સોરઠ, તારાં વહેતાં પાણી/૨૫. તાકાતનું માપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. તાકાતનું માપ

સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક-બે સપાટા ખેંચ્યા પછી હેડ માસ્તરના હૃદયમાંથી જતો રહ્યો. પછી તો એમાં ઊર્મિ દાખલ થઈ. વેગે ચડેલી આગગાડી વધુ ને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે, તેમ હેડ માસ્તરના હાથની નેતર પણ ગતિ પકડતી ગઈ. ને પછી એને એટલી તો સબોડવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જ શુદ્ધિ ન રહી. પિનાકી પ્રથમ તો ખચકાયો. પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયો; આડા હાથ પણ દીધા. પછી એનામાં લોખંડ પ્રકટ થયું. એ અક્કડ બની ઊભો રહ્યો. કેટલી સોટી ખમી શકાય તે જોવાની કેમ જાણે પોતે હોડ વદ્યો હોય ને, એવા તોરથી એણે ફટકા ઝીલવા માંડ્યા. વિદ્યાર્થીઓનું ટોળું ત્યાં જમા થઈ ગયું. હેડ માસ્તર એ ટોળાને દેખી વધુ આવેશમાં આવતા ગયા. વિદ્યાર્થીઓની સહાનુભૂતિ પિનાકી પર ઢળી પડી. સહુ છોકરાઓની આંખોમાં જાણે ખૂન ટપક્યાં. પ્રત્યેકના ગાલ પર ઝનૂનના ટશિયા ફૂટ્યા. હેડ માસ્તરના શરીરના ટુકડેટુકડા કરી નાખવા નાનકડાં દિલો તલસી ઊઠ્યાં. પ્રહારો ઝીલતો મૂંગો ને અક્ષુબ્ધ પિનાકી તેમને યોગી ભાસ્યો. ને ઓચિંતાનું સોટીના સબોડાટ જોડે જાણે કે તાલ લેવા માટે બોલાયું હોય એવું એક વચન સંભળાયું: “શાબાશ!” હેડ માસ્તર એ શબ્દની દિશામાં વળ્યા; પૂછ્યું: “કોણે કહ્યું ‘શાબાશ’?” “મેં,” એક છોકરો ધસ્યો. “મેં,” બીજાએ આગળ પગલાં મૂક્યાં. “મેં,” ત્રીજાએ એ બંનેને પાછા હઠાવ્યા. ત્યાં તો ‘મેં’-‘મેં’-‘મેં’ના સ્વરો તમરાંના લહેકારની પેઠે બંધાઈ ગયા. ‘મેં’કારાની જાણે મોતન-માળા પરોવાઈ ગઈ. “હરામખોરો!” એવો સિંહનાદ કરીને હેડ માસ્તરે જ્યારે આખા ટોળા પર તૂટી પડવા ધસારો કર્યો, ત્યારે પિનાકી ન રહી શક્યો. એણે ઝડપ કરીને ટોળાની તેમ જ મારનારની વચ્ચે પોતાના દેહનો થાંભલો કર્યો. પડતી સોટીને એણે પોતાની મૂઠીમાં પકડી લીધી. હેડ માસ્તરે તેને ધક્કો મારી સોટીને ઝોંટ દીધી. ફાટેલા નેતરે પિનાકીની હથેળીમાં ચીરા પાડ્યા, રુધિર રેલાવ્યું. બીજા પંજાની ઝડપ કરીને પિનાકીએ સોટી ઝૂંટવી લીધી. દાતણની ચીરો કરે તેમ સોટીનાં બે ફાડિયાં કરી પિનાકીએ તેને દૂર ફેંકી દીધાં ને પછી પહોળી છાતી પર અદબ ભીડીને એ હેડ માસ્તરના ધગધગતા સીના સામે ઊભો રહ્યો. તમામ છોકરા એની આજુબાજુ ગોઠવાઈ ગયા. શિક્ષકો પણ ત્યાં આવી પહોંચ્યા. એક ગુંડા જેવા છોકરાએ શિક્ષકોને કહી દીધું: “સાહેબ, આબરૂભેર દૂર ઊભા રહેજો.” ચારસો છોકરાઓના વીફરેલ ટોળાને દબડાવવા માટે જે ઝનૂન તેમ જ સત્તાવાન મનોદશા જોઈએ તે માસ્તરોમાં નહોતાં. બે ચહેરા બીડીઓના વ્યસની હતા. બે-ત્રણ બીજાં મોઢાં પછવાડે ઊભાં રહી હેડ માસ્તરની વધુ બૂરી વલે કરવા માટે વિદ્યાર્થીઓને આંખોના મિચકારા મારતા હતા. અને એ સર્વ શિક્ષકોના ચહેરાઓ ઉપર ટ્યૂશનોની ગરજ વાંચી શકાતી હતી. હેડ માસ્તરના ખાલી હાથ ફરીથી પિનાકીના ગાલ પર ઊપડ્યા. પિનાકીએ શાંતિથી ગાલ ધરી રાખ્યા, અને ધસી આવતા છોકરાઓ તરફ હાથ પહોળા કરી દીવાલ રચી, એ આટલું જ બોલ્યો: “મને એકલાને ખુશીથી મારો, સાહેબ!” હેડ માસ્તરના મોં પરથી આ શબ્દોએ તમામ લોહી શોષી લીધું. બિલ્લી જેમ વાસણમાંથી ઘી ચાટી લે તેવી રીતે હેડ માસ્તરની હીણપ એની તમામ વિભૂતિને ચાટી ગઈ. એણે પોતાની ઓફિસ તરફ પગલાં ભર્યાં. પછવાડે જતું શિક્ષકોનું ટોળું કોઈ શબની પાછળ જતા ડાઘુઓની યાદ દેતું હતું. છોકરાના ટોળા વચ્ચે વીંટળાયેલો પિનાકી પોતાના લડથડિયાં લેતા દેહને મોટા મનોબળથી સ્થિર કરતો કરતો સાઈકલ પકડીને બહાર નીકળ્યો. કોઈ છોકરો એના માથા પરના વાળમાં વળગેલી નેતરની છોઈ ચૂંટી લેતો હતો. બે-ત્રણ છોકરા એના કોટના કોલરની બગડેલી ગડી બેસારતા હતા. ચાર-પાંચ પંજા એના ખભા પર ને એની પીઠના ઊપસેલા સ્નાયુઓ પર થબડાતા હતા. “પણ થયું શું?” એક વિદ્યાર્થી પૂછતો હતો: “હેં પિનાકી, તું કેમ ત્યાં ઊભોઊભો થીજી ગયો હતો?” “મને ખબર નથી.” પિનાકી હસીને જવાબ દેતો. “પણ હવે તારે ફરિયાદ માંડવી જોઈએ હેડ માસ્તર પર.” “શા માટે?” “ફરિયાદ શું! તારા દાદા તો ફોજદાર છે. બે-ચાર પોલીસોને મોકલી સાલાને ઠમઠોરાવ તો ખરો, દોસ્ત!” “આપણી બધાની દાઝ તું જ ઉતરાવ ને, યાર!” “પણ તું સોટી ખાતોખાતો જ શું ઊભો’તો? કંઈ કહેતો કેમ નહોતો?” “પૂછ્યા વિના શું કહું?” “તારે તો પૂછવું હતું કે, શા માટે મારો છો?” “પૂછીને શું કરવું હતું?” “હું જો ન્યાયાધીશ હોઉં, તો હેડ માસ્તરોને વીણી વીણીને કેદમાં પૂરું.” “હું તો હેડ માસ્તરોનાં શરીરો પર ગોળનું પાણી ચોપડીને મકોડાની કોઠીમાં પૂરી દઉં.” લખી શકાય અને ન પણ લખી શકાય એવી અનેક લાગણીઓની મસ્તીભરી આપ-લે કરતા છોકરા ચાલ્યા જતા હતા, ત્યારે એક બાજુના ફૂટપાથ પર સુરેન્દ્રદેવ ઊભા હતા. તેનું મોં હસતું હતું. તે કોઈની જોડે વાત કરતા હતા. “છોકરાઓ!” તેમણે કહ્યું: “લડાઈ શરૂ થઈ.” “ક્યાં?” “વાંદરાઓના ઘરમાં.” છોકરાઓ ન સમજ્યા. સુરેન્દ્રદેવે કહ્યું: “યુરોપમાં.” “એની રજા પડશે?” એક છોકરાએ પૂછી જોયું. હરએક સારોમાઠો બનાવ વિદ્યાર્થીની હૃદય-તુલામાં એક જ રીતે તોળાય છે: બનાવની કિંમત રજાના દિવસો પરથી અંકાય છે. “એ તો પડશે લડાઈમાં ઈંગ્લંડનો કોઈક મહાન વાંદરો ખપી જશે ત્યારે.” સુરેન્દ્રદેવ જોડેના બીજા માણસે કહ્યું: “હવે તો જર્મન કૈસરની છાપ આંહીંના રૂપિયા-પૈસા પર આવી સમજો!” “સરસ લાગશે.” એક છોકરાએ કહ્યું: “એની મૂછોના આંકડા ફક્કડ દેખાશે.” “બસ કે!” સુરેન્દ્રદેવજીના મોં પર તિરસ્કાર દેખાયો. “તમારે તો સિક્કા પર પરદેશી રાજાની જ મૂછો જોઈએ છે ને? હિન્દ માતાનું ચિહ્ન — ગાયનું મોઢું — નથી જોઈતું કે?” “હવે ચાલો ચાલો, સુરેન્દ્રદેવજી!” કહી પેલા સાથીએ એમને બાજુમાં ઊભેલ ઘોડાગાડી તરફ ખેંચ્યા. “નકામું કંઈક બાફી મારશો.” જતાંજતાં સુરેન્દ્રદેવજીએ સાથીને કહ્યું: “મને તો ખરેખર અજબ લાગેલું કે આ વાંદરો મારા પર આટલો બધો રાતોપીળો થયા પછી પાછો ઓચિંતો એવા શા હેતે ઊભરાઈ ગયો! પણ હવે મર્મ સમજાયો: વાંદરાને જે ચિઠ્ઠી મળી તેમાં લડાઈ સળગ્યાના જ સમાચાર હોવા જોઈએ. વાંદરો ચેતી ગયો; કેમકે હવે પૈસા કઢાવવા છે ખરા ને! એટલે અમારી પાસે પૂંછડી પટપટાવશે. અમને કલાકો સુધી બહાર બેસાડતા તેને બદલે હવે કમ્પાઉન્ડ સુધી હસીને સામા લેવા આવશે બચ્ચાઓ!”