સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નાણું આપે નરભો રે

નાણું આપે નરભો રે

નરભેરામ

નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠ બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા. ટેક

કપટી કેશવ જાણત તો શાને આવત પચાસ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટે મળવા ધસ્યું મન.
દરશન દોને રે દૂર કરી પાળા. નાણું૦

ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ;
પાઘડી ભાળી, છાપ ખાળી, છબીલા, પરીક્ષા તો એવી કરી.
સમસ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા. નાણું૦

હારો છો જનથી, નથી હરવતા, માટે હરિ હઠ મેલ,
કહે નરભો છોટાલાલ પ્રતાપે, નથી એ તલમાં તેલ.
લેવાનું મુજ પાસે રે હરિ હરિ જપમાળા. નાણું૦

સ્વાધ્યાય

૧. નરભેરામે શી રીતે કૃષ્ણને ઊધડા લીધા?
૨. ‘દ્વારકાની છાપ’ એટલે? અત્યારે આપણે એ પ્રયોગ આજના જમાનાની બીજી કઈ છાપ માટે કરીએ છીએ?
૩. ‘નથી એ તલમાં તેલ’ એટલે?