હનુમાનલવકુશમિલન/એક ખંડ આ –
અવાજો છે તે, બાકી તો ધૂળ છે; હવામાં અને અન્ય સર્વ વસ્તુઓ પર. કાર્પેટ પર તેની ઉપસ્થિતિ તરત નજરે ચડે છે. એનો એકસરખો સપાટ પટ બાઝી ગયેલો છે. જોકે એની વચ્ચેથીયે કાર્પેટના રૂપની ઝાંખી હજુ થઈ શકે છે. એનો રંગ ગુલાબી હશે એમ લાગે છે. ટાઈલ્સના જેવી લાલ-ભૂરી છાંટની ઉપર ભાત હશે એવુંયે પરખાય છે. વચ્ચે વચ્ચે એકસરખા આકારનાં બારમાસીનાં નાનકડાં ફૂલો એ ભાત પર પથરાયેલાં જણાય છે. આજુબાજુની કોર તરફ ઉંદરો એના પર દાંત ચલાવી ગયા છે. ધૂળની વચ્ચે એમનાં પગલાંની દોટ ને ક્યાંક પૂંછડાના લિસોટા બધે અંકાયેલા પડ્યા છે. આમેય કાર્પેટ આખી નથી; બે ભાગમાં છે. ને એ ભાગ એકબીજા સાથે વ્યવસ્થિત ગોઠવેલા નથી. પરિણામે એની વચ્ચેની ફાટમાંથી રૂમની ફરસબંધી ડોકિયાં કરી જાય છે. રૂમની તરફના ઘણા ખરા ભાગ સુધી પણ એ જ રીતે કાર્પેટ પહોંચી શકી નથી. ફરસ પર પણ ધૂળનો એ જ પટ. અહીં ધૂળ ઝીણા ઝીણા ખાડાઓમાં સલવાઈને પછી પોતાની સપાટી બાંધે છે. એટલે કે ફરસ ખરબચડી છે. ખરબચડાપણું સાવ અનિયમિત અને પથ્થરના કુદરતી સ્વરૂપનું જ છે. પથ્થરો મોટા, લંબચોરસ, ‘સ્લેટ’ રંગનાં છે ને સિમેન્ટની જાડી પટ્ટીથી તેમને પરસ્પર સાંકળેલા છે. પથ્થરોના રંગ પણ સાવ મળતા આવતા નથી. ક્યાંક એમાં સફેદાઈ ભળેલી છે. તો ક્યાંક પીળાશ કે સહેજ લાલાશ. કાર્પેટ ફરસની ધૂળની સપાટી પર ઉંદરોની સાથે જ કીડી, વંદા ને ગરોળીએ પણ પોતાનું ચિતરામણ કરેલું છે. વધારે ઝીણવટપૂર્વક કદાચ મચ્છરોનો ફાળો પણ નોંધી શકો. ગરોળી, ઉંદરનાં પગલાંની વચ્ચે કીડીની હારે દોરેલા લિસોટા – ફરસની ભીંત આગળતી હદથી – શરૂ થઈ અંદર સુધી લાંબા-ટૂંકા પ્રમાણમાં લંબાતા ગણતર લિસોટા ખાસ ધ્યાન ખેંચે છે. આ કાર્પેટ પર દિવસ દરમ્યાન તડકાના ટુકડાઓ ઊગે છે, પ્રવાસ કરે છે અને આથમે છે. સૂરજના દક્ષિણાયન-ઉત્તરાયન અનુસાર એ ટુકડાઓ એમની અયનની રેખાઓમાં સહેજસાજ ફેરફાર કરી લેતા હશે – એ જ; બાકી એ સિવાય કોઈ અસામાન્ય તફાવત પડતો નહીં હોય. રૂમની એક તરફની, બારણાની બરાબર સામેથી બાજુની ભીંત પર બે બારીઓ છે. એમાંથી એકના વેન્ટિલેશનનો કાચ સહેજ તૂટી ગયેલો છે. ઉપરાંત છતની નજીકમાં એક લંબચોરસ, પિરામિડની મધ્યમાંથી ટુકડો તોડી એને પોલો બનાવ્યો હોય તેવા આકારનું એક વા-બારું છે. તેમાંથી દિવસે સૂર્ય અને રાતે ચંદ્રનો પ્રકાશ પ્રવેશે છે. સતત હવા પ્રવેશે છે – હવા બહાર પણ જાય છે; પણ નહીંવત્. હવામાંનાં રજકણોને લાંબા પટારૂપે અજવાળતો સૂર્યપ્રકાશ સવાર ઠીક ઠીક ચડી જાય પછી વેન્ટિલેશનમાંથી દાખલ થાય છે. એનું પ્રતિબિંબ ઉપર આવતા સૂરજની સાથે પ્રથમ નાનું અધૂરું કદ લઈને આવે છે ને પછી ધીમે ધીમે વિસ્તરે છે, આગળ વધે છે. પોતાની અડધી મજલ એ પૂરી કરે ત્યાં વા-બારામાંથી પણ એ અન્યરૂપે દાખલ થાય છે. – એ જ ક્રમમાં અને આગલા પ્રતિબિંબ સાથે સમઅન્તર જાળવીને આગળ વધે છે. બપોર પૂરી ચડતાં સુધીમાં તો બંને અદૃશ્ય થઈ જાય છે. તડકા વિનાનો સૂર્યપ્રકાશ છેક સાંજ સુધી ઝમ્યા કરે છે. વેન્ટિલેશનોના અર્ધપારદર્શક જાડા રંગીન કાચ પણ એમાં પોતાનો ફાળો પુરાવે છે. ને તડકો અંદર ઝમતો હોય ત્યારે આ જ કાચ તડકાના ટુકડાઓની આસપાસ, તડકાનાં થોડાં રંગીન ધાબાંઓ સહપ્રવાસી રૂપે વહેતાં મૂકે છે ને આજુબાજુ પથરાય છે. ને એમ કાર્પેટની ધૂળછાયી સપાટીનો અન્ય થોડોઘણો ભાગ પણ સૂર્યસ્પર્શે પાવન બને છે. વેન્ટિલેશનના કાચ લાલ અને નેવી બ્લ્યૂના ભડક રંગોવાળા છે ને નિયમિત પ્રકારની ચોરસ ખરબચડી સપાટીવાળા છે. વેન્ટિલેશન બધાં બંધ છે એ સમજી જવાય. વેન્ટિલેશન ઉપરાંત બારીની ઉપરના ભાગમાં આડા-ઊભા સળિયાઓ પણ જડેલા છે. બહાર પવન સુસવાટો લે છે. વેન્ટિલેટર અને બારીઓ ખખડ્યા કરે છે. કશાક રિપેરિંગના ઠોકઠાકનો અવાજ ક્યારનો આવ્યા કરે છે. કોઈ વૃક્ષની ઘટાનાં પાંદડાં ખખડવાનો અવાજ પણ સંભળાયા કરે છે ને કોઈ પળે વેન્ટિલેટરનાં કાણાં કે વા-બારા વાટે એકાદ પાંદડું અંદર તરફ પણ ચકરાતું આવી પડે છે. બહાર લીમડાનું ઝાડ છે. ને કાર્પેટ પર સુકાઈ ગયેલાં, કોઈ એકાદ લીલું પણ ખરું ને આછીઅધૂરી રેખાઓ રૂપે જ બચેલાં પાંદડાંઓ ઠીક પ્રમાણમાં છવાયેલાં છે. કેટલાંક પર ધૂળની સપાટી ફરી વળેલી છે. બારીવાળી ભીંતની નીચે તરફના નિશ્ચિત પટ પર એમનો મુખ્ય અડ્ડો છે. તે સિવાય પણ એકલપેટા સ્વભાવનાં અથવા દૂર દૂરનું નિશાન તાકનારાં પણ તેમની વચ્ચે છે. આવા પ્રવેશદ્વારનો ઉપયોગ અન્ય ચર–ચકારેરે(?)એ પણ કરેલો છે. ક્યાંક ક્યાંક તાજી ચીમળાયેલી લીંબોળી અથવા તો એના ઠળિયા યા તો લીમડાની સળીઓ એમાં સૌથી અગ્રેસર સ્વાભાવિક રીતે હોય. એ ઉપરાંત થોડાંક પીંછાં પણ એમાં છે. વચ્ચે ચકલીનાં પીંછાંનો એક ઢગ અલગ તરી આવે છે. કેદમાં ભીંસાઈ ગયેલી કોઈ એકલી, મૂરખ ચકલીનો એ અવશેષ હશે. એ સિવાય જાડાં, પાતળાં, ચપટાં, જુદી જુદી પીળાશવાળાં ઘાસનાં તણખલાંઓ ને વેન્ટિલેશનની પેલી બાજુએ યા તો નજીકમાં લીમડા પર માળો બાંધનાર કોઈ પક્ષીએ ભેટ આપેલા સાવરણીનાં છટિયાંના નાના નાના ભાગો, કપડાના એવા જ નાના લીરા, સૂતરની દોરીના ટુકડા કે ગૂંચળાં પણ આ જ અડ્ડામાં મુખ્યત્વે સામેલ થયાં છે. કાર્પેટ પર માત્ર આટલા જ વિસામાધારીઓ નથી. ધૂળની ચાદર ઓઢીને પાનાંની ‘કૅટ’નાં પત્તાં ક્યાંક ખુલ્લાં, ક્યાંક બંધ ચોતરફ વેરવિખેર પડ્યાં છે. બેગમ, બાદશાહ, લાલ, કાળીના વૈવિધ્ય વચ્ચે બીજી તરફ પીળા રંગ વચ્ચે છપાયેલી અક્ષાંશ-રેખાંશના સૂક્ષ્મ સ્વરૂપને યા તો પૉપ આર્ટને મળતી – પાનાંની સત્તી ‘કૅટ’ માટેની બહુ જાણીતી ભાત પણ ઠીક ઠીક પાનાંઓએ દેખાડવી મુનાસિબ માની છે. કોક પર લાલ, કાળી પેન્સિલના એકાદ-બે અસ્તવ્યસ્ત લીટા પણ કોઈએ ખેંચી કાઢેલા છે. ક્યાંક તેલના ડાઘ છે. પત્તાં ઉપરાંત ક્યાંક તાળાની વિખૂટી પડેલી ચાવી, દાંતાઓ વચ્ચેના મેલ-લદાયલા નિરવકાશવાળી ખંડિત કાંસકી, વંદાની પાતળી રંગ ઊડી ગયેલી પાંખો, વિવિધ પ્રકારની હગારો, મરેલાં ફૂદાં, પતંગિયાં, ભમરા ને અન્ય જીવડાંઓ, ક્યાંક દવાનું કોઈક ખાલી ખોખું, તો મચ્છર મારવાની દવાનો આડો થઈ ગયેલો, ખુલ્લા હૅન્ડલવાળો પંપ, એમ પિંડમાં બ્રહ્માંડ આવીને સમાયેલું છે. ક્યાંક છાપાનો ટુકડો છે તો વેન્ટિલેશનના ભૂરા રંગના કાચના ટુકડા અને ઝીણી કરચોના વેરવિખેરથી સહેજ દૂર પડેલા ચપટા, ગોળાકાર, નાનકડા, કાળા પથ્થરનો પણ એક ‘એરિયા’ છે. બહારથી આવેલા પથ્થરે વેન્ટિલેશનને ઈજા કરી સૂર્યને અને અંદરની આબોહવાને બેયને વધતી ઓછી સદ્ગતિ આપ્યાની એ નિશાની છે. રાત્રે આ ખંડિત વેન્ટિલેશન અને એનો અગ્ર-જ અને મોટો ભાઈ – પેલું વા-બારું – ચાંદનીને પ્રવેશ આપે છે. ચંદ્રની બધી જ કળાઓ માટે અહીંથી પ્રવેશ શક્ય નથી. ઉપરાંત ક્યારેક વાદળો છવાય છે ને ચાંદની (અથવા તો તડકો પણ) ઢંકાઈ જાય છે. આખો રૂમ ઝંખવાય છે. રાતે ધસતા અંધકારને પ્રવેશદ્વારોની જરૂર પડતી નથી. પ્રકાશ એના જેટલી વિપુલતાથી રૂમને ભરી શકતો નથી. વેન્ટિલેશનનાં વિવિધ બાલિશ ચાપલ્યોને પોતાના ખભા પર ઉપાડતી બે બારીઓ ગંભીર ગુરુતાથી મુખની એકેએક રેખાને ભીડીને ઊભી છે. એમાં ક્યાંયે તિરાડ નથી. તિરાડ છે ત્યાં પણ ચપોચપ ભિડાઈને એવી સાંકળી રચી છે કે કોઈના પ્રવેશને મચક નહીં મળે. બારીઓ એમની પ્રૌઢતાને અનુરૂપ નીરસ, સપાટ છે. ટોચ પર ટોપાંની જેમ ગોળાકાર કોતરેલાં કમળોવાળો લાકડાનો જાડો લંબચોરસ પટો એમાં જડી દીધેલો છે. ને બારીની સપાટ સપાટીની વચ્ચે કરચલિયો પણ ફાટવા માંડેલી દેખાય છે. પવનઝપાટે એ ખોંખારો ખાતી હોય તેમ સહેજ ખખડે છે એટલું જ. એ બારીઓની બરાબર સામે એમની હાંસી કરતો સીસમિયો તગડો કબાટ કાર્પેટ પર પોતાના મજબૂત પગ ઠેરવીને ઊભો છે. એની બાજુમાં જ બારણું છે ને બારણાની પાસેની અન્ય ભીંત પરનું તારીખિયા વિનાનું કોઈ હાવરા બ્રિજનું પુરાણું કૅલેન્ડર લોલક ગતિમાં ન-જેવું ડોલે છે. પવનની એ અસર છે. પવનનો સુસવાટો આવે છે ને કાર્પેટની સૃષ્ટિને પગ મોકળા કરવાની જરા તક મળી જાય છે ને એ પ્રવૃત્તિ પૂરી થયા પછી પણ એ બધાને ઠરીઠામ થતાં વાર લાગે છે અને એમ એમાંનાં ઘણાં ખરાંની જગ્યા થોડી ઘણી બદલાતી રહે છે. એ રીતે ‘સનબાથ’ના વારા પણ બદલાતા રહે છે, જોકે ખૂણે પડેલા કમનસીબોને ટેકો આપનાર કોઈ નથી. એમણે તે મૂઆ વાંકે જીવ્યાની જેમ જ દિવસો પૂરા કરવાના છે. પવનનો સુસવાટો હાવરા બ્રિજના કૅલેન્ડરને પણ આનંદની કિકિયારી કરાવી દે છે. ભીંત પર એ ‘ફટ્ ફટ્’ અથડાય છે, થોડું અમળાય છે ને એમ વધુ જોરદાર થપાટે ઊંધુંચત્તું પણ થયા કરે છે. દીવાલોના મધ્યભાગમાં ત્રણે તરફ ઠેર ઠેર નાની-મોટી ખીલી લગાવેલી છે. એક પર લટકે છે આ કૅલેન્ડર ને સામેની ભીંત પર જરાક ઊંચેથી ડુંગર, નદીકિનારો, આથમતો સૂરજ, વૃક્ષ, ઝૂંપડી, હરણાવાળો એક ‘સીન’ મઢાવેલો છે. તે સિવાયની બાકીની ખીલીઓ ખાલીખમ નિર્ધન છે. ભીંતોની નીચેના ભાગો પર માંકડ માર્યાના લોહીના ડાઘ, માથાં ટેકવાયાના તેલના ડાઘ, ખૂણાના ભાગ પર પાનની પિચકારીઓ, ક્યાંક ઉપરનો સફેદ રંગ ઘસાઈ જતાં બહાર નીકળી આવેલાં અંદર છુપાયેલા અગાઉના લીલા રંગનાં એક-બે ધાબાં અને આખી ભીંત પર વણધોવાયેલા સરકારી ડી. ડી. ટી. છંટકાવના, ભીંતની સફેદીમાં પણ અલગ તરી આવતા સફેદ છાંટા – માત્ર ભીંત પર જ નહીં – છત પર સુધ્ધાં વેરાયેલા છે. છત પરથી ધસતી તિરાડો ખૂણો પાડી ભીંતોને પણ આલિંગી લે છે ને વૃક્ષની ડાળીઓની જેમ શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ શમી જતી દેખાય છે. છત સહેજ જુદા પ્રકારની છે – એ નથી સપાટ, નથી ઘુમ્મટાકાર, પણ સહેજ ગોળાકારવાળી છતાં લગભગ સપાટ છે ને ભીંત, છત, ફરસનાં મિલનસ્થાનો આગળના ખૂણાઓ કરોળિયાઓએ સર કરી લીધેલા છે. ઉપરના ભાગમાં એનું પ્રમાણ વધુ છે. સ્થૂળકાય હવામાં ચિત્રવિચિત્ર વાસ સંઘરાયેલી છે ને બહારથી લોઢાના જાતજાતના રણકાઓ ક્યારના સંભળાયા કરે છે. રૂમની એક બાજુ બહાર તરફ પડે છે. ત્યાં બારીઓ છે, આકાશ છે, લીમડો ઝૂમે છે. અન્ય ખાસ અવાજ નથી. આ ઠોકઠાકનો અવાજ કેટલો ચાલવાનો હતો? ક્યારેક ક્યારેક કોઈ પક્ષીનો, કોઈ સપરમા દિવસે કોઈ પ્લેનનો, લીંબોળી ટપકવાનો ને ક્યારેક ભમતા-ભટકતા માણસો, બાળકોનો અવાજ અંદર ડબકતો હશે. રૂમની બાકીની બધી બાજુ તરફ મકાનના અન્ય ખંડ, વરંડા, દાદર, માળિયું, એક માળ, બે માળ, ત્રણ, ચાર ને કંઈ કેટલું હશે. કંઈ કેટલાયે હશે. હશે? ખંડને તાળું હશે? બારણું બંધ છે. અંદરથી એની સાંકળ – આગળાને બદલે એને સાંકળ છે – એ તૂટી ગયેલી છે ને સ્ટૉપર તો રાખેલી નથી! જાજરમાન ભાત સાથે કાર્પેટ પર કબાટ અડીખમ ઊભો છે. એની નીચે પ્રકાશને હડસેલવામાં લગભગ સફળ અંધારું, કોઈ એકાદ ઝાડુ ને પોતું કરવાનો કકડો અને ઉપર નામાના ચોપડાની થપ્પી આશ્રય લઈ રહ્યાં છે. એને – એનાં બધાં ખાનાંને – તાળાં છે. બાજુના બંધ બારણામાં પેલી બારીનું જ ગાંભીર્ય, જીર્ણતા, ટોપા જેવી ડિઝાઈન છવાયેલાં છે ને દરવાજાની મધ્યમાં સાથે જ વધારાનું એક સ્પ્રિંગડોર પણ આગંતુક જેવું ઉંબરે ઊભું છે. બારણા અને કબાટની મધ્યમાં ઓરડાની વીજળીની સ્વિચો છે. ત્યાંથી વાયરફિટિંગ આગળ વધી, ખૂણા આગળ ખાંચો પડી, છતના મધ્યભાગે પંખા અને ટ્યૂબલાઈટ સાથે સંધાઈ જાય છે ને કોઈ એક પળે અચાનક ભૂરી ટ્યુબનો ઝબકાર થાય છે ને રૂમમાં બધાંની આંખના તેજને જાણે વાચા મળે છે. એ સાથે જ સંધાઈ જાય છે પંખાનો પોકાર. કાર્પેટની સૃષ્ટિ જાગે છે. પતાં ઊંધાંચત્તા થાય છે. કેટલુંક જડવત્ ઠેર પડ્યું રહે છે, પણ ઘણુંબધું ચક્રાકાર ગતિમાં છેડા તરફ હડસેલાવા લાગે છે. ધૂળની ચાદર હટે છે ને કાર્પેટને ઘસાયેલો મધ્યભાગ, એનું ગુલાબવરણું રંગીન શરીર ને વચ્ચે બારમાસી ફૂલો હવે ખાસ્સાં ખીલે છે. ફરસનાં ઝીણાં નતોન્નત શિખરો વર્ષાધારે ઊજળાં બન્યાં હોય એવાં લાગે છે. પણ એ પહેલાં જ ધૂલિકણોએ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો છે ને લાભ લઈને હવામાં ચોમેર વીંઝાઈ વળ્યા છે. કીડી જેવી કોઈ શિસ્તના અભાવે જોકે એમાં અથડાઅથડી પણ ચાલુ જ છે. ગંધીલ હવા આમ ધુમ્મસ જેવું વાતાવરણ રચે છે. નિઃસંતાન રૂમની નગરીમાં એક રહસ્યનો આચ્છાદ જાણે જન્મે છે. ભૂરા રંગથી અણુ-અણુ રંગાઈ ગઈ છે આ હવા. ફોટાનો કાચ એ રંગનો વળી સામે છંટકાવ કરે છે. ટ્યુબના પ્રકાશમાં પંખાનો પડછાયો દીવાલને ફરસના એકદેશના ખૂણામાં ચકરાય છે. કબાટનો નીખરેલો ચળકાટ પંખાની શ્વેત પ્રતિચ્છાયા ચકરાવે છે. ફોટામાં પંખાનું એક અન્ય નગ્ન પ્રતિબિંબ વીંઝાય છે. એ બધાનો પરાવર્તિત પ્રકાશ વીંઝાય છે ને તેમાં રૂમની દીવાલો, કાર્પેટ, બારીના ભાગો વીંઝાય છે. વેન્ટિલેશન ને વા-બારાંમાંથી અગ્રેસરો બહાર તરબતર ફરંદા બની જાય છે.