– અને ભૌમિતિકા/વાંકું પડે તો


વાંકું પડે તો...

અમ-થી તે મુખ લિયો આડું
ને તોય તમે મ્હેંકો તો શૂલ બને ફૂલ,
વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાય
સખી, વાંકું પલાશ કેરું ફૂલ.
હોઠોને બંધ તમે ફાગણ બાંધ્યો
ને કંઠ રૂંધાયો કોયલનો સૂર,
પાંપણ તે કેમ કરી બીડો કે
વાત બધી રેલાતી નજરોને પૂર!
આડું ચાલો તો ભલે, રણકે ઝાઝેરી
તો ય નમણી ઝાંઝર કેરી ઝૂલ...
ફૉરમતી લ્હેર જેમ વગડે મળો તો
જરી અળગાં અજાણ થઈ રે’વું,
કડવાં તે વેણ બે’ક કાઢી વચાળ એક
મનગમતું આભ રચી લેવું.
એવી તે ભૂલ ભલી કીજે
ના જેનાં તે ઓછાં અંકાય કદી મૂલ.
વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાય
સખી, વાંકું પલાશ કેરું ફૂલ.
૮-૯-૧૯૬૮