સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/દુશ્મન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુશ્મન

મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ-ત્રણ ડોરણાવાળી ચોરણીઓ ને પાસાબંધી કેડિયાં પહેરેલાં, કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી, માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા, જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર, ઢીંચણ સુધી ઢળકતી નાડીને છેડે, સાત-સાત રંગની ઊનનાં ગૂંથેલાં ફૂમકાં ઝૂલી રહ્યાં છે, કેડિયાની કસોને બાંધેલા, કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી, નાના, ઘૂઘરીદાર ચીપિયા ટિંગાય છે. પાઘડીને માથે ખડાં છોગાં પવનમાં ઊડઊડ થાય છે. ડોકમાં ભાતભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે. હાથમાં કડિયાળી, પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી, લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે. કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે. કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે. કોઈ પાઘડીમાં ખોસેલ નાનાં નાનાં આભલાં કાઢીને પોતાનાં નાક-નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું ફૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ગોઠવતા, ઝીણી ઝીણી મૂછોને વળ દેતા, માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામસામા ઠઠ્ઠામશ્કરીઓ કરી રહ્યા છે. કોઈ ફૂમકાંવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે, અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ્ય ભરીને મલપતી ચાલ્યે ચાલી આવતી જુવાન બાઈઓનાં મોં ઉપર પેલાં આભલાંનાં ઝળકઝળક પ્રતિબિંબો પાડી, એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને કૂડી કૂડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે. પનિયારીઓ બેડાં લાવી, ઠાલવીને, ઘેર પાણીની જરૂર ન હોય તોયે ધમાકા દેતી દેતી પાછી આવે છે — જાણીજોઈને બેઠી બેઠી બેડાં માંજ્યાં જ કરે છે. એના કસુંબલ કીડિયા ભાતનાં, બાંધણીદાર ઓઢણાં, નદીને કાંઠે પવનમાં, કામદેવની ધજાઓ જેવાં ફરક ફરક થાય છે. કાનમાં પાંદડીઓ અને આકોટા હીંચે છે. નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે. નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજેય જામ્યો છે. એ ગામનું નામ બીલખા. એ નાનકડી નિર્મળ નદીનું નામ ભટી. એ જુવાનો અને જુવાનડીઓ જાતનાં ખાંટ હતાં. સગાળશા શેઠની અને ચેલૈયા દીકરાની જનમભોમકા એ બીલખામાં, બસો વરસ પહેલાં ભાટી રાજપૂતોનાં રાજ હતાં. દીનોનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની, વાંભવાંભના ચોટલાવાળી, કાળાં ભમ્મર નેણાળી, નમણી, કામણગારી અને જોરાવર રાજપૂતાણીઓને ઘડી હશે. શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાંના ઠાઠમાઠથી ઊભેલા રાજપૂતોને જુવાની જાણે આંટ લઈ ગઈ હતી. બધા મશ્કરીઠઠ્ઠામાં મશગૂલ ઊભા હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો. ભગવાં વસ્ત્ર હતાં, કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયાં ઝંટિયાં હતાં : હાથમાં ઝોળી હતી. ‘આલેક’, ‘આલેક’ કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો. કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો બાંધતો એક મદોન્મત્ત જુવાનિયો બોલ્યો : “એલા, આ બાવો તો હવે હદ કરે છે.” “હા, હા,” બીજો જુવાન ચોટલો ઓળતો ઓળતો બોલ્યો. “બાવો તો વંઠી ગયો છે; એની ઝોળી ક્યાંય તરતી નથી. ઢેઢવાડેથીય બાવો ભિક્ષા લે છે.” “અરે, મેં મારી નજરોનજર જોયું ને!” ત્રીજો હળવેથી બોલ્યો : “હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય.” “એલા, ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. મારો બેટો ક્યાંઈક જગ્યાને અભડાવતો હશે.” “હાલો, હાલો,” એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ, માથે ફેંટા મેલી, આભલાં, શીશી અને દાંતિયા ફેંટામાં ખોસી, એ ફૂમકાંવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર સતાગરની જગ્યામાં જઈ પહોંચ્યા. બાવા જેરામભારથીજી બેઠા બેઠા ચલમ પીતા હતા. ‘આલેક! આલેક! બોમ ગરનારી!’ કહીને એવો દમ મારતા હતા, કે ચલમને માથે વેંત વેંતના ઝડફા દેતી ઝાળ ઊઠતી હતી. ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી; અન્ન પાકતું હતું. “બાવાજી બાપુ! અમારે હોકો ભરવો છે. જરા દેવતા માંડવા દેજો.” “હા, બચ્ચા, ચલે જાઓ ચૂલાકે પાસ!” ખાંટ જુવાનિયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા. હાંડીની ઢાંકણી ઉપાડી : જુએ તો અંદર ચોખા ફસફસે છે! વાઢે તોય લોહી ન નીકળે એવાં ઝાંખાં ડાચાં લઈને જુવાનો બહાર નીકળ્યા. બાવો કળી ગયો હતો. કોચવાઈને એ બોલ્યો : “ક્યોં? દેખ લિયા? ખુલાસા હો ગયા? ઇતના અહંકાર? જાવો, ખાંટ સબ ઝાંટ હો જાવોગે.” બાવાએ શાપ દીધો.

*

રાજપૂતોથી કોચવાઈને એ સંત ગિરનારની છાંયડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા. ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી, ભેળા સો-સો અસવારો લઈને, બાવાજીનાં દર્શને આવ્યાં. બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો : “લે મૈયા, રામજી તેરે કો બીલખા કા ધની દેતા હૈ.” સાઠ વરસની કાઠિયાણીનું કરચલિયાળું મોઢું ધરતી પર ઢળ્યું, બાવો તો એના બાપ જેવો હતો. પણ કાઠિયાણીને ભોંઠામણ એ આવ્યું કે ‘અરે, આવાં તે વચન કાંઈ ફળે? હવે સાઠ વરસની અવસ્થાએ કાંઈ દીકરો થાય?’ પણ બાવોજી જાણતો હતો કે એ કાઠિયાણીને માથે કયા કાઠીનું ઓઢણું પડ્યું હતું.

કે’ ડેરા કે’ ડોઢિયું, કે’ આવાસ કે’વાય,
(પણ) વીરો વ્રહમંડળ સારખો, (જેની) સા’માં જગત સમાય.

[કોઈ કોઈ વીર પુરુષો એવા હોય, જેને ડેરા તંબૂની ઉપમા આપી શકાય. એથીયે મહાન નરવીરો હશે, જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય. એથી પણ ચડિયાતા હોય, તેને આખા આવાસ જેવાં મહાન હોવાનું માન અપાય; પણ વીરો વાળો તો કેવો? આકાશ જેવડો. એની છાયામાં તો આખું જગત સમાય.] જેતપુરનાં પોણાબસો ગામડાં બલૂચોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજા ખસિયાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર, અને ચિત્તળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરા વાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વરસે ઓધાન રહ્યું. નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો. બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું. ભરજોબનમાં વહેતી એ ઊંડી ને ગાંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરા વાળાના વાસ હતા. જૂનાગઢના બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા. વીરા વાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવી હેતપ્રીત હતી, તેથી ‘કુંવરપછેડો’ તો કરવો જોઈએ. બીલખાનો ત્રીજો ભાગ જૂનાગઢના હાથમાં હતો. પણ મદમસ્ત ભાટી રાજપૂતો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા : એક હાથ જીભ કઢાવતા. જૂનાગઢ ફરતાં પણ ખાંટોનાં ગામ વીંટળાઈ વળ્યાં હતાં : બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો રાજપૂતોનો ખાંટોને પૂરો પડશે. બીલખાની પાટી સરકારે ઓઘડ વાળાને કુંવરપછેડામાં બક્ષી. કાઠિયાણીને સાંભર્યું કે બાવાની વાણી સાચી પડી. ઓઘડ વાળો તો અવતરતાંની સાથે જ બીલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો. વીરા વાળાએ કુંપા અને કાંથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી. અને પોતે ઓઘડની સાથે બીલખે જઈને ખોરડાં બાંધ્યાં. જેની એક હાકલ થાતાં તો રાજપૂતોની બાર હજાર ચાખડીઓ બીલખાને ચોરે ઊતરે, હથિયાર બાંધનારો એક પણ જોદ્ધો ઘરમાં સંતાઈ ન રહી શકે, તેવા રાજપૂત રાજા ભાયા મેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી. ચોરે રોજ સવારસાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો. હાથીની સૂંઢ જેવી ભુજાઓવાળા હજાર-હજાર કાળઝાળ રાજપૂત વીરાસન વાળીને બેસતા હતા. મોઢા આગળ માનાસાઈ કે શિરોહીની તરવારો પડતી. ભૂતના છરા જેવાં ભાલાં ચોરાની થાંભલીએ થાંભલીએ ટેકવાતાં અને આભલાંજડિત મોંસરિયાં મોઢાં ઉપરથી છોડી છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતાં ઝાટકતાં સામસામા શૂરવીરોના રંગ દઈને કસુંબાની અંજળિઓ લેવાતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આતો ભાયો પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો. આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રૂડપ હતી. આતો ભાયો દાઢી, મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું. “આતા ભાયા!” ડાયરામાં વાતો ચાલી : “જૂનાગઢે તો જુગતિ કરી. હવે એક મ્યાનમાં બે તરવાર્યું કેમ સમાશે?” “એનો નિવેડો આણી નાખશું, બા!” ભાયા મેરે મૂછોને વળ દેતાં કહ્યું : “કાં કાઠી નહિ ને કાં રાજપૂત નહિ.”

*

રાજપૂતો વીરા વાળાની વસ્તીને સંતાપવા મંડ્યા : એના ઊભા મોલ ભેળવી દે છે, કાઠીઓનાં સાંતી જૂતવા દેતા નથી, વાતવાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે; પણ હવે તો ઓઘડ વાળાનેય મોઢે મૂછના દોરા ફૂટતા હતા. એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને ચારણોએ બરદાઈ દીધી — તોળે ઘર તાંબડિયું તણે, દૂધ દડેડા થાય, (એમાં) ધરપતિયુંનાં ઢંકાય, વાજાં ઓઘડ વીરાઉત.

*

[વીરા વાળાના કુંવર ઓઘડ વાળા, તારે ઘેર એટલી બધી ભેંશો બાંધી છે કે એને દોહતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના — શરણાઈ અને ઢોલના — નાદને પણ સંભળાવા દ્યે નહિ તેટલો પ્રચંડ બને છે.] ધીમે ધીમે વીરો વાળો પોતાના માણસો જમાવવા મંડ્યો. બીલખાની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરો વાળો ઘેરે નથી; જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો. વાંસેથી એની લીલીછમ વાડીમાં રાજપૂતોએ બે બળદ ચરવા મૂક્યા. બળદને પકડીને વીરા વાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો. ઓઘડ વાળાનાં વહુ જે ઓરડે રહેતાં હતાં તેની ફળીમાં જ બળદ બાંધી દીધા. પાકટ ઉંમરના કાઠીઓ આઈની ચોકી કરતા કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા. કોઈનું ધ્યાન નહોતું. ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ ભેટમાં તરવાર, એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો; પરબારો આઈને ઓરડે પહોંચ્યો. પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારુ પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉંબરામાં બેઠી બેઠી પોતાના હાથપગ ધોતી હતી. પણ ભાયાનો મદોન્મત્ત સાળો અચકાયો નહિ, સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા. બાઈએ ગર્જના કરી મૂકી : “આંહીં કોઈ કાઠીના પેટનો છે કે નહિ? ન હોય તો લાવો બરછી મારા હાથમાં. આમ તમને રાજપૂત ગરાસ ખાવા દેશે?” બુઢાપામાં જેનાં ડોકાં ડગમગી રહ્યાં હતાં, તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઊઠ્યા, અને એક જણાએ દોડીને ભાયાના સાળા ઉપર બરછીનો ઘા કર્યો. પાડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા. ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં ગોકીરો થયો અને ખાંટ ચડી આવ્યા. એ ધીંગાણામાં એંશી રાજપૂત જુવાનો મર્યા, અને ચાળીસ બુઢ્ઢા કાઠીઓ કામ આવ્યા. ભાયા મેરને મનમાં થયું : ‘બહુ થયું! વીરો વાળો કટકોય નહિ મેલે.’ બન્યા તેટલા ઉચાળા લઈને એ ભાગ્યો; ગોંડળનું ગામ સરસાઈ છે ત્યાં ગયો. ભા’ કુંભાનું શરણ માગ્યું. ભા’ કુંભા તે વખતે ગોંડળનાં નવાં ગામ વસાવતા હતા; દગાથી, આજીજીથી ને તરવારથી ગરાસ કમાતા હતા. સં. 1809ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ, ત્યારે વીરા વાળાએ અને ભાયા મેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી. વીરા વાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે ‘આંહીં પધારો, બીલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું.’ વીરો વાળો તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બીલખે આવેલો. રાજપૂતોના લબાચા વીંખાવાની તૈયારી હતી : પણ એને ભા’ કુંભા ઉપર ભરોસો બેઠો. પચીસ ઘોડે એ સરસાઈમાં ભા’ કુંભાનો મહેમાન બન્યો. સરસાઈ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી : એકમાં ભાયા મેરનો ઉતારો; અને બીજીમાં વીરા વાળાનો ઉતારો; રોટલા ખાવાને વખતે એક પડખે રાજપૂતોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી. વચ્ચે ઊભા ઊભા ભા’ કુંભો હુકમ કરતા જાય કે ‘દૂધનાં બોઘરાં લાવો’, ‘દહીંનાં દોણાં લાવો’, ‘ઘીની તાંબડીઓ લાવો’, પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે, હાકલા-પડકારા કરે, સામસામાં બટકાં લેવરાવે, ઘડીવાર ભાયા મેરની થાળીમાંથી કોળિયો લે, વળી ઘડીવાર વીરા વાળાના ભાણામાં બેસી જાય. મહેમાનોનાં હૈયામાં આવી પરોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતાં બે દિવસ વીત્યા. ભા’ કુંભો શાની વાટ જોતો હશે? ગોંડળથી કાંઈક આવવાનું હતું; પરોણાચાકરી હજુ અધૂરી હતી. ત્રીજે દિવસે સવારે ભાયો મેર પોટલીએ (દિશાએ) ગયા હતા. પાછા આવીને નદીમાં એક વીરડો હતો ત્યાં કળશિયો માંજવા બેઠા. ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી. છોકરી થરથરતી હતી. ભાયો મેર બોલ્યા : “અરે, બેટા મોતી! તું આંહીં ક્યાંથી? બીલખેથી ભાગી કેમ ગઈ, દીકરી?” મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી : “બાપુ, મારી ભૂલ થઈ : મેં તમારા ગઢનું સુખ ખોયું.” “ના રે ના, કાંઈ ફિકર નહિ, દીકરી! તારી મરજી હોય ત્યાં સુધી આંહીં રહેજે. વળી આંહીંથી જીવ ઊઠી જાય ત્યારે બીલખે આવતી રે’જે. આ લે, આ ખરચી.” ભાયા મેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી. ભાયા મેરના ગઢની એ વડારણ ભાગીને ભા’ કુંભાના ગઢમાં આવી હતી. આજ એ સંતાતી ફરતી હતી. એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાળશે તો મારશે. પણ આ તો ઊલટી ત્રીસ કોરી મળી! જમવાની વેળા થઈ. બાજઠ નખાણા. કાંસાની તાંસળીઓ મુકાઈ ગઈ. પંગત સામસામી બેસી ગઈ. આજ ચૂરમાના લાડુનું જમણ હતું. ભા’ કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા કરતા ઘૂમતા હતા. આજ એનો આનંદ છોળો મારતો હતો. તાંસળીઓમાં લાડવા પીરસાઈ ગયા. પંગતમાં ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી. ભાયો મેર દરબારગઢની ઘોડારની પછીતે પેશાબ કરવા ગયો હતો. પેશાબ કરીને ઊઠે છે ત્યાં સામેથી સિસકારો સાંભળ્યો : ઊંચું જુએ તો મોતી વડારણ ઊભેલી. મોતીએ ઇશારો કર્યો. ભાયો મેર એની પાસે ગયો. “બાપુ! ઝેર!” મોતીનો સાદ ફાટી ગયો. “ઝેર? કોને, મને?” “ના, બાપુ! વીરા વાળાને.” “એકલા વીરા વાળા જ?” “હા! આજે જ ગોંડળથી અસવાર લઈને આવ્યો. લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે.” “ઠીક, જા, બેટા!” ભાયો મેર વળ્યો. એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું : ‘અરરર! હું ભાયો! હું ઊઠીને વીરા વાળા જેવા વીર શત્રુને કૂતરાને મૉત મરવા દઈશ? પણ હવે શું કરું? ઉઘાડો ઊઠીશ તો ભા’ કુંભો કટકા કરી નાખશે, અને વીરો વાળો ભેદ નહિ સમજે. હે ધણી, કાંઈક સમત દે! આમાંથી દશ્ય સુઝાડ્ય!’ પેશાબ કરીને ભાયો મેર પંગતમાં આવ્યો. હાથ-મોં ધોઈને ભાણા ઉપર બેઠો. એની હિલચાલમાં, અને આંખોના પલકારામાંયે ક્યાંય આકુળતા નથી. ભા’ કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે. ભા’ કુંભાએ સાદ કર્યો : “ત્યારે હવે બા, કરો ચાલતું.” પણ ભાયા મેરના હૈયામાં હરિ જાગી ગયા હતા. જ્યાં વીરો વાળો લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયો મેર કોચવાતે અવાજે, જાણે રિસામણે બેઠો હોય તેમ, બોલી ઊઠ્યો : “એ બાપ, વીરા વાળા! આજ તું જો મારું સમાધાન કર્યા પહેલાં ખા, તો ગા’ ખા, હો!” આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા. વીરા વાળાએ બટકું હેઠું મેલ્યું. સહુએ ભા’ કુંભા સામે જોયું. ભા’ કુંભાની ને ભાયા મેરની ચારેય નજર એક થઈ. ભા’ કુંભો સડસડાટ ગઢના કોઠામાં ચડી ગયો. અંદરથી બારણાં વાસી દીધાં. જમનારાનાં મોં ફાટ્યાં રહ્યાં. પાસે બિલાડી ફરતી હતી. વીરા વાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું. બટકું સૂંઘતાં જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી. “ભાયા! મારા જીવનદાતા!” — એમ કહીને વીરા વાળાએ દોટ દીધી. ભાયા મેરને બથમાં ઘાલીને ભીંસ્યો. કોઠાની સામે જોઈને ચીસ નાખી : “વાહ, ભા’ કુંભા! વાહ ભાઈબંધ! ભા’ કુંભા! કોઠો ઉઘાડીને જો તો ખરો! દુશ્મન કેવા હોય છે — એ જોઈને પાવન થા, પાપિયા!” તરત ભાયા મેરે એને વાર્યો : “વીરા વાળા! એ બધી પછી વાત. એક વાર ઝટ ઘોડે ચડી જા!” “ભાયા, તું હાલ્ય. જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યે સીમાડો કાઢી આપું. હાલો, ઝટ ઘોડાં પલાણો.” અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બીલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરા વાળાએ સીમાડો કાઢ્યો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા. [ભાયા મેરના મૉત પછી ધીરે ધીરે રાજપૂતોએ પોતાની જમીન ઓઘડ વાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બીલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ વાઘા મેરે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે.]