સોનાની દ્વારિકા/ત્રણ

ત્રણ

ગાલમાં ઊંડા ખાડાવાળો ઉકો મોટી ઉંમરે પરણ્યો. એની વહુ રામી એના કરતાં ઘણી નાની. દેખાવમાં વાણિયાબામણનેય ટપી જાય એવી. લોક વાતો કરે કે કાગડો દહીંથરું લઈ ગયો. રામીનું સગપણ એક ઠેકાણે કરેલું, પણ વર બાંઠકો હતો. રામીએ ચોખ્ખી ના ભણી દીધી. દસ વરસ રાખેલું એ સગપણ ‘નથી જોતો.... નથી જોતો…’ નશેડી નશેડીને એણે જાતે જ તોડી નાંખ્યું ત્યારે બધાંએ એનો કેડો મૂકેલો. રામી ઉકાની ઊંચાઈ ઉપર વારી ગયેલી. એની માને ઉંમરનો બાધ હતો. એ કહે કે ‘અટાણે તો બે-પાંચ વરહ ખબર્ય નંઈ પડે. પણ પસેં ઈના ઘડપણને આ તારી જોવનાઈ ચ્યમની જીરવશે?’ રામી એકની બે ન થઈ. ઉકાનું ઘર માંડ્યે જ છૂટકો કર્યો. ઉકાનો એકનો એક દીકરો એટલે તુલસી. વાસના બધાં એને રામીનો તળશ્યો જ કહે. તળશ્યો ભણ્યે હોશિયાર. ગણિતમાં તો એવો પાકો કે ન પૂછો વાત. બેય માણસે કેટલીય બાધાઆખડી કરી ત્યારે ઘણે વરસે એનું મોઢું ભાળ્યું હતું. નિશાળમાંથી મફત આપેલો યુનિફોર્મ-વાદળી ચડ્ડી ને ધોળો બુશકોટ, એ તુલસીની ઓળખાણ. ઝાડ ઉપર ચડવામાં એક્કો. ખિસકોલીની જેમ બધે ફરી વળે. આખો ઉનાળો તળાવની પાળે લીમડા કે વડના ઝાડ ઉપર ને આસપાસ તુલસીની ટોળકી ભમ્યા કરે. ચડ્ડીનાં બેય ખિસ્સાં લીંબોળી કે ટેટાંથી ભર્યાં હોય. એની મા રામીએ તુલસીના જન્મ પહેલાં જોડાંની બાધા લીધેલી. કાળે ઉનાળે પણ દાડિયે કે સીમમાં લાકડાં કાપવા-વીણવા જવાનું હોય એ ઉઘાડેપગે વગડો ખૂંદે. પગ તો એવા થઈ ગયેલા કે કાંટાકાંકરાનેય ગણકારે નહીં. ‘મારા તળશ્યા હાટે તો હું જીવ કાઢી દઉં.’ એમ કહેનારી મા સાવ આમ છેલ્લે પાટલે બેસી જશે ને આવાં ચળિતર કાઢશે એની તો કોને ખબર હોય! તુલસીને આંખો અને રૂપ માનું અને દેહની કાઠી બાપની મળી હતી. દેવના ચક્કર જેવા દીકરા તુલસીને અને મરતાંને મેરેય ન કહે એવા ઉકાને ઊંઘતો મૂકીને માથે રાત લઈને નીકળી ગઈ. ક્યાં ગઈ અને શું કામ ગઈ, એની બીજા કોઈને તો શું પણ બાપદીકરાનેય ખબર ન પડી. એમ સમજોને કે રામીને દિશાઓ જ ગળી ગઈ! હાહાકાર થઈ ગયો. ઘરમાં ન કોઈ કજિયો ન કંકાસ. રાત્રે ઉકો બહાર ફળિયામાં લીમડા હેઠે સૂતો હતો. સાત-આઠ વરસના તુલસીને લઈને રામી અંદર ઢાળિયામાં સૂતી હતી. હજી પણ તુલસી એની મા ભેગો જ સૂતો. વહેલી સવારે પંખીઓનો કલબલાટ થયો ને ઉકાની આંખ ઊઘડી. જાગીને બીડી પીતાં પીતાં જોયું તો ઢાળિયામાંથી બિલાડી નીકળી ને વાડા બાજુ દોડી ગઈ. ‘નક્કી આ રાંડ મારા સોકરાનું દૂધ પી જઈ હશ્યે.’ — કહેતો ઉકો ધીમી ચાલે અંદર ગયો, તો સાચે જ બિલાડીએ દૂધ ઢોળી નાખ્યું હતું. છાણમાટીની ગાર્યમાં બધું અંદર ઊતરીને શોષાઈ ગયું હતું. પણ આ શું? ટૂંટિયું વળીને એકલો તુલસી પથારીમાં સૂતો હતો. આખા સંસારનો ડૂચો વાળીને મૂક્યો હોય એમ રામીનું ગોદડું ડામચિયા ઉપર પડ્યું હતું. તો રામી ક્યાં? ઉકાને હૈયે શેરડો પડ્યો. થયું કે કદાચ પાછળ વાડામાં ગઈ હશે, હમણાં આવશે. પણ, ઘણી વાર થઈ એટલે ઉકો વાડામાં ગયો. વાડામાં તો કોઈ નહોતું. પાણીનું પીપડું જાણે ઊભું ઊભું દાંત કાઢતું હતું. ઉકાએ મન મનાવ્યું કે આટલામાં, વાસમાં જ ક્યાંક ગઈ હશે. થોડી વાર થઈ ત્યાં તો માથું ખજવાળતાં ખજવાળતાં તુલસીએ સવાલ કર્યો: ‘માડી ચ્યાં જઈ?’ ઉકો એને શું જવાબ આપે? એના હૈયામાં કંઈક અમંગળ બની ગયાનાં એંધાણ આવી ગયાં હતાં. કોસ સાંધવાનું કે ચંપલ બનાવવાનું કામ ન હોય ત્યારે બંને જણ દાડીદપાડી કરતાં. કોઈના ખેતરમાં નીંદવા-ખોદવાનું કામ હોય કે કંઈ વીણવા-ચૂણવાનું કે પાણી પાવાનું. સવારથી સીમમાં દાડિયે જાય તે બપોરે સીમધણીના ઘરેથી રોટલા આવે ત્યાં સુધી કામ કરે. કલાકેક આળોટાળો કરે ને પાછાં કામે લાગી જાય તે સાંજ પડે ત્યાં સુધી. ક્યારેક તો માથે લૂ વરસતી હોય તોય કામમાં પાછું વળીને જોવાનું નહીં! લમણે લખાયેલી મજૂરીનો બેમાંથી એકેયને કંટાળો નહીં. તડકા ચડ્યા પણ રામીનો પત્તો નહોતો. તુલસીએ ભેંકડા ઉપર ભેંકડા તાણવા માંડ્યા. થાક્યો એટલે ડૂસકે ચડી ગયો. ન બોલે કે ચાલે. એની આંખો છાપરેથી આવતાં તલકચાંદરણાંમાં માને શોધ્યા કરે. ચારે દિશાઓમાં આંખો ફેરવ્યા કરે. એને એમ થાય કે મા હમણાં અહીંથી આવશે કે તહીંથી આવશે! એનો મૂંગો હિજરાટ કોઈથી સહ્યે જાય એમ નહોતો. પાડોશમાંથી કો’ક આવીને પરાણે ખવરાવી ગયું. બપોરાં થાય એ પહેલાં તો ઝાળની જેમ વાત ફેલાઈ ગઈ કે નાડોદાના જાયમલનાંય સગડ નથી. ડેલો અંદરથી એમનો એમ બંધ રાખીને જાયમલ વંડી ઠેક્યો હતો. ગામને તાળો મળી ગયો! ઉકાનું મગજ ચકરાવા લાગ્યું. જાયમલનું નામ સાંભળીને એનું મન કુંકરી-ભરત રમવા માંડ્યું. મહિનામાસ પહેલાં જાયમલની વાડીએ બેય માણહ દાડિયે ગયાં હતાં. બપોરનું ભાત ખાઈને બધાં જરા આડેપડખે થયાં હતાં. એટલામાં જાયમલ કોસ બંધ કરીને લીમડા હેઠે આવ્યો ને કહે, ‘હાલ્ય ઉકા ભરત માંડીએ. ટાકર જમીન પર સાંઠીકડાથી આડી ઊભી લીટીઓ પાડીને કુંકરી-ભરતની રમત માંડી. એક ચાલ જાયમલ ચાલે ને એક ચાલ ઉકો. એક જ જણની કુંકરી સીધી લીટીએ આવે એટલે ભરત થયું કહેવાય. ભરત કરનારે અંદરથી સામેવાળાની એક કુંકરી લઈ લેવાની. એમ કરતાં બધી કુંકરી લઈ લે એ દાવ જીત્યો ગણાય. સળંગ ત્રણ વાર હારે એ બાવો બન્યો એમ કહેવાય. ઉકામાં કોણ જાણે ક્યાંથી પણ યુધિષ્ઠિરનો પ્રવેશ થઈ ગયો. ઉપરાઉપરી બે વખત હાર્યો. રામી આ ખેલ જોતી હતી. એનાથી જીરવાયું નહીં. આંખનો ઉલ્લાળો કરીને જાયમલને કહે કે ‘મને જીતી જાવ તો ખરા!’ ઉકો ખસી ગયો. રામી તો રમતના રંગે ચડી ગઈ. ‘એ... આ તંઈણ ભરત અને આ કુંકરી જડત. આ તંઈણ ભરત અને આ કુંકરી જડત...’ એમ એમ બોલતી જાય ને જાયમલની એક એક કુંકરી વીણતી જાય. ઉપરા ઉપરી ત્રણ વાર એણે જાયમલને હરાવ્યો. થોડીક વાર તો જાયમલ મૂછે તાવ દેવાનુંય ભૂલી ગયો. રામીની આવડત અને ગણતરી ઉપર ઉકો મનોમન હરખાયો પણ એને ક્યાંથી અંદેશો હોય કે કુંકરી જીતતાં જીતતાં રામી હૈયું પણ હારવા માંડી છે. રામી બનાવવા ગઈ જાયમલને પણ ખરેખર બાવો તો ઉકો બની ગયો! ઉકાને યાદ આવ્યું કે એ ઘટના પછી, કોઈ ને કોઈ બહાને પણ વાસમાં જાયમલની અવરજવર વધી ગઈ હતી. એક દિવસ જૂનો સૂકાયેલો કોસ લઈને આવ્યો ને ઉકાને કહે કે ‘આમાં જો ને ઝીણાં-મોટાં કાણાં પડી ગયાં છે તે બધે થિગડીયું મારી દેજે ને!’ એમ કહીને મૂકી ગયેલો. ઉકાએ તો પૂછ્યુંયે ખરું કે, ‘તારો કોસ તો અસલ હાલે સે આ વધકાનો સું કરવો સે?’ તો કહે કે વાંહેમોર્ય કામ લાગે.’ પરાણે મૂકી ગયો ને પાછો દર બે-ચાર દિ’એ ખબર પૂછવા આવે : ‘કોહનું કામ ચ્યેટલે આવ્યું?’ હવે ઉકાને ઘણું સમજાઈ ગયું હતું. તુલસીના જનમ પછી પણ રામી તો બે કાંઠે વહેતી હતી ને ઉકાને જાણે સંતોષનો ઓડકાર આવી ગયો હતો એટલે હવે લગભગ તો ફળિયે લીમડા હેઠે જ સૂતો હતો. સાત-આઠ વરસના તુલસીને મા વિના ઊંઘ જ ન આવે. રામીની જુવાની હજી પૂરબહાર છે એ વાત તો ઉકો લગભગ વીસરી જ ગયેલો. એ તો એમ જાણે કે તુલસીમાં જ બધું સુખ સમેટાઈ ગયું છે! રામી તો અંદરબહાર લે’રાં લેતી હતી. રાત પડે ને એને વીંછી ચટકે. એકલી એકલી આખી રાત હમ્બો હમ્બો કર્યા કરે. ક્યારેક એને લાગે કે મા સાચું કહેતી હતી. તો ક્યારેક એમ લાગે કે આ પંડ્યનો સવાદ વળી ચ્યેટલ્યા દિ’? પણ, છેવટે એ પોતાની જુવાનીના જોર આગળ હારી જતી. આખી રાત પડખાં ઘસે, કાં તો બેય પગની આંટી મારીને વળ ખાયા કરે. કોઈનું મઈણું થઈ ગયું હોય એમ વાસમાં સોંપો પડી ગયો. બધાંને છૂપો ડર પણ ખરો કે નાડોદાઓ કાં’ક નો કરવાનું કરે નહીં. ઉકો તો જાણે જિંદગીનાં ઊંડાં અંધારાં કૂવામાં જ ગરકાવ થઈ ગયો..… આ બાજુ નાડોદાની આખી ન્યાત ભેળી થઈ ગઈ. ‘આકાશપાતાળ એક કરીને ગમેત્યાંથી હાળાંવને ગોતી કાઢો.’ ચારેય કોરથી ભાળ કઢાવવાના કારસા ગોઠવાયા. કેટલાક તો ઉકાના ઘરને કાંડી મેલવા તૈયાર થઈ ગયા. કરુણાશંકર માસ્તર વચ્ચે પડ્યા ને કીધું કે ‘તમે બૂબકો લેવાની લહાયમાં જાયમલની વહુનું આણું વહેલું ન કરાવ્યું એટલે આ દિવસ જોવો પડ્યો ને? બાપડો ઉકો તો લૂંટાઈ ગયો છે. મરેલાને શું મારવો? એનો કે એના છોકરાનો કંઈ વાંકગુનો ખરો? તમારો જાયમલ પણ એટલો જ જવાબદાર છે. દુનિયામાં ક્યાંય એક હાથે તાળી નથી પડતી. રાંકના ઘરમાં ખાતર પાડવું ને ઉપરથી દાદાગીરી કરવી એમાં ન્યાય નથી, સમજ્યાં ને?’ એમ કહી ઠપકો આપ્યો ત્યારે બધા શરમાયા ને કંઈક ટાઢા પડ્યા. માંડ માંડ બધું થાળે પડ્યું, પણ નાડોદાઓનો બરો હેઠો બેસતો નહોતો. વળી વળીને એક જ વાત : ‘ફટ રે ભૂંડા, કાં’ક નાતજાત તો જોવી’તી! રૂપના મોહમાં પડ્યો તે જાતો ચ્યાં જઈને પડ્યો! પંડ્ય અભડાવ્યો! ખોળિયું તો જોવું’તું! નાના છોકરાના નિહાકા લીધા!’ કોઈ કહેતું કે -’વીરમગામ બાજુ જોયાં હતાં....’ તો કોઈ કહે ‘ખાનદેશ કોર્ય ઊતરી પડ્યાં છે...’ કોઈ વળી સમાચાર લાવે કે ‘મુંબઈમાં નોકરી કરે છે.’ કોઈ તો વળી લાગલો જવાબ આપે: ‘મુંબઈમાં ઈનો ચિયો હગો નોકરી દેવા નવરો બેઠો સે? ક્યાંક ભીખ માગતાં ઝુંપડપટ્ટીમાં સડતાં હશે...’ જેટલાં મોઢાં એટલી વાત. ગામને મોઢે કંઈ ગયણું થોડું બાંધવા જવાય? પણ એટલું નક્કી કે કોઈ સારું બોલતું નહોતું. બધાંનો ગુસ્સો આસમાને હતો છેવટ બધાં સમસમીને બેસી રહ્યાં. બેય જણા એવી રીતે પગ કરી ગયાં કે ભાળ તો શું ક્યાંયથી ગંધબરોડોય ન મળ્યો... દુ:ખનું ઓસડ દહાડા એમ હળવે હળવે વાત જાણે કોઠે પડી