રમણીક સોમેશ્વરની કવિતા/બંદા, છેડો બાંસુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. બંદા, છેડો બાંસુરી –

ઊભડક બેઠા ઉંબરે જોતા કોની વાટ!
બંદા છેડો બાંસુરી, મેલી બધો ઉચાટ

અંદર પણ આકાશ ને ઉપર પણ આકાશ
બંદા જોયા કર હવે શ્વાસ અને ઉચ્છ્‌વાસ

અવાવરુ આ આંગણું, ઝાડી-ઝાંખર બહુ
બંદા થાજો સાબદા, બીજું તો શું કહું!

ઊંચા જીવે ચાલતાં, પંથ ન પહોંચે ક્યાંય
બંદા સહજ વિરામીએ, મંઝિલ તો જ કળાય

અગન-ઝરૂખો આભમાં, રોજ કરે પોકાર
બંદા પંખી ડાળીએ, છોડે નહીં આધાર!

ગમે તેટલું ગોઠવો, પળભરમાં વિખરાય
બંદા મારગ સંચરો, થવું હોય તે થાય