સમૂળી ક્રાન્તિ/3. લાંબીટૂંકી યોજનાઓ
કોઈ પણ સમાજની સમૃદ્ધિને માટે એની પ્રજાના ચારિત્રનું ઘડતર ઘણી મહત્ત્વની વસ્તુ છે, એનું જો આપણને બરોબર ભાન થાય તો જે વિવિધ યોજનાઓ આપણે ઘડીએ છીએ, આંદોલનો નિર્માણ કરીએ છીએ, તથા એકબીજાના ગુણદોષો કાઢીએ છીએ, તે બધાનું સ્વરૂપ ઘણું બદલાઈ જાય, દેશની આર્થિક સમૃદ્ધિ ઝપાટાબંધ થવી જોઈએ એમ આપણા મનમાં રહેલું છે. દેશની આબોહવા અને કુદરતી સંપત્તિ જોતાં, પ્રજા જે જાતના દારિદ્રના કાદવમાં ડૂબેલી છે તેને માટે કશું કારણ ન હોવું જોઈએ, એમ આપણને સૌને લાગે છે. પૂંજીવાદી, સમાજવાદી, ગાંધીવાદી, સામ્યવાદી સૌ વચ્ચે તીવ્ર મતભેદો હોય, તોયે દરેકનું ધ્યેય દેશને ધનધાન્યથી સમૃદ્ધ કરવાનું છે. એ ધ્યેય વિશે મતભેદ નથી.
જુદી જુદી જાતની રાજકીય, આર્થિક, સામાજિક, વગેરે વ્યવસ્થાઓ સ્થાપી, ટૂંકા કાળની તથા લાંબા કાળની યોજનાઓ ઘડી સૌ કોઈ દેશની કુદરતી સંપત્તિનો વધારેમાં વધારે લાભ લેવાની ગણતરી કરવામાં રોકાયેલા છે. સાર્વજનિક મતાધિકાર (adult fanchise), ઔદ્યોગિક વિકાસ (industrialization), રાષ્ટ્રીયકરણ (nationalization), વિકેદ્રીકરણ (decentraliztion). સહકારી ખેતી અને ગોપાલન, બળવાન કેદ્રીય સત્તા (strong central government) વગેરે વિવિધ પ્રવૃત્તિઓ, તેમાં કદી કદી પરસ્પર વિરોધો છતાં, એક જ ઉદ્દેશ સિદ્ધ કરવા માગે છે કે દેશની કુદરતી સંપત્તિની વધારેમાં વધારે ખિલવણી થાય, અને તેનાં લાભ વધારેમાં વધારે મનુષ્યોને મળે. તેને માટે એક બાજુથી મનુષ્ય મનુષ્યનાં ગળાં કાપવાયે તૈયાર છે, અને બીજી બાજુથી શાંતિસુલેહનીયે ઝંખના કરે છે. એક તરફ પાકિસ્તાન–હિંદુસ્તાન, અરબસ્તાન–યહૂદીસ્તાન કરે છે, એટમ બૉમ્બ અને કૉસ્મિક–કિરણો શોધે છે, અને બીજી તરફ UNOની પ્રવૃત્તિ કરે છે.
દેશની કુદરતી સંપત્તિની ઝીણી ઝીણી ગણતરી કરવામાં કેટલાયે અર્થશાસ્ત્રીઓ રોકાયેલા છે. એ સંપત્તિનો કઈ કઈ રીતે ઉપયોગ થઈ શકે તેની શોધ માટે મોટા મોટા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. તેમની શોધોનો પહેલો લાભ પોતાને મળે એ માટે ધનપતિઓ અને રાજતંત્રો બળવાન પ્રયત્ન કરે છે.
