હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
એ તો જળમય છે સ્વયમ જે મને તરસ્યો રાખે.

ન લખે શબ્દ કે એ દોરે નહીં ચુપકીદી
કોરો રાખે મને હર હાલમાં કોરો રાખે.

ન મને વાળે કે વળવા દે એ રેખાઓમાં
રાખે પણ રંગમાં ક્યારેક તો આછો રાખે.

મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી
મારા સપનામાં મને જે સદા હસતો રાખે.

ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી
એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે.