સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સર્વ રસસામગ્રીની અનિવાર્યતા નથી
સર્વ રસસામગ્રીની અનિવાર્યતા નથી
રસવિવેચનમાં આપણે ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે’ એ ભરતના રસસૂત્રને વળગીને કાવ્યમાં આ સઘળી સામગ્રી શોધવા પ્રયત્ન કરીએ છીએ અને એ જડતી નથી ત્યારે મૂંઝવણ અનુભવીએ છીએ તેમજ રસવિચારની ઉપયુક્તતા વિશે સાશંક બનીએ છીએ. એ ખરી વાત છે કે કાવ્યશાસ્ત્ર રસ માટે વિભાવાનુભાવાદિ સર્વ સામગ્રીની અપેક્ષા રાખે છે, એ સામગ્રી પૂરતી ન હોય કે ઝાંખીપાંખી હોય કે નિર્ણાયક ન હોય એને દોષ ગણે છે, એથી રસપ્રતીતિમાં વિઘ્ન આવે છે એમ કહે છે, પણ બીજી બાજુથી એ એવી સ્થિતિ પણ સ્વીકારે છે કે કેવળ વિભાવનું, અનુભાવનું કે વ્યભિચારી ભાવનું આલેખન હોય છતાં એ દોષરૂપ ન બનતું હોય – જે એકનું આલેખન થયું એમાં એવી અસાધારણતા હોય કે બાકીના બેનો આક્ષેપ થઈ જતો હોય. (કાવ્યપ્રકાશ, ૪.૨૮.૪૩) મમ્મટ આવા દાખલાઓ પણ આપે છે. અભિનવગુપ્તે પણ વિભાવપ્રાધાન્ય, અનુભાવપ્રાધાન્ય અને વ્યભિચારીના પ્રાધાન્યની સ્થિતિનો સ્વીકાર કરેલો. એમણે આ બધાના સરખા પ્રાધાન્યમાં રસાસ્વાદનો ઉત્કર્ષ માનેલો, પણ એ પ્રબંધમાં, નાટ્યમાં જ શક્ય છે એમ કહેલું. (નાટ્યશાસ્ત્ર, કારિકા ૩૧ની અભિનવભારતી ટીકા) આપણે જોઈ શકીએ છીએ કે ‘અઢળક ઢળિયો’ કે ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ જેવાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો વિભાવચિત્રણ જ કરે છે. ‘પગલીનો પાડનાર’ માતૃવાત્સલ્યના વિભાવ એવા બાળકનું જ ચિત્રણ કરે છે. તો ‘છેલ્લું દર્શન’ અને ‘એક બપોરે’ અનુભાવચિત્રણનાં કાવ્યો છે એમ કહેવાય. આ કાવ્યોમાં અન્ય સામગ્રીનો સ્વલ્પ – ન જેવો નિર્દેશ છે. એમ કહેવાય કે આ કાવ્યોમાં આપણે આસ્વાદીએ છીએ તે વિભાવો કે અનુભાવો. નર્મદનું કાવ્ય ‘અવસાનસંદેશ’ એમના વ્યક્તિત્વમાં વણાયેલા આત્મસભાનતા, અહંભાવ, નમ્રતા, નિર્દંભતા વગેરે ભાવોને – કાવ્યશાસ્ત્રની પરિભાષામાં સંચારીભાવોને – વાચા આપતું કાવ્ય છે. નર્મદના ઉદ્ગારોમાંથી એ ભાવો વ્યંજિત થાય છે પણ કોઈ અનુભાવનું આલેખન નથી. પોતાના મૃત્યુની કલ્પના એને વિભાવ ગણવો હોય તો ગણી શકાય. રસનિરૂપણ માટે સર્વ સામગ્રીની સામાન્ય અપેક્ષા છે, પણ એની કંઈ અનિવાર્યતા નથી એવો આ ખ્યાલ રસવિચારને જડ સૂત્રગ્રસ્તતામાંથી ઉગારી લઈ, રસનિરૂપણનું મેદાન મોકળું કરી આપે છે.