સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વ્રજ વહાલું રે

૩. વ્રજ વહાલું રે

દયારામ

વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,

મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું!
વ્રજ૦


સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,

એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી.
વ્રજ૦


ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,

વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં.
વ્રજ૦


સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,

મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું.
વ્રજ૦


ગુરુબળે ગોકુળવાસી થઈશું,

શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું.
વ્રજ૦