સોરઠી બહારવટિયા ભાગ-2/વડોદરાની જેલમાં
અમરેલી શહેરમાં તે દિવસ માણસ કાંઈ હલક્યું છે ને! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે અને બહારવટિયા ઉપર મુકદ્દમો ચાલે છે. જુબાનીઓ અને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે. પીંજરામાં બીજા બધા વાઘેરો ઊભા છે, ફક્ત મૂળુ માણેક જ નથી. “મૂલુકો ક્યું નહિ સમજાયા?” એમ ચારેય ગોરાઓ પૂછે છે. અમલદારોએ જવાબ દીધો, “સાહેબ, મૂળુ માણેક વચન આપીને બદલી ગયો.” એવે ઓચિંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછોવાળો મૂળુ દેખાયો, ગમગીન છતાં પ્રતાપી એનો ચહેરો! “ખમ્મા મૂરુભા! મૂરુભા આવ્યો!” એવી વધાઈ પીંજરામાં ઊભેલા કેદીઓના મોંમાંથી વછૂટી. “ટોપીવાળા સાહેબો!” મૂળુ બોલ્યો, “મૂળુ માણેક બીજા હજાર ગુના કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મા-બહેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મૂંઝાતો હતો. કેમ કે ઓખો તો અટાણે તમારા બલોચી પલટનિયાઓના પંજામાં પડ્યો છે; અને બલોચો અમારી બોન-દીકરીયુંની લાજું લૂંટે છે.” બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો. મુકદ્દમો ચાલ્યો.[1] જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઊપડી ગયા.એની પાછળથી ફેંસલો વંચાણો કે ‘સુડતાલીસ વાઘેરોને પાંચ-પાંચ વર્ષની, અને મૂળુને ચૌદ વર્ષની સખત મજૂરીની સજા, એના પિતા બાપુ માણેકને સાત વર્ષની સજા. તમામને વડોદરા રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.’ ખડ ખડ ખડ દાંત કાઢીને મૂળુ બોલ્યો, “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા! વિશ્વાસઘાતી તે સાહેબના વેણ ઉપર ભરોસો રાખીને હરથિયાર મેલનાર વાઘેરો કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો?” કચેરીની અંદર મૂળુ માણેકની તરવાર કબજે કરવામાં આવી. સારાં હથિયાર તો બધાં ગીરમાં દાટી દીધેલાં, ફક્ત આ એક કટાઈ ગયેલી, વટની, મિયાન વગરની તરવાર હતી. મિયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તરવાર જોઈને ગોરા અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તરવારસે તુમ સારે મુલકકો ડરાતા થા!” આંખ ફાડીને મૂળુએ જવાબ દીધો કે “ભૂરિયા! તરાર તરાર કુરો ચેતો! તરાર મેં કી નારણો આય? પાંજો કંડો નાર! કંડો.” [ભૂરિયા, તરવાર તરવાર શું કરે છે? તરવારમાં તે શું જોવાનું બળ્યું છે? આ મારું કાંડું જો, કાંડું.] એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટિયે પોતાનું લોખંડી કાંડું બતાવ્યું, સાહેબો ભોંઠા પડીને ચૂપ થઈ રહ્યા. સુડતાલીસ સાથીઓની સાથે મૂળુ માણેક વડોદરા રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.
- ↑ આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલૂમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓના રોજ બંધ કર્યા; અને વારે વારે તેઓની ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલિટિકલ ખાતામાં જોધો એક વાર ફરિયાદે ગયેલો, ને ત્યાંથી કાંઈક દિલાસો મળેલો. પણ પાછળથી કાંઈ થયું નહિ. મૂળુ પોતાના રોજ પેટે, લગ્ન ખરચ સારુ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી. (‘ઓખામંડળના વાઘેરોની માહિતી’.