતા ખેડૂતને વીજળીથી અને વરાળથી અને સૂર્યતાપથી વીઘાંના વીઘાં જમીન ખેડતાં અને પૃથ્વીના ઉદરમાં સમાયેલી સમૃદ્ધિમાત્ર મનુષ્યના ઉપયોગ માટે બહાર આણતાં જોવા અમે તો ઉત્કંઠિત છીએ. અમારા ખેડૂતો પટાવાળા કે સિપાઈથી ડરે એવા નહીં પણ લોકલબૉર્ડ, મ્યુનિસિપાલિટી અને ધારાસભામાં વિરાજી પોતાનો દેશધર્મ બજાવે એવા અમારે જોઈએ છે. પૃથ્વીનો પટ વિશાળ છે. સાહસ, બુદ્ધિ અને મહેનત માટે સર્વને અવકાશ છે. અમારા ખેડૂતો એમના ગામડામાં જ ભરાઈ ન રહેતાં પૃથ્વીપટે પ્રસરે અને ગુજરાતનું દૂધ દીપાવે તો જ એમના સાદા પરોપકારી જીવનની મહત્તા. વિદ્યા અમારો શ્વાસ અને પ્રાણ છે. એ વિના અમારું મૃત્યુ છે. સંતોષ, વૈરાગ્ય, વૈભવશૂન્યતાના લહાવા ઘણાં વર્ષ લીધા. હવે તો લોહીના ટીપે ટીપે અસંતોષ ઊછળવો જોઈએ, ઊંચું સ્થાન લેવાની પ્રબળ આકાંક્ષાથી પળેપળ જિંદગી ઉત્તેજિત થવી જોઈએ. ઉદ્ધાર, પ્રગતિ આ વિના શક્ય નથી. મૃત્યુના મુખમાંથી આપણો મોક્ષ બીજી કોઈ રીતે નથી. નગર ગામ કરતાં ગંદાં વિશેષ હશે. નગરમાં ગામડા જેવી ચોખ્ખી હવા નહીં આવતી હોય પણ નગર અને ગામનો ભેદ ટાળી દે એવાં ઉદ્યાનનગર(garden-city) – વાડીઓવાળાં શહેર નથી હવે રચાતાં? ગામડાંઓમાં અસ્વચ્છતા અને મલીનતા હોવાથી તાવ હજારો માણસોનો દર વર્ષે સંહાર નથી કરતો? પોતાના નિર્વાહ જેટલું ઉત્પન્ન કરી ખેડૂત બેસી રહ્યો હોત તો નગરની ઉત્પત્તિ થાત જ નહીં. જમીનમાં ઉત્પન્ન થયેલા પાકની વ્યવસ્થા કરવા જતાં વેપાર અને ઉદ્યોગ જન્મ્યા અને એમનાં સ્થાન તરીકે નગર થયાં. આ સુખશાંતિના જમાનામાં ખેડૂતનું કુટુંબ વધતું જાય અને વંશપરંપરાની જમીન સર્વનું પોષણ કરવા અસમર્થ નીવડે ત્યારે નગર સિવાય બીજો આશરો છે એને? પ્રજાની મહત્તા જેના વડે છે તે સંસ્કૃતિ નગરમાં જ ખીલે છે, એ સંસ્કૃતિ પરત્વે અભિમાન પ્રત્યેક દેશજનમાં હોવું જોઈએ. વિશ્વની ઘટનામાં જેમ ગામને સ્થાન છે તેમ નગરને પણ છે. ‘ખેડૂતોની મહેનત બીજાથી ના થાય’ — આ શું સાચું છે? ખાણો ખોદનારા, વરાળ અને વીજળીથી ચાલતાં કારખાનાં ચલાવનારા મજૂરો શું ઓછી મહેનત કરતા હશે? ‘કણબી તો નવ કરશે આશ, માગશે નહિ તમારી પાસ.’ ભાભારામનું આ અભિમાન, આ આત્માવલંબન હવે ટકી રહ્યું છે? શાહુકારના હાથમાં વહી જતી જમીન ખેડૂતના કબજામાં રાખવા સરકારને કાયદા ઘડવા પડે છે; શાહુકારનું કરજ કરી પાયમાલ થવા કરતાં કરકસર થઈ શકે, આંટ વધી શકે, ઓછે વ્યાજે નાણાં મળી શકે માટે પતપેઢીઓની સ્થાપના સરકારનાં ઉત્તેજન અને બાંહેધરીથી થાય છે ને? સારાં બી, સારાં ઢોર ખેડુને મળે એવી જોગવાઈઓ થાય છે, વરસાદ ન આવે ત્યારે પાણી વિના હેરાન ન થાય માટે નહેરો, કૂવાં, વાવ, તળાવ સરકાર બાંધે છે, ખેતરમાં પાકેલા માલનો જલદી ઉપાડ થાય અને જ્યાં એનો ખપ હોય ત્યાં પહોંચી ખેડૂતને એની મહેનતનો બદલો મળી શકે માટે રેલવે અને સ્ટીમરોનો બંદોબસ્ત કરવામાં આવે છે, એના અને એનાં ઢોરોના આરોગ્ય માટે, ચેપી રોગનો ફેલાવો અટકાવવા માટે દાક્તરી મદદ આપવામાં આવે છે, એના ધંધાનું શિક્ષણ આપવાની અને એ ધંધો ખીલવવા કરવા જોઈતા પ્રયોગો કરી તેનું પરિણામ બતાવનારાં ખેતરો સ્થાપવાની વ્યવસ્થા કરવામાં આવે છે વગેરે વગેરે. એ હવે નર્યો પરોપકાર કરતો નથી, પણ જે આપે છે તેના બદલામાં પોતાની જરૂરિયાતો મેળવવાનો અધિકારી થયો છે. આશા છે કે અમારા કહેવાનો અવળો અર્થ નહિ થાય. સાદા જીવન પર અમનેય પક્ષપાત છે. પણ સાદા જીવનમાં કેટલાક અંશ — જેમની પરિગણના આ સંગ્રહમાં નથી તે અમે આવશ્યક ગણીએ છીએ.

‘રસયમુનાને ઘાટ.’
‘દૂધલડાં દ્હોશું, પીશું ને પાશું,
મટુકી ભરી લઈશું જગને માટ.’

અમારે સુખી થવું છે, અને બીજાને કરવા છે. અમારા દેશની કીર્તિ ઝળકાવવી છે, અમારા લોકોને સુખી, સમૃદ્ધ અને સંસ્કારી કરવા છે, પ્રભુની વાંસળીમાં આના અનહદ નાદ વાગે છે. એ નાદ સાંભળી અમારાં હૈડાં ઢળકવાં જોઈએ. એ નાદના ભેદો સુણી, સમજી આચારમાં મૂકવાના છે. ઢાલની બીજી બાજુ બતાવ્યા છતાં સંગ્રહકારોનો ઉદ્દેશ જરા વિશેષ સ્પષ્ટ કરવામાં આવે તો એમને ન્યાય થશે અને સંગ્રહનું ધારેલું ફળ નીપજશે. ઉન્નતિ અર્થે જે જે પ્રયાસો થાય તે તે પ્રયાસોમાં તલ્લીન થઈ તેમની સિદ્ધિ લાવવા સાદાં જીવન ગાળવાં જોઈએ. વૈભવ, મોજ, અયેશઆરામ, ફલની વાસનાઓનું બલિદાન આપવું જોઈએ. ઉન્નતિ માટે પ્રચલિત સ્થિતિ પરત્વે અસંતોષ આવશ્યક છે તેમ અસંતોષ દુઃખી ન કરે માટે સંતોષ પણ જરૂરનો છે. વિચાર પ્રમાણે આચાર હોય, જીવન આખું નિર્મળ અને પારદર્શક હોય તો જ સુખ અને ઉન્નતિ છે. જીવનમાં જાત જાતનાં વમળો ઊપજાવી ક્ષોભ પમાડતી પ્રવૃત્તિઓથી ખેડૂતનું જીવન દૂર છે તો જે શાંતિમાં, જે કાર્યપરાયણતામાં એ જીવન ગાળે છે તે વધારે બળથી, વધારે શ્રદ્ધાથી ગાળે, એથી રૂડું શું? ખેડૂતો માટે યોજાયેલા અને સાદા જીવનનો ઉપદેશ કરતા સંગ્રહને ‘ગોપકાવ્યો’નું નામ શા માટે આપવામાં આવ્યું હશે? ખેડૂતની જિંદગીને લગતાં નર્યાં કાવ્યોથી આપણી ભાષા સમૃદ્ધ નથી. ખેડુજીવન જેવું જ ગોપજીવન ગ્રામ્ય, સરલ, સુખી હોવાથી ગોપજીવન કવતી કવિતા ખેડૂતોના જીવનમાં રસ સીંચી શકે છે. શ્રીકૃષ્ણની ભક્તિને લીધે ગોપજીવનને લગતી નાના પ્રકારની કવિતાથી આપણા સાહિત્યનું તોશાખાનું ચકચકિત છે. એ તોશાખાનામાંથી રત્નો લઈ આ સંગ્રહ ગૂંથવામાં આવ્યો છે. ગોપજીવન અને ખેડૂતજીવનનો પ્રધાન સૂર એક જ હોવાથી ‘ગોપકાવ્યો’નું મનોહર અભિધાન સાર્થક અપાયું છે. આ સંગ્રહમાં બે પ્રકારનાં ગોપકાવ્યો છે: પ્રાચીન કાવ્યોમાં નૈવેદ્યની દૃષ્ટિથી ગામડાના સાદા ખોરાકની યાદી આપવામાં આવી છે. અને તે દ્વારા ભક્તોની સાદી, બાળક જેવી સારી ભક્તિ પ્રગટ કરવામાં આવી છે. અર્વાચીન જીવન એવું સાદું નથી રહ્યું. બાળક મટી જુવાન થયું છે. એની મહેચ્છાઓ વધારે વિશાળ અને ગંભીર થઈ છે. નવી મહેચ્છાઓનો પટ અર્વાચીન ગોપકાવ્યો પર બેઠો છે. જેમ બાહ્ય રૂપમાં એ કાવ્યો વિશેષ શોભતાં, મનોહર અને સુઘટિત થયાં છે તેમ અંતરમાં ભરેલા વિચારો પણ ઉચ્ચ અને સાત્વિક થયા છે. ગાય દ્હોવા, ઢેબરાં ખાવા, વાંસલડી વાવા જ ગોપશ્રેષ્ઠને નિમંત્રણ નથી પણ જગને માટે દૂધ દોહી મટુકી ભરવા માટે, ‘સાગરના શબ્દ’થી મોરલી ગજાવવા, નીતિની નાજુક વેલે હીંચવા, જીવનમાં જગજીવનનો સાથ મેળવવા માટે ગોપશ્રેષ્ઠને અને ગોપમાત્રને નિમંત્રણ છે. એકાંતમાં મળવાનો અભિલાષ નથી પણ ‘રસયમુના’ને ઘાટ સર્વની સમક્ષ વિશ્વના કલ્યાણ માટે મળવાની ઉત્કટ વાંછના છે. ગોપજીવન અને ખેડુજીવન પ્રકૃતિમાતાના ખોળામાં વિહરે છે એટલે પ્રકૃતિવર્ણનવાળાં કાવ્યો આ સંગ્રહમાં સ્થાન પામ્યાં છે. કુદરતનો અને મનુષ્યનો સંબંધ આપણા દેશમાં નરનારાયણ જેવો છે. વૈદિક આરાધનમાં, બૌદ્ધસ્થવિરોના અર્હંતપદપ્રાપ્તિના અનુભવમાં, મહાભારત–રામાયણમાં વર્ણવેલા નવે રસના પ્રસંગોમાં, કાલિદાસ ભવભૂતિની કવિતામાં, ઈશ્વરનાં મંદિરો બાંધવાનાં સ્થળોમાં— સર્વત્ર એ સંબંધ જાજ્વલ્યમાન છે. સાદા જીવનનો નિર્વાહ પણ એ જ સંબંધ દ્વારા થાય એ પણ વિશ્વઘટનાનું સુંદર રહસ્ય છે. પણ પ્રકૃતિ ચેતનમયી દેવી જેવી જીવનમાં વિરાજતી હોય એવો અનુભવ આ સંગ્રહનાં કાવ્ય નથી કરાવતાં. પ્રકૃતિ મનુષ્યજીવનવ્યવહારની ભૂમિકા હોય, પશ્ચાદ્ભૂમિ હોય એવું લાગે છે. પ્રકૃતિ અને મનુષ્યજીવન બંને પ્રભુનાં નિવાસસ્થાન—મહામંદિર છે. તેમનો આદર પણ ભક્તિનો એક અગત્યનો પ્રકાર છે. ગુજરાત પર પ્રભુની કૃપા છે કે પ્રકૃતિના દારૂણ આઘાત વારંવાર એને સહેવા નથી પડતા. સંગ્રહિત કાવ્યોમાં એ આઘાતોને બહુ સ્થાન નથી મળ્યું એ ઉક્ત કૃપા બતાવી આપે છે. મનુષ્યજીવનમાં રસ રેડનાર સ્ત્રી અને બાળકોને લઈ કાન્ત અને પિતાના સંબંધોના વિવિધ સ્વરૂપ, વર્ણવતાં કાવ્યો આપણી ભાષામાં નહીં હોય એટલે જ આ સંગ્રહ એટલો અધૂરો રહ્યો હશે. પ્રારંભના કાવ્યમાં જસોદામૈયાએ પૂછેલા પ્રશ્નોમાં રહેલી મહેચ્છાઓ સિદ્ધ કરવા ગુર્જરમૈયા ખેડૂતોને ઉદ્બોધન કરે છે. ભૂમિનો ભાર ઉપાડતાં, દેશનું વડપણ સ્વીકારી, સર્વે બુડતાંની બાંહ્યડી કોણ સ્વીકારશે? આ સંગ્રહ એવી ઉત્કટ મહેચ્છાઓથી, ખેડૂતોનું સાદું જીવન રસી દેશે. એમના સહજ ગુણોનો વિકાસ કરશે, એમના દોષોનો પ્રતીકાર કરશે, એમને જાતે સુખી અને સંસ્કારી થવા પ્રેરશે અને દેશઋણ તથા લોકઋણ અદા કરવા ઉત્તેજશે એવી પરમ આશા અને શ્રદ્ધા છે.

પુણા, ૩-૧૦-૧૪