રમણીક સોમેશ્વરની કવિતા/આ તૂટી-છૂટી રેખાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. આ તૂટી-છૂટી રેખાઓ

આ તૂટી-છૂટી રેખાઓ
શોધે
પોતાનો આકાર
કાગળ
પર
મથું ઉકેલવા
શબ્દો
રેખાઓમાં અટવાય
પવન પાથરે ધૂળ
ધૂળ ખંખેરતો ખંખેરતો
પહોંચું
કાગળના તળિયે
તળિયે
ઝીણું કાણું
એમાં ભેરવાઈ ગયેલું આકાશ
ફફડે
જાણે ભૂલું પડેલું પંખી
એની પીંખાયેલી પાંખેથી
ખરે પીંછું
ચકરાતું ચકરાતું પીંછું
તળાવ-જળને સ્પર્શે
ત્યાં તો–
તળાવમાં ભરતી ઊછળતી
નદીઓ
પાછી વળે દરિયેથી
ઘેરી વળે તળાવને
વચ્ચે ઊભું તળાવ
પાવો ફૂંકે
ધૂળ ધૂળ હું
ખેરવતો ખરખર ધૂળ
ડોકું કાઢું બહાર
કાગળમાંથી
અને ત્યાં
કોયલનો ટહુકો
ખેંચી લે મને
જટિયાં ઝાલી