સાફલ્યટાણું/૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ'
સાબરમતી જેલમાંથી ગુજરાતના રાજકીય કેદીઓને બેત્રણ અઠવાડિયામાં બીજી જેલમાં મોકલવામાં આવતા. અગાઉ એ મુજબ મારે યરવડા જવાનું થયું હતું તો બીજા કેટલાકને નાસિક વગેરે જેલોમાં પણ મોકલ્યા હતા. આ વખતે પણ મોટા ભાગના કેદીઓને વીસાપુર જેલમાં મોકલવામાં આવ્યા. નિયત ક્રમમાં ત્રણેક અઠવાડિયામાં મારે પણ ત્યાં જવાનું થાત; પરંતુ મારી જેલબદલી થઈ નહીં. એ વખતે મેજર અડવાણી જેલ સુપરિન્ટેન્ડેન્ટ હતા અને શ્રી મુખેડકર જેલર હતા. જેલોમાં રાજદ્વારી કેદીઓ અને જેલતંત્ર વચ્ચેની કડીરૂપ બેત્રણ કેદીઓને સ્પોક્સમેન તરીકેની જવાબદારી સોંપાતી. એ પ્રમાણેની જવાબદારી મને લગભગ મારા જેલપ્રવેશથી જ અપાઈ હતી. જ્યારે જ્યારે કંઈક સંઘર્ષના પ્રસંગ ઊભા થયા ત્યારે એનો સુમેળભર્યો અંત આવતાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટને મારી જેલબદલી કરવાનું યોગ્ય લાગ્યું નહીં હોય. આમ છતાં હું વીસાપુર જવા ઘણો આતુર હતો. એનુ એક મોટું પ્રલોભન એ હતું કે ત્યાં જેલ પાસે એક તળાવ હતું, જેમાં કેદીઓને નહાવાની અને તરવાની છૂટ મળતી. વળી, ગુજરાતના મોટા ભાગના અગ્રગણ્ય કાર્યકર્તાઓનો ત્યાં જાણે કે મેળો ભરાયો હતો! જ્યારે સાબરમતી જેલમાં કાયમનો સાથ મળે એવા કોઈ મિત્રો મળતા નહીં. આથી મેં જેલર તેમ જ સુપરિન્ટેન્ડેન્ટને પણ વિનંતી કરી કે મને વીસાપુર મોકલવામાં આવે, પણ એનો મને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. સાબરમતી જેલમાં મારે સ્પોક્સમેન તરીકે રહેવાનું થયું એનો એક લાભ મને મળ્યો કે યરવડા જેલમાં મને જે દાંતની તકલીફ થઈ હતી તેની વાત મેં મેજર અડવાણીને કરી. એ ડૉકટર હતા એટલે એમણે કહ્યું કે વિટામિન ‘સી'ની ગોળીઓ નિયમિત રીતે લો તો સંભવ છે કે પર વડાનું પુનરાવર્તન નહીં થાય. મને મારા દાંતના ડૉકટરે પણ આવું જ કહ્યું હતું એટલે હું બહાર હતો એ દરમિયાન નિયમિત રીતે રોજ લીંબુનો રસ લેતો. મેજર અડવાણીને મેં આ વાત કરી એટલે તેમણે કહ્યું કે, ‘તમારા કોઈ સંબંધી તમને તાજાં લીંબુ મોકલે તો એને તમારે માટે હૉસ્પિટલમાં મુકાવવાની વ્યવસ્થા કરીશું. તમે એમાંથી જરૂર પ્રમાણે દ ૨૨ોજ લઈ શકશો.' આ સગવડ મળતાં મેં ઈન્દુબહેનને લખ્યું. તેમના તરફથી હું જેલમાં રહ્યો એ દરમિયાન નિયમિત રીતે દર અઠવાડિયે પૂરતાં લીંબુ મળતાં રહ્યાં. હું જેલમાં રહ્યો એ દરમિયાન મને થોડુંક ઑફિસનું કામ સોંપવામાં આવ્યું. એ કામ નિમિત્તે જેલમાં આવતા રાજદ્વારી નહીં એવા કેદીઓ પૈકી ખાસ કરીને ફાંસીની સજાવાળા કેદીઓની અરજીઓ લખવાનું કામ મને આપ્યું. આ કારણે ફાંસીખોલીમાં એ કેદીઓને મળવા જવાની મને છૂટ મળી. એ છૂટ મારે માટે ઘણી મૂલ્યવાન બની. ફાંસીખોલીમાં એ વખતે ભાઈ પરમાનંદ નામના આજીવન કેદની સજા પામેલા કામાગોટામારૂના એક મશહૂર ક્રાંતિવીર હતા. તેમનો પરિચય ઘણો પ્રેરક હતો. એમની ક્રાંતિની ખુમારી તેવી ને તેવી જ હતી. આશાવાદ ઘણો પ્રબળ હતો અને ફાંસીખોલીમાં રહેતા કેદીઓ માટે એ જાણે કિંમતની ઢાલરૂપ હતા. એમણે મને જણાવ્યું કે અહીંથી પડછંદ પઠાણોથી માંડી વામન દેખાય એવા ઘણાને એમની અંતિમ પળોએ એમણે વિદાય આપી હતી. એ બધાને છેવટની ઘડીએ ભાંગી પડતા અટકાવવા બનતું કર્યું હતું. એ સૌમાં ગુજરાતના ધારાળા જેવું વીરત્વ એમણે બીજા કોઈમાં જોયું નહોતું. કેટલાક તો ફાંસીના માંચડા સુધી