સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વારી જાઉં રંગ બજાણિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. વારી જાઉં રંગ બજાણિયા

અખો

વારી જાઉં રંગ બજાણિયા, તેં તો ભલો ભજાવ્યો ભેખ;

સ્થાવર જંગમ જોતાં જૂજવો, અંતર વસ્તુ એકની એક.
વારી૦


પ્રથમ પડદો માયાનો રચ્યો, માંહે પ્રગટાવ્યા પંચે ભૂત;

આડે આવરણ છાયો અંગમાં, લાવ્યો લખચોરાશી રૂપ.
વારી૦


ગગન ઘર રચ્યું વણ થંભનું, માંહે ચીતર્યા ચૌદ માળ;

વિશ્વરૂપે વસ્યો વિઠ્ઠલા, તેની ભણ્યા ભૂલી ગયા ભાળ.
વારી૦


ચાર જુગની રૂડી રજની, ધર્યા દીપક બે શશી સૂર્ય;

ખટ દર્શને ખેલ મચાવિયો જોતાં જુગતું ભરપૂર.
વારી૦


બ્રહ્માને મોટા ઠરાવિયા, શ્રુતિ સ્મૃતિ પૂરે શાખ;

બાળને બીક (જ્યમ) બાઉની, તેમ જીવ પડ્યા વાક્ય-જાળ.
વારી૦


સાત સાગર ભર્યા નીરના, રેંટચક્ર ફરે વાયુવેગ;

નવસેં નવ્વાણું નદીની નીકમાં, ઉપર સીંચતો માળી મેઘ.
વારી૦


રંગઢંગ તારા શું કહું, નહિ નંદવા ઠાલું ઠામ;

એવું લહી અખો લવતો રહ્યો, જોતાં સઘળે સરખો રામ.
વારી૦

સ્વાધ્યાય

૧. ભક્તનાં લક્ષણ કહો.
૨. અવળવાણી એટલે શું? અખામાંથી તેમ જ બીજા કોઈ દાખલા આપો.
૩. બજાણિયે કેવો વેશ ભજવ્યો છે તે સમજાવો.