‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/જોડણીસુધારના કેટલાક પ્રશ્નો : ભારતી મોદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જોડણી ચર્ચા
૨૧ ક
ભારતી મોદી

જોડણી સુધારાના કેટલાક પ્રશ્નો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાનવિભાગના અધ્યક્ષ પ્રો. દયાશંકર જોશી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતીમાં જોડણીસુધાર માટે પ્રયત્નો કરી રહ્યા છે. ભાષા અને સાહિત્યના વિદ્વાનો સાથે એમણે પોતાના વિચારોની આપ-લે પણ કરી છે. વર્તમાનપત્રોમાં પણ લખ્યું છે. હમણાં એમણે પોતાના વિચારોને દર્શાવતું એક લખાણ તૈયાર કર્યું છે ને એની ચર્ચા માટે એમણે ભાષાવિજ્ઞાન, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને ભાષાવિજ્ઞાન વિભાગ તરફથી નિમંત્રણ આપેલું. ૨૬ અને ૨૭ માર્ચ ૧૯૯૪ના બે દિવસો દરમ્યાન યોજાયેલી આ ચર્ચાસભામાં હું અને ડૉ. ઊર્મિ દેસાઈ (ભાષાવિજ્ઞાની તરીકે) તથા શ્રી ઘનશ્યામ દેસાઈ (સાહિત્યકાર તરીકે) અને ડૉ. દમયંતી જોશી (શિક્ષણશાસ્ત્રી તરીકે) હાજર રહ્યાં હતાં. ચર્ચાના કેન્દ્રમાં ત્રણ મુદ્દા હતા (૧) માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ? (૨) જો હોવું જોઈએ તો એના શિક્ષણના પ્રચલિત સ્વરૂપમાં કેવા ફેરફારોની આવશ્યકતા છે? (૩) ગુજરાતી ભાષાના મૂળાક્ષરો અને જોડણી અંગેનું (પ્રો. જોશીને અભિપ્રેત છે એવું) રેશનલાઈઝેશન બાળકોને ફાયદાકારક છે? એ રેશનલાઈઝેશનમાં વૈજ્ઞાનિક તથ્ય કેટલું છે? પ્રો. જોશી સાથે સહમત થવું ન થવું એ પ્રશ્ન જુદો છે પણ એમની પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકની એકેડેમિક પ્રવૃત્તિ અંગે કોઈ સંદેહ ન હોઈ શકે એટલે ઉપરના પ્રશ્નોની વૈજ્ઞાનિક રીતે છણાવટ થવી જોઈએ એમ હું માનું છું કોઈ પણ જાતની પ્રવૃત્તિ ન કરવી એ નિર્જીવતાની નિશાની છે. બે દિવસની ચર્ચાઓમાં પ્રો. જોશીના એકાદ-બે પાયાના મુદ્દાઓ સિવાયના મુદ્દાઓનો વિરોધ થયો. એમના વિચારોને ટૂંકમાં રજૂ કરી મારો વિરોધ ક્યાં અને શા માટે છે તે અહીં બતાવું છું : (પ્રો. જોશીનાં વિધાનો અવતરણચિહ્નોમાં મૂક્યાં છે) ૧. “અમુક માણસોની એવી સમઝણ હોય છે કે પંડીત, પૈસાદાર, અમલદાર કે નેતાનાં બાળકો જ વ્યાકરણશુદ્ધ ભાષા જાણતાં હોય છે; બાકી લોકોનાં બાળકો ખોટી અણઘડ કે ગંદી ભાષા જ જાણી શકે....’ (આવી સમજ) “અજ્ઞાન અને અહંકાર પ્રગટ કરે છે”... “મુંબઈગરા ગુજરાતીપ્રેમીઓ પોતાને ભાષાના શુદ્ધ સ્વરૂપના રખેવાળ ગણે છે.” ગુજરાતી જોશી આમાં sociolinguistic અને sociocultural એટલે કે વાતાવરણ – શિક્ષણ – કુટુંબ વગેરે નિર્ધારિત કારણોનો છેદ ઉડાડી મૂકે છે. પૈસાદાર કે અમલદારના બાળકો સારું ગુજરાતી બોલે એવું ન કહીએ પરંતુ પંડિતના બાળકોએ શુદ્ધ બોલવું જોઈએ – પંડિતે ઓછામાં ઓછું – ભાષાના રખેવાળનું કામ કરવું જ જોઈએ. ગુજરાત પાસે આવા language guard ગણ્યા-ગાંઠ્યા હોય અને એમનું પણ નામોનિશાન કાઢી નાંખીએ તો ભાષા અંગેની સભાનતા થોડી છે તે ય રહે નહીં. ગુજરાતીઓની બધું ચલાવી લેવાની મનોદશામાં શુદ્ધ બોલવું તકલીફભર્યું છે – શુદ્ધ લખવાનું તો પછી વિચારીએ. અને મુંબઈના ગુજરાતીઓ જો સભાનતા રાખતા હોય તો એમના એવા પ્રયત્નોને હું તો વખાણું. ૨. “આ રીતે જોતાં બાળકને નીશાળમાં ગુજરાતી ભાષા શીખવવાનો મતલબ તો રહ્યો ફક્ત હ્‌રસ્વ દીર્‌ઘનું શીક્ષણ અને ૨, શ. દ વગેરેના જુદાજુદ શબ્દોના સંદર્ભે જુદા જુદા આકારોનું શીક્ષણ”... “ગુજરાતી સાહીત્ય પરીશદના સભ્યોએ મુંબઈ અધીવેશનમાં ઠરાવ કરેલો કે સરકારે ઈજનેરી અને દાક્તરી કોલેજોમાં પણ ગુજરાતી ભાશાનાં ફરજીયાત પેપરો દાખલ કરવાં જોઈએ. પાંચ, દસ, પંદર વરસ ગુજરાતીનું ફરજીયાત પેપર ભણેલ વીદ્‌યારથી કયા દરજ્જાનું, કઈ ચોકસાઈનું અને કેટલું ચોક્‌ખું ગુજરાતી લખી શકવા જોઈએ તે અંગેના માપદંડો ન તો સાહીત્ય પરીશદ પાસે છે કે ન તો શીક્શણ ખાતા પાસે...” “બાળક ગુજરાતી વાંચતું લખતું થઈ જાય પછી એને ગુજરાતીનું પેપર ભણાવતા રહેવાથી બાળકની ક્ષમતા કઈ રીતે વધારીએ છીએ તેની કોઈ ભાષાશાસ્ત્રીને કશી જ જાણ નથી.” જોશીની દૃષ્ટિએ ભાષાનું જ્ઞાન માત્ર મૂળાક્ષર-જોડણી શીખવવા માટે જ હોય! જો ભાષાશિક્ષણનો આવો મર્યાદિત હેતુ હોય તો વિશ્વભરમાં ભાષાશિક્ષણ ક્ષુલ્લક અને નગણ્ય બની ગયું હોત. એક તરફથી જોશી ચૉમ્સ્કીના ‘inneteness’ના hypothesisનો સ્વીકાર કરે છે તો બીજી તરફ ચૉમ્સ્કીના ભાષાવિજ્ઞાનની જ નીપજ જેવા psycholinguistics, Neurolinguistics અને sociolinguisticsiના સંશોધનો નકારે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં આ વિષયોમાં અને ખાસ કરીને ‘language acquisition’ ઉપર પુષ્કળ સંશોધનો થયાં છે. આ સંશોધનો ઉપરથી એટલું ખાતરીપૂર્વક કહીએ કે ભાષા જેટલી વાપરીએ એટલી ઊગે અંગ્રેજીભાષી તો સતત ‘spalling’ની ભૂલો કરતો રહે અને ડીક્શનરી વાપરતો રહે. અમેરિકન પ્રજા આથી ‘spelling simplifications’ કરતી-સૂચવતી રહે છે. પરંતુ ભાષાનું શિક્ષણ બાતલ કરવાની તો ક્યાંય વાત જ ઊભી થતી નથી. જોશીના કહેવા પ્રમાણે લખતા વાંચતા શીખવ્યા પછી – એટલે અક્ષરજ્ઞાન પછી – ભાષાશિક્ષણ બંધ કરી દેવું. આવો વિચારપ્રવાહ હજી સુધી મારી જાણમાં નથી. ભાષા મનુષ્યની અંતરંગની ‘inner voice’ છે. ભાષાને સતત – environment – માહોલની જરૂર છે. જે પ્રજા સભાનપણે આવું વાતાવરણ સર્જી શકી છે તે બધી પ્રજાની ભાષાઓ ફૂલીફાલી છે. ફ્રેન્ચ અને બંગાળી આના જીવતાજાગતા નમૂના છે. ‘linguistic chauvinism’ કેળવવા માટે language guards ઊભા કરવા પડે જ પડે. ભાષાશિક્ષણનું અત્યંત કાળજીપૂર્વક સંગોપન કરવું પડે. ભાષાને માત્ર કુદરતનો આવિર્ભાવ ગણીને છોડી ન દેવાય એને ‘narture’ – સંગોપન – કરવી જ પડે. હું જોશીના કહેવા સાથે પૂર્ણપણે સંમત છું કે ભાષા-શિક્ષણની પદ્ધતિ આમૂલ પરિવર્તન માંગે છે. એની રચના સંપૂર્ણતયા બદલવાની જરૂર છે. અત્યારની ગુજરાતીશિક્ષણની સ્થિતિ તો એટલી દુઃખજનક છે કે હું તો પ્રચંડ રચનાત્મક સુધારાની હિમાયત કરું. ૩. જોશીના મૂળાક્ષર-જોડણી સુધારનાં સૂચનો : i) હ્રસ્વ-દીર્ઘના ભેદ દૂર કરી ‘ઈ’ માટે દીર્ઘની અને ‘ઉ’ માટે હ્રસ્વની નિશાની વાપરવી. ii) અંગ્રજી શબ્દોના ‘open vowels’ ([E], [ગ]) માટે વપરાતી ઊંધી માત્રાવાળી નિશાનીઓ (ઍ, ઑ) દૂર કરવી. iii) ગુજરાતીના વ્યંજનોને એક આકારવાળા રાખવા અને જેમ બોલાય છે તેમ એક પછી એક મૂકવા. iv) ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ‘ભરમાર’થી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી. ગુજરાતીમાં હ્રસ્વ-દીર્ઘ ઇ-ઈ અને અને ઉ-ઊ એવા ચાર સ્વતંત્ર ધ્વનિઘટકો નથી એટલે કે કાલમાનના ભેદથી ચાર જુદા ધ્વનિઘટકો બનતા નથી માટે લખવામાંથી પણ એ ભેદ કાઢી નાંખવા યોગ્ય છે એમ ચર્ચાન્તે સૌને લાગ્યું. પરંતુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓનો આની સાથે વિચાર કરવો રહ્યો. સૌથી પ્રથમ તો ‘ઇ’ સ્વર માટે દીર્ઘની નિશાની અને ‘ઉ’ સ્વર માટે હ્રસ્વની નિશાની માટે ‘economy - parsimony’ સિવાયનું કોઈ rationale એમણે આપ્યું નથી. બીજું ભાષાના શબ્દભંડોળમાં તત્સમ તદ્‌ભવનો જે સંબંધ આપણે સમઝીએ છીએ અને ભણેલા ગુજરાતીભાષી સમઝે એમ માનીએ છીએ તે સંબંધ પાયારહિત નથી. સંસ્કૃત સાથેનો ‘અનુબંધ’ તદ્દન ન ગણકારીએ તો ભાષાના ધ્વનિસ્વરૂપને સમઝવા માટેની કડી લુપ્ત થઈ જાય છે. અમેરિકનોએ ઘણા ‘spellings’નું સરળીકરણ કર્યું છે છતાં ‘Knite, Know’ વગેરેમાંથી ‘K’ કાઢ્યો નથી. જૂના તબક્કા સાથેનો અનુબંધ ફક્ત મૂઠીભર લોકો માટે જ કામનો હોય તો ય કોઈપણ મહત્ત્વનો ફેરફાર માત્ર સરળીકરણના પાયા ઉપર ન કરાય. લાંબે ગાળે વિપરિત પરિણામ ન આવે એનો વિચાર કરવો હજી બાકી છે. ત્રીજું, ગુજરાતી, મરાઠી, હિન્દી એમ ત્રણે ય ભાષાઓ દેવનાગરી લિપિ વાપરતી હોઈ, અને ત્રણે ભાષામાં હ્રસ્વ-દીર્ઘના પ્રશ્નો સમાંતર હોઈ બધી ભાષાના વિદ્વાનો, સાહિત્યકારો આ અંગેની ચર્ચા-વિચારણા સાથે મળીને કરે તે યોગ્ય છે. ગુજરાતીમાં જ અ-સંસ્કૃતપણાની પહેલ માત્ર બાળકોનો બોજો હઠાવવા માટે ન થાય. ii) અંગ્રેજીના મધ્ય-નિમ્ન સ્વરો માટે ઍ, ઑ લખવાથી કોઈ ખાસ બોજો પડે છે એમ હું સ્વીકારી શકતી નથી, અનેક અંગ્રેજી શબ્દોએ ગુજરાતીમાં સ્થાન જમાવી દીધું છે. એના ‘તત્સમ’ ઉચ્ચાર શક્ય હોય ત્યાં સુધી નિશાની વડે નિર્દેશવામાં મોટો ભાર પડતો નથી. iii) લિપિમાંથી ‘subscript’, ‘superscript’ની નિશાનીઓ બને તેટલી ઓછી કરી વ્યંજનો ‘serial order’માં – એક પછી એક – લખાય તો તે ઘણું વ્યવહારિક પગલું છે અહીં પણ ધ્વનિ સ્વરૂપની દૃષ્ટિએ ભાષાના ‘clusters’નો ઊંડો અભ્યાસ કરવો હજી બાકી હોવાથી હું કોઈ અંતિમ નિર્ણય લેવાની તરફેણમાં નથી. iv) સવાઈ સંસ્કૃત તો ગુજરાતીભાષી કે ગુજરાતી મૂળાક્ષરો બની શકે એમ નથી. જોશીનાં કેટલાંક સૂચનો લખાણની –orthographyની – ત્રુટિઓ માટેનાં છે : જેવા કે ‘ર’, ‘દ’નાં જુદાં જુદાં ચિહ્નો. મનસ્વીપણે ગમે ત્યાં સ-શ બોલવાથી આવતી અરાજકતા ટાળવા જોશી શુદ્ધ બોલનારાઓને પણ આ ભેદ ન રાખવાનો દુરાગ્રહ સેવે તે સ્વીકાર્ય નથી. જોશી જુદી જુદી બોલીઓની ખાસિયતો ટાંકે છે. આ બોલીભાષીઓને શુદ્ધ બોલતા તકલીફ થાય છે માટે આવા ભેદ કાઢી નાંખવા એમ જો એ સૂચવતા હોય તો ગુજરાતીઓની નિર્બળ મનોદશાનું મૂર્તિમંત ચિત્ર એમને અભિપ્રેત છે એવી ‘અ-સંસ્કૃત!!’ ગુજરાતીમાંથી મળે. બોલીઓ અને ‘standard’ ‘formal’ ‘educated’ dialect વચ્ચેનો ભેદ દુનિયાની કોઈ પણ Urbanized ભાષાસ્થિતિમાં રહેવાનો જ. ક્યારેક તો diglossia જેવી સ્થિતિ પણ આવીને ઊભી રહે છે. છેલ્લે બે મહત્ત્વના મુદ્દા રજૂ કરી મેં મારી દલીલો-ચર્ચા પૂરાં કર્યાં હતાં. એમણે સૂચવેલી મૂળાક્ષર-પદ્ધતિ ઘણા મહત્ત્વના ધ્વનિસ્વરૂપના મુદ્દાઓને ધ્યાનમાં લેતી નથી. સામાન્ય પણે લેખન પદ્ધતિ અને ઉચ્ચારણ સમાંતર રહે જ નહિ કારણ ધ્વનિ-ઉચ્ચાર સતત બદલાતા રહે અને જુદી જુદી બોલીઓમાં પરિણમે. લેખન પદ્ધતિ ‘સ્થિત’ રહે. staticity અને dynamicity ક્યારે ય સમાંતર ન રહી શકે. જુઓ નીચેનું Figure: Sounds (dynamic) Orthography_____________________ (Static) નાસિક્ય ઉચ્ચારો માટે આપણે અક્ષર ઉપર બિંદુ મૂકીએ છીએ પરંતુ જ્યાં સ્વર નાસિકય બને છે જેમકે ‘દાંત’ અને જ્યાં નાસિક્ય વ્યંજન પછીના વ્યંજન સાથે આવતો હોય છે ત્યારે પણ આપણે આવું જ બિંદુ મૂકીએ છીએ જેમકે ‘દંત’. આ બન્ને વચ્ચેનો તફાવત જોશીએ ધ્યાનમાં લીધો જ નથી. આ સિવાય સ્વર વગરના વ્યંજન જો હલન્તની નિશાની વડે બતાવવાના હોય તો બધાં જ વ્યંજનો, જેવા કે ‘ખુરશી’માનો ‘૨’ અથવા ‘રામ’માંનો ‘મ’ પણ હલન્ત રાખવા પડે. (ખુર્‌શી, રામ્‌ – એ રીતે.) ઉપરાંત એમણે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ જે દેખીતી રીતે જોડાક્ષરો જ છે તે કેમ એમજ સાચવી રાખ્યા છે? બધાં જ જોડાક્ષરો જે જે વ્યંજનોના જોડાણથી બન્યા છે તે સ્પષ્ટ કરવા જોઈએ. બીજાં અનેક મુદ્દાઓનો અત્યંત કાળજીપૂર્વક વિચાર કરવો પડે અને આવી ઘણી ચર્ચાઓ તથા અન્યભાષી વિદ્વાનો સાથે વિચારોની આપલે કરવી પડે. પ્રો. જોશીના પ્રયત્નોને હું જરૂર બિરદાવું છું. એમની મહેનત, બુદ્ધિ અને નિષ્ઠાથી આકર્ષાઈને અમે સૌ ભેગા થયા હતા. ફરીથી મળવાનું ઇજન એમની પાસેથી લીધું હતું.

વડોદરા; ૪ એપ્રિલ ૯૪

– ભારતી મોદી


* દયાશંકર જોશી તથા ભારતી મોદી બંનેનાં જોડણી અને લખાવટ યથાવત્‌ રાખ્યાં છે. આ આખી ચર્ચામાં અન્ય રસિકો-અભ્યાસીઓને જોડાવા નિમંત્રણ છે. – સં. [જાન્યુ.-માર્ચ, ૧૯૯૪, પૃ. ૩૬-૩૮]