‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કપોલકલ્પનાનો વિનિયોગ-ની સમીક્ષા વિશે : ઈલા નાયક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦
ઈલા નાયક

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૧૯૯૭, ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ’ની સમીક્ષા, જયંત ગાડીત]

‘...કપોલકલ્પનાનો વિનિયોગ’ની સમીક્ષા વિશે

‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન : ૧૯૯૭માં જયંત ગાડીતના ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ’ વિશેના અવલોકન અંગે થોડી સ્પષ્ટતાઓ : પુસ્તકના બીજા પ્રકરણ અંગે તેઓ કહે છે : ‘આ પદ્ધતિએ કોઈ વિષયના સ્વરૂપની વ્યાવર્તકતા તારવી શકાય, પરંતુ અહીં એ પદ્ધતિ બહુ કારગત નથી નીવડી.’ એમાં એકાધિક બાબતો ગૂંચવાઈ ગઈ છે, તેથી ચર્ચાની શાસ્ત્રીયતા જોખમાય છે. અહીં તેમને જણાવવાનું કે, ‘સ્વરૂપ અને કાર્ય’ના પ્રકરણમાં આરંભમાં પૃ. ૧૮થી પૃ. ૨૩ સુધીનાં પાનાં ટોલ્કિન, તોદોરોવ, ફ્રોઈડ, લૂઈકેરોલ, બેર્લોમન વગેરેના અભિપ્રાયો સમેત કપોલકલ્પનાનાં સ્વરૂપની ચર્ચા છે અને ત્યાર બાદ કપોલકલ્પનાને વાસ્તવ, અનુકરણ, તથ્ય, ઇતિકલ્પિત આદિ સાથે સરખાવીને વ્યાવર્તકતા તારવી છે. આ પછી પૃ. ૪૪થી પૃ. ૪૯ સુધીનાં પાનાં કપોલકલ્પનાનું ત્રિવિધ કાર્ય તપાસ્યું છે. તો અહીં કઈ બાબતો ગૂંચવાઈ અને ક્યાંક્યાં તે જયંતભાઈએ દર્શાવ્યું હોત તો મને માર્ગદર્શન મળ્યું હોત. વળી, તેઓ લખે છે કે, શા માટે કપોલકલ્પનાના વિશ્વમાં મનુષ્ય ખોવાતો હોય છે. કપોલકલ્પના કેવાંકેવાં રૂપે પ્રગટ થતી હોય છે. એ વાસ્તવિક અનુભવ સાથે ક્યાં કેટલો સંબંધ ધરાવે છે. કપોલકલ્પનાની રચનાયુક્તિ કૃતિના મર્મને આલોકિત કરવામાં. એને સંકુલ બનાવવામાં ક્યાં કેવી રીતે સમર્થક બને છે એ દૃષ્ટિ નજર સામે રાખી વાર્તાઓને તપાસી હોત તો કદાચ આખો ઉપક્રમ ખૂબ ફળપ્રદ બનત. આ બધા જ પ્રશ્નોના જવાબ પાંચમા પ્રકરણમાં મળી જાય છે. જુદી જુદી વાર્તાઓમાં કપોલકલ્પનાથી શું સિદ્ધ થયું છે, કેવી રીતે સિદ્ધ થયું છે, કપોલકલ્પના કૃતિને કેવી રીતે ઉપકારક બને છે તથા ક્યાં નથી બનતી વગેરે મુદ્દાઓ આસ્વાદોમાં નિહિત નથી શું? સુરેશ જોષીની વાર્તાઓમાં કપોલકલ્પનાના પ્રયોગદાસ્યની વાત પૃ. ૧૩૦ ઉપર કરેલી જ છે. રાધેશ્યામ શર્માની વાર્તાઓમાં આવેલું કપોલકલ્પિત તત્ત્વ સ્વપ્ન, દિવાસ્વપ્ન, તરંગ, પરીકથા, પુરાણકથા એમ અનેક રૂપે પ્રવર્તે છે તેની વાત પૃ. ૧૫૪ ઉપર છે. કિશોર જાદવમાં કપોલકલ્પના વાર્તાને પ્રહેલિકા કક્ષાએ લઈ જાય છે. તેમણે ઓછામાં ઓછી સામગ્રીનો ઓછામાં ઓછી સૂચકતા સાથે પ્રયોગ કર્યો છે વિગતવાર વાત પૃ. ૧૫૬ ઉપર છે. આમ વાર્તામાં કપોલકલ્પનાની સમર્પકતાની વાત વિશેષ રીતે થયેલી જ છે. વળી, ‘ખોટી પદ્ધતિએ તપાસ કરવા જતાં અગત્યની વાતો અંદર ગૂંચવાઈ ગઈ છે.’ એમ તેઓ કહે છે ત્યારે હું પૂછી શકું કે ‘કઈ પદ્ધતિ વધુ કારગત નીવડી હોત?’ જયંતભાઈને કેટલાંક વિધાનો સમજાયાં નથી કે સંદિગ્ધ જણાયાં છે. એક એક વિધાનની સ્પષ્ટતા કરવાં જતાં અતિ લાંબા લખાણનો ભય રહે છે. આ સંદર્ભમાં તેમને જણાવવાનું કે બધાં જ વિધાનો આગળપાછળના સંદર્ભ સાથે જોશો તો કોઈ જ મુશ્કેલી નહીં પડે. છૂટાં એકલાં-અટૂલાં વિધાનો ન સમજાય તે સીધી વાત છે. એક સ્થળે તેમણે કહ્યું છે : ‘કપોલકલ્પનાનો આશ્રય લેવાથી કૃતિમાં અર્થનું ઊંડાણ વધે છે એ વધારે અર્થસંકુલ બને છે એ સામજિક વાસ્તવથી દૂર થવાને કારણે વધારે શુદ્ધ અને કલાત્મક બને છે એવા જે વિચારો લેખિકાએ વ્યક્ત કર્યા છે તે મારી દૃષ્ટિએ ચિંત્ય અને વિવાદાસ્પદ છે.’ વિચારો સાથે કોઈ સહમત ન થાય એ સમજી શકાય પરંતુ અહીં તો જયંતભાઈની ગેરસમજ થઈ હોય તેમ લાગે છે. ‘એ સામાજિક વાસ્તવથી દૂર થવાને કારણે વધારે શુદ્ધ અને કલાત્મક બને છે’ એવો નિષ્કર્ષ તેમણે પુસ્તકમાંનાં કયાં વિધાનોમાંથી તારવ્યો? પૃ. ૩૪ પર મેં કહ્યું છે : ‘સાહિત્યમાં કપોલકલ્પનાની સૂચનાત્મકતા એક પ્રકારનું સર્જનમૂલ્ય ઊભું કરે છે અને એ દ્વારા કપોલકલ્પિત કૃતિ અર્થોનું ઊંડાણ વ્યક્ત કરે છે...’ કપોલકલ્પનાની આ સૂચનાત્મકતા કૃતિને સૌંદર્યપરક બનાવવામાં મહત્ત્વની છે. કપોલકલ્પના કૃતિને-સામાજિક વાસ્તવથી દૂર લઈ જાય છે. સાહિત્યકૃતિને શુદ્ધ કલા પ્રતિ ગતિશીલ કરવામાં એની સૂચનાત્મક શક્તિ વિનિયોજે છે. અહીં ‘એ સામાજિક વાસ્તવથી દૂર થવાને કારણે વધારે શુદ્ધ અને કળાત્મક બને છે.’ એવું ક્યાંય કહેવાયું નથી. પૃ. ૩૪ પર ‘કપોલકલ્પના અને સૂચનાત્મકતા’ એ ખંડ જરા ફરીથી વાંચી જવા જયંતભાઈને વિનંતી છે. કપોલકલ્પના દ્વારા કૃતિને ઊંડાણ, સંકુલતા અને કળાત્મકતા પ્રાપ્ત થાય છે એ મર્મ જયંતભાઈએ કેમ ગ્રહણ કર્યો નહીં? ટૂંકમાં એટલું જ કહેવાનું કે આ પુસ્તકને સમગ્રતયા અને સંદર્ભો સહિત અવલોકાયું હોય તો તેમને મુશ્કેલી નડી ન હોત. ઇતિ અલમ્‌-

૧૬, સંસ્કારભારતી, અમદાવાદ – ૧૪
– ઈલા નાયક
[જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૭, પૃ. ૪૮-૪૯]