સત્યની શોધમાં/૨૭. સમજાયું
બીજા દિવસની પ્રભાતે એક નવીન જ અનુભવ શામળની વાટ જોતો હતો. હાથમાં ચામડાની સુંદર બૅગ અને ગજવામાં એક પેનસિલ. એક લીલી ને એક લાલ એમ બે ફાઉન્ટન પેનો, એવા સાજમાં શોભતો એક તરવરિયો જુવાન હાજર થયો. એણે શરૂ કર્યું: “શામળભાઈ, હું ‘લક્ષ્મીનગર સમાચાર’ છાપાનો પ્રતિનિધિ છું. તમારી કનેથી એ આખી વાર્તા લેવા આવ્યો છું.” “વાર્તા?” “એટલે કે તમે જે ભાષણ આપવાના છો, તેને લગતો આખો ઇતિહાસ; અમારે એ સુંદર આકર્ષક રીતે છાપી પ્રગટ કરવો છે.” નવીન જ રોમાંચ અનુભવતા શામળે જ્યારે આખી કથા અથઇતિ કહી નાખી, ત્યારે એ જુવાન ‘રિપોર્ટર’ની પેનસિલનું મનોરમ ચપળ નૃત્ય પૂરું થયું. “સાહેબજી, થૅન્ક-યુ!” કહીને રિપોર્ટર આખી વાર્તાને બૅગમાં નાખી ચાલતો થયો. એકદમ શામળ હજારીલાલજીની કને પહોંચ્યો. પોતાના જીવનના આ ભારી યશસ્વી પ્રસંગની વાત કહી; કહ્યું કે, “હવે વિજ્ઞપ્તિ-પત્રોનું તો શું કામ છે? છાપું ઘેર ઘેર વંચાશે. સહુને ખબર મળી જશે.” “વારુ!” વકીલે સ્મિત કર્યું, “છાપી તો રાખીએ. પછી આજે સાંજે ‘લક્ષ્મીનગર સમાચાર’ જોઈને નક્કી કરીશું કે વહેંચવાં કે નહીં.” શામળ ઘેર ગયો. એને વિચાર થયો કે હજારીલાલજીને કેમ જરીકે આ વાતથી હર્ષ ન થયો? એના મનમાં શું હશે? બપોરે બારણું ખખડ્યું. શામળ જુએ છે તો ભીમાભાઈ! “ઓહો, આવો આવો, ભીમાભાઈ!” “કાં શામળભાઈ! તમે તો મોટું ભાષણ ઠોકવાના છો?” “તમને ક્યાંથી ખબર?” “પેસ્તનજી શેઠે કહ્યું. એને સુધરાઈના પ્રમુખે – પેલા હરિવલ્લભ શેઠે વડી ધારાસભામાં મોકલ્યા’તા ને, તેણે કહ્યું.” “એને ક્યાંથી ખબર?” “ખબર ન રાખે? ફોગટનું પ્રમુખપદું કરતા હશે કે?” પછી ચોતરફ જોઈને ભીમાભાઈએ ધીરે અવાજે કહ્યું: “શામળભાઈ, ભાષણ કરશો મા. સમજુ હો તો સાનમાં સમજી જજો. સભા-બભાની વાત છોડી દેજો.” “કાં!” “તમે બુધવારની સાંજ જોવા જ નહીં પામો.” “કોણ હું? કેમ? શું કરશે?” “એ કાંઈ હું ન જાણું. કાં તો તમારું મડદું નદીમાં તરતું હશે, ને કાં તમારું માથું કોઈ ગટરમાં રખડતું હશે.” “અરરર! શા સારુ? કોણ કરશે?” “જેઓને ગોટા ચલાવવા હોય તેઓને પોતાની સલામતીની તો ફિકર હોય જ ને? તમે કાંઈ ઓછા વેરી નથી કર્યા આ શહેરમાં!” “પણ હું એવું કોઈનું કશું ક્યાં બોલવાનો જ છું?” “તમે શું બોલશો ને શું બાકી રાખશો એ વાતનો વીમો કાંઈ એ લોકો ખેડે કે? કહું છું કે આ બધું મૂકીને કોઈક ધંધો શોધી લો, ને પછી એકાદ છોકરીને પરણી લો. ઘેરે એક છોકરું થશે ને શામળભાઈ, એટલે તમને પણ ખબર પડશે કે દુનિયા શી ચીજ છે!” “ના, ના, ના! ભાષણ તો હું કરીશ જ.” “ઠીક, તકદીર જેવાં!” એમ બબડતો ભીમોભાઈ ચાલ્યો ગયો. સાંજ પડી. શામળે ‘લક્ષ્મીનગર સમાચાર’નું તે દિવસનું ચોપાનિયું લીધું. માંડ્યું જોવા. પહેલું પાનું – બીજું – ત્રીજું – છેલ્લું જાહેરખબરનું – પાને પાનું ને ફકરે ફકરો – લાઈને લાઈન: ક્યાંય એક લીટી પણ પોતાને વિશે ન મળે. પાંચ વાર ફેરવી ફેરવીને જોયું. હજારીલાલજીને મળ્યો. આ તાજુબીની વાત કરી. હજારીલાલે હસીને જવાબ દીધો: “કશી જ તાજુબી નથી એમાં. હું તો જાણતો જ હતો. ન જ છાપે.” “કાં?” “‘લક્ષ્મીનગર સમાચાર’ લીલુભાઈને ત્યાં એક લાખ રૂપિયામાં મૉર્ટગેજ છે.” શામળ મોં વકાસી રહ્યો. “હવે સમજાયું ને કે સમહક્કની ઝુંબેશ એટલે શું?” વકીલે સ્મિત કર્યું. —ને શામળને સમજાયું. ઠીક સમજાયું.