આ બધી પ્રવૃત્તિઓ મહત્ત્વની અને જરૂરી છે એમાં શક નથી. અનુકૂળ પરિસ્થિતિ (environments અને conditions) નિર્માણ કરવાના પ્રયત્નનો જ એ એક ભાગ છે. પરંતુ એ પણ યાદ રાખવાની જરૂર છે કે એ બધું હોવા છતાં જો પ્રજામાં યોગ્ય પ્રકારનો ચારિત્રસંપત્તિ ન હોય તો એ એકડા વિનાનાં મીંડાં જેવું જ નહીં પણ વિનાશનુંયે કારણ થાય. આથી કેવળ સંપત્તિના ઉત્પાદન–વહેંચણી ઇત્યાદિને જ ધ્યેય બનાવી તેને અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરવાનો પ્રયત્ન ન હોવો જોઈએ. પરંતુ સંપત્તિઉત્પાદન જેનું એક પરિણામ છે એવા ચારિત્રધનને નિર્માણ કરનારી પરિસ્થિતિ પેદા કરવાનો પ્રયત્ન થવો જોઈએ. એનો ખ્યાલ કર્યા વિના કરેલી બધી ગણતરીઓ પ્રત્યક્ષ અનુભવમાં ખોટી પડવા સંભવ છે.
લાંબી યોજના અને ટૂંકી યોજના એવા બે શબ્દો આપણે ઘણી વાર સાંભળીએ છીએ. પણ લાંબી કે ટૂંકી યોજનામાં લાંબા કાળની અને લાંબી દૃષ્ટિની તથા ટૂંકા કાળની અને ટૂંકી દૃષ્ટિની યોજનાનો ભેદ આપણે સમજવો જોઈએ. દસ વર્ષ પછી દેશમાં ભરપૂર ધાન્ય અને વસ્ત્ર પેદા થઈ જશે એવી દસ વર્ષની યોજના ઘડી શકાય અને ઘડવી જોઈએ પણ. પરંતુ, તેથી આવતા છ મહિના સુધી બિલકુલ અન્નવસ્ત્ર ન મળી શકે તો એ લાંબી યોજના નિરુપયોગી થાય અને છ મહિનાની યોગ્ય જોગવાઈ ન થવાથી જ નિષ્ફળ જાય. માટે તેની સાથે ટૂંકી – એટલે ટૂંકા કાળની યોજના પણ જોઈએ જ.
પણ લાંબા કાળની કે ટૂંકા કાળની યોજના પાછળ દૃષ્ટિ ટૂંકી હોય તોયે બધી યોજના ધૂળમાં મળી જાય.
જેમ બને તેમ જલદી સ્વરાજ મેળવવું જોઈએ. મને–કમને અંગ્રેજોને પણ લાગ્યું કે એ આપી દેવું જોઈએ. કેમે કરી મુસ્લિમ લીગને સમજાવી શકાઈ નહીં. તેણે ખૂબ ધાંધલ મચાવી. પરિણામે અખંડ હિંદુસ્તાન વિશે જેમનો આગ્રહ અતિ તીવ્ર હતો, તે પંજાબ અને બંગાળના હિંદુ–શીખ આગેવાનોએ જ પોતાના પ્રાન્તના ભાગલા પાડવા અને પાકિસ્તાન આપી દેવું – એ ટૂંકો માર્ગ ઇચ્છયો. એ ટૂંકો માર્ગ તત્કાળ પરિણામ આપનારો હોવાથી મુસ્લિમ લીગે સ્વીકાર્યો. હિંદુ–શીખ આગેવાનોએ માગ્યો અને કાýગ્રેસને સ્વીકારવો પડયો. સૌએ તત્કાળ સ્વરાજ–સ્થાપનારૂપી પરિણામ જોયું પણ તેનાં બીજાં પરિણામોની કલ્પના થઈ નહીં.
પણ એ ટૂંકાં માર્ગની પાછળ પાયારૂપ પણ ટૂંકી દૃષ્ટિની હતી, સંકુચિત હતી. મુસ્લિમ–ગેરમુસ્લિમ દ્વેષ એના મૂળમાં હતા. મુસલમાન, ગેરમુસલમાન એક રાજ્ય ચલાવી જ ન શકે એ એમાં ગૃહીત કરેલું હતું. અને ઈરાદાપૂર્વક એ પાણીનું જ સિંચન કરેલું હતું. એટલે બે ભાગો પાડવાથી બને સ્વતંત્ર પોતપોતાનાં ક્ષેત્રો મળી જશે એમ માની લીધું, પણ જો મુસલમાન–ગેરમુસલમાન એક રાજ્ય ચલાવી ન શકે, તો એક ગામ કે શહેરમાંયે સાથે રહી નહીં શકે એ પરિણામની કલ્પના કરવામાં ન આવી. દ્વેષનું પાણી પીધેલા લોકોએ તે ઉપજાવ્યું ત્યારે સમજાયું. લોકોએ સહજ સ્વભાવે હિજરતનો ટૂંકો અને સહેલો લાગતો માર્ગ લીધો. રાજ્યનો પરવશપણે તેના સાક્ષી અને વ્યવસ્થાપક બનવું પડયું. એનો દુઃખદ અમલ આજે થઈ રહ્યો છે.
