સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ટેક ન મેલે રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. ટેક ન મેલે રે

બ્રહ્માનંદ

ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી;
ત્રિવિધ તાપે રે, કદી અંતર ડોલે નાહીં.

નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી;
કાળ કરમની રે શંકા દેવે વિસારી.

મોડું વહેલું રે નિશ્ચે કરી એક દિન મરવું;
જગસુખ સારુ રે, કદી કાયર મન ના કરવું.

અંતર પાડી રે સમજીને સવળી આંટી;
માથું જાતાં રે મેલે નહિ તે નર માટી.

કોઈની શંકા રે કે દિ મનમાં નવ ધારે;
બ્રહ્માનંદના રે વહાલાને પળ ન વિસારે.