‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ટીકાકાર પોતે સ્વસ્થ-સ્વચ્છ હોવો જોઈએ’ : ભરત મહેતા
ભરત મહેતા
ટીકાકાર પોતે સ્વસ્થ-સ્વચ્છ હોવો જોઈએ...
‘ખેવના’ (અંક ૫૦-૫૧)માં સુમન શાહે ‘નિદ્રાધીન વિવેચનાના દિવસોમાં’ નામે, આપણી સામ્પ્રત સ્થિતિ વિશે જે ચર્ચા-લેખ કર્યો છે તે વ્યાપક સાહિત્યિક ઊહાપોહ હોવાથી એના અંગેની પ્રતિવાદરૂપ ચર્ચા ‘પ્રત્યક્ષ’ના વાચકો સામે પણ મૂકવાના એવા જ વ્યાપક પ્રયોજનથી આ પત્ર-ચર્ચા મોકલું છું. ખરેખર તો પ્રત્યેક સામયિકમાં આ ચર્ચા છેડાવી જોઈએ ૫ણ કમનસીબે આવી ચર્ચાને આપણે ત્યાં કોઈ ગંભીરતાથી લેતું નથી જ્યારે વિનાયક રાવલે ‘ફાર્બસ ત્રૈમાસિક’માં ‘છેલ્લા બે દાયકાનાં નાટકો’ વિશે લેખ લખેલો ત્યારે, એ લેખ સતીશ વ્યાસના ‘યુદ્ધોત્તર નાટક’ની બેઠેબેઠી નકલ છે એવું ચર્ચાપત્ર (‘ફાર્બસ’માં) મેં લખેલું. એ વખતે સુમનભાઈએ જણાવેલું કે એ ચર્ચાપત્ર બધાં સામયિકોએ છાપવું જોઈએ. (વિનાયક રાવલે એ પત્રચર્ચાનો જવાબ તો નથી આપ્યો, અને આશ્ચર્યની વાત તો એ છે કે પોતાના વિવેચનસંગ્રહમાંય એમનો એ લેખ સમાવી લીધો છે!) જો સુમનભાઈને ખરેખર જ જાગૃત વિવેચનાની ખપ/ખેવના છે તો પ્રમોદભાઈના અવસાન પછી ‘ખેવના’ના ત્રણ-ત્રણ અંકો નીકળ્યા છતાં એમના વિશે અંજલિનોંધ સુદ્ધાં કેમ નથી? સુરેશ જોષીના અવસાન પછી ‘ખેવના’નો લગભગ અંક ફાળવતા, ‘લિ.સુ.જો.’ના નામે સુરેશભાઈના પત્રોય છપાયા છે! તો પ્રમોદભાઈ માટે બે શબ્દોય નહીં! બક્ષીને નામ દઈને લખવાની ટેવ નથી એ બાબતને સુમનભાઈએ અશ્લીલ ગણાવી છે પણ એમણે પોતે નામ દીધા વગર વારંવાર લખ્યું છે. બરાબર છે. તેનું શું? ‘ભૂપેશ અધ્વર્યુ : સર્જક અને વ્યક્તિ’ (સંપાદક દક્ષેશ ઠાકર)નું સંપાદકીય સુમનભાઈએ લખ્યું છે જેના અંતિમ ખંડમાં ‘આપણા આધુનિકોમાંના કેટલાકે શિખંડી વૃત્તિ’ પ્રગટ કરી છે’ – તે કોના માટે લખાયું છે? ‘અધકચરા વાચનવાળા વિવેચકપદવાંછું’ કહી કોની ટીકા કરી છે? મને અને શરીફા વીજળીવાળાને છાપનારા શિરીષભાઈની જ ને! ‘કથાપદ’નો આકરો રિવ્યુ ‘એતદ્’માં છપાયો તેથી તે આટલા અસહિષ્ણુ થઈ બેઠા? ‘કથાપદ’ની વાચાળ પ્રસ્તાવનામાં ‘ખેવના’ (વિવેચનસંગ્રહ)નો આકરો વિરોધ કરનાર રમણ સોની પર આંધળો ગોળીબાર નથી? ‘ઇન્ડિયા ટૂડે’ના ઇન્ટરવ્યુમાં સુ.