સિગ્નેચર પોયમ્સ/પરિચય છે મંદિરમાં – શૂન્ય પાલનપુરી

પરિચય છે

શૂન્ય પાલનપુરી


પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી,
અરે! ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી;
સભાને ભલે હોય ના કૈ ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

મેં લ્હોંયા છે પાલવથી ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું.
ઊડી ગઈ છે નીંદર ગગન સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા!
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બુદબુદા ઓળખે છે.