સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કાવ્યમાં પરંપરાનિષ્ઠતા અને નવતા
કાવ્યમાં પરંપરાનિષ્ઠતા અને નવતા
કાવ્યાર્થોની અનંતતાનો ખ્યાલ આનંદવર્ધનમાં એવો દૃઢમૂલ છે કે કાવ્યમાં અનુકરણના – સામ્યાભાસના પ્રશ્નને એ ઝીણા વિવેકથી તપાસી શકે છે. એ કહે છે કે બુદ્ધિશાળીઓની બુદ્ધિમાં ઘણી વાર મળતાપણું હોય છે. એ સરખી રીતે વિચારતા – કલ્પતા હોય એવું દેખાય છે. પણ એથી ડાહ્યા માણસે એમ ન માની લેવું જોઈએ કે એમાં એકરૂપતા છે. મળતાપણું ત્રણ પ્રકારનું હોય છે : ૧. પ્રતિબિંબ જેવું, ૨. ચિત્ર જેવું અને ૩. બે માણસ સરખા શરીરવાળા હોય તેના જેવું. પ્રતિબિંબમાં જુદો આત્મા તો નથી હોતો, ઉપરાંત, વસ્તુ એનું એ જ હોય છે. એ જ રીતે કાવ્યમાં પણ નવો ભાવ ન હોય અને વિષયવસ્તુ જૂનુંપુરાણું જ લગભગ હોય તો એ જાતનું અનુકરણ ત્યાજ્ય. ચિત્રમાં પોતાનો આત્મા અત્યંત દુર્બળ હોય છે; રંગરેખાનું નવું માધ્યમ હોય છે પણ અનુકૃતિમાંથી અનુકાર્યની જ પ્રતીતિ થાય છે. એ જ રીતે કાવ્યમાં વિષયવસ્તુ થોડું જુદું પડતું હોય પણ નવા ભાવની દુર્બળ પ્રતીતિ હોય તો એ જાતનું અનુકરણ પણ ત્યાજ્ય બે માણસોનાં શરીર સરખાં હોય, પણ એમના આત્મા તો જુદા જ હોય છે. એ જ રીતે કાવ્યમાં ભાવ નવો હોય ને વસ્તુ મળતું આવતું છતાં, પોતાની અલાયદી કમનીયતાવાળું હોય તો તે પ્રકારના અનુકરણનો તિરસ્કાર ન કરવો જોઈએ. આનંદવર્ધન કહે છે કે સ્વતંત્ર જુદો આત્મા હોય એવું કાવ્યવસ્તુ પહેલાંના કોઈ કાવ્યવસ્તુને અનુસરતું હોય તોયે ચંદ્રની શોભાને અનુસરતા સુંદર સ્ત્રીના મુખની પેઠે અનન્ય શોભા ધારણ કરે છે. (૪.૧૧-૧૪) આનંદવર્ધન ઉમેરે છે કે ખુદ વાચસ્પતિ પણ અપૂર્વ એટલે કે તદ્દન નવા અક્ષરો કે શબ્દો ઘડી શકતા નથી. એમ કવિ પણ પ્રચલિત શબ્દોનો જ વિનિયોગ કરે છે એથી એની રચનામાં નવીનતા આવતી નથી એમ ન કહેવાય. પ્રચલિત શબ્દોને એ નવા અર્થોનું સૂચન કરવા વાપરી શકે છે. વાણીનાં ઉપમાનોને પણ કવિ નવી રીતે વાપરી શકતો હોય છે. (૪.૧૫ અને તેની વૃત્તિ) આમ પૂર્વકવિઓની છાયાવાળી પણ નવો ચમત્કાર ધરાવતી રચના કરવાની પ્રવૃત્તિ આનંદવર્ધનની દૃષ્ટિએ અનિંદ્ય છે. કવિઓએ પણ પોતાના આવા અનવદ્ય કાર્યમાં વિષાદ ન અનુભવવો જોઈએ, તોપણ અંતે એ કહે જ છે કે પારકાના અર્થનો સ્વીકાર કરવા જે રાજી નથી એવા સુકવિઓને ભગવતી સરસ્વતી જોઈએ તેટલું વસ્તુ પૂરું પાડે છે, એમને કશી ખોટ પડતી નથી. આ તો મહાકવિઓનું મહાકવિત્વ છે. (૪.૧૬-૧૭ અને એની વૃત્તિ) પરંપરાનિષ્ઠતા અને નવતા વિશેની આનંદવર્ધનની આ સમજ વિશાળ કાવ્યરાશિનો ઉચિત ન્યાય કરવામાં કામ લાગે એવી નથી શું?