સરળ અલંકાર-વિવેચન/માલોપમા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
માલોપમા :

ઉપમાની માળા હોય તેને માલોપમા કહે છે; એટલે એક ઉપમા જાણે ફૂલ જેવી છે; પણ એક ઉપમેયને માટે એક જ ઉપમાન ન આવતાં અનેક ઉપમાનરૂપી ફૂલોની માળા જ્યારે ગુંથાય, ત્યારે તે માલોપમા બને છે. આમ માલોપમામાં ઉપમેય એક હોય છે, પણ ઉપમાનો અનેક હોય છે. જેમકે :

પુરુષ-પ્રકૃતિ જેવાં, અગ્નિ-અગ્નિશિખા સમાં,
સારસ-સારસી જેવાં, ફરે છે સાથ સાથમાં;
શશીની જ્યોત્સનામાં મૃદુ મૃદુ ફરે છે પતિ-સતી.

(પ્રજારામ રાવળ)

અહીં પતિ-પત્નીને પુરુષપ્રકૃતિ સાથે, અગ્નિ અને અગ્નિશિખા સાથે ને સારસ-સારસી સાથે સરખાવ્યાં છે, ત્રણ જુદાં જુદાં ઉપમાનો દ્વારા, માટે આ માલોપમા કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જુઓઃ ત્યાં મધ્યભાગમાં તેણે ત્રૈલોક્ય લક્ષ્મીના મણિ-દર્પણ જેવું, વસુંધરાના સ્ફટિકમય અંતગૃહ જેવું, ઓગળી ગયેલા કૈલાસ જેવું, રસરૂપ ચંદ્રપ્રકાશ જેવું, મહાદેવના હાસ્ય જેવું, સલિલરૂપ વૈદૂર્યમણિના પર્વત જેવું, એક અતિ મનોહર અચ્છોદ નામનું સરોવર જોયું.

(કાદંબરી–કથા)


અહીં અચ્છોદ સરોવર ઉપમેય છે; તેની મણિદર્પણ, કૈલાસ, ચંદ્રપ્રકાશ, મહાદેવનું હાસ્ય, વગેરે સાથે વિવિધ વિશેષણોથી યોગ્યતા લાવીને કવિએ સરખામણી કરી છે. ઉપમેય એક છે ને ઉપમાનો અનેક છે, માટે આ પણ માલોપમા બને છે. એવો જ નીચેનો દાખલ જુઓ:

અંધકાર અલૌકિક હતો :
યમદંડના કિરણજૂથ સમાન,
વિબુધોના આત્મામાં વસે છે એવો,
મૃત્યુની વિશાલ પાંખ સમો,
ઊંડા અમાનુષ ભેદના પ્રકાશ શો,
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,
અંધકાર પણ અલૌકિક હતો.

(ચિત્રદર્શનો)

અહીં અંધકારને માટે કવિએ વિવિધ ઉપમાનો સર્જ્યાં છે માટે આ પણ માલોપમાનું ઉદાહરણ છે.