સહરાની ભવ્યતા/કિશનસિંહ ચાવડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કિશનસિંહ ચાવડા


1979ની પહેલી ડિસેમ્બરને શનિવારે સાંજે વડોદરાના ગાંધીનગર ગૃહમાં સરદાર પટેલ વિશે વ્યાખ્યાન આપતાં, સ્વજનો અને સહૃદયશ્રોતાઓની ઉષ્માભરી હાજરીમાં કિશનસિંહ ચાવડાનું શિર નમ્યું. મૌન પ્રસર્યું. એમાં સફળ શ્રોતાઓ એક થયા ને વક્તાએ વિદાય લીધી. એમાં કશો ચમત્કાર ન હતો. કિશનસિંહને શોભે એવું આ મૃત્યુ હતું. એમણે કેળવેલી યોગ્યતાથી સહેજે વધારે વળતર ન હતું એમાં. આવાસુંદર મૃત્યુના એ અધિકારી ઠર્યા હતા.

કહે છે કે ‘સરદારની ઈશ્વરભક્તિ ગાંધીજીને આભારી હતી.’ એ અર્થનું વાક્ય બોલ્યા અને સ્મરણમાં તન્મય થવાની રીતે અશબ્દ બનીગયા. ઘણાને લાગ્યું હતું કે આ ભાવોદ્રેક છે. એ અશક્ય નહોતું. ભાવાર્દ્ર સ્થિતિમાં વિદાય ન લે તો કિશનસિંહ શેના? સહૃદય શ્રોતાઓવચ્ચે હૃદય મૂકીને જવાનું એમને મંજૂર હતું. આ પ્રકારની વિદાય એમના વ્યક્તિત્વને અનુરૂપ આવે એમ હતી. સંગીતના પ્રત્યેક રાગનાસમાપનની એક રીત હોય છે. સ્ફૂર્તિ અને ગતિ સાથે મૌનના ગર્ભમાં પ્રવેશવાનું હોય છે, ઝંકૃત કરવાનું હોય છે, સકળને, વિરમીને. કિશનસિંહ સહૃદયોને ઝંકૃત કરી ગયા.

જન્મ 1904ના નવેમ્બરની સત્તરમી તારીખે. પિતા ગોવિંદસિંહ બહારથી આવેલા. કિશનસિંહ વડોદરામાં ઊછર્યા. ત્યાં માધ્યમિક કક્ષાસુધીનો અભ્યાસ કરી વિદ્યાપીઠમાં સ્નાતક થયા. અસહકાર આંદોલનમાં ભાગ લીધો. ક્રાંતિકારીઓ સાથે પણ જોડાયા, ફર્યા, વળી પાછાઅરવિંદ, ટાગોર, ગાંધીની દુનિયામાં પાછા આવ્યા. ‘જિપ્સી’ ઉપનામ ધારણ કરવા માટે એમને કારણ હતું. ગુજરાતી લેખકોમાં દયારામપછી કદાચ એ સૌથી મોટા ફરંદા હશે. એ લેખક હોવાનો ભાર લઈને ક્યાંય ગયા નથી કે એવી સભાનતાથી જાહેરમાં બોલ્યા નથી. એમનીવાતચીતનો વિષય માત્ર સાહિત્ય ભાગ્યે જ હોય, આખું જીવન હોય. એક વાર કવિ શ્રી નિરંજન ભગતને ત્યાં ફતેહપુર સિક્રી, બુલંદદરવાજો અને ત્યાંની દરગાહની માનતાની વાતમાં સંજયનાં ચશ્માંનો ઉલ્લેખ થયો ને એમણે વંશકપૂરના પ્રયોગની વાત કરી. એક વારઉમાશંકરભાઈને ત્યાં એમણે વાઘ અને સિંહમાં વાઘ વધુ બળવાન હોય છે એમ કહી એના પુરાવા આપ્યા હતા. મુદ્રણકળાના તો એનિષ્ણાત હતા. જીવનમાં ઘણાં બધાં ક્ષેત્રોમાં માત્ર કુતૂહલ નહિ, જાણકારી પણ ખરી. કવિ દયારામનો જેમ જીવનનાં અનેક ક્ષેત્રોમાં વિવિધસ્તરે પ્રવેશ હતો, તેમ કિશનસિંહને પણ જીવન એના તમામ રંગોમાં જોવા મળ્યું હતું, ઈન્દ્રિય–પ્રત્યક્ષ થયું હતું. દેશી રાજ્યો અસ્તિત્વમાંહતાં ત્યારે કિશનસિંહ સુશિક્ષિત યુવાન ક્ષત્રિય હતા. કેટલાક રાજવીઓના રહસ્યમંત્રી તરીકે કે એમનાં શિકારસાહસોના સાક્ષી તરીકેએમણે જે જીવન જોયું હતું એ હવે કોઈ લેખકને જોવા મળવાનું નથી. ખરેખર તો એ રસરંગની ભુલભુલામણીમાંથી આબાદ બહાર આવ્યાઅને મહાલયથી હિમાલય લગીનો માર્ગ મુકરર કરી શક્યા એ એક મોટી વાત છે. એમણે મહાલયો છોડ્યા પણ અભિજાત્ય ન છોડ્યું, હિમાલય છોડ્યો પણ આત્મગૌરવ ન છોડ્યું. જીવનની છેલ્લી ક્ષણ સુધી ‘ડિગ્નિટી’ — ગરિમા જળવાઈ, અનાયાસ, અસ્મિતા એમના પક્ષેસુંદરતા બની રહી.

ગયા ફેબ્રુઆરી–માર્ચમાં એમની તબિયત બગડેલી. એમનું શરીર માની ન શકાય એટલું ડખળવખળ થઈ ગયેલું. વડોદરાની એક ખાનગીહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. નાટ્ય અકાદમીના કામે ત્યાં જવાનું થયેલું. બેઠક પૂરી થતાં જ હું એમને મળવા દોડ્યો. યંત્રોનેઆધારે હતા. કહે: શરીરનું યંત્ર ચલાવતાં અવયવો વચ્ચે સંવાદ તૂટી ગયો છે. એ સ્થિતિમાં પણ ધ્યાન કેન્દ્રિત કરીને વત્સલ પ્રેમ દાખવ્યો. મિત્રોને સંદેશા મોકલાવ્યા: હવે સારું છે. સારું ન હતું. ઉમાશંકરભાઈ દ્વિધામાં હતા કે દિલ્હી મીટિંગ છે, એમાં જવું કે નહીં. આમ ચિંતાકરાવે એવી દશામાંથી એ જે પાછા વળ્યા છે, જે સાજા થયા છે! ચામડીનો રંગ તો પાછો મેળવ્યો જ, અંગોનો ઘાટ પણ ફરી ધારણ કર્યો. લગભગ બધું જ પૂર્વવત્! વ્યવસ્થિત, સુંદર! હા, સિત્યોતેર વર્ષની ઉમ્મરે પણ એ સુંદર લાગતા હતા. સુંદર રહેવું એમને અભિપ્રેત હતું, બલ્કે સ્વાભાવિક હતું. મેં ભલભલા લેખકોને લઘરા વેશે જોયા છે પણ કિશનસિંહ માટેની એવી કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અસુંદર વેશેએ ઓળખાય તો કિશનસિંહ નહીં. એ ભૂલ મૃત્યુથી પણ ન થાય માટે તો એ હતા તેવા થઈને, સિંગાર કરીને નીકળ્યા હતા.

એક વાર ઉમાશંકરને કહે: ‘જો મારે ઇસ્ત્રી કરેલાં કપડાં દિવસમાં એક જ વાર પહેરવાનાં હોય તો રાત્રે સૂતી વખતે પહેરું.’ જગતથી ઊંધોક્રમ? ના. આઠે પ્રહર સુઘડ રહેવાની સમજ. એ માનતા કે સુઘડતા આપણા પોતાના માટે સૌથી વધુ લાભકારી છે એટલે કે પ્રસન્નકારી છે. ચિત્તની પ્રસન્નતા એમણે પોતાના દાખલાથી પ્રબોધવી હતી. જાત સાથેનો નિર્મલ સંબંધ સાધી એમણે સમષ્ટિના સંપર્કમાં રહેવું હતું. એ માટેએમણે કશું બાદ કરવાનું ન હતું. એ સત્ત્વ અને અસ્તિત્વ બંનેનું ગૌરવ કરતા રહ્યા. શ્રી સુરેશભાઈ જોશીએ વડોદરાના વિદ્યુત સ્મશાનમાંઅંજલિ આપતાં કહેલું કે એ રૂંએ રૂંએ જીવ્યા. એમના વ્યક્તિત્વની તાજગી યાદ આવ્યા કરશે.

પોતાનાથી એક દાયકો નાના ઉમાશંકર સાથેની એમની મૈત્રી પણ એમને ઓળખવાનો એક આધાર બની શકે એમ છે. ઉમાશંકર કાળજીઘણાની લે પણ એમણે કોઈની પરવા આટલી હદે ભાગ્યે જ કરી હશે. બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વ વચ્ચે સહેજે ઓટ વિના સતત અકબંધરહેલું સૌહાર્દ બહુ ઓછા દાખલાઓમાં જોવા મળે. કયા લેખક સાથે ઉમાશંકર સકારણ–અકારણ લડ્યા નહીં હોય? પણ કહે છે કેકિશનસિંહ સાથે મનદુ:ખનો એકેય બનાવ બન્યો નથી. એ કોને આભારી? નાની ઉમ્મરના મુરબ્બીની આણ માનીને ચાલતા કિશનસિંહનેજોવાની તકો પણ મળી છે. કોણે કોને સલાહ આપી એ ક્યારેક પાછળથી સમજાય. ક્યારેક રમૂજી દૃશ્ય પણ ઊભું થાય. પૈસા કિશનસિંહનાહોય પણ એમના હાથમાં મૂકી રહ્યા હોય ઉમાશંકર, બરોબર ગણીને મૂકે ને મૂક્યા પછી કિશનસિંહ વતી પણ પાછા પોતે ગણે. તમે વાપરીનાખશો, કહીને બધા આપે નહીં.

કિશનસિંહ વાપરે કે દાન કરે એમાં ફેર નહીં હોય. ઉડાઉ ન ગણો તોય ખર્ચાળ તો ખરા જ. રેખાચિત્રોના લેખકની હેસિયતથી એ વાચકોપાસે આવે છે ત્યારે એમની ઉદારતા, સહિષ્ણુતા ને નિર્ભયતા એકસાથે પ્રગટ થાય છે. એમણે મહાપુરુષોનું — મહામાનવોનું આકર્ષણઓછું અનુભવ્યું નથી પણ એ જીવ્યા છે ‘નાનાની મોટાઈ જોઈને.’ એ ‘અમાસના તારા’ના લેખક છે. એમણે માનવતાના અજાણ્યા સૌંદર્યનેરેખાચિત્રોમાં અંકિત કર્યું છે. નાના માણસને બિરદાવતાં એમણે જે અલંકારો કર્યા, જે વાગ્મિતા પ્રયોજી એ ગુજરાતને કૃત્રિમ ન લાગી. જોએમનો અદમ્ય માનવપ્રેમ આ રેખાચિત્રોમાં ધબકતો ન હોત તો (કોઈ બીજા લેખકના હાથે માત્ર) શબ્દોની આતશબાજી બની રહેત.

‘અમાસના તારા’ને ગુજરાતી વાચકોએ આપેલો આવકાર એક અપૂર્વ અને અનન્ય ઘટના છે. એ આવકાર એક શબ્દના બંદાને જ નથી, પરમ માનવપ્રેમીને પણ છે. એ ચાહનાનો મોટો ભાગ કિશનસિંહના અનોખા વ્યક્તિત્વને એક અંજલિ બનીને યાદ આવ્યા કરશે. તુચ્છઅને ઉપેક્ષિતમાં પણ કશુંક વિધાયક શોધવાના એ દિવસો હતા. સૂર્ય–ચંદ્ર નહિ પણ અમાસના તારા! બહુ ઓછું વાંચતા ગુજરાતી વિવેચકોપણ આ પુસ્તકના પ્રકાશને બહુસંખ્ય મુગ્ધ વાચકોમાં ભળી ગયા હતા. આ લખનારને એની પંદરેક વર્ષની ઉંમરે કિશનસિંહે ઉત્તર આપેલોએનો રોમાંચ હતો. એમણે કેટકેટલા પત્રોના ઉત્તર આપ્યા હશે?

‘અમાસના તારા’ પછી એમનું જે બીજું પુસ્તક ગમ્યું એ ‘હિમાલયની પત્રયાત્રા.’ પેલી વાગ્મિતા ધરાવતી રંગદર્શી અને અલંકૃત ભાષાઅહીં શુભ્રવસ્ત્રા સરસ્વતી બની રહી છે. એમની ભાષા લાઘવભરી વિશદતા ધારણ કરશે એમ માનવું મુશ્કેલ હતું. પણ એ શક્ય એટલામાટે બન્યું કે એમનો અંગત અભિગમ બદલાયો, અભિરુચિ બદલાઈ. નિર્મોહી થવાનો સંકલ્પ કરીને એકાવન વર્ષની ઉમ્મરે એ હિમાલયનીસંનિધિમાં પહોંચી ગયા.

‘હિમાલાયની પત્રયાત્રા’ના એક પત્રમાં એવો ઉલ્લેખ આવે છે કે એક પ્રવાસીએ એમને ‘અમાસના તારા’ના લેખક તરીકે ઓળખીને પાસેઆવીને પૂછ્યું: ‘એ તમે જ?’ કિશનસિંહે કહી દીધુ: ‘એ તો ગુજરી ગયા.’ પુસ્તકનું અવલોકન લખતાં (રુચિ, જાન્યુઆરી, ’65) મેંનોંધેલું: “આ ઉદ્ગાર ચમત્કૃતિ જગવે છે, પ્રતીતિ નહીં…’ ‘હું સારો ન હતો’ તેવું કહેવામાં પણ એક પ્રકારની આત્મશ્લાઘા રહેલી છે.”

અવલોકન વાંચીને એમણે લાંબો અંગત પત્ર લખેલો. ન કશો બચાવ, ન કશો વિરોધ. માત્ર પોતાના દૃષ્ટિબિંદુની રજૂઆત. એમણે મારીબેઅદબી માફ કરી છે એની સભાનતા પણ ન હતી.

આપણા ચરિત્રસાહિત્યમાં આ પત્રો નોંધપાત્ર ઉમેરો કરે છે. કશોય સંકોચ રાખ્યા વિના પંદર વર્ષ પૂર્વેના પ્રતિભાવની પુનરુક્તિ કરીશ:

‘કદાચ લાગે, પણ આ પત્રો પ્રવાસવર્ણનના નથી. હિમાલયનું વર્ણન ઠેર ઠેર છે, પણ લેખક હિમાલયની ભૂગોળને બદલે પોતાનું કેન્દ્રશોધવામાં રત હોય એમ લાગે છે. હિમાલય અને કિશનસિંહના સંબંધોનું અર્થાત્ વિશાળ સ્થિતિ અને સચેતન ગતિના સંબંધોનું અહીંનિરૂપણ છે. નિશ્ચિત સ્થળકાળમાં બંધાઈ જતા યાત્રાના સ્થૂળ અનુભવોનું વર્ણન સહજતયા ટળી ગયું છે અને હિમાલયરૂપી સાકારગૌરવના પરિવેશમાં આત્મિક અનુભવોનું વર્ણન થયું છે. આ આત્મવિષયક જિજ્ઞાસા અલગ અલગ માનસિક ભૂમિકાએ લખાયેલા 15 પત્રોને જોડે છે અને તેથી પુસ્તકનો વિષય એક બને છે. હિમાલય અને કિશનસિંહ જેવાં મુખ્ય પાત્રો પણ આ પત્રમાં અંકાયેલીઅનુભૂતિઓ અને આપણી વચ્ચે આવતાં નથી, આવરણ ન બનતાં સેતુબંધ બને છે. પ્રસંગવશાત્ અત્રતત્ર ઉમાશંકરના વ્યક્તિત્વની સૂક્ષ્મરેખાઓ પણ અંકિત થઈ છે. પત્રલેખક કિશનસિંહને પોતાના કરતાં ઉમાશંકર તરફ વધારે પ્રીતિ છે. આમ હોવું અનિવાર્ય છે, કારણ કેનહીં તો પ્રેમપત્રો લખાય જ નહીં.’

(પૃ. 58, રુચિ, 3-1)

‘હિમાલયની પત્રયાત્રા’ના નિર્વ્યાજ સુંદર ગદ્યમાં પણ ક્યાંક ક્યાંક કેવાં કલ્પનો — પ્રતીકો સધાયાં છે એનો એક દાખલો ‘શર્વરી સાથેએકાન્ત’માંથી જોઈએ:

‘ત્યાં તો એવું લાગ્યું કે જાણે એ સરોવરમાં એક હંસ તરતો તરતો આ તરફ આવે છે. જેમ જેમ પાસે આવે છે તેમ તેમ આકૃતિવિશાળકાય થતી જાય છે. પણ અરે! આ તો હંસ નથી. હંસના આકારની નાવ ચાલી આવે છે. નાવની સ્વયંભૂ જ ગતિ છે. છેક પાસેઆવીને એ અટકી. એને કોઈ અંતરાય ના નડ્યો. નાવમાંથી કોઈ ઊતર્યું. આવીને પાસે, અતિ પાસે બેઠું. કોણ છો? કોઈ બોલ્યું નહિ. ત્યાંતો અંતરમાંથી અવાજ આવ્યો, હું છું: શાંતિ. અરે, આ તો મારી જ પ્રતીતિની પ્રતિમા! એ શા માટે બોલે! મારે જ બોલવું જોઈએ ને? વાતચીતનું માધ્યમ તો વાણી અને સંજ્ઞા બન્ને, તો એણે તો અગમ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. એને કહેવું તે એ કહે નહિ. હું જાણું. આ તો વળીસાવ કુંવારી અવસ્થા. અમારી વચ્ચે જિંદગીનો અવનવીન અંતરસેતુ ખીલી રહ્યો.’

‘અમાસથી પૂનમ ભણી’ એમની આત્મકથા છે, 1977માં પ્રગટ થયેલી. સહજ ક્રમ તો પૂનમથી અમાસ ભણીનો છે પણ કિશનસિંહને ક્રમમાંનહીં પ્રક્રિયામાં રસ છે, અમાસને પૂનમમાં પલટાવી નાખે એવી પ્રક્રિયામાં. મૃત્યુ ભણી થઈ રહેલી ગતિ જિજ્ઞાસાની યાત્રા બને તો એમાંથીપરમ ચેતનાના અવબોધની કથા મળી રહે.

એક વાર બલ્લુકાકા સાથેની વાતચીતમાં કિશનસિંહે કહેલું:

‘જેણે આ ઈશ્વરનો આદર્શ સર્જ્યો છે તે માણસ કંઈ નાનુંસૂનું સર્જન નથી. એ જેમ એક રીતે પામર છે તેમ બીજી રીતે પરમ પણ છે. દુનિયાનો સંગ્રાહક બનીને એ જેમ પામરતા દેખાડે છે, તેમ નવા જીવનનું સર્જન કરીને પોતાથી પરમતા પણ પ્રગટ કરે છે. માણસ પોતે જઈશ્વરની પ્રતીતિ છે.’

(પૃ. 69, અમાસથી પૂનમ ભણી)

અહીં અમાસથી પૂનમ ‘ભણી’ કહ્યું છે, પૂનમ ‘સુધી’ કહ્યું નથી. દાવો કર્યો નથી, હક જણાવ્યો છે પૂનમ ભણી આગળ વધવાનો.

1948માં લેખક અમેરિકા ગયા હતા. ત્યાં નાયગરા ધોધ જોવા જતી વખતે રસ્તામાં એમની મોટર બગડી. બે અજાણ્યા માણસોએ મદદકરી. પરિચય પૂછતાં એમણે કહ્યું:

‘અમે જિપ્સી છીએ. અમે જનમ્યા છીએ ઇજિપ્તમાં પણ આખું વિશ્વ અમારો દેશ છે. અમને ક્યાંય પારકું લાગતું જ નથી. ઇજિપ્તમાં અમેહજારો વર્ષોની ઉંમરનાં મમી (મુડદાં) જોયાં છે અટલે જ્યારે અમે નાની ઉંમરનો જીવતો આદમી જોઈએ છીએ ત્યારે અમને ઘણી ખુશીથાય છે. કારણ કે ચાલવું એ જ જિંદગી છે.’

કિશનસિંહ માટે ‘ચાલવું’ એ ‘જીવવા’ના પર્યાય સમું હતું. તેથી તો એ કદી સ્થિતિજડ બન્યા નથી.

પન્ના રાજ્યમાં એ બહુ ઊંચા હોદ્દા પર હતા. કોઈ પણ વ્યક્તિ એ વૈભવમાં વિલાસી થઈને જીવનની ગતિ ખોઈ બેસે. વૈભવ સાથે આવીજતો દંભ અને વિલાસને લીધે જાગતી અલસતાનાં જોખમો એમણે જાણ્યાં હતાં. પન્ના રાજ્ય છોડવા પૂર્વેની પોતાની મનોદશા એમણે આશબ્દોમાં વર્ણવી છે:

‘એ દિવસોમાં અંતર ઊંડાણમાં ગમગીન રહે. કામમાં ચિત્ત ચોંટે નહીં. વિલાસ વિષાદ વધારે અને સૌંદર્ય આકરું લાગે. બેચેનીનો પાર નહીં. એમ થયા કરે કે હવે અહીંથી છૂટવું જોઈએ. વૃત્તિઓ અને વાસનાઓના કબંધમાં જો જિંદગી વધારે રહી તો એમાં જ એનું શબ રઝળશે. પણ સલામતીએ આસાની અને આરામનો આસવ પિવડાવીને પુરુષાર્થને પાંગળો બનાવી દીધો હતો. જીવનની વિશુદ્ધિનું આકર્ષણ થાય પણઅશુદ્ધિ ઓળંગવાની અનિચ્છા રહ્યા કરે. મારી અવસ્થા દુર્યોધન જેવી હતી. ધર્મ સમજાય પણ એનું આચરણ ન થાય. અધર્મ સમજાયપણ એ મુકાય નહીં.’

ગાંધીજીને મળી, એમની સલાહ લઈ, જીવનના આ કાંસમાંથી એ બહાર નીકળી ગયા હતા. 1960ના અરસામાં એ ગાંધી યુગમાંથી પણબહાર આવ્યા. શ્રી કૃષ્ણપ્રેમ અને પછી વિમળાતાઈનું સાહચર્ય પામ્યા. સહજ મૈત્રીના પ્રતાપે એ જ્ઞાનેશ્વરીને ગુજરાતીમાં ઉતારી શક્યા. ગુજરાતી ભાષા શ્રી કૃષ્ણપ્રેમ અને વિમળાતાઈ બેઉની ઓશિંગણ બને એમાં કિશનસિંહ નિમિત્ત થયા.

એમણે બંગાળી અને હિંદી કૃતિઓ ગુજરાતીમાં ઉતારી છે. હિંદી સાહિત્યનો ઇતિહાસ પણ લખ્યો છે. ઘણો વહેલો લખેલો. બ. ક. ઠા.એએની પ્રસ્તાવનામાં બંગાળી, મરાઠી, ગુજરાતી અને હિંદી સાહિત્યની સરખામણી કરી છે. પ્રકાશક એ પુસ્તકની બીજી આવૃત્તિ કરવા રાજીહતા. આવૃત્તિ સંવર્ધિત બને અને વચગાળાના વિકાસ વિશે એકબે પ્રકરણ હું ઉમેરું એવું કિશનસિંહનું સૂચન હતું. મેં કહ્યું કે હિંદીસાહિત્યના ઘણા ઇતિહાસ છેલ્લા ત્રણ દાયકામાં લખાયા છે અને ગુજરાતીભાષી પણ સહેલાઈથી એ વાંચી શકશે. મારા આ અભિપ્રાયપછી એમણે બીજી આવૃત્તિ કરવાનો ખ્યાલ જતો કર્યો. એ ઠીક થયું. પણ મને લાગે છે કે હિન્દીના ભક્તિકાલીન સાહિત્ય વિશેકિશનસિંહને પોતાને પણ સ્વતંત્રપણે કહેવાનો અધિકાર હતો. કબીર એમના પ્રિય કવિ હતા. પિતા ગોવિંદસિંહે પણ જ્ઞાનમાર્ગીભક્તિકવિતાનો વારસો આપ્યો હતો. ઉત્તર અવસ્થામાં જે ભક્તિધારા રગેરગમાં વહેતી વરતાઈ એ અંત:સ્રોતા હતી જ.

કિશનસિંહ વક્તા હતા. રેખાચિત્ર, વાર્તા, નવલકથા, પ્રવાસ, આત્મકથા અને અનુવાદનાં વીસેક પુસ્તકો આપવા છતાં પોતે લેખક છે એવિશે તો એ ખાસ સભાન ન હતા પણ એ વક્તા હતા એ હકીકત તો પ્રશ્નોત્તરી થતાં એમનાથી પણ ટાળી શકાઈ ન હોત. એ લખવાજેટલી માવજતથી બોલી જાણતા. આસાનીથી સુંદર ઉદ્ગારો રમતા મૂકતા. 1955માં જન્મશતાબ્દી પ્રસંગે નડિઆદમાં એમનેગોવર્ધનરામની પ્રણયભાવના વિશે બોલતાં સાંભળેલા. તે સમયનું એમનું દૃશ્ય–શ્રાવ્ય રૂપ સ્મૃતિમાં અંકિત થઈ ગયું છે. સામાન્યસાહિત્યરસિકોને વક્તા તરીકે એ એવા તો આકર્ષક લાગતા કે એમણે આમંત્રણો ખાળી એકાંત રક્ષવા સંકલ્પ કરેલો, સભા–સમારંભોમાંજવાનું બંધ કરેલું. એય લાંબું ન ચાલ્યું. સ્થિતિજડતા સહન કરે તો કિશનસિંહ શેના?

સ્મશાનમાં એક પછી એક કેટલાય સજ્જનોએ આગળ આવીને અંજલિ આપી. દરેકનું ક્ષેત્ર જુદું પણ કિશનસિંહ સાથેની મૈત્રી જાણેઅધિકારપૂર્વકની. સહુ પોતાની વાત કરે અને કિશનસિંહ પોતાના પરમ મિત્ર હતા એમ કહી ધન્યતા અનુભવે. કોઈક દ્રવી પણ ઊઠે. આટલા બધા મિત્રો? હા, મૈત્રી બાંધવામાં કોઈ એમની સ્પર્ધા કરી શકે એમ ન હતું.