પહોંચતાં પહેલાં જ ફસકાઈ પડતા અને તેમને ઊંચકીને માચડા પર ચઢાવવા પડતા. કેટલાકને જતાં જતાં શૌચ પણ થઈ જતો, પણ ધારાળા ફાંસીનો ગાળિયો પોતાના હાથે નાખવાનો આગ્રહ રાખતા. આ રીતે થોડાક વખત પહેલાં જેને ફાંસી દેવાઈ હતી એવા એકવીસેક વર્ષના બના છબા નામના એક જુવાનની એમણે વાત કરી. કેવી રીતે છેવટનું સ્નાન કરવા એને સાબુ આપ્યો, કેવી રીતે એની પાસે એના ઇષ્ટદેવનું સ્મરણ કરાવ્યું અને માંચડા તરફ કેવી ખુમારીથી એ ગયો હતો એની અહોભાવપૂર્વક એમણે વાત કરી. જે સાબુથી એને સ્નાન કરાવ્યું હતું એ સાબુ એમણે સાચવી રાખ્યો હતો. ફાંસીખોલીના મારા આ અનુભવોમાંથી ‘આંખ’, ‘ફાંસી’ આદિ કેટલીક વાતો મને સૂઝી. એમાંની કેટલીક મારા વાર્તાસંગ્રહોમાં સચવાઈ રહી છે. ફાંસીની સજા જેમને થઈ હોય તેમને માટે જેલમાંથી એ સજા સામેની કેદીઓની અરજી કરવાનું મારે ફાળે આવતાં, જેલના કારકુનોએ એ અરજી કેમ કરવી એની થોડીક માહિતી મને આપી. મારે માટે એ બધું તદ્દન નવું હતું. માનવતાની લાગણીઓ આપણે સામાન્ય રીતે ન કલ્પી શકીએ એવું ઘણું સુઝાડે છે અને કેદી પાસેથી પૂરી વિગતો મેળવી હું અરજી તૈયાર કરતો. જેલના કાકુનો પણ એનાં વખાણ કરતા. આ રીતે જે બે વર્ષ મેં સાબરમતીમાં ગાળ્યાં તેમાં જે અરજીઓ કરવાની મારે ફાળે આવી, તેમાંથી એક કેદી સિવાય બીજા ચાર નિર્દોષ છૂટી ગયા. આ રીતે છૂટેલા કેદીઓ મારી વિદાય લેતાં ગળગળા થઈ જતા. મને જાણવા મળ્યું કે ફાંસીની સજા કાયમ રાખતાં પહેલાં ઉચ્ચ કક્ષાએ અતિ ઝીણવટભરી અંતિમ ચકાસણી થાય છે. તેમાં શકનો લાભ મળતાં ઠીક ઠીક પ્રમાણમાં કેદીઓ નિર્દોષ બની છૂટી જાય છે. એટલે જે કેદીઓ છૂટી ગયા તે મેં તેમના વતી કરેલી અરજીને કારણે હતું એવું મેં એક ક્ષણભર પણ વિચાર્યું ન હતું. મેં એ અરજીઓ કેવળ ઔપચારિક જ લેખી હતી. અમારે બધાએ ‘બડા ચક્કર' તરીકે ઓળખાતા જેલના વૉર્ડમાં સાંજે બૅરેકમાં પુરાઈ સવાર સુધી આખી રાત ગાળવી પડતી. ઉનાળાના દિવસોમાં આ અસહ્ય હતું એટલે લાંબી વાટાઘાટને અંતે અમને બહાર ખુલ્લામાં સૂવાની સગવડ મળે એ માટે સુપરિન્ટેન્ડેન્ટને સ્પોક્સમૅન તરીકે હું સમજાવી શક્યો. આ બાબતમાં સગવડ થતાં મને વીસાપુર જવાની તક મળતી ન હતી તેથી થતો અસંતોષ ઓછો થયો. જેલમાં એ વખતે જેલર તરીકે મુખેડકર નામના એક સજ્જન હતા. તેમની બધા જ કેદીઓ ઉપર સારી છાપ હતી. એમની વાતચીતમાં અને કેદીઓ સાથેના વ્યવહારમાં ક્યાંય જેલતંત્રની કઠોરતાનો અંશ સરખો પણ ન હતો! એમના સ્મિતમાં, એમની અંગભંગીઓમાં માર્દવ અને સૌજન્યનાં જ દર્શન થતાં. મેજર અડવાણીનો દીકરો કોઈક પરીક્ષા માટે તૈયારી રહ્યો હતો. તેને અંગ્રેજીમાં દોરવણી આપવાનું કામ એમના કહેવાથી મેં થોડો વખત કર્યું. જેલમાં આ વખતે કમળાનો રોગ ફાટી નીકળ્યો. એ રોગનો ભોગ બનનાર કેદીનું શરીર તદ્દન પીળું પડી જતું. તેને થતી વેદના અસહ્ય બનતી. એવા કેદીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા અને ત્યાંથી પણ એમની વેદનાની ચીસ જેલમાં દૂર દૂર સુધી સંભળાતી. કમળાથી ઉપરાઉપરી થતાં મૃત્યુને લઈને જેલમાં ભયનું વાતાવરણ ફેલાયું. મેજર અડવાણી પોતે ડૉકટર હોઈ આ રોગ સામેના ઉપાયો શોધવામાં સતત મંડેલા રહ્યા. તેમણે એ માટે સાહિત્ય ભેગું કર્યું Infective type of jaundice નામે ઓળખાતો આ રોગ કયા કારણથી થાય છે એ અંગેની કોઈ માહિતી એને લગતાં પુસ્તકોમાં ન હતી. મેજર અડવાણીના જણાવ્યા મુજબ આ અંગે સંશોધન માટે એક રૉયલ કમિશન પણ નિમાયું હતું. તે પણ આના ઉપર કોઈ પ્રકાશ પાડી શક્યું ન હતું. ગમે તેવા હિંમતવાન માણસનું હૃદય ભાંગી નાખે એવા આ રોગમાં પટકાઈ પડનાર કોઈ ઊગરતા નહીં અને બધા રિબાઈ રિબાઈને મૃત્યુ પામતા. મેજર અડવાણીએ મને બોલાવીને જેલમાં કોઈ કેદી પાસે આનો કોઈ નુસખો હોય, કોઈ જંતર-મંતર હોય, દોરાધાગા હોય તો તે જાણી લાવવા વિનંતી કરી. તેમની પરેશાની એમની વાતચીતમાં અને એમના મુખ ઉપર સ્પષ્ટ વરતાતી હતી. એમનામાં રહેલા ડૉકટરે એમને લગભગ મરણિયા બનાવ્યા હતા. એવું ન હોત તો દોરાધાગાની વાત એ કેમ કરી શકત? હું પણ આ કાર્યને એક મિશન સમજી જેલમાં ઠેર ઠેર ભટક્યો. દોરાધાગા અને જંતરમંતરવાળા તો કોઈ મળ્યા નહીં, પણ એક કેદીએ કળથી નામના જંગલી તૂરિયા જેવા એક ફળની વાત કરી. જો એ ફળમાં રાતભર પાણી રખાય અને બીજે દિવસે એ પાણીના ઉપરાઉપરી નાસ લેવાય તો નાકમાંથી સતત પીળું પાણી પડવા માંડે અને કમળાનું ઝેર ઘટી જાય. આ વાત મેં જેલના ડૉકટરને કહી ત્યારે એમના કંપાઉન્ડરને એકાએક આવો કિસ્સો પોતાના ગામમાં બનેલો તે યાદ આવ્યો અને તેણે આ ઉપચારનું સમર્થન કર્યું. મેજર અડવાણીએ કંપાઉન્ડરને ગાંધીને ત્યાંથી કળથી મેળવવાનું સોંપ્યું. કમળાના દર્દીઓ તો બબ્બે ચાર ચાર દિવસે આવતા જ રહેતા. એ મુજબ જેના પર કળથીનો પહેલો પ્રયોગ થયો તે દર્દી બચી ગયો. આ પ્રયોગ સરળ ન હતો. એમાં નાકમાંથી જે પીળો અને ચીકણો પ્રવાહી પદાર્થ નીકળતો તેનાથી નૅપ્કિનો ભીના થઈ જતા. પથારી પણ બગડતી અને પીળી થઈ જતી. દરદી સખત પરેશાની અનુભવતો; પણ જેમ જેમ પીળો પ્રવાહી પદાર્થ નીકળતો જતો તેમ તેમ કમળાનું જોર ઓછું થવા માંડતું. એકાદ મહિનામાં દરદી લગભગ સાજો થઈ પાછો પોતાને સ્થાને જતો. આ પ્રયોગ પહેલાં દરદીને જે દવાઓ અપાતી હતી તે કળથીનો પ્રયોગ અજમાવાયો. તે સાથે પણ અપાવી ચાલુ કરી; પરંતુ આ રોગનું વારણ થઈ શક્યું તે કળથીને આભારી હતું તે વિશે મારા મનમાં શંકા રહી નહીં. સંજોગોવશાત્ હું પણ આ રોગમાં ઝડપાયો. સદ્ભાગ્યે બીજા કોઈ રાજદ્વારી કેદીઓ પર આની અસર થઈ ન હતી. એનું કારણ કદાચ એ હોય કે લાંબી સજાવાળા બધાની જેલબદલી થતી, માત્ર ટૂંકી સજાવાળા જ અહીં રહેતા. જ્યારે હું તો ઠીક ઠીક સમયથી અહીં જ હતો એટલે આ રોગનાં પ્રદૂષણો જેલના વાતાવરણમાં કે અન્ય કશામાં હોય તો એની અસરની સંભાવના બીજા મારા કોઈ સાથી કરતાં મારે માટે વિશેષ હતી. મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મેજર અડવાણીને ખબર પડતાં તરત જ તે મને જોવા આવ્યા. કળથીનું પાણી તૈયાર જ હતું. તેનો તેમણે તેમની હાજરીમાં જ મારી પર પ્રયોગ કરાવ્યો. એ ઈલાજ એટલો બધો તો ઉગ્ર હતો કે રોગ અને ઈલાજમાંથી વધુ ખરાબ કયું એ કહેવું મુશ્કેલ હતું. આમ છતાં જિજીવિષા એટલી તો પ્રબળ હોય છે કે માણસ ગમે તે વેઠીને મોતને ખાળવા પ્રયત્ન કરે એટલે ન છૂટકે આ પ્રયોગ મેં મારી જાત પર થવા દીધો. બે-એક દિવસમાં મને હિંમત આવી કે હું બચી જઈશ. મારે પૂરા બે મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ પછી મને ‘બડા ચક્કર'માંથી ખસેડી અંધારી નામે ઓળખાતી ‘છોટા ચક્કર’ નામની કોટડીઓમાં લઈ જવામાં આવ્યો. ત્યાં સામાન્ય રીતે જેલના કાયદાનો ભંગ કરનારા કેદીઓ કે ભયંકર લેખાય એવા કેદીઓને રાખવામાં આવતા, એ દરેકને એકેક ઓરડી અપાતી. મને એમાં રાખવા પાછળનો હેતુ એ હતો કે સમૂહમાં હું જો રહું તો બીજા કોઈને એનો ચેપ કદાચ લાગે. એવું ન બનવા પામે એ માટે મને સેપરેટ સેલમાં મૂક્યો. એમાં સુપરિન્ટેન્ડેન્ટની એ પણ ગણતરી હતી કે એ વખતે ધારવાડ જેલમાંથી આવેલા ડૉ. હાર્ડીકર અને હુકેરીકરને ત્યાં રાખવામાં આવ્યા હતા તેમના સાથમાં હું જલદી સાજો થઈ શકીશ. આ બંને કૉંગ્રેસના અગ્રગણ્ય કાર્યકર્તાઓ હતા. ડૉ. હાર્ડીકર હિંદુસ્તાની સેવાદળના સંચાલક હતા. હુકે ૨ીકર કર્ણાટકની પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના મહત્ત્વના હોદ્દેદાર હતા. પાછળથી તે મુંબઈ રાજ્યની વિધાનસભાના સ્પીકર બન્યા. એમનો મૂળ વ્યવસાય શિક્ષક તરીકેનો હતો અને ‘માસ્તર સાહેબ' તરીકે જ એ ઓળખાતા. આ બંનેનો સાથ મને મળ્યો એનો મને ઘણો આનંદ હતો. એ સાથે ત્યાં એક ત્રીજા કેદી પણ હતા. એ હતા ભાઈ ભગવાનદાસ. ભૂસાવળ બોમ્બ કેઈસમાં સજા મેળવી ૩૦ વર્ષને માટે એ જેલના સળિયા પાછળ હડસેલાયા હતા. મારા જેવા જ એ યુવાન હતા, ભાવનાશાળી હતા, હિંમતવાન હતા, કવિ હતા. એમની સાથે જોતજોતામાં મારો મનમેળ થઈ ગયો. આ સાથીઓ સાથે રહેવાનું થતાં મારી ક્ષિતિજો વધુ ને વધુ વિસ્તરી. ‘અંધારી'માં એક દિવસ એક જુવાન કલ્લોલ કરતો ચોકીદાર સાથે ઠઠ્ઠામશ્કરી કરતો દાખલ થયો. અમને જોતાં ‘ડાકટરસાહેબ સલામ, માસ્તર સાહબ ખુશ હો ન?' વગેરે સંબોધનથી એણે અમને વધાવ્યા. અમે નવાઈ પામ્યા અને મારાથી પુછાઈ ગયું, ‘અમને કેવી રીતે ઓળખ્યા?' એટલે એણે હસતાં હસતાં કહ્યું, ‘મારા ઘરમાં આવનારને હું નહીં ઓળખું? આ તો મારું ઘર છે. અહીંથી થોડા દિવસ પહેલાં હું ગયેલો ત્યારે મારા થાળી-પાટ માટે પોલીસને કહેતો ગયેલો.’ એની હકીકત એવી હતી કે અંગ્રેજીમાં જેને જેલનું પંખી કહેવામાં આવે છે તેવો એ jail bird હતો. એના માથા પર કાળી ટોપી હતી. જેલમાં ટોપીઓથી કેદીઓના પ્રકાર ઓળખાતા. સફેદ ટોપી હોય તો સામાન્ય કેદી. લાલ હોય તો જેલ તોડી નાઠેલો ભયંકર કેદી. પીળી હોય તો લાંબી સજાવાળો કેદી એ કાળી હોય તો ચોરીના ગુના માટે વારંવાર જેલમાં આવનાર ‘ડબલિયા’ તરીકે ઓળખાતો કેદી. અડધી લાલ અડધી પીળી હોય તો લાંબી સજાવાળો ભયંકર કેદી. આમ આ જુવાન ‘ડબલિયો' હતો. એનું નામ મહંમદિયો. એની વાતો ઘણી રસિક હતી. એ ચોરી કરતાં કેમ શીખ્યો તેની કરુણ કથા એણે ઘણા આવેગ સાથે કહી. સજા ભોગવી એ જ્યારે બહાર ગયો ત્યારે એ જાણતો હતો કે ફરીથી એને પાછા આવવું જ પડવાનું છે, કારણ કે પોલીસ સતત એના પર નજર રાખતી. કોઈ જગાએ જો એને નોકરી મળે તો કોઈ ને કોઈ રીતે એનો ભૂતકાળ એના શેઠ પાસે પહોંચતો અને નોકરીમાંથી તેને રજા મળતી. અહીંથી ગયા પછી એને લાગ્યું કે બહાર કરતાં જેલમાં એ વધુ સુરક્ષિત હતો એટલે એક દિવસ માણેકચોકમાં એણે એક સટોડિયાને રસ્તામાં આંતરી ‘તું મારો ભાઈબંધ. તું દહાડે ચોર, હું રાતે.' એમ બોલી તેના ગજવામાંનું ઘડિયાળ આંચકી લઈ ત્યાંથી નાઠો. પેલાએ બૂમ પાડી. પોલીસ પાછળ પડી. એને થાપ આપતો એ બીજે ક્યાંક ભાગ્યો પણ અંતે પકડાયો. એની સામે કામ ચાલ્યું અને જજે એને કેદની સજા ફરમાવી. સજા બહુ લાંબી ન હતી. ફરીથી આ નાટક કરવું ન પડે અને જેલમાં થોડું વધારે રહેવાય; અને તરત જ અંધારીમાં રહેવાનું મળે એ વિચારથી એણે જજને ગાળ દઈ કહ્યું, ‘બસ ઈતની કમ સજા દી?' એમ કહી એના પર ચંપલ ફેંક્યું. જજે એથી ફરમાવ્યું કે ‘આ ગુનેગાર ભયંકર છે અને એને જેલમાં બીજા કેદીઓ સાથે રાખવો નહીં.’ આમ આવતાં સાથે જ તે અમારો પડોશી બની ગયો. એને ચક્કી પીસવાનું કામ સોંપવામાં આવ્યું. એ કામ બપોર સુધીમાં તે પતાવી દેતો અને પછી ગપ્પાં મારતો અમારા યાર્ડમાં આમતેમ ફરતો રહેતો. બધા વૉર્ડરો અને પોલીસો સાથે એણે ભાઈબંધી કેળવી હતી એટલે તે બધા પણ એને છૂટથી હરવાફરવા દેતા. પરંતુ જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ એનો વિશ્વાસ કરતા ન હતા. એટલે અમારા યાર્ડની બહાર એને કોઈ પણ જગાએ જવા દેતા નહીં. દરરવિવારે ધાર્મિક પ્રવચન માટે એક હિંદુ પંડિત અને મૌલવી આવતા. એમાં પણ ‘મહમદિયા'ને જવાની રજા ન હતી. આથી દર સોમવારે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે કેદીઓનું નિરીક્ષણ કરવા અને તેમની ફરિયાદ સાંભળવા આવે ત્યારે ‘મહંમદે’ સાહેબને પોતે અરજ કરવા માગે છે એવું નોંધાવ્યું. એ મુજબ સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા ત્યારે તેમણે એને પૂછ્યું, ‘તારે શું કહેવાનું છે?' એણે કહ્યું, ‘સાહેબ, મને જેલમાં રાખ્યો છે તે સુધરવા કે બગડવા?' સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, ‘તારે ક્યાં સુધરવું છે? જો સુધરવું હોય તો કૉર્ટમાં કર્યું હતું એવું જંગલી વર્તન કરે ખરો? ‘મહમ્મદિયાએ કહ્યું, ‘એથી તો સાહેબ હું પૂછું છું કે મારે કદી સુધરવાનું નથી? મૌલવીસાહેબની વાએજ સાંભળું તો કદાચ સુધરી પણ જાઉં!' સુપરિન્ટેન્ડેન્ટે જેલરને કહ્યું કે, ‘આને આવતે રવિવારે મૌલવીસાહેબના વ્યાખ્યાનમાં પૂરા બંદોબસ્ત સાથે મોકલજો.’ એ મુજબ રવિવારે ખુશખુશાલ મિજાજમાં મહમ્મદિયો મૌલવીસાહેબની વાએજ સાંભળવા ગયો. મૌલવીસાહેબ વાએજ કરતા હતા એ દરમિયાન મહમ્મદિયાએ હાથ ઊંચો કર્યો એટલે મૌલવીસાહેબને થયું કે કોઈક જિજ્ઞાસુ શ્રોતા એમને મળ્યો છે. એથી એમણે કહ્યું, ‘હા ભાઈ, કહે તારે શું કહેવું છે?' મહંમદે ઊભા થઈ પૂછ્યું, ‘તું વાએજ કરે છે તે અમને સુધારવા કે રંજાડવા?' મૌલવી ‘તું’ કારાથી જરાક ચમક્યા અને બોલ્યા, ‘એવું કેમ કહે છે?’ મહંમદે કહ્યું, ‘તું કહે છે કે પાંચ દફે વજૂ કરો. પાંચ દફે નમાજ પઢો. તો યે ચાલીસ પાઉન્ડ આટા તેરા અલ્લામિયાં આકે પીસેગા?' અને એમ બોલી તે એલફેલ બોલતો ઝનૂને ચઢ્યો. વૉર્ડરો ને પોલીસોએ તેને પકડી લઈ થોડોક મેથીપાક ચખાડી એની ઓરડીમાં મૂક્યો. માસ્તર સાહેબે એને ઠપકો આપ્યો એટલે એ બોલ્યો કે, ‘હું કબૂલ કરું છું કે હવે હું રીઢો થયેલો બદમાશ છું; પણ શું હું માના પેટમાંથી આવ્યો ત્યારથી બદમાશ હતો? એ તે કયો ઈન્સાફ છે કે જન્મતાની સાથે એક છોકરાના મોંમાં સોનાની ચમચી મુકાય અને મારા જેવાના હાથમાં ખૂરપી મૂકી હુકમ થાય કે જાઓ ઘાસ નિકાલો? આ તો ખુદાની મરજી છે એમ કહી આ મૌલવીઓ એનો બચાવ કરે! એ બધાને તો દરિયામાં પધરાવી દેવા જોઈએ.’ અમે એને કહ્યું કે, ‘દુનિયામાં તો આવું ઘણું બધું ચાલે છે. એમની સામે માણસો લડતા તો રહ્યા છે પણ તેં યોજ્યો છે તે એનો ઈલાજ નથી.’ તેણે કહ્યું, ‘મારે તો જેલમાં ખુમારી સાથે રહેવું છે. મને કોઈક વખત ધમકી આપવામાં આવે છે કે ૩૦ ફટકા લગાવવામાં આવશે, એ પણ મારે જોઈ લેવું છે.' ડૉક્ટર સાહેબે, ભગવાનદાસે ને અમે સૌએ એને ઘણો સમજાવ્યો પણ એનું ઝનૂન કેમે કર્યું ઓછું થતું ન હતું. એના આ ગુના માટે એને બીજે દિવસે સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ ખડો કરવાનો હુકમ થયો. તે પહેલાં બીજે દિવસે એણે ચક્કી તોડી તેના ટુકડા કરી, હાથમાં ખૂરપી લઈ વૉર્ડરને પડકાર્યો; એટલે તરત જ ભયનો ઘંટ વાગવા માંડ્યો અને જેલર મુખેડકર અમારા યાર્ડમાં દાખલ થયા. એમને જોતાં જ મહમ્મદિયાએ બૂમ પાડી, ‘બુઢ્ઢા, તુમ મત આઓ. સર ફૂટ જાયેગા. મત જાઓ. મત આઓ.' તે એક હાથમાં પથ્થર અને બીજા હાથમાં ખૂરપી વીંઝતો રહ્યો. મુખેડકર સહેજ પણ ગભરાયા વિના નીડરતાથી સીધા એની નિકટ પહોંચી ગયા અને એનો હાથ પકડી કહ્યું, ‘બચ્ચા, ઐસા પાગલ ક્યું બન ગયા?’ મહમ્મદિયાએ ખૂરપી અને પથ્થર ફેંકી દીધાં અને કહ્યું, ‘બુઢ્ઢા, તુને મેરી જેલ બિગાડ દી.' આમે ય તેને આજે ગઈ કાલના ગુના માટે સુપરિન્ટેન્ડેન્ટ પાસે ઊભો કરવાનો હતો તેમાં આ નવા ગુનાનો ઉમેરો થયો. એના ખાટલા માટે જ્યારે સુપરિન્ટેન્ડેન્ટ પાસે પોલીસ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જેલ ડૉકટર મળતાં તેમણે તેને કહ્યું કે, ‘મહમ્મદિયા, તું કેમ જંગલી બને છે?’ તેણે કહ્યું, ‘દાદા, મુઝે અફસોસ યહ હૈ કિ ગુન્હા કિયા હૈ મૈને ઔર માર ખાયેગા યે!' એમ કહી એણે ઢગરાં તરફ હાથ વાળ્યો. એની આ વિનોદવૃત્તિથી ડૉકટરના મોં ઉપર પણ આછું હાસ્ય ફરકી ગયું. સુપરિન્ટેન્ડેન્ટે તેને ૩૦ ફટકાની સજા ફરમાવી. આ સજા સખત હોય છે. એ સજા કરવા માટે રોજ એક ડમી (પૂતળા) ઉપર ફટકા મારવાની વરદી એક સશક્ત કેદીને કરવી પડતી. આ કામ ખૂબ તાકાત સાથે કરી શકે એ માટે બીજા કેદીને અપાતા ખોરાક કરતાં એને વધુ સારો ખોરાક અપાતો. એ સજા વખતે ડૉકટરે, જેલર, સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસ પણ હાજર રહેતા. એ માટે કેદીને એક ત્રિકોણાકાર ઘોડી ઉપર બાંધવામાં આવતો અને ફટકા મારનાર એનાથી વીસ-પચીસ ડગલાં દૂરથી દોડતો આવી એના ખુલ્લા ઢગરાં પર જોરથી ફટકા લગાવતો. પહેલો જ ફટકો પડતાં કેદીને આંખે તમ્મર આવી જતાં. બીજા ફટકાને અંતે મહંમદે કહ્યું, ‘યે ક્યા બાત હૈ? યે બેકાનૂન ફટકા લગાતા હૈ!' સુપરિન્ટેન્ડેન્ટ અકળાયા, ‘ચૂપ રહો!' તે બોલ્યો,' કૈસે ચૂપ રહું? યે ક્યા લડકી પર ફટકા લગાતા હૈ?' એની આ પૃષ્ટતાથી ફટકા મારનાર પણ અકળાયો. તેણે પૂરી તાકાતથી ત્રીસે ત્રીસ ફટકા લગાવ્યા. આ સજા પછી કેદીમાં ચાલવાની પણ તાકાત રહેતી નથી અને સ્ટ્રેચરમાં નાખી હૉસ્પિટલમાં લઈ જવો પડે છે. મહંમદિયાએ સ્ટ્રેચર તરફ ધૃણાભરી નજર નાખતાં કહ્યું, ‘હમ અસ્પતાલ મેં નહીં જાયેંગે.’ એને વૉર્ડરો આવીને ખોલીમાં બંધ કરી ગયા. અમે આ ઘટનાથી ખૂબ ત્રાસ્યા. મહંમદના આ ઝનૂન પાછળ જગત માટેની કેવી નફરત એના દિલમાં હતી તેનો ખ્યાલ બેચેન કરે એવો હતો. આવા કેટકેટલા મહમ્મદિયાઓની યાતનાઓથી જગતના ઇતિહાસનાં પાનાંઓ પર લોહીનો છંટકાવ અનાદિકાળથી થતો રહ્યો છે! અને છતાં એ યાતના ચાલુ જ રહે છે! મારા યુવાન સાથી ભગવાનદાસનું જીવન મનુષ્યની શારીરિક અને માનસિક વેદના સહન કરવાના એક અવિસ્મરણીય આલેખ જેવું હતું. એની વિગતો તો પાંચ દાયકા બાદ આજે મને બહુ ઓછી યાદ છે. એમને ચક્કી વગેરેની વરદી આપવાનું આવ્યું હતું અને તે તો એમની ગણતરી બહારનું ન હતું. પરંતુ એમને જે માનસિક ત્રાસ વેઠવો પડ્યો હતો તે ગમે તેવા વજ્ર જેવાં સખત જ્ઞાનતંતુઓને પણ ભાંગી નાંખે એવો હતો. ભૂસાવળ બોમ્બ કેઈસમાં એમને સજા થઈ એ પહેલાં પોલીસ કસ્ટડીમાં કડી શોધવા અને ગુનાની કબૂલાત કરાવવા જાતજાતના અત્યાચારો થયા હતા; પણ એમાં પોલીસ સફળ થઈ શકી ન હતી. સજા થયા પછી સામાન્ય રીતે એ પ્રકરણનો અંત આવી જવો જોઈતો હતો; પરંતુ જેલમાં પણ અનેક રીતે એમના મનોબળને તોડવાના પ્રયત્નો થયા. શરૂઆતથી જ એમને બીજા કેદીઓથી ‘અંધારી'માં અલગ રાખવામાં આવ્યા હતા. ત્યાં એમને કોઈ પુસ્તક રાખવા દેવામાં આવ્યા નહીં. પત્રવ્યવહારની સામાન્ય કેદીઓને જે છૂટ મળે તે છૂટ પણ ગેરકાયદેસર રીતે છીનવી લેવાઈ હતી. બીજા કોઈ પણ કેદીને જોવાની કે મળવાની તક ન મળે એવી કોટડીમાં એમને રાખવામાં આવ્યા. ત્યાં સખત મજૂરીનું કામ એમને કરવાનું રહેતું. આનાથી પણ એમનું મનોબળ ભાંગ્યું નહીં, ત્યારે એમને ઊંઘવા નહીં દેવાનો અત્યાચાર કરવામાં આવ્યો. રાત્રે મોં ઉપર ટોર્ચ ફેંકી, નામથી બોલાવી, લાકડીથી ઢંઢોળી ને એવી જંગલી રીતોએ એમને ત્રાસ આપવામાં જેલસત્તાવાળાઓએ પાછું વાળીને જોયું નહીં. લેખનસામગ્રી તો અપાઈ ન હતી એટલે લેખિત ફરિયાદ કરી શકાય એવું ન હતું. નિયમ પ્રમાણે કેદીઓની કોઈ ફરિયાદ હોય તો તે સાંભળવા આવતા અધિકારીને એમનાથી દૂર રાખવામાં આવતા. આ અત્યાચાર જ્યારે માઝા વટાવી ગયો ત્યારે કાયદાથી કેદીને મળતી સ્વતંત્રતા અને સગવડની માગણી કરી. એ મેળવવા માટે એમણે આમરણાંત ઉપવાસ આદર્યા. પરિણામે જેલસત્તાવાળાઓને નમવું પડ્યું. એમને જેલમાં પુસ્તકાલયમાંથી વાંચવા માટે પુસ્તક મળે, તેમ જ નિયમ પ્રમાણે કાગળ લખી મેળવી શકે અને એકાંત કેદની સજા ભોગવવી ન પડે એવી સગવડ અપાઈ. જેલતંત્રને આમ નમવું પડ્યું એનું એક કારણ જેલમાં સત્યાગ્રહી કેદીઓનો ભરાવો થવા માંડ્યો એ પણ હતું. આપણા ક્રાંતિકારી નવલોહિયાઓએ જેલમાં કેવા કેવા અત્યાચારો વેઠ્યા હશે, અને એ વેઠતાં કેટલાએ પોતાના જાન ગુમાવ્યા હશે એની પૂરી માહિતી તો ભાગ્યે જ લોકો સુધી પહોંચી હશે. ભગવાનદાસ પર જે કંઈ વીત્યું હતું તે અમારા મનને સ્પર્શી ગયું. અમને થયું કે હિંસક ક્રાંતિના માર્ગમાં જે પ્રચંડ વિઘ્નો ને યાતનાની ઝીંક ઝીલવી પડતી હતી તેના પ્રમાણમાં અહિંસક ક્રાંતિનો માર્ગ કેટલો વધુ સરળ અને શીઘ્ર પરિણામગામી હતો! હિંસક ક્રાંતિના નેતાઓ સાથે જેલમાં સમાધાનની વાટાઘાટ આપણે ત્યાં કે અન્યત્ર લાગતીવળગતી સરકારોએ કરી હોવાનું ભાગ્યે જ બન્યું હશે. આપણે ત્યાં તો યકર સપ્રુની વિશિષ્ટથી માંડી ઠેઠ ૧૯૪૫ સુધી સરકાર તરફથી સમાધાન માટેની ભૂમિકાઓ શોધાતી જ રહી હતી. અહિંસા સિવાય બીજા શાને એ આભારી હતું? ભગવાનદાસને સાહિત્ય, સંગીત, કલાનો ઘણો શોખ હતો. અમને બંનેને એકબીજાને લઈને જેલમાં સાહિત્યચર્ચાની અણધારી તક મળી ગઈ. મને લેખનસામગ્રી મળી હતી. એને લઈને સાબરમતી જેલમાં ‘અર્ધ્ય’નાં મારાં કેટલાંક કાવ્યો અને ‘ગાતા આસોપાલવ’, ‘તૂટેલા તાર' અને ‘સ્વર્ગ અને પૃથ્વીની’ લગભગ બધી જ વાતો મેં લખી. ભગવાનદાસ સાથે રોજ સાંજે આંટા મારતાં અમે જે ચર્ચા કરતા તેમાંથી અણધારી રીતે મને વાર્તાનું વસ્તુ મળી જતું. બીજે દિવસે મળસકે વહેલા ઊઠી પોલીસની મહેરબાનીથી મારી બંધ ઓરડીની બહાર મુકાયેલા હરિકેનના પ્રકાશથી હું વાર્તા લખતો ને ભગવાનદાસને સંભળાવતો. એમના તરફથી મળતી પ્રેરણા મને નવી વાતો લખવા પ્રેરતી. એ જ પ્રમાણે ‘’ તેમ જ ‘સિરતાનું ગાન’ આદિ કાવ્યો પણ જેલમાં લખાયાં. ‘’ કાવ્યમાંનું છંદ વૈવિધ્ય ભગવાનદાસ સાથેની ચર્ચાને આભારી હતું. ભગવાનદાસ પોતે પણ સરસ કાવ્યો લખતા. સંસ્કૃતમાં પણ લખતા. જેલમાંથી મારે છૂટવાની તારીખ નજીક આવતી હતી તે દરમિયાન મારે અંગે એમણે સંસ્કૃતમાં નીચે પ્રમાણેના શ્લોક લખ્યા: જેલમાંથી હું બહાર આવ્યો તે પછી એમની સાથેનો સંપર્ક તૂટી ગયો! એમને ફરીથી મળવાનું બની શક્યું નહીં. પ્રાંતીય સ્વરાજ્ય આવ્યા પછી બીજા બધા જ રાજદ્વારી કેદીઓ સાથે એ પણ છૂટ્યા હતા એવી મને માહિતી મળી હતી, પણ એમનો સંપર્ક સાધી શકાયો નહીં. ઝાંસીનું એમનું સરનામું મારી પાસે હતું ત્યાં મેં પત્ર લખ્યો; પણ તે અનુત્તર રહ્યો એટલે એમનું ઠેકાણું હું મેળવી શક્યો નહીં. આમ છતાં જે થોડો સમય એમની સાથે મને જેલમાં ગાળવા મળ્યો તે મારે માટે ઘણો આનંદભર્યો અને પ્રેરક હતો. ભગવાનદાસની જેમ ડૉ. હાર્ડીકર અને હુકરીકરનો સાથ પણ મને નવી નવી માહિતીઓ આપનારો અને અનુભવનાં નવાં ક્ષેત્રો દાખવનારો બન્યો. સ્વભાવે બંને સૌમ્ય અને તે સાથે સરલ હતા. હુકરીકરમાં તો બાળકના જેવી નિર્દોષતા અને મુગ્ધતા હતી! ડૉ. હાર્ડીકરમાં હિંદુસ્તાની સેવાદળના સંચાલકમાં કલ્પી શકાય એવી દૃઢતા અને ગંભીરતા હતી. એમના સાથમાં મને ઘણું નવું જાણવાનું મળ્યું. આમ વિવિધ અનુભવોથી ભરેલાં જેલનાં મારાં બે વર્ષ પૂરાં થવા આવ્યાં. દરમિયાન મારા કુટુંબમાં પણ કેટલાક મોટા બનાવો બની ગયા. મારા ભાઈ ગુલાબભાઈએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યું. એ વખતે આવાં લગ્નો ક્વચિત જ થતાં અને ઉભયપક્ષનાં કુટુંબીઓના સાથ વિના એ કરવાં પડતાં. બહેન સુવર્ણા સુરતનાં કાયસ્થ. એમના દાદા સ્વ. ન્હાનાભાઈ હરિદાસ પહેલા હિંદી હાઈકોર્ટ જજ હતા અને પિતા ઍડવોકેટ હતા; પણ એમની નાની વયમાં જ તે ગુજરી ગયેલા. લગ્ન વખતે સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ગણિતના વિદ્યાર્થિની તરીકે એ બી. એ.માં અભ્યાસ કરતાં હતાં. એ વિષયમાં માર્ગદર્શનની એમનાં માતુશ્રીને જરૂર લાગતાં પ્રિન્સિપાલ એન. એમ. શાહની સલાહથી ગુલાબભાઈને એ કામ સોંપાયું. પરિચય મૈત્રીમાં પરિણમ્યો અને મૈત્રી લગ્નમાં. લગ્ન સુરતમાં થઈ શકે એમ ન હોઈ એ બંને જણાં નવસારી મારી બહેન પાર્વતીને ત્યાં ગયાં. ત્યાં ડૉ. ખંડુભાઈએ એમનાં વૈદિક વિધિથી લગ્ન કરાવ્યાં. નવસારી પહોંચતાં પહેલાં ગુલાબભાઈએ કાશીબાને સમાચાર પહોંચાડ્યાં કે લગ્ન માટે તે નવસારી જાય છે. કાશીબાએ એમની એક બહેનપણીને આ ખાનગી વાત કહી અને તે નવસારી જવાની તૈયારી કરતાં હતાં ત્યાં અમારા ગામમાં એ વાત ફેલાઈ ગઈ. અમારા નાતીલાઓ ને ગામલોકો કાશીબાના ઘર હલ્લો લઈ આવ્યા ને મીઠો ઝઘડો કર્યો. જાણે ચીખલીથી જાન નીકળી હોય એ રીતે અમારા ઘણા સંબંધી ખાસ બસમાં નવસારી ગયા. ગામલોકોએ જે સૌજન્ય દાખવ્યું તે કાશીબાના લોકો સાથેના ઉમદા વ્યવહાર અને મીઠા સંબંધને આભારી હતું. આ સમાચાર જેલમાં મળતાં મને ઘણો આનંદ થયો. ડૉ. ખંડુભાઈએ પણ લડતમાં ઝંપલાવ્યું હતું અને જેલ નિમંત્રી હતી. વિજયાએ મીઠુબહેનની છાવણીમાં રહી મનિષેધ અને વિદેશી કાપડના બહિષ્કારનું કામ કર્યું અને કસ્તુરબાના હિંદી પત્રવ્યવહારની પણ અવારનવાર જવાબદારી સંભાળી. ભાઈ ગુલાબભાઈએ સુરતથી સ્થળાંતર કરી મુંબઈમાં કલીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની જવાબદારી લીધી અને ખેતવાડીમાં આવેલા ઝવેરી બિલ્ડિંગમાં રહેવાનું રાખ્યું. અ.સૌ. સુવર્ણા વિલ્સન કૉલેજમાં દાખલ થઈ. તેનો થોડા વખત માટે સુરત સાથેનો સંપર્ક તૂટી ગયો. ગુલાબના સ્થળાંતરને કારણે વિજયા પણ તેની સાથે મુંબઈ ગઈ અને જેલમાંથી છૂટી હું સુરત જાત તેને બદલે હવે મારે મુંબઈ જવાનું થયું. ત્યાં જઈ હું શું કરીશ ને ફરીથી ક્યારે આ યાત્રાએ આવીશ એના કોઈ સ્પષ્ટ ખ્યાલ વિના સાબરમતી જેલની મેં વિદાય લીધી.