સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બળવન્તરાય ઠાકોર
[‘અસલનેરનાં નૂર’ શ્રી. બળવન્તરાય ક. ઠાકોરનું એક જાણીતું કાવ્ય છે. અસલનેર શબ્દ એમણે પોતે યોજ્યો છે — અમલનેર, બિકાનેર, ચાંપાનેરની જેમ, એનો અર્થ અસલનો અથવા પ્રાચીન, પુરાતન દેશ. એ આખું કાવ્ય આપણા હિન્દ દેશને લાગુ પડી શકે એમ છે. દુનિયાના જૂનામાં જૂના દેશમાંનો એ એક. સૌથી જૂના દેશ મિસર, બૅબિલોન, ચીન, ક્રીટ અને હિન્દ. એમાં જૂનાં મિસર, બૅબિલોન અને ક્રીટ તો ક્યારનાં નાશ પામ્યાં. વળી પાછળથી ઊભાં થયેલાં પ્રાચીન ગ્રીસ, રોમ વગેરે પણ નાશ પામ્યાં. પણ ચીન અને હિન્દ હજુ જીવે છે એટલું જ નહિ, પણ એમના જીવનમાં ફરીથી નવજીવનની ભરતી આવતી દેખાય છે. એવા આપણા એ અસલ વતનની જયગાથા ગગન ગજાવતા સૂરે, ઊછળતા ઉરે ગાવા કવિ આપણને ઉદ્બોધન આપે છે. અને એ માદરેવતન માટે ઉમળકો કેમ ન આવે? કારણ કે, સગા ભાઈની જેમ એમાં જુદી જુદી કોમો એકસંપથી રહે છે; સત્તા, દ્રવ્ય, ગરીબાઈ અને દુર્બળતાનાં અનિષ્ટોથી એમાં લોકો મુક્ત છે. અને એનો ભૂતકાળ તો જુઓ! કેવો ગૌરવપૂર્ણ અને તેજસ્વી છે! જ્યાં તેના જ્ઞાનના તેજથી મુગ્ધ બની રંક ભિક્ષુકના ચરણો રાજા સેવતા આવ્યા છે, જ્યાં વાલ્મીકિ જેવા ભિલ્લ મહર્ષિપદને પામી લોકોના પૂજ્ય બની શકે છે, જ્યાં રહીદાસ જેવા મહાર તેમની ભક્તિને કારણે સન્ત તરીકે પૂજાય છે, એવા એ ભૂતકાળના ગૌરવથી ભરેલા દેશમાં સમાજવ્યવસ્થા પણ કેવી આદર્શ છે! જ્યાં મહાજનની-લોકસત્તાની મીઠી આણ સહુ કોઈ, ગરીબ કે તવંગર, અમીર કે ફકીર, માથે ચઢાવે છે, જ્યાં આછાં શહેરો અને અસંખ્ય ગામોમાં વિદ્યા, કળા અને કસબની રેલ છલકાઈ રહી છે, એવો આ આપણો પુરાતન દેશ તો ખરેખર માનવ-રૂપી ઉદ્યોગી, સંપીલી મધમાખોથી ભરેલો સંસ્કૃતિનો રસ-છલકાતો, સાત્ત્વિક મધપૂડો જ છે! આપણા દેશ માટે આવા ઉચ્ચ આદર્શની ભાવના સેવતું આ કાવ્ય એની પ્રત્યેક પંક્તિમાં ઊંચા પ્રકારના કાવ્યતત્ત્વથી ભર્યું છે. એનું વારંવાર ગુંજન એ જ એના માધુર્યના આસ્વાદ માટેનો સરસ માર્ગ છે. ૫. એક-દૂધ મનુકુલ — માનવજાત જ્યાં ‘એક-દૂધ’ બને છે. ‘એક-દૂધ’ એટલે એક જ માતાનું દૂધ પીનાર સગાં ભાઈબહેન. એટલે મનુષ્યો જ્યાં સગાં ભાઈબહેનની જેમ સંપ અને હેતથી રહે છે. અહીં માતૃભૂમિને માતા તરીકે સમજવાની છે. ૯. રંક નર્યા હેવાન -— ગરીબાઈ જ્યારે મનથી સ્વીકારી હોય છે ત્યારે પરમ સદ્ગુણ બને છે, પણ જ્યાં આવી પડી હોય છે ત્યાં માણસને કેટલીક વાર નર્યા પશુ જેવો જંગલી બનાવી દે છે. જેમ કે, ખૂબ ગરીબ લોકોમાં છાકટાપણું, ચોરી વગેરે જે જોવામાં આવે છે તે તેમની ગરીબાઈએ તેમનામાં જન્માવેલું પશુપણું છે. અસલનેરમાં રંક લોક છે, પણ તે આવા પશુપણાથી મુક્ત છે. ૧૦. બાન – ગુલામ, દાસ. સામાન્ય રીતે, યુદ્ધમાં પકડાયેલા કેદી જેમને ગુલામ બનાવવામાં આવ્યા હોય, તે બાન કહેવાય છે. ૧૭. દૃષ્ટા– જોનાર, ઋષિ. વેદના ઋષિઓએ સત્ય જોયું અને સુન્દર, પ્રતિભાભરી વાણીમાં તે વ્યક્ત કર્યું એથી તે દૃષ્ટા કહેવાયા. આજે પણ રવિબાબુ જેવા મોટા કવિ માટે દૃષ્ટા શબ્દ વાપરી શકાય. ૨૭. સાત્ત્વિકરસ-લયલીન – આ સમાસ મધપૂડાના વિશેષણ તરીકે વપરાયો છે. એ મધપૂડો તે અસલનેર. આ આખા સમાસમાં પ્રત્યેક વિશેષણ સાભિપ્રાય વપરાયું છે. સાત્ત્વિક શબ્દ હૃદયના ગુણને વ્યક્ત કરે છે. સત્ત્વ, રજસ અને તમસ એવા વસ્તુના સ્વભાવના ત્રણ અંશ કલ્પ્યા છે, એમાં સત્ત્વ સૌથી ઉત્તમ. અસલનેર સાત્ત્વિક છે, તેમ રસથી ભરપૂર છે. રસ શબ્દ સાહિત્ય, કલા અને આત્માની સુન્દરતા વ્યક્ત કરે છે. લય શબ્દ સંગીતનું સૂચન કરે છે, અને લીન શબ્દ એકાગ્રતા અથવા તલ્લીનતા સૂચવે છે. એટલે કે અસલનેર-રૂપી અમારો મધપૂડો સાહિત્ય, કલા, આધ્યાત્મિક સુન્દરતા આદિ સાત્ત્વિક ગુંજનથી ભરી દેતી આદર્શ જનતા-રૂપી મધમાખીથી ભર્યો છે. આવાં સહેતુક વપરાયેલાં વિશેષણો કાવ્યના આત્મારૂપ હોય છે.]