સરળ અલંકાર-વિવેચન/અનન્વય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૬) અનન્વય :

જેમાં બીજા કશા સાથે ઉપમેયનો અન્વય એટલે કે જોડાણ-સંબંધ થતો નથી તેને અનન્વય કહે છે એટલે આ અલંકારમાં ઉપમેયોપમામાં બને છે તેવું પણ ન થતાં, ઉપમેયની ઉપમેય સાથે જ તુલના કરવામાં આવે છે. કેમકે એથી ચઢિયાતું બીજું કશું નથી, એમ અહીં સિદ્ધ કરવાનો આશય હોય છે. નીચેના દૃષ્ટાંતો જુઓ :

મા તે મા ને બીજા વગડાના વા.
સોનું તે સોનું ને પિત્તળ એ પિત્તળ.

અહીં સોનું સોના સાથે જ સરખાવાય, મા, મા સાથે જ સરખાવાય, કોઈ બીજા પદાર્થ સાથે એની સરખામણી અશક્ય છે, એમ કહેવાનો આશય છે. આ દૃષ્ટાંતો આમ અનન્વય અલંકારના છે. એવો જ આ દૃષ્ટાંત પણ છે :

વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુયે સિંધુના સમો,
રામરાવણનું યુદ્ધ, રામરાવણના સમું.

અહીં કવિ કહેવા માગે છે કે આકાશની આકાશ સાથે, સાગરની સાગર સાથે ને રામરાવણના યુદ્ધની રામરાવણના યુદ્ધ સાથે જ તુલના થઈ શકે, બીજા કોઈ સાથે નહિ.