સ્વાધ્યાયલોક—૬/‘સૌ સારાં’માંથી 'વધુ સારાં' કાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌ સારાં’માંથી ‘વધુ સારાં’ કાવ્યો

મહેન્દ્ર એટલે અશરીરી અવાજ. ભગવાને જાણે આખો માણસ જ માત્ર અવાજથી બનાવ્યો ન હોય! એના આત્માની સમગ્ર શ્રી એના અવાજમાં પ્રગટ થતી હતી. એમાં કોઈ વિરલ સંસ્કારિતા અને સંવેદનશીલતા હતી. એનું વ્યક્તિત્વ સૌથી વધુ એના અવાજમાં વ્યક્ત થાય છે એથી એ સંપૂર્ણ સભાન હતો. એને એનો અવાજ બહુ જ ગમતો હતો. અમને સૌને પણ એટલો જ ગમતો હતો. ક્યારેક તો એ એનો અવાજ સાંભળવા અને સંભળાવવા માટે જ બોલતો હતો, વાતો કરતો હતો. અવસાનના થોડાક મહિના પહેલાં મુંબઈમાં મળવાનું થયું ત્યારે અનેક મિત્રોને થયો એવો જ અનુભવ મને થયો હતો. વિશેષમાં એટલું કે વિદ્યમાન ગુજરાતી કવિઓના સ્વમુખે એમનાં સ્વરચિત કાવ્યોની ટેઇપ્સની લાઇબ્રેરી તૈયાર કરવાનું એનું સ્વપ્ન હતું, પણ હવે એની પાસે સમય ન હતો. એ સ્વપ્ન મને સોંપતો ગયો છે અને હું વચનબદ્ધ છું. અમદાવાદમાં છેલ્લું મળવાનું થયું ત્યારે ગુજરાતમાં શિક્ષણનો જે સર્વતોમુખી હ્રાસ થયો છે એની સામે એનો ભારે રોષ હતો. એ રોષ પણ એ મને સોંપતો ગયો છે. ‘કુમાર’માં બુધસભામાં એ નિયમિત આવે. એક ખૂણામાં ટેબલ પર બેસે. કાવ્યો વંચાય ત્યારે એ કવિના અવાજ પર ધ્યાન આપે. કાવ્યનો ભાવ, વિચાર, સમગ્ર આત્મા એ કવિના અવાજમાં શોધે. પોતે કાવ્યનું પઠન કરે ત્યારે પણ કવિતા એ અવાજ છે, અવાજની કળા છે એની પ્રતીતિ કરાવે. કવિતા એટલે કવિનો અવાજ એવી કવિતા વિશેની વિરલ સૂઝ મહેન્દ્રને પ્રથમથી જ હતી. કેટલા બધા કવિઓ પોતાનાં કાવ્યોનું પોતે પઠન કરે અને પ્રગટ ન થાય એટલું સૌંદર્ય મહેન્દ્ર એનું પઠન કરે ત્યારે પ્રગટ થતું. એણે આવાં કેટલાંક કાવ્યોની ટેઇપ્સ તૈયાર કરી હતી. મહેન્દ્રનો એટલો અવાજ હવે આપણી પાસે છે. મહેન્દ્ર ભગતની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે એમની સ્મૃતિમાં એક કાવ્યપૂર્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. એમાં મારે જે નવ કાવ્યો પસંદ કરવાનું પ્રાપ્ત થયું એમાં મેં નવ જ કાવ્યો શા માટે પસંદ કર્યાં અને અમુક જ નવ કાવ્યો શા માટે પસંદ કર્યાં એ વિશે નિવેદન રૂપે કંઈક લખવું એવી ‘પ્રવાસી’ના કવિતંત્રી ભાઈ હરીન્દ્રની આજ્ઞા છે. સૌપ્રથમ તો મારે એ સત્વરે સ્પષ્ટ કરવું જોઈએ કે એમાં રાજેન્દ્ર શાહનું કાવ્ય ભાઈ મહેન્દ્રને સંબોધન રૂપે છે. માટે જ પસંદ કર્યું છે. એ પછી એ કાવ્ય વિશે મેં કોઈ ‘દ્વિતીય વિચાર’ કર્યો નથી. કોઈ પણ સંપાદક જ્યારે કાવ્યો પસંદ કરે છે ત્યારે એની પસંદગી સર્વસ્વીકાર્ય ન પણ હોય, મોટે ભાગે નથી જ હોતી. કાવ્યવિચારમાં રુચિભેદને અવશ્ય સ્થાન છે. એક ભાવકને જે કાવ્ય ગમે કે ઉત્તમ લાગે તે અન્ય ભાવકને ન પણ ગમે કે ઉત્તમ ન પણ લાગે. આરંભમાં જ મારે એ પણ કહેવું જોઈએ કે આ પુસ્તિકામાં સ્થાનિક પક્ષિલ, પંથીય આંદોલનીય, શાળેય, વાદીય કે વિવાદીય ધોરણ સ્વીકાર્યું નથી. માત્ર કાલીન ધોરણ અપનાવ્યું છે. મહેન્દ્રનું અવસાન વર્ષ ૧૯૭૫. એથી ૧૯૭૫ના વર્ષ દરમ્યાન વિવિધ સામયિકોમાં જે કાવ્યો પ્રગટ થયાં હોય એમાંથી જે કેટલાં ઉત્તમ કાવ્યો હોય એ પસંદ કર્યાં છે. એટલે આ પુસ્તિકામાં જે આઠ કાવ્યો છે તે આઠ કાવ્યો જ ૧૯૭૫નાં ઉત્તમ કાવ્યો છે એવું પણ નથી, પણ ૧૯૭૫નાં ઉત્તમ કાવ્યોમાં આ આઠ કાવ્યોનું સ્થાન અવશ્ય હોય એવું મારું દૃઢ માનવું છે. અન્ય કોઈ સંપાદક ૧૯૭૫નાં નવ ઉત્તમ કાવ્યો પસંદ કરે અને એમાં જો આ આઠ કાવ્યોને સ્થાન પ્રાપ્ત ન થાય તો એ સંપાદક સાથે મારે તાત્ત્વિક રુચિભેદ છે એમ હું જરૂર કહું. ‘ધારાવસ્ત્ર’ (ઉમાશંકર જોશી) રહસ્યવાદી બલ્કે રહસ્યમય અનુભવનું એક સાચકલું કાવ્ય છે. આવા અનુભવનું કાવ્ય મોટે ભાગે છેતરામણું હોય છે. ઉમાશંકરે પૂર્વે ‘સોનાપગલી’, ‘નિશીથ’ આદિમાં આવા અનુભવમાંથી કાવ્ય કર્યું છે. આ ત્રણે કાવ્યો એકમેકની સાથે સરખાવવાથી ઉમાશંકરની શૈલીમાં જે ફેરફાર થતો આવે છે તે પામી શકાય છે. ‘ફૂલનો ફટકો’ (પ્રિયકાન્ત મણિયાર) ‘મેટાફીસિકલ સૉંગ’ અથવા એફ. આર. લીવિસ જેને ‘લાઇન ઑફ વિટ’ કહે છે તે બૌદ્ધિક પરંપરાનું ગીત છે. ભાઈ સિતાંશુ આ પ્રકારનું ગીત ગુજરાતી કવિતાની પરંપરાના સંદર્ભમાં ગુજરાતના કવિતારસિકોને જેટલું વહેલું સમજાવે એટલું સારું. ‘એક ટ્રંકકોલ’ (શેખાદમ આબુવાલા) ખુદ ગાંધીવાદીઓ સુધ્ધાં અનેક રાજકીય અને સામાજિક નેતાઓ ગાંધીજીને નામે ભારતની પ્રજાની સાથે નરી છેતરપિંડી કરી રહ્યા છે. તે પર એક કટાક્ષ છે. આ કટાક્ષમાં જે નરી નાગરિકતા અને નાટ્યાત્મકતા છે તે વિરલ છે. ‘અભ્યારણ્યને’ (ભાનુપ્રસાદ પંડ્યા) તથા ‘મારું ગામ’ (મનહર તળપદા) આ બન્ને કાવ્યોનું આજે ભારત જ્યારે ઔદ્યોગિક યુગમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એમાં યુગપરિવર્તનનું કરુણના સંસ્પર્શ સાથેનું સુરેખ પ્રતિબિંબ છે એથી સવિશેષ મૂલ્ય છે. ‘એક અનુભવ તને કહું…’ (રમેશ પારેખ)માં કરુણમધુર બુટ્ટો છે. આવો તરંગ ગુજરાતી કવિતામાં વિરલ છે. ‘શોકસભા પહેલાં અને પછી’ (જગદીશ જોષી)માં મૃત્યુ અને મૃતજન પ્રત્યે આપણી જે કૃતક સંવેદના સાહિત્ય જેવા સંવેદનશીલ જગતના મનુષ્યોમાં હોય છે એ પર અત્યંત વાસ્તવિક કટાક્ષ છે. કાવ્યની અંતિમ પંક્તિઓમાં કરુણ પણ છે. આ પંક્તિઓ વાંચતાં આ લખનારની આંખો અને એનું હૃદય પણ આર્દ્ર થાય છે. ‘પોતાનો ફોટોગ્રાફ જોઈને (વિપિન પરીખ)માં જગતની છલનાઓ, વંચનાઓ, પ્રતારણાઓ પર હસનાર કવિઓ પણ એ જ કારણોથી કેવા તો હાસ્યાસ્પદ હોય છે. ટૂંકમાં કવિઓ પણ કેવા માત્ર મનુષ્યો — બલકે ‘માણહાં’ હોય છે એનું નાટ્યાત્મક, આત્મનિરીક્ષણાત્મક કટાક્ષદર્શન છે. અંતે કવિને પણ ‘સાચી વાત?’ એવો પ્રશ્ન પૂછવો પડે છે. કવિ એવો ‘કવિમનુષ્ય’ હોય છે. કવિ વિશેનું આ સત્ય પણ કવિતામાં વિરલ છે. ૧૯૭૫ના વર્ષમાં વિવિધ સામયિકોમાં આઠથી વધુ સંખ્યામાં સારાં કાવ્યો પ્રસિદ્ધ થયાં છે. પણ એ સૌ સારાં કાવ્યોમાં મને જે વધુ સારાં લાગ્યાં તે અહીં પસંદ કર્યાં છે. લૅટિનમાં કહેવત છે કે સારા અને વધુ સારાની વચ્ચે પણ કલહ હોય છે.

(મહેન્દ્ર ભગતની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે અંજલિરૂપ ‘કાવ્યપૂર્તિ’ અંગે નિવેદન. ૯ મે ૧૯૭૬.)

*