શા. લખે છે ‘ટેરી ઇગલટનનો ઉલ્લેખ કરનાર અબુધ વિવેચકો અને એમને છાપનાર એવા જ સંપાદકો – તે કોણ? ‘વિવેચનની પદ્ધતિઓ’, ‘નવ્યવિવેચન’ એ લેખોમાં મેં ઇગલટનનો આશરો લીધો છે અને છાપનાર શિરીષભાઈ તથા શ્રી હર્ષદ ત્રિવેદી છે. નામ દેવાની હિમ્મત કેમ કરતા નથી? ‘બક્ષીથી ફેરો’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ, આ ‘ઇમ્પ્રેશનીસ્ટીક’ વિવેચન છે – વગેરે ચર્ચામાં તેમણે નામોલ્લેખ વિના શિરીષભાઈને અડફેટે નથી લીધા? આથી જ કદાચ ‘સુ.જો.’ નામની પુસ્તિકામાં ચંદ્રકાંત ટોપીવાળાએ સુમન શાહની ભાષા ક્યારેક ‘ભાંડણ ભાષા’ બની જાય છે તે તરફ સંકેત કર્યો હશે? ‘પુષ્પદાહ’નાં વિમોચનો પર સુ.શા. તૂટી પડ્યા છે. વિમોચન કે પુરસ્કારથી કશુંય વળતું નથી. ‘આંગળિયાત’ વિશેના વિવેચનલેખો આકરા નથી? ‘સાત પગલાં આકાશમાં... ’નાં વિવેચનો આકરાં નથી? આ ગ્લેમરનો યુગ છે તેથી આવું ચાલવાનું જ. ‘પુષ્પદાહ’નો એક જ રિવ્યૂ-‘પ્રત્યક્ષ’માંનો માય ડીયર જયુનો – એકે હજારાં નથી? ‘અણસાર’ના એવોર્ડ સંબંધી એમના ઉકળાટમાં એટલું જ કહેવાનું કે શુદ્ધતમ C.A.S. નામનો એવોર્ડ સુ.શા. એ શરૂ કર્યો હતો તેમાં લોકશાહીની પ્રક્રિયાને કોણે ગૂંગળાવી? પરિષદ અને અકાદમીની રીતિનીતિ પર સુ.શા.એ ટીકા કરી છે. ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક તેઓ રહી ચૂક્યા છે ત્યારે ટીકા નથી કરી. સુ.શા. લખે છે, પરિષદવાળા ‘ના પાડે તેને જ નિમંત્રણ મોકલે છે, એ ખોટી વાત છે. કલકત્તા પરિષદ માટે નવલકથા વિભાગના અધ્યક્ષ તરીકે તેમને આમંત્રણ મળ્યું તે તેમણે સ્વીકાર્યું ખરું પણ પછી છેલ્લી ઘડીએ ખસી જઈ અધિવેશન માટે મુશ્કેલી નહોતી સર્જી? સંસ્થાનાં સમય અને શક્તિ એ રીતે એમણે વેડફ્યાં એમ ન કહેવાય? પ્રત્યેક સંસ્થાના મુખિયા સામે સુમનભાઈએ બળાપો કાઢ્યો છે. ‘સન્નિધાન’માં મને એમનો એવો જ અનુભવ થયો છે. ભાવનગર શિબિરમાં મને ‘થ્રી સીસ્ટર્સ’ અને ‘લોન્જાઇનસ’ વિશે એમણે બોલવાનું આમંત્રણ આપ્યું. એ બે વ્યાખ્યાનો મેં આપેલાં. પછી બંને ન છાપ્યાં : ‘થ્રી સીસ્ટર્સ’ વિદ્યાર્થીલક્ષી લખાણ નથી અને ‘લોન્જાઇનસ’ છાપતાં પહેલાં જોવાનો સમય નથી એમ કહીને. જાણે ‘સંનિધાન’નાં પ્રત્યેક લખાણો વિદ્યાર્થીલક્ષી હોય! મૂળ વાત તો એ હતી કે ‘થ્રી સીસ્ટર્સ’ને જ્યાંજ્યાં સુ.શા.એ આધુનિકતાની કાતરