સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અસલનેરનાં નૂર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અસલનેરનાં નૂર

ગજવીએ ગાઈ ઉચ્છલત ઉર
અમારા અસલનેરનાં નૂર
હિંદુ, જિન, મહમ્મદી, પારસી
કરી જુદાઈ ફૂલ,
બને જ્યાં એક-દૂધ મનુકુલ! ૫
— અમારા અસલનેરનાં નૂર. ગજ૦
નથી જ્યાં દોલત કેરા છાક,
નથી જ્યાં સત્તામદ નાપાક,
નથી જ્યાં રંક નર્યા હેવાન,
નથી જ્યાં દુર્બળ કેવળ બાન, ૧૦
વિદ્યા, તપ, આતમ-બળને જ્યાં
પૂજે રાજા રંક,
ભિલ્લ ઘાતકી બન્યા મહર્ષિ,
મ્‌હાર બન્યા જ્યાં સંત,
— પળાયા જેહ તણા ઉપદેશ ૧૫
વેદના દૃષ્ટાથીય વિશેષ! ગજ૰ હિંદુ૰ અમા૰ ગજ૰
કુટુમ્બો જ્યાં ત્રણ પેઢી સંઘ
ભજે ભવયાત્રા તાપસ-ઢંગ,
મહાજનની જ્યાં મીઠી આણ
ધરે શિર મજૂર, શેઠ, પ્રધાન; ૨૦
શહેર આછાં છે જ્યાં સાદાં,
કુદરત નૂર ભરેલ,
ગામ અસંખ્ય વિષે જ્યાં વિદ્યા-
કસબ કલાની રેલ,
મનુનો મધપૂડો પ્રાચીન, ૨૫
સનાતન સાત્ત્વિકરસલયલીન. ગજ૰ હિંદુ૰ અમા૰ ગજ૰

સ્વાધ્યાય

૧. અસલનેરમાં મનુકુળ એક-દૂધ કેવી રીતે બને છે?
૨. અસલનેરની સમાજસ્થિતિ વર્ણવો.
૩. અસલનેરનાં શહેરો અને ગામોનું વર્ણન કરો.
૪. આ કાવ્ય મોઢે કરો.