એવો જ એમનો કલાપ્રેમ હતો.

એ મૃદંગ વગાડતા. પછી છૂટી ગયેલું. એકવાર ઉમાશંકર સાથે જાણીતા સિતારવાદક ગુલાબહુસેનખાં આબુ ગયેલા. રાત્રે બેઠક મળી. તબલા પર સંગત કરનાર કોઈ મળ્યું નહીં. કિશનસિંહ બેસી ગયા. વચ્ચે ત્રણેક દાયકા રિયાઝ રહ્યો ન હતો પણ એક મોટા સંગીતકાર સાથેસાદ્યંત સંગત કરી શક્યા. ત્યાગીઓ માટે મને માન છે પણ જે કલાકારો એમની કલા છોડી શકતા નથી એમના માટે વધુ માન છે અનેએમાંય સંગીતકારો માટે તો ખાસ.

કિશનસિંહ માટે માન હતું. એ સહુને ભેટતા. હું નમીને પ્રણામ કરતો. એમના લેખન માટેની આરંભિક મુગ્ધતા ઘટી ગઈ હતી પણ એમનાવ્યક્તિત્વ માટેની મુગ્ધતા અકબંધ રહી. એમણે રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદના મિલનનો એક પ્રસંગ 1928માં જોયેલો. એ વિશે 1936માંશાંતિનિકેતન જઈ કવિવરને પૂછેલું:

“આપ શ્રી અરવિંદને મળવા ગયા ત્યારે પ્રફુલ્લ હતા, હસતા હતા. પરંતુ મળીને પાછા ઊતર્યા ત્યારે આપની આંખો આંસુભીની હતી. આરહસ્યભેદ વર્ષોથી મારા અંતરમાં સમસ્યા બનીને બેઠો છે.”

ગુરુદેવે ઉત્તર આપેલો:

“જ્યારે શ્રી અરવિંદને મળવા ઉપર ગયો ત્યારે વર્ષોથી વિખૂટા પડેલા બંધુને મળવાના ઉત્સાહમાં મારું ચિત્ત હસતું હતું. આનંદ સમાતોનહોતો. જઈને બાથ ભરીને ભેટવા કેટલો ઉત્કંઠિત હતો તે હું જ જાણું છું. પણ ઉપર જઈને મેં જે જોયું તેનાથી હું ગંભીર થઈ ગયો. મારીસામે મારા બંધુને બદલે એક ભવ્ય જીવનવિભૂતિ બેઠી હતી. બાથ ભરવા ખુલ્લા થયેલા મારા બન્ને હાથ અંજલિ બનીને પ્રણમી રહ્યા. જેસહજ હતું તે જ થયું. એ જ કર્તવ્ય હતું. પાછો વળ્યો ત્યારે અહંકાર રડી ઊઠ્યો. માનવી રડી પડ્યો. પણ અંતરમાં બેઠેલો કવિ તો શાંતસ્મિતમાં સમાધિસ્થ હતો.”

કિશનસિંહ યોગી ન હતા, ભક્ત હતા પણ એમને જોતાં જ હાથ અંજલિ બનીને પ્રણમી રહેતા. એમને બાથમાં સમાવી શકનાર એમનામિત્રો ધન્ય છે, કેમ કે એક એવા માણસને ભેટતા રહ્યા હતા જેણે પૃથ્વીલોક સાથેનો હર્યોભર્યો પ્રેમસંબંધ છોડ્યા વિના વિકાસ સાધ્યો હતો, કાયાકલ્પની એક કલ્પના સાથે ભવિષ્યમાં પગ મૂક્યો હતો.