શાંત કોલાહલ/તળાવને તીર
Jump to navigation
Jump to search
મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું
ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં
સોહંત એવા લખ તારલે ભર્યું.
અંકાઈ જાણે લિપિ—
યંત્ર આકૃતિ રહસ્યની
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું
...અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !
અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને
તેજતરંગને કર
આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.
અંકાશ આંખુ સહસા ઊડી ગયું
અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં !
તળાવનું લાઘવ !
...ક્ષુબ્ધ ચિત્તનું !
ત્યાં
હંસને નેપુરબોલ
કંજની સુગંધશીળી લહરે
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની !
ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં
આ વેણુને રંધ્ર હવા રમી રહી !