સ્વાધ્યાયલોક—૬/રાજેન્દ્રની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજેન્દ્રની કવિતા

૧૯૫૧માં ઉનાળાની રજાઓમાં એક દિવસ બપોરની ચ્હાના સમયે ત્રણ વાગે બલ્લુકાકાને રાજેન્દ્રની ‘આયુષ્યને અવશેષે’નાં પાંચ સૉનેટો વાંચવા આપી. વાંચતા જાય ને ડોલતા જાય, ડોલતા જાય ને વાંચતા જાય. એ મહાકાય પુરુષને અને એ દુરારાધ્ય વિવેચકને કવિતા ડોલાવી શકતી હતી. વાંચીને કહે, ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે.’ પછી એ વિશે વધુ વાત થતાં કહે, ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે એ લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે.’ બલ્લુકાકાનું વય બ્યાશીનું હતું. આપણા એક પ્રસિદ્ધ કવિએ ‘આયુષ્યના અવશેષે’ વાંચીને રાજેન્દ્ર પરના એક અંગત પત્રમાં લખ્યું હતું કે આ પાંચ સૉનેટોમાં રાજેન્દ્રએ બળવંતરાયના ‘જૂનું પિયરઘર’નો તંતુ આગળ લંબાવ્યો છે એનો ઉલ્લેખ કર્યો એના ઉત્તરમાં બલ્લુકાકા કહે, ‘Absurd! Mine is a psychological proba-bility, while Rajendra has remained within the range of his experience. Nothing more could be said in such a short span.’ આ પ્રસંગે આ સંવાદનું સહજ જ સ્મરણ થાય છે એથી એનો અહીં આરંભે ઉલ્લેખ કર્યો. ‘આયુષ્યના અવશેષે’ રાજેન્દ્રનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાસાહિત્યનાં સર્વશ્રેષ્ઠ કાવ્યોમાંનું એક છે. ‘આયુષ્યના અવશેષે’ની રચનાસાલ છે ૧૯૪૮. રાજેન્દ્રની કવિતાનો આરંભ ૧૯૩૩ની આસપાસમાં. આરંભનાં વર્ષોમાં એમની કવિતા બંગાળના પ્રવાસે નીકળી હતી. એ અગુજરાતી કવિતા હતી. એમાં લિપિ જ માત્ર ગુજરાતી હતી. ઉદાહરણ તરીકે ‘ફૂલ ઝરે રાશિ રાશિ’. આ બિનગુજરાતી કવિતા હસ્તપ્રતમાં જ અસ્તિત્વ ધરાવવા સર્જાઈ હતી. કવિની કાવ્યપોથીઓમાં હંમેશને માટે અપ્રગટ રહેવા જ નિર્માઈ હતી. હમણાં થોડાંક વર્ષો પૂર્વે જ રાજેન્દ્રે એ કાવ્યોપોથીઓનો નાશ કર્યો. રાજેન્દ્રનું પ્રથમ સુંદર કાવ્ય રચાયું ૧૯૩૮માં, ‘યામિનીને કિનાર’. એનો આરંભ આમ થાય છે : ‘આછી ઘેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંધળીમાં 
ધીરે ધીરે અરવ પગલે ઊતરે અંધકાર.’ અને એનો અંત આમ આવે છે : ‘ને ગાણાના ધ્વનિત પડઘા હોય ના એમ જાણે 
વ્યોમે વ્યોમે તરલ ધવલા ફૂટતા તારલાઓ.’ રાજેન્દ્રમાં પાછળથી જે સંપૂર્ણપણે સ્ફુટ થવાની હતી એ એમની કવિતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ — લયસૂઝ – નો અહીં પ્રથમ પરિચય થાય છે. અંધારા આકાશમાં એક પછી એક ફૂટતા તારાઓને ગીતના પડઘા કહ્યા પછી કવિએ અવાજ દ્વારા જ અર્થ સિદ્ધ કરવો રહ્યો. અને અહીં અર્થ અવાજ દ્વારા સિદ્ધ થયો છે. ‘તરલ ધવલા ફૂટતા તારલાઓ’માં સ્વરવ્યંજન-સંકલના દ્વારા, ‘ત’, ‘ર’ અને ‘લ’નાં આવર્તનો દ્વારા જાણે કે ધાણી ફૂટે એમ તારલાઓ ફૂટે છે એમ આપણે કાનથી અર્થ ગ્રહણ કરીએ છીએ. અને ‘આ તારો ફૂટ્યો’, ‘પેલો તારો ફૂટ્યો’, ‘અહીં ફૂટ્યો’, ‘તહીં ફૂટ્યો’ એમ જેમ જેમ એક એક નવો તારો ફૂટે તેમ તેમ આપણે આકાશ સામે વારંવાર નજર નાંખીએ છીએ ત્યારે એક જ વ્યોમ નહિ પણ અનેક વ્યોમ, જેટલા તારા એટલાં વ્યોમ જાણે કે આપણે ચકિત ચકિત નેત્રે જોઈએ છીએ એ આપણો અનુભવ પણ ‘વ્યોમે વ્યોમે’ એવા પુનરાવર્તન દ્વારા કવિએ આપણને પ્રત્યક્ષ કરી આપ્યો છે. પંક્તિ વાંચતાંવેંત આપણે આમ અનુભવીએ છીએ એમાં રાજેન્દ્રની લયસિદ્ધિ છે. રાજેન્દ્રની કવિતાનું આશ્ચર્ય એ છે કે એમાં સમકાલીન સમાજની વાસ્તવિકતા નથી. એવી વાસ્તવિકતા વિના પણ ઉત્તમ કવિતા સિદ્ધ થાય એનું ઉત્તમ ઉદાહરણ રાજેન્દ્રની કવિતા છે. ૧૯મી સદીના કેટલાક મહાન કવિઓએ અને આપણા સમકાલીનોમાંથી મુખ્યત્વે હરિશ્ચન્દ્ર, પ્રહ્લાદ, અને રાજેન્દ્રએ કવિતાનું એ આશ્ચર્યજનક સત્ય સિદ્ધ કર્યું છે. કવિતામાં સમકાલીન સમાજની વાસ્તવિકતાનો, સામાજિક સભાનતાનો, social consciousenessનો વાવટો ફરકાવનાર વાચક-વિવેચકે હંમેશાં રાજેન્દ્ર જેવા કવિઓની કવિતાનો સામનો કરવાનો રહેશે. રાજેન્દ્રના કવિતાસંગ્રહમાં ‘જિંદગી જિંદગી’, ‘દુ:શાસન’, ‘ભૂલેશ્વરમાં એક રાત’, ‘મધ્યરાત્રિએ મુંબઈ’, ‘પત્ર’ જેવાં અપવાદરૂપ કાવ્યો છે. એમાં સમકાલીન સમાજની વાસ્તવિકતા, સામાજિક સભાનતા છે. છતાં એકંદરે એમ કહી શકાય કે રાજેન્દ્રની કવિતામાં આ વાસ્તવિકતાનો, સભાનતાનો અભાવ છે. રાજેન્દ્રને મનુષ્ય તરીકે સમાજનો, એની વાસ્તવિકતાનો અનુભવ નથી એમ નહિ. એ અનુભવથી કોઈપણ મનુષ્ય વંચિત હોય? રાજેન્દ્રને સંસારનો પાકો અનુભવ છે, સમાજનો પૂરો અનુભવ છે. અમદાવાદમાં હતા ત્યારે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓનો એમને પ્રત્યક્ષ અનુભવ હતો. ૧૯૪૪થી એ મુંબઈમાં વસે છે. યુદ્ધોત્તર સમયમાં મુંબઈ જેવી આધુનિક યાંત્રિક સંસ્કૃતિની આગવી સરજત જેવી નગરીમાં કુટુંબ સાથે સ્થિર થવાની મુશ્કેલીઓ અને મથામણો રાજેન્દ્રે તીવ્રપણે અનુભવી છે એનો હું સાક્ષી છું. મુંબઈ જેવી નગરીમાં વસતો હોય એ માણસ દેશના જ નહિ, દુનિયાભરના પ્રશ્નોથી અલિપ્ત કે વંચિત હોય? ફલોરા ફાઉન્ટન પર એક જ ક્ષણમાં જગતના કોઈ પણ ખૂણામાં મહત્ત્વનો બનાવ બને તો એનો આંચકો અનુભવ્યા વિના, એનો આઘાત નસો પર ઝીલ્યા વિના તમારો છૂટકો જ નહિ. આરંભમાં થાણામાં લાકડાના વ્યવસાયમાં, વચમાં કાલબાદેવી પર કાગળના વ્યવસાયમાં અને અત્યારે ગીરગામ પર છાપકામના વ્યવસાયમાં રાજેન્દ્ર ૧૯૪૪થી તે આજ લગી સવારસાંજ રચ્યાપચ્યા રહ્યા છે. આમ રાજેન્દ્રને સંસારનો ને સમાજનો પૂરો ને પાકો અનુભવ હોવા છતાં એમની કવિતામાં સમકાલીન સમાજની વાસ્તવિકતાનો, સામાજિક સભાનતાનો અભાવ છે એ કવિતાનાં અનેક આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. મનુષ્ય તરીકે રાજેન્દ્રને આ અનુભવ સંપૂર્ણપણે થયો હોવા છતાં કવિ તરીકે એમણે આ અનુભવને એમની કવિતાની સામગ્રી તરીકે યોજ્યો નથી એ હકીકત કોઈને રાજેન્દ્રની કવિતાની મોટી મર્યાદા પણ લાગે. તો એમને ‘ધ લંડન મેગેઝીન’માં ‘The Writer in His Age’ — ‘લેખક અને એનો યુગ’ નામની પ્રશ્નોત્તરીમાં અંગ્રેજ કવિ સ્ટીફન સ્પેન્ડરનું એક વિધાન ભેટ ધરવું જોઈએ કે જે લેખક સમકાલીન સામાજિક સંઘર્ષોમાં સંડોવાય છે એ કદાચને એ જ કારણે એના યુગના ગહનતમ વાસ્તવને અને એ દ્વારા સર્વયુગોના ગહનતમ વાસ્તવને ચૂકી જાય છે. રાજેન્દ્રની કવિતામાં શું નથી અથવા તો કોઈપણ કવિની કવિતામાં શું નથી એ કહેવા માટે વિવેચકે જન્મ લેવાની જરૂર નથી. કોઈ પણ કવિની કવિતામાં એમાં જે છે તે સિવાયનું બીજું બધું જ એમાં નથી એ તો એ કવિતા વાંચ્યા વિના પણ કહી શકાય. ડેન્ટિની કવિતામાં શેક્સ્પિયરની કવિતા નથી ને શેક્સપિયરની કવિતામાં ડેન્ટિની કવિતા નથી એ તો ડેન્ટિની ને શેક્સપિયરની કવિતા વાંચ્યા વિના જ કહી શકાય. તેમજ રાજેન્દ્રની કવિતામાં રાજેન્દ્રની કવિતા સિવાયનું બીજું બધું જ નથી એમ રાજેન્દ્રની કવિતા વાંચ્યા વિના જ કહી શકાય. રાજેન્દ્રની કવિતામાં શું છે એમ કહેવું હોય તો જ રાજેન્દ્રની કવિતા વાંચવાની રહે. તો રાજેન્દ્રની કવિતામાં શું છે? રાજેન્દ્રમાં વાસ્તવિકતાની કવિતા નથી પણ કવિતાની વાસ્તવિકતા છે. રાજેન્દ્રમાં વાસ્તવિકતાની કવિતા નથી તો એની કોઈ પરવા નથી. વાસ્તવિકતાની કવિતા બીજા કોઈ કવિ પાસેથી મેળવી લઈશું. અને કવિમાત્રએ વાસ્તવિકતાની કવિતા કરવી જ એવું કંઈ નહિ. કવિતા વાસ્તવિકતા વિશેની હોવી જ જોઈએ? કવિતા વાસ્તવિક હોય એટલે બસ! વાસ્તવિકતા વિશેનાં અનેક કાવ્યો અવાસ્તવિક હોય છે. આવેશને કારણે, ઉશ્કેરાટને કારણે વાસ્તવિકતા વિશેનાં અનેક કાવ્યો ફિસ્સાં ને સપાટિયાં હોય છે, ભ્રામક હોય છે. કવિતામાં વાસ્તવિકતાનો કોઈ એકાંગી, આત્યંતિક મહિમા નથી. કવિતા વાસ્તવિકતા વિશેની હોય કે ન હોય પણ કવિતા સ્વયં વાસ્તવિક હોવી જોઈએ. રાજેન્દ્રે ભલે બહિર્જગતની વાસ્તવિકતા કવિતામાં સિદ્ધ ન કરી હોય પણ એમણે કાવ્યજગતની વાસ્તવિકતા તો સિદ્ધ કરી જ છે. એમની કવિતા વાસ્તવિક છે, એટલે કે પ્રતીતિકર છે. એમાં કાવ્યનું વાસ્તવ છે. રાજેન્દ્રે કવિતાની વાસ્તવિકતા સિદ્ધ કરી છે, કાવ્યનું વાસ્તવ સિદ્ધ કર્યું છે એમાં એમની કલ્પનાનો કીમિયો છે. એમની સર્જકતાનું રહસ્ય છે. કવિની આ કલ્પના, આ સર્જકતા પ્રગટ થાય છે એના લય અને પ્રતીકો દ્વારા. રાજેન્દ્રમાં લયની સૂઝ અસાધારણ છે. રાજેન્દ્રની કવિતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ આ લયસિદ્ધિ છે. કોઈપણ કવિની કવિતામાં છંદોલય એ પહેલી અને છેલ્લી કસોટી છે. કવિતા એ અવાજની કલા છે. એથી કવિતામાં લયનું જેટલું અગત્ય આંકીએ એટલું ઓછું છે. અર્થ પણ એને અનુરૂપ અવાજ વિના કવિતામાં કદાપિ સફળ ન થાય. આ લયસિદ્ધિ વિના કવિત્વ કદાપિ સિદ્ધ ન થાય. રાજેન્દ્રને એમનો ઇષ્ટ અર્થ પ્રગટ કરવામાં મુશ્કેલી પડતી નથી. સ્વાભાવિકતાથી, સાહજિકતાથી, લીલયા માત્રમાં ધાર્યો અર્થ પ્રગટ કરવો એમને ફાવે છે એમની આ લયસૂઝને કારણે. એથી એમની કવિતામાં સંગીતમયતા છે, પ્રાસાદિકતા છે. રાજેન્દ્રની કવિતામાં સંગીતમયતા જેટલી જ ચિત્રાત્મકતા છે. રાજેન્દ્રનું શૈશવ વાત્રકના પ્રદેશમાં વીત્યું. ૧૯૪૪માં મુંબઈવાસ કર્યો ત્યારે એ ખાલી હાથે મુંબઈ નહોતા આવ્યા. સાથે વાત્રકના સુવર્ણપ્રદેશનાં મધુર ચિત્રોનાં શૈશવનાં સ્મરણો સાથે લાવ્યા હતા. અને મુંબઈમાં સ્થિર થવાની મુશ્કેલીઓ અને મથામણોનાં વર્ષોમાં આ સ્મરણોની એમને હૂંફ હતી. એના ટેકાથી એ ટક્યા. સ્મરણો nostalgia સમાન હતાં. અને ત્યારે જ એમની કવિતા ૧૯૪૬થી ૧૯૫૦ની વચ્ચે ખીલી ઊઠી, મ્હોરી ઊઠી આ સ્મરણોને કારણે. ‘ધ્વનિ’નાં સર્વશ્રેષ્ઠ કાવ્યો ‘આયુષ્યના અવશેષે’ અને ‘શ્રાવણી મધ્યાહ્ને’માં આ સ્મરણો અને ચિત્રોનો સંપૂર્ણપણે પરિચય થાય છે અને આ ચિત્રો અને સ્મરણો દ્વારા જ રાજેન્દ્રની કવિતામાં અપૂર્વ સૌંદર્ય સિદ્ધ થયું છે. સૌ કવિઓનું શૈશવ એ એમનો પરીપ્રદેશ છે. રાજેન્દ્રની કવિતાની શૈલી એટલે આ સંગીતમયતા અને ચિત્રાત્મકતા. તો એમની કવિતાનું વસ્તુ છે પ્રસન્નતા અને પરિતૃપ્તિ. પ્રકૃતિમાં પ્રસન્નતા અને પ્રણયમાં પરિતૃપ્તિ એ એમની કવિતાનો સિદ્ધ અનુભવ છે. જીવનના આરંભે જ શ્રેય:સાધક અધિકારી વર્ગના સંસ્કારો અને કૉલેજના અભ્યાસકાળમાં ફિલસૂફીનું મનન એમના આ અનુભવને ઉપકારક થયાં એથી એમનો આ અનુભવ પુષ્ટ થયો. રાજેન્દ્રની કવિતામાં ચિંતન છે, પણ તે કવિતાની સાથે ઓતપ્રોત, એકરસ છે. રાજેન્દ્ર કોઈ પણ પ્રૌઢ કવિની જેમ જીવનનો, જીવનના ગહન અનુભવોનો ગંભીરપણે વિચાર કરે છે એથી એમની કવિતામાં પ્રૌઢિ છે. એક જ શબ્દમાં રાજેન્દ્રની જીવનદૃષ્ટિ કે કવનસૃષ્ટિનો સાર આપવો હોય તો એ શબ્દ છે આનંદ. અંતમાં રાજેન્દ્રની કવિતામાં જે લયસૂઝ, સંગીતમયતા, ચિત્રાત્મકતા અને ચિંતન છે એના ઉદાહરણરૂપ કેટલીક પંક્તિઓનો પાઠ કરીએ : ‘ઉરના અજંપાના ઊડે છે આગિયા’ અહીં અજંપા જેવો એક અત્યંત સૂક્ષ્મ અને સુકુમાર ભાવ આગિયાના કલ્પન — metaphor દ્વારા કેવો મૂર્ત સ્વરૂપે પ્રત્યક્ષ કર્યો છે. ‘હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો’ અહીં પણ ગંધને ‘ઘવાયો’ ક્રિયાપદ દ્વારા મૂર્ત સ્વરૂપે પ્રત્યક્ષ કરી છે. ‘ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ, 
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું!’ અહીં પણ અવાજને શ્રાવ્ય રૂપે નહિ, દૃશ્યરૂપે નિરૂપ્યો છે અને વાંકીચૂકી રેખાવાળી ગતિમાં સર્પ નહિ, સૌંદર્ય સરે છે એમ હૂબહૂ તાદૃશ વર્ણન છે. ‘…ગુંજરતો વહ્યો ધ્વનિ’ 
તરંગ-આવૃત્ત અનંત શાંતિમાં. એક શાંતિમાંથી જન્મીને ધ્વનિ, શબ્દ, બીજી અનંત શાંતિમાં હંમેશને માટે શમી જાય છે પણ એ બે શાંતિની વચ્ચે જે અવાજના તરંગોની આવૃત્તિ થાય છે એ logical meaning જોડણીકોશનો અર્થ અહીં આ પંક્તિના શબ્દોના અવાજમાત્રથી, ચાર ‘ત’ અને ચાર જોડાક્ષરો દ્વારા ચાર તરંગોની આવૃત્તિ થાય છે એ દ્વારા જ સ્પષ્ટ થાય છે. એમાં કવિનો લયકેફ ચકચૂર છે. આ એક જ પંક્તિ રાજેન્દ્રની લયસૂઝ, લયસિદ્ધિનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ પંક્તિને કારણે રાજેન્દ્ર પણ કીટ્સની જેમ કહી શકે, ‘I look upon words like a lover.’ ‘ડોલંતી ડાળીઓમાં વ્યોમ વીંટળાય’ અહીં વર્ષાનું વર્ણન છે. પવન જોસમાં વાય છે. વૃક્ષની ડાળીઓ હાલકડોલક થાય છે અને આખું આકાશ, મેઘની વેગીલી ગતિને કારણે જાણે કે ઘૂમરાય છે. અને વસ્ત્રની જેમ જાણે કે ડાળીઓમાં વીંટળાય છે. આમ, વૃક્ષ અને વ્યોમની વચ્ચે જે અવકાશ છે એનો આ કલ્પના દ્વારા લોપ કર્યો છે. Once the space is conquered not by rocketry but by poetry. અહીં કવિએ સ્થલ પર વિજય પ્રાપ્ત કર્યો છે. સ્થળને લોપીને. ‘આયુષ્યના અવશેષે’ અને ‘શ્રાવણી મધ્યાહ્ને’માં આદિથી અંત લગી, પંક્તિએપંક્તિમાં અને શબ્દે-શબ્દમાં રાજેન્દ્રની કવિતાના સમગ્ર સૌંદર્યનો પૂર્ણ પરિચય થાય છે એટલે અહીં એ કાવ્યોનો માત્ર ઉલ્લેખ જ કરવો રહ્યો. જેનાં નામના સમ ખાઈને, સોગંદ લઈને કહેવું હોય કે આ કવિતા છે તો રાજેન્દ્રના સમગ્ર કવિતા સંગ્રહમાંથી આ બે કાવ્યોનાં નામ હું પસંદ કરું. આ પ્રસંગે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર રાજેન્દ્રને દીર્ઘાયુષ્ય આપે અને રાજેન્દ્ર આપણને કવિતા આપે.

૨૨ ઑક્ટોબર ૧૯૫૯


*