પણ એથી આ કોયડાનો અંત આવી જશે એમ માનવામાં ભૂલ થશે. કારણ જો મુસલમાન–ગેરમુસલમાન એક ગામડામાં સાથે રહી ન શકે, એક રાજ્ય ન ચલાવી શકે, તો કમમાં કમ હિંદમાં તો પાકિસ્તાન અને હિંદુસ્તાન કરીનેયે તે શાંતિથી રહી શકવાના નથી. દ્વેષ બે વસ્તીઓને તદ્દન જુદી કરીનેયે અટકી જશે એમ માનવાને કારણ નથી. એટલે કાં તો આ સમગ્ર દેશમાં સર્વે મુસલમાન જ હોય અથવા સર્વે (હાલ તુરત) ગેરમુસલમાન જ હોય એ રૂપે એ દ્વેષ ફાલશે. એમાંથી પાછું એક નવું જગદ્યુદ્ધ ઉદ્ભવી શકે. સમગ્ર એશિયા તથા સમગ્ર જગતને એક કરવાનો મનોરથ ધૂળમાં મળી જાય, અને એક બાજુ દુનિયામાં સર્વે મુસલમાનો અને કેટલાક બીજા દેશો, તથા બીજી બાજુ ગેરમુસલમાનો વચ્ચે તીવ્ર યાદવી જામે.
જે યોજના મુસલમાન તથા ગેરમુસલમાન (હિંદુ, ખ્રિસ્તી, શીખ, પારસી, યહૂદી, ચીની ગમે તે હોય) સૌને એક પડોશમાં, ગામમાં, રાજ્યમાં, સૌની વચ્ચે એક હોય કે એકોતેર હોય તોયે, સાથે રહેતાં શીખવે તે જ યોજના, ટૂંકા કાળની હોય કે લાંબા કાળની, આ કોયડાનો નિકાલ લાવી શકશે. જો કદાચ મુસલમાન જુદા રહીને તેમના પૂરતો નિકાલ લાવી શક્યા હશે, તો હિંદુ–શીખ–પારસી–ખ્રિસ્તી વગેરેમાં એ જ કોયડાઓ નિર્માણ થશે. કારણ કે જે દ્વેષભાવના એના મૂળમાં છે તે નીકળી ગઈ નહીં હોય. અને મુસલમાનો પણ અંદર અંદર જેવા યુરોપના દેશો ખ્રિસ્તી હોવા છતાં એકબીજા સાથે કૂતરાંની જેમ લડે છે, તેમ લડશે. કારણ કે દ્વેષના અગ્નિને બહારનો ખોરાક બંધ થતાં તે અંદરનાને બાળવા માંડશે.
પાકિસ્તનની – ભાગલાની – પાછળ મૂળ ભાવના મનુષ્ય–મનુષ્ય વચ્ચે અણરાગ–દ્વૈષ ઉત્પન્ન કરનારી, ચારિત્રને હીન કરનારી હોવાથી, તેમાંથી નિર્માણ થયેલી યોજના ટૂંકા કાળની હોય કે લાંબા કાળની, એ ખોટી જ થાય છે.
આ ચર્ચવાનો હેતુ આ સ્થાને તો એટલો જ છે કે યોજના ટૂંકા કાળની હોય તોયે તે ટૂંકી દૃષ્ટિની ન હોવી જોઈએ; ચારિત્ર પર એની શી અસર થાય તે વિશે બિલકુલ આંખમીંચામણાં ન થવાં જોઈએ. યોજનાઓની અસર ચારિત્ર પર કેવી અસર પાડે છે તેનો પાકિસ્તાન તથા ભાગલાનો અખતરો બળવાન દાખલો છે.
2-10-’47