સ્ટેચ્યૂ/તરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search




તરસ



ઘણીવાર ગળું સુકાય, પેટ ખાલી લાગે, ચૈતર, વૈશાખ કે ભાદરવો ચાલતો હોય, આકાશમાંથી આગ વરસતી હોય એ સમયે લીમડાને છાંયડે ઊભા હોઈએ તો છાંયડો ગટગટાવીને પી જવાનું મન થાય. આકરા તડકા અને ગરમ પવનો વીંઝાતા હોય ત્યારે તમને ઊંડે ઊંડેથી એવી તરસ લાગે કે જાણે શરીરનું માંસ સુકાઈ રહ્યું છે. જીભ રણ ચાટીચાટીને સૂકવણી કરેલા શાકભાજી જેવી થઈ ગઈ છે. હોઠ બંસરી વગાડી શકે, પણ તરસ રિબાયા હોઠ ટીપુંક પાણીની શોધમાં ફફળ્યા કરે. ઓષ્ઠ્ય વ્યંજનો બારાખડીની બખોલમાં જઈને છુપાઈ જાય. આ ભયંકર તરસનો જેને અનુભવ થાય છે એ માણસ આખો અષાઢ પીને ગટગટાવી જવાની તરસ રાખે છે. તમે કલ્પના કરો કે તરસના કૂવામાં જો કોઈ મિંદડી નાખે તો એમાંથી ખાલીપાની ડોલ ભરાઈને ઉપર આવે છે. એ ખાલીપો જીવનનું પરમ સત્ય હોય એમ માનવા પ્રેરે છે. આજે એ ખાલીપાની થોડી વાતો કરવી છે. મને અકસ્માત નડ્યો ત્યારે હું સાયન હૉસ્પિટલના ઈમર્જન્સી વૉર્ડમાં હતો. કોઈ વાહન આપણને ટક્કર મારીને ચાલ્યું જાય, એની સ્મૃતિ મનમાંથી નામશેષ થઈ જાય એવી એક ક્ષણ હતી. એનેસ્થેસિયા અને ઇથરેનિવાસથી મારા નસીબમાં આવેલી હવા મઘમઘતી હતી. લોહીના બાટલાઓ સતત ચઢ્યે જતા હતા. શસ્ત્રક્રિયા કરતા ડૉક્ટરોના બુકાનીબંધ ચહેરાઓ ચિંતાતુર વદને ઑપરેશન થિયેટરમાં કાર્યરત હતા. ઈમર્જન્સી વૉર્ડમાંથી હું બહાર આવ્યો ત્યારે મને કોણ જાણે કેમ ભયંકર તરસ લાગી. મારું ગળું સુકાવા લાગ્યું. આખું શરીર જાણે કે સહરાનું રણ બની ગયું. મેં ડૉક્ટર પાસે પાણી માગ્યું. ડૉક્ટર મોઢું ફેરવીને જતા રહ્યા, ગ્લુકોઝ સેલાઈનના બાટલાઓ ચઢ્યે જતા હતા. એનેસ્થેસિયાનું મીઠું ઘેન આંખમાં તગતગતું હતું. મારા બિછાનાની આસપાસ ઊભેલા સ્વજનો પાસે મેં પાણી માગ્યું. એ સ્વજનો પણ લાચાર બનીને મારી તરસને ઓબ્જેક્ટીવલી જોતાં રહ્યાં. ગંભીર ઑપરેશન પછી દર્દીને પાણી ન અપાય એવી કડક સૂચના હતી. પણ મારી તરસ એટલી બધી વધી ગઈ કે વૈશાખની કાળઝાળ બપોરે ડૉક્ટરોની પેનલ મને તપાસવા આવી ત્યારે મેં નિસહાય બનીને પાણીના ટીપાની માગણી કરી. ડૉક્ટરો કંઈ બોલ્યા નહીં. મારી તરસ સામે આંખ આડા કાન કર્યા. મેં ફરીવાર જોરથી બૂમ પાડીને પાણી માગ્યું. ડૉક્ટરોની પેનલ નિરુત્તર રહી. આ તરસ અને મૌનનો વ્યવહાર મને એટલે બધો અકળાવી ગયો કે ડૉક્ટરોને સીધેસીધું પૂછ્યું, 'તમે મને પાણીનું ટીપું કેમ નથી આપતા? મિસિસિપી, નાઈલ, એમેઝોન, ગંગા અને નર્મદા જેવી બધી જ નદીઓ સુકાઈ ગઈ છે? વિશ્વભરમાં પાણીનો દુકાળ છે? હું તમારી પાસે પાણીનું ટીપું માગું છું ત્યારે તમે એવું મોઢું કરીને ઊભા રહો છો જાણે પંચમહાભૂતમાંથી જળતત્ત્વ નામશેષ થઈ ગયું છે, કૂવાના પાણી સુકાયાં છે. નદીઓ સુકાઈ ગઈ છે.' મારો આ પ્રલાપ સાંભળીને ડૉક્ટરોની પેનલ થોડું હસીને ચાલી ગઈ. આખી બપોર હું પાણીના ટીપા માટે તડફડિયાં મારતો પડી રહ્યો. એક ક્ષણ મને એવું લાગતું કે હું આ અપાઢનાં વાદળોમાં જઈને આળોટું. ગંગાને વૉટરબેગમાં ભરી લઉં, મારા સુકાતા માંસને ખોબેક પાણીમાં પલાળી દઉં. એ તરસ એટલી બધી અસહ્ય હતી કે મને એવું થતું કે હું ખૂબ રડું અને આંખમાંથી જે પાણી નીકળે તે પી જાઉં. પણ એ ક્ષણ એવી હતી કે તમે લાગણીવશ થઈને ધોધમાર રોઈ પડો તો પણ તમારી આંખમાંથી એકેય પાણીનું ટીપું ન પડે. જો મને ખોબોક પાણી પાવામાં આવે તો હું મૃત્યુની ક્ષણ નજીક પહોંચી જાઉં અને તરસ્યો રાખવામાં આવે તો હું કદાચ જીવી જાઉં. એવું કંઈક એ ક્ષણનું લૉજિક હતું. મારી આ જીવલેણ તરસ વિશે વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે એ તરસ મૃત્યુની તરસ હતી કે જીવનની એ મને સમજાતું નહોતું. મનુષ્યની હયાતી ટકાવી રાખવા માટે આપણે જે હવાતિયાં મારીએ છીએ એ જોઈને એમ કહેવાનું મન થાય કે આ બધું ફારસ છે. આપણે કોઈ અકસ્માતમાંથી ઊગરી જઈએ ત્યારે એમ કહેવાનું મન થાય કે મૃત્યુ કૅન્સલ થયું નથી પણ મુલતવી રહ્યું છે. મને મારા મુલતવી રહેલા મૃત્યુનો ચહેરો ભયાનક મહોરું પહેરીને આવે છે, તમારું લોહી ચૂસી લે છે, પગની પિંડીમાંથી માંસનો લોચો કાઢી લે છે, શાહીચૂસની માફક શરીર પાણી ચૂસી લે છે. પણ એક ક્ષણે શરીરબુદ્ધિ એટલી બધી નામશેષ થઈ જાય છે કે તમને કશી ખબર જ પડતી નથી. એનેસ્થેસિયા જેટલું સુખપ્રદ છે એટલી જાગૃતિ સુખપ્રદ નથી. આપણે જાગીને જોઈએ છીએ ત્યારે જગત દેખાતું નથી. ફરી પાછું જીવવું પડશે એ વિચારવાનો ભાર એટલો બધો લાગે છે કે એ વિચારને વહન કરનારી ભાષા પણ લંગડી થઈ જાય છે. આ તરસના અનુભવ પછી મને એવું લાગ્યું કે હું ઘડો પાણી લઈને જન્મ્યો છું અને મારા ભાગે આવેલી એક કોઠી ઑક્સિજન લઈને પેદા થયો છું. હવાનું ધણ મારા સર્જનહારે દરેક સામે છૂટું મૂકી દીધું છે પણ દરેક જણ પોતાના ભાગમાં આવેલી હવાને સિલિન્ડરમાં ભરી લે છે. કોઈનું સિલિન્ડર વીસ વર્ષ ચાલે તો કોઈનું પચાસ વર્ષ, જેમ ગેસની કોઠી નિયત સમયે ખલાસ થઈ જાય છે એમ માણસો પાસે હવા પણ ખલાસ થઈ જાય છે. તમારા ભાગમાં આવેલી હવા ખલાસ થઈ જાય ત્યારે નાકને હવાની તરસ લાગે છે, આંખને આંસુની તરસ લાગે છે અને જીભને ભાષાની તરસ લાગે છે. કાનને અવાજની તરસ લાગે છે. આંગળીઓને સ્પર્શની તરસ લાગે છે. પગને કેડીની તરસ લાગે છે. મનુષ્યના અસ્તિત્વની મઝા તો એ છે કે તમારી પાસે હવા હોય છતાં ન હોય. પાણી હોય છતાં ન હોય. ભાષા હોય છતાં ન હોય. આ હોય છતાં ન હોયની પરિસ્થિતિ એવી છે કે એમાં આપણે નિયતી સામે ફરિયાદ કરી શકતા નથી.. મૃત્યુની ક્ષણ એક એવી ક્ષણ છે કે એમાં એક ઝાટકે બધું છોડી દેવું પડે છે. આપણાથી છૂટતું ન હોય પણ યમની ફરસીનો એ ઝાટકો જ એવો છે. કે બધું છૂટી જાય છે, કપાઈ જાય છે. હૉસ્પિટલમાં રહ્યા. મૃત્યુ મને ઑપરેશન જેવું લાગ્યું છે. આપણે સાઠેક વર્ષનો લબાચો ભેગો કરીને જીવ્યા હોઈએ, દુનિયાની નજરે બધું તંદુરસ્ત દેખાતા હોઈએ. નખમાંય રોગ ન હોય છતાં સર્જન યમદેવને એમ લાગે કે હવે આ જીવનું ઑપરેશન કરવું પડશે ત્યારે જ મૃત્યુનું સર્જન કરે છે. યમ મૃત્યુને જન્મ આપે છે. આપણે પામર જીવો બેબાકળા થઈને ભયભીત ચહેરે ઊંડા ઊંડા શ્વાસ લઈને ફેફસામાં ગમે તેટલી હવા ભરી રાખીએ, આપણી માંસપેશીઓને વિટામિનોનું નીરણ નાખી નાખીને લાખ બચાવવા કોશિશ કરીએ પણ મૃત્યુનું એનેસ્થેસિયા ફેફસામાં બચાવી રાખેલી રહીસહી હવાને પણ હાલરડું ગાઈને સૂવડાવી દે છે. જાગૃતિ અને સભાનતાના ઝેરથી પીડાતો માણસ અંતકાળ નજીક આવે છે ત્યારે મીઠી ઊંઘમાં સરકી જતો દેખાય છે. અમારા ગામમાં નાનું બાળક બહુ તોફાન કરતું હોય. માને ઘરકામમાં આડું આવતું હોય ત્યારે મા એ તોફાની બાળકને અફીણની ચમચીનો ગરેડો કરીને પાઈ સૂવડાવી દે છે. બાળક ઘસઘસાટ ઊંઘી જાય છે. ઘોડિયામાં ઊંઘતું એ બાળક હું જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે યમ પણ આપણા ઘોડિયાની દોરી પોતાના પગના અંગૂઠે બાંધીને હાલરડાં ગાય છે. યમના હલકભર્યા કંઠમાં સંભળાતું મૃત્યુનું હાલરડું કાનમાં અલંકાર થઈને ઝૂલવા લાગે છે. ખરું પૂછો તો આપણા કાનને મૃત્યુના હાલરડાની તરસ લાગી છે. યમ ગમે તેટલો ક્રૂર હોય પણ એની ક્રૂરતામાં મને વાઢકાપ કરતા ડૉક્ટરની માયાળુતા દેખાય છે. સહારાની રેતીમાં તપેલો એક એક કણ પહેલા વરસાદને છાંટે ટાઢાબોળ થઈ જાય એમ મૃત્યુની થોડીક છાલક વાગે ને માણસ છલકતો થઈ જાય. બાળપણમાં આપણને બીવડાવવા માટે કોઈ વાઘનું મહોરું પહેરીને આવે તો આપણે એ મહોરું જોઈને બીકના માર્યા ફાટી પડીએ. પણ એ વાઘનું મહોરું જેવું દૂર થાય તો એ મહોરા પાછળથી આપણા ભાઈબંધ છગનનો ચહેરો જોવા મળે એ રીતે મૃત્યુનું મહોરું આઘું હડસેલીને જોઈએ તો કોઈ પરિચિત ચહેરો જોવા મળી જાય છે. પરિચિત ચહેરાની જોવાની પણ તરસ હોય છે. અજાણ્યા ચહેરાઓના વનમાં આપણે ભૂલા પડી ગયા હોઈએ અને ક્યાંકથી કોઈક પરિચિત ચહેરાની ઝાંખી થાય ને આપણી તરસ હરણપગે દોડીને નાસી જાય છે. ખરી વાત તો એ છે કે તરસને કોઈ તળિયું જ નથી. એ સતત લાગ્યા કરે. પાણીના લોટાને તળિયું છે પણ શરીરનો આ ઘડો એવો છે કે એમાં પાણી નથી કરતું પણ તરસ ઊછરે છે. આ ઘડો ફૂટી જાય અને એનું ઠીકરેઠીકરું માટીમાં ભળી જાય તો પણ એ ઘડામાં ઠાંસોઠાંસ તરસને કોઈ ફળિયું મળે છે પણ તળિયું મળતું નથી.