શ્રેષ્ઠ અનિરુદ્ધ/૪. એક પ્રશ્ન

૪. એક પ્રશ્ન


લહેરાતા તરંગો મારામાં જોઈ
ઝંપલાવવા ઇચ્છા કરો છો
પણ હું સરોવર નથી;
મારામાં શિખરો પર શિખરો જોઈ
આરોહણ કરવાનું વિચારો છો
પણ હું પર્વત નથી;
મારા એક કિનારે નાવ ઝુકાવી
સામે પાર જવા ઉત્સુક છો
પણ ક્યાં છું હું સમુદ્ર?
હળાહળની વેદનાને ઠારવા
આવ્યાં હો મારી પાસે
પણ ક્યાં છું હું ચંદ્ર?
ઉષ્મા માટે સૂર્યથી ઓછું કશુંય
ક્યાં ખપે છે તમને?
નથી હું સૂર્ય.
પગમાં થનગનાટ છે
અજાણ્યા પ્રદેશો જોવાનો.
નથી હું અડાબીડ વન.
પૂછું એક પ્રશ્ન?
મારામાં વન, પર્વત, સૂર્ય,
સરોવર, ચંદ્ર, સમુદ્ર
જોયાં હોય જો કોઈ વાર
તો એકાદ વખત,
હા, એકાદ વખત
બતાવશો મને?