ગઈ. નાનપણમાં જાયમલનું લગ્ન કરેલું તે તો આ પરાક્રમને કારણે આપોઆપ છુટ્ટું થઈ ગયું. ઉકો પણ તુલસીને ઉછેરવામાં લાગી ગયો. એની એક જ ઈચ્છા કે છોકરો ભણીગણીને મોટો સા’બ થાય. પોતે હવે રોટલા ઘડતો થયો હતો. રામીની મદદ મળતી હતી એ ગઈ એટલે સાવ નોધારો થઈ રહ્યો. એમાંય જ્યારે કોઈ મોટું ઢોર મરી ગયું હોય ને પોતાનો વારો હોય ત્યારે વાસના બીજા ચમારોનો લાગભાગ વધી જતો. આમેય આ રહ્યા બે જણા, એકલે હાથે પહોંચી વળે ક્યાંથી? ગામમાં રહી સાતમી ચોપડી સુધી તુલસી ભણ્યો. હાઈસ્કૂલ અને પછી કૉલેજમાં ભણવું હોય તો શહેરમાં જવું પડે. ઉકાનું તો ગજું નહીં, એટલે મૂંઝાયો. ગયો માસ્તર પાસે. શું કરવું એની સલાહ લેવા. કરુણાશંકર કહે કે આ છોકરો છે હોશિયાર તે જરૂર ગામનું નામ ઉજાળશે. પણ આંય કે સુરેન્દ્રનગરમાં એનો વિકાસ નથી. છાત્રાલયમાં અમદાવાદ મૂકો ને બરોબર ભણે તો એના જેવું એકેય નહીં. સાંભળીને ઉકાનું તો લોહી જ ઊડી ગયું. સાવ ફિક્કો પડી ગયો. એક તો એ કે પોતે કોઈ દિ’ અમદાવાદ નથી જોયું ત્યાં મોટા શહેરમાં છોકરાનું તો શુંયે થાય એની બીક. વળી ત્યાં રહેવા-ખાવા ને ભણવાના ખર્ચનું શું? આ પારકી મજૂરીમાં તો આમેય શું વળે? એના કરતાં તો આંય ભલે ને રહેતો. રોજ સુરેન્દ્રનગર આવ-જા કરશે ને એમ બધું ભણશે. ગમે તેમ તોય નજર સામે તો ખરો ને! ધીમે ધીમે શીખી જાશે બધું કામને ને વરહને જાતાં શું વાર? કાલ્ય હવારે જુવાનજોધ થઈને પડખે ઊભો રહેશે. કંઈ નથી મોકલવો અં’દાદ! બે રાત તો માસ્તરેય ઊંઘ્યા નહીં. એમને એમ કે આવો તેજ છોકરો સગવડના અભાવે વેડફાઈ જાય એ બરાબર નહીં. માસ્તરનો જીવ એટલે બધે શક્યતા જુએ. પોતાના છોકરાને ભણવા મોકલવાનો હોય એમ બરાબરના વલોવાયા. શું રસ્તો કાઢવો? છેવટે એમ થયું કે ગમ્ભાબાપુને કાને વાત નાંખી જોઈએ. ધોતિયાનો એક છેડો હાથમાં ને માસ્તર ઉપડ્યા ડેલીએ. દરબારે કહ્યું કે ‘વઢવાણમાં માકાસુખાનું એક ટ્રસ્ટ છે.’ માકાસુખા એટલે શેઠ માણેકલાલ સુખલાલ, પણ બધાં ટૂંકમાં એમ જ બોલે. થોડા દિવસમાં તો બાપુની ભલામણે ટ્રસ્ટમાંથી બધી વ્યવસ્થા થઈ ગઈ. ઉકાએ જીવ કઠણ કરીને આંખના રતનને અમદાવાદ ભણવા મેલ્યો. જ્ઞાતિને કારણે એને ફી માફીનો લાભ અને હોસ્ટેલ તો સાવ મફતમાં જ હતી. જે ખર્ચ હતો તે ખાવાપીવાનો અને લૂગડાંનો. મા હોય તો ભાતુંબાતુંય કરી આપે. ઉકાએ પોતાની સમજણ મુજબ નજુભઈના ભરડિયેથી લાવીને ખારીશીંગ અને ચણા એક થેલીમાં ભરી આપ્યા. આખો વાસ તુલસીને પાદર સુધી વળાવવા આવ્યો. આવજો આવજોના અવાજો વચ્ચે ઉકો મૂંગો થઈ ગયો. આમેય એને ઝાઝું બોલતાં તો શું આવડે? પણ તુલસીને એક સલાહ આપી કે ‘કોઈની હાર્યે દગોફટકો કરવો નહીં ને ભણ્યાંમાં ધ્યાન રાખવું. સૂકો રોટલો ખાવો પણ ખૂટલ થાવું નહીં!’ ઉકો નોધારો થઈ ગયો. પંડ્ય ઘસીને થાય એટલાં કામ કરે. ભેંકાર ઘરમાં સવારસાંજનો રોટલો ટીપી લે. ક્યારેક તો વાહનાં સગાવહાલાં કંઈનું કંઈ ઢાંકી જાય ને ઈમનો ઉકોકાકો જ્યમત્યમ પેટ ભરી લે. ઉપાધિમાં ને ઉપાધિમાં સાવ જીહાં જેવો થઈ ગયો. આખો દિવસ કામ કામ ને કામ. બે પૈસા બચે તો ‘મારા તળશ્યાને ખપમાં આવશે.’ એમ કરીને ચિંથરા જેવી જિંદગીને જેમતેમ થીગડાં મારતો રહ્યો. તુલસી કાગળ લખવામાં નિયમિત. મોતીના દાણા જેવા અક્ષર, પણ ઉકાને તો કાળા અક્ષર કુહાડે માર્યા’તા એટલે માસ્તર જ વાંચી સંભળાવે. પાછા માસ્તર પોતે જ પોસ્ટમાસ્તર. ટપાલ આવે ત્યારથી જ ખબર પડી જાય એટલે ટપાલીને આપવાને બદલે કોઈની હાર્યે કહેવડાવી દે. ‘ઉકાને કે’જો કે ટપાલ આવી છે.’ સમાચાર મળ્યા નથી ને ઉકો હાજર થયો નથી! આ વખતે પોસ્ટકાર્ડને બદલે કવર આવ્યું જોઈને આગળના પડી ગયેલા બે દાંતની જગ્યા દેખાય એમ એ હસ્યો. ઉકાના દેખતાં જ માસ્તરે કવર ફોડ્યું. તરત જ પાસપોર્ટ સાઈઝનો ફોટો ઊછળીને ભોંય ઉપર પડ્યો. જુવાનજોધ તુલસીનો ફોટો જોઈને ઉકાનું મન નાચી ઊઠ્યું. એને મહેનત ઊગતી દેખાણી. માસ્તરે કાગળ વાંચી સંભળાવ્યો. સાર એટલો હતો કે આ વેકેશનમાં તુલસી આવવાનો નથી. હોસ્ટેલમાં રહેતો એનો ભાઈબંધ મનસુખ અને પોતે નંદરબાર બાજુ નવા રોડરસ્તા બને છે ત્યાં મજૂરીકામે જવાના છે. તુલસીનું લખવું એમ હતું કે ઘરે આવીને કંઈ પાંચ પૈસાય કમાવાના નથી. એ કરતાં તો આવું છૂટક કામ પંદરવીસ દિવસ કરી લઈએ તો પ્રાયવેટ ટ્યુશનની ફી ઉપરાંત હાથખરચી નીકળી જાય. ઉકો મનોમન વિચારતો રહ્યો કે આ તો બધાં કહેવાનાં બહાનાં, અસલ કારણ તો ઈ જ કે મા વિનાના ઘરમાં એનું રૂવુંય ટકતું નહોતું! પણ માને લાવવી ચ્યાંથીન્? ઉકાએ માસ્તર પાસે કાગળ લખાવ્યો કે ‘ભલે જાવ ત્યારે, પંડ્ય સાચવીને કામ કરજો. મારી ચંત્યાફકર ન કરવી! રાખવાવાળો રામ સે!’ ઉકાની સાથોસાથ માસ્તરનીય આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં! તુલસીને એકડો પોતે ઘૂંટાવેલો તે માસ્તર પણ થોડા પોરસાયા. થયું કે છોકરો છે પાણીદાર. માસ્તરના મનમાં થોડીક ટાઢક વળી. દર વર્ષે વીસ પચીસ છોકરાં ઉપલા ધોરણમાં જાય. મોટાભાગનાં તો સાત ધોરણેય માંડ ભણે. લાગી જાય ખેતીમાં કાં તો ચડી જાય મજૂરીએ. કો’ક વળી સુરેન્દ્રનગર, કારખાનાંમાં મોઢું ઘાલે. પાંચ દસ વરસે એકાદો માસ્તર કે તલાટી થાય ત્યારે કરુણાશંકરને આનંદનો પાર ન રહે. છોકરીઓ તો પાંચમું માંડ ભણે. એ પહેલાં તો એમનાં સગપણ કે લગનેય થઈ ગયાં હોય. માબાપ જ કહે કે કાગળ વાંચતાં-લખતાં આવડે એટલે હાંઉં! ઊંડે ઊંડે માસ્તરને આશા એમ કે તુલસી જો બરાબર ભણે તો એને જ્ઞાતિને લીધે નોકરીમાં ને એમ બીજા ઘણા લાભ મળે. આ છોકરો જરૂર કંઈક બનશે એવો એમને ભરોસો. દસબાર દિવસ વીત્યા ત્યાં તો બીજો કાગળ આવ્યો, પણ આ વખતે કવર ઉપર માસ્તરનું નામ હતું અને કાગળ તુલસીએ નહોતો લખ્યો. એના ભાઈબંધ મનસુખના અક્ષર હતા. કાગળ વાંચીને માસ્તરનું કાળજું થરથરી ગયું. તુલસી રોડ બનાવવા ગયો હતો ત્યાં રસ્તા ઉપર ઉકળતો ડામર પાથરતાં પાથરતાં એનો પગ લપસ્યો ને પડ્યો છાતીભેર, તે આખી છાતી અને પેટ સુધી ગંભીર રીતે દાઝી ગયો છે. પૂરા શરીર ઉપર ગરમાગરમ ડામર ચોંટી ગયો હતો એટલે બધી ચામડી જ લઈ લીધી છે. હાલ ઉમરગામના સરકારી દવાખાને દાખલ કર્યો છે. ડૉક્ટર કહે છે કે સારું તો થઈ જશે પણ મહિનો માસ નીકળી જશે. કાગળમાં સાહેબને વિનંતી કરી હતી કે આ વાત તમારા સુધી જ રાખજો. તુલસીના બાપાને ન કહેશો, નકામા એ ફફડીને મરી જાશે. હાલ પૈસાની કે એવી કંઈ જરૂર નથી. દવાખાનાનો બધો ખર્ચો કંપની આપશે. તુલસીને સારું થઈ જશે પછી એક આંટો આવી જશે. માસ્તર દ્વિધામાં આવી ગયા. શું કરવું? વાતેય સાચી ઉકાને કહેવાથી એની ચિંતા વધારવા સિવાય કંઈ ફાયદો નહોતો. માસ્તરને થયું કે કોઈને વિશ્વાસમાં લેવા જોઈએ. કાલે ઊઠીને કંઈ ન થાવાનું થઈ બેસે તો શું જવાબ આપવો? એટલે વિચાર્યું કે કામદાર અને ગમ્ભાબાપુના કાને વાત નાંખી રાખવી સારી. એ બંનેએ ધીરજથી વાત સાંભળી ને માસ્તરને કહ્યું કે તમે જ એક આંટો દઈ આવો. ભાડાભથ્થાંની ચિંતા ન કરશો...

***