સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માનીતી તું છે મોહન તણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. માનીતી તું છે મોહન તણી

દયારામ

માનીતી તું છે મોહનતણી, હો વાંસલડી રે,
તુને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે, હો વાંસલડી રે.
મીઠો આવડો શો સોહોર, મોહ્યો નંદકિશોર, હો વાંસલડી રે
તારું આવડું શું જોર, ભૂંડી કાલજડું મા કોર રે, હો વાંસલડી રે.
પીએ અધરામૃત પિયુ તણું, હો વાંસલડી,
હમારે શોક સરીખું તું સાલ રે, હો વાંસલડી.
વાજી વાજીને વીહ્વલ કર્યાં, હો વાંસલડી,
તું તો પીડે હમારા પ્રાણ રે, હો વાંસલડી.
ઝેર ઘણું છે તારી ઝપટમાં, હો વાંસલડી,
ભલા તુંથી ભાલા તલવાર રે, હો વાંસલડી.
એકી વારે તું હણી નાંખની, હો વાંસલડી,
ઓ ભૂંડી, થોડે થોડે ના માર રે, હો વાંસલડી.
વન વન કુંજ કુંજ ફેરવ્યાં તેં, હો વાંસલડી,
તેં તો સહુની કરી છે એવી ગત્ય રે, હો વાંસલડી.
જોતાં તું કાષ્ટ તણો કરકડો, હો વાંસલડી,
તુંને આજ મળી છે ઠકરાત, હો વાંસલડી.
ચોરની સંગે શીખી ચોરવા, હો વાંસલડી,
વહાલે માખણ ચોર્યું ને તેં તો મન રે, હો વાંસલડી.
માન ન રાખ્યું માનની તણું, હો વાંસલડી,
તેં તો સહુને કર્યાં પાયમાલ રે, હો વાંસલડી.
દયાના પ્રીતમની દાસી તું ખરી, હો વાંસલડી,
તેડે સહુને બેઠી તું તો ઠામ રે, હો વાંસલડી.