સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/શ્રી રા. વિ. પાઠકનું આમુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી રા. વિ. પાઠકનું આમુખ

કોઈ પણ કથાનો વૃત્તાંતસાર, શરીરમાં હાડપિંજરને સ્થાને હોય છે. જેમ શરીરમાં માંસમજ્જા, ચામડી વગેરે જે શરીરને છેવટનો ઘાટ અને રૂ૫ આપે છે. તે સર્વ હાડપિંજરને આધારે રહેલાં હોય છે, તેમ કથાનું છેવટનું સફાઈદાર રૂપ મુખ્યત્વે તેના વૃત્તાંતના હાડપિંજરને આધારે રહેલું હોય છે. કથાના સૌન્દર્યના જુદા કરીને ચર્ચી શકાય એવા અંશો, તેના રસો અને ભાવો, તેના સંવાદો, વર્ણનો, ચિંતનો અને તેમાં આવતાં પાત્રોના સ્વભાવો પણ વૃત્તાંતને આધારે રહેલાં હોય છે. ગહન, ઉદાત્ત કે વિશાલ ભાવ કે લાગણી તેને ઉચિત વૃત્તાંત કે બનાવ કે કાર્ય વિના અસરકારક થઈ શકતાં નથી. વિશેષ શું, ભાવનિરૂપણની ઘણીખરી ક્ષતિઓ કે દોષો, લાગણી કે ભાવને સ્વાભાવિક એવા, અને ભાવની ઘનતા મહત્તા કે વિશાળતાનો ભાર ખમે એવા વૃત્તાંત કે બનાવના અભાવના, એટલે કે ઉચિત વૃત્તાંત કે બનાવો કલ્પવાની અશક્તિના હોય છે. વાર્તામાં વૃત્તાંતસર્જન પાછળ ખર્ચાતી કલ્પનાશક્તિ કંઈ નાનીસૂની નથી હોતી. અલબત્ત અહીં, કથાસર્જનમાં વૃત્તાંત અને ભાવોનું પૌર્વાપર્ય કે એવું કશું વક્ષ્યમાણ નથી. વાર્તાકલામાં વૃત્તાંતનું કેટલું મહત્ત્વ છે એ કહેવાનો જ ઉદ્દેશ છે. અને તેમ છતાં બીજાં ઘણાંખરાં દૃષ્ટાન્તોની પેઠે, આ હાડપિંજરનું દૃષ્ટાન્ત એકદેશીય જ છે. શરીરમાં હાડપિંજર દેખાતું હોતું નથી, અને જે અર્થમાં શરીર સુંદર હોઈ શકે છે તે અર્થમાં હાડપિંજર સુંદર હોતું નથી. વાર્તાશરીરમાં વૃત્તાંતનું હાડપિંજર પણ દૃશ્યમાન હોય છે, અને સુંદર વાર્તામાં વૃત્તાંત પણ સુંદર હોય છે. વૃત્તાંત સુંદર હોય, તે તેની આકૃતિને લીધે હોય, અને ‘સરસ્વતીચંદ્ર’ને પણ અમુક વૃત્તાંત આકૃતિ છે-અનેક નદીઓનો સંગમ પામતા મહાનદની – જે વિશે પહેલાં એક વાર હું કહી ગયો છું. પણ તે સિવાય પણ, આકૃતિ ન હોય તોપણ, સુંદર કથામાં કેવળ વૃત્તાંત પણ રસનિષ્પાદક હોય છે. તેનો રસ શો એમ કોઈ પૂછે તો હું કહું કે અદ્ભુત રસ. અદ્ભુત રસ સર્વ રસોમાં ઓતપ્રોત હોવા ઇષ્ટ છે. માત્ર વૃત્તાંત, બીજા કોઈ રસનું ન હોય તોપણ તે અદ્ભુત રસનું તો હોય જ. વાર્તાના બનાવો ચમત્કારક હોય જ. વાર્તા વાંચતાં, હવે શું થશે, હવે શું આવશે, એ કૌતુકને પ્રેરનાર અદ્ભુત રસ છે. મહાનવલમાં બીજા અનેક રસો ભલે હોય, પણ તેમાં પણ આ રસ હોય જ. ઘણા વાચકો, વાર્તામાં આ રસથી વિશેષ કશું માણી શકતા નથી, એ રસિકતાની મર્યાદા છે એ ખરું, પણ ઉચ્ચ અધિકારીની પણ આ વૃત્તાંત વિશેની રસેન્દ્રિય બધિર હોતી નથી. ‘સરસ્વતીચંદ્ર’કાર, વાર્તાની રચનાના જિજ્ઞાસારસને કથાનો એક આવશ્યક અંશ સ્વીકાર્યો છે, પણ તેમની કથાના અતિ લાંબા અને જટિલ પટમાં, જે અનેક વર્ણનો, સંવાદો, ચિંતનો, શાસ્ત્રચર્ચા, મંથનો, અસીહિત પાત્રને કરેલાં સંબોધનો, ઉદ્ગારો વગેરે આવે છે, તેમ અનેક કથાતંતુઓનું ગુંફન આવે છે, તેને લીધે મુખ્ય વાર્તાનું વહેણ ખોવાઈ જાય છે – અનેક વડવાઈઓમાં વડનું મૂળ થડ ખોવાઈ જાય તેમ. આથી વાર્તારચના જિજ્ઞાસુ-વર્ગ તે વાંચતો નથી. એટલું જ નહિ, આ મુખ્ય વાર્તાવહેણ ખોવાઈ જવાને લીધે, અભ્યાસી સંપૂર્ણ અભ્યાસ કરી શકતો નથી, અને ઘણા બનાવો, ચિંતનો, ઉક્તિઓ વગેરેનું ઔચિત્ય પૂરું સમજી શકતો નથી. આ બધાને માટે આવા વૃત્તાંત-સંક્ષેપની જરૂર હતી. આ કામ એક વાર સદ્ગત આનંદશંકરભાઈએ કરવા ધારેલું હતું, એ ઉપરથી આ કામની આવશ્યકતા અને મહત્ત્વનો ખ્યાલ આવશે. એ કામ આજે થયું છે એ સાહિત્યરસિકોને માટે હર્ષનો પ્રસંગ છે. વાર્તાને ભલે નિયતિકૃત નિયમનું બંધન ન હોય, પણ વાર્તા ચાલતી જાય તેમ તેમ વાર્તામાંથી પોતામાંથી, વાર્તાની સૃષ્ટિમાંથી જ નિયમો ઊભા થઈ વાર્તાને બંધનકર્તા થતા જાય છે, એ સૌ જાણે છે. જે વાત વાર્તારચનાને માટે સાચી છે તે વાર્તાસંક્ષેપ માટે પણ સાચી છે. વાર્તામાં સરસ્વતીચંદ્ર-કુમુદ પૂરતું વસ્તુ તારવીને મૂકવાનો સંકલ્પ એક વાર કરીએ, એટલે એ સંકલ્પ જ ઘણી જગાએ વસ્તુના હાનોપાદાનમાં નિર્ણાયક બને છે. એમ કરતાં સંક્ષેપકારને બુદ્ધિધનનું આખું પૂર્વવૃત્તાંત છોડી દેવું પડ્યું છે. શઠરાયને રાજ્ય-દરબારમાં કેવી રીતે મહાત કર્યો તે છોડી દેવું પડ્યું છે. એથી વિશેષ ત્રીજા ભાગમાં આવતા મલ્લરાજને છોડી દેવો પડ્યો છે. નહિતર કર્તાની રાજર્ષિની એ એક અપૂર્વ કલ્પના છે. એમ બીજું ઘણું ઘણું છોડી દેવું પડ્યું છે. આમાં કોઈને લાગે કે ‘ગુણસુંદરી'વાળું ૧૨મું પ્રકરણ પણ છોડી દેવું જોઈતું હતું. પણ વાર્તાનો મૂળતંતુ માત્ર સરસ્વતીચંદ્ર નથી, પણ સરસ્વતીચંદ્ર-કુમુદ- કુસુમની ત્રિવેણી છે, એ ધ્યાનમાં રાખીએ તો એ પ્રકરણ વધારે પડતું નહિ લાગે. જેમ ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકરણમાં સરસ્વતીચંદ્રનાં માતા-પિતાનું અને તેના ઉછેરનું વર્ણન છે. તેમ ‘ગુણસુંદરી'માં કુમુદ-કુસુમના ઉછેરનું વર્ણન છે. ગુણસુંદરીના કુટુંબક્લેશમાં જન્મેલી કુમુદ જાણે દુ:ખ માટે જ જન્મી હતી, અને ગુણસુંદરીના સ્વતંત્ર જીવનમાં જન્મેલ કુસુમ સુખમાં જન્મી, તેમ સુખી થવા માટે જન્મી અને ગૃહત્યાગ પછી સરસ્વતીચંદ્રનો અંતરનો સંબધ એ કુટુંબ સાથે જ વધારે નિકટ અને ધન બને છે. વસ્તુસંક્ષેપ કરવામાં મૂળની ભાષાને વળગી રહેવાનો સંક્ષેપકારનો સંકલ્પ ઉચિત છે, અને એમાં એમને મળેલી સફળતા અભિનંદનીય છે. જ્યાં એમને નવું પ્રકરણ કરવું પડ્યું છે ત્યાં પણ તેનું નામ તેમણે મૂળ કથાના વસ્તુમાંથી સૂચન લઈ ઉચિત રીતે પાડ્યું છે. તોપણ એક સામાન્ય સૂચન કરવા જેવું લાગે છે. ઘણા લેખકોને અનુભવ હશે કે પોતે લખેલી વસ્તુ પણ હાથપ્રતમાં હોય એ કરતાં છપાઈને હાથમાં આવે છે ત્યારે વધારે સારી રીતે સમગ્ર રૂપે જોઈ શકાય છે. તો આ તો ‘સરસ્વતીચંદ્ર જેવા પુરાણના સંક્ષેપનો પ્રશ્ન છે, એટલે તેનું સમગ્ર રૂપ સંક્ષેપકાર પણ છપાયા પછી વધારે સારું જોઈ શકશે. મારી ભલામણ છે કે એમ કરતાં એમને જ્યાં જ્યાં કંઈ પણ ફેરફાર કે પુરવણી કરવાની જરૂર પડે ત્યાં તેઓ પોતે જ કરે; અને એવી એક-બે બાબત જણાઈ છે તે તરફ ધ્યાન દોરું, જેથી મારું વક્તવ્ય સ્ફુટ થાય. પૃ. ૧૪૪ ઉપર અલક પ્રમાદધનને કહે છે  ‘કુલટા મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?' આ કથન આગળ બનેલા બનાવને ઉદ્દેશીને આવે છે, પણ સંક્ષેપમાં આ મૂળ બનાવ બન્યો તે સમયનો તેનો ઉલ્લેખ નથી થયો. તેથી વાચકને મૂળ બનાવની અપેક્ષા જાગે છે અને તેને ઉપરની ઉક્તિ પૂર્વના અનુસંધાન વિનાની નિરાધાર રહી ગઈ જણાય છે. મૂળ પુસ્તકમાં તે પહેલા ભાગના ‘પ્રમાદધન અને કુમુદસુંદરી'વાળા ૧૭મા પ્રકરણમાં બનતો વર્ણવાયો છે. આ પ્રકરણનું વસ્તુ, સંક્ષેપના ૮મા ‘ખંડિત કુમુદસુંદરી’ના પ્રકરણમાં આવે છે, ત્યાં તે પ્રસંગને મૂળ બનતો વર્ણવાય તો વાંચનારની અપેક્ષા પૂર્ણ સંતોષાય એમ માનું છું. તેમ જ એ પ્રકરણમાં પ્રમાદધન દરબારના વિવિધ સમાચાર કહે છે તે સાથે પોતે રાજ્યને કામે લીલાપુર જવાનો છે એ મતલબની ઉક્તિ પણ ત્યાં આવી જાય તો પછીના (9મા) પ્રકરણમાં કુમુદસુંદરી મેડીમાં તે રાતે તે એકલી હતી તેનો ખુલાસો પણ થઈ જાય. આ વસ્તુસંક્ષેપ છે, અને છતાં એ માત્ર બનાવોની હારમાળાનો સંગ્રહ નથી. મેં હાડપિંજરનું દૃષ્ટાંત આપ્યું તેથી આ કહેવાની ખાસ જરૂર રહે છે. સંક્ષેપની પ્રક્રિયા એ માત્ર બાદબાકીની પ્રક્રિયા જેવી યાંત્રિક ક્રિયા નથી. એક મોટા વર્તુળની અંદર બરાબર વચમાં એક બીજું નાનું વર્તુળ દોરવું હોય, તો મોટા વર્તુળનું મધ્યબિન્દુ શોધીને જ ટૂંકી ત્રિજ્યાથી દોરી શકાય, તેમ સંક્ષેપની પ્રક્રિયા માત્ર ટાંચણ કે સાર જેવી નથી, પણ મૂળનું રહસ્ય પકડી ટૂંકી ત્રિજ્યાએ આખી વાર્તા ફરી લખવાની ક્રિયા જેવી છે. તેથી મૂળ લેખકની બધી કલા સંક્ષેપને અનુરૂપ થઈ આવે જ. આ સંક્ષેપમાં પણ ગોવર્ધનરામની કલાનાં ઉત્કૃષ્ટ લક્ષણો, જેવાં કે તેમનો વાગ્‌વૈભવ, તેમની પ્રૌઢિ, અર્થગાંભીર્ય, પાત્રાલેખન, સંવાદકલા, વર્ણનશક્તિ, અલંકારસમૃદ્ધિ, સ્વાભાવિક રીતે જ ઊતરી આવ્યાં છે. એટલે કે આ પુસ્તક એક સ્વતંત્ર નવલકથા જેટલું જ સુવાચ્ય અને આસ્વાદ્ય બન્યું છે. વાર્તારસિક વર્ગ આને રસપૂર્વક વાંચશે એવી આશા પડે છે. આ સંક્ષેપની યોજનામાં, આનાથી વધારે મોટો એક બીજો સંક્ષેપ પણ તૈયાર કરવાનો નિર્ધાર છે, એ જોતાં, અને હવે ગુજરાતમાં જ બે વિશ્વવિદ્યાલયો કામ કરતાં થયાં છે એ જોતાં જણાય છે કે ‘સરસ્વતીચંદ્ર'નો અભ્યાસ વધશે. તો ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકાશનને માટે મારે એક-બે સૂચનો કરવાનાં છે તે અહીં કરું છું. ‘સરસ્વતીચંદ્ર’ને પચાસ વરસ થવા આવ્યાં. તેની અનેક આવૃત્તિઓ થઈ છે. આપણા દેશમાં સો ટકા શુદ્ધ પ્રૂફ તપાસનારા વિરલ છે, તો આ લાંબી આવૃત્તિ-પરંપરામાં કેટલીય ભૂલો ગુણાતી ગઈ હશે. એટલે આ સંક્ષેપ થયા પહેલાં, પ્રથમ પાઠશુદ્ધિનું કામ, આ કામના રસિયા ઉત્સાહી અભ્યાસીઓ પાસે કરાવવું જોઈએ. અને બીજું એ કે આ મહાનવલની જૂની આવૃત્તિઓની બને તેટલી નકલો ગુજરાતીના શિક્ષણનાં જુદાં જુદાં કેન્દ્રોમાં આવેલાં પુસ્તકાલયોમાં મુકાઈ તેના સંરક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. રામનારાયણ વિ. પાઠક

અમદાવાદ, 
તા. ૧૭-૭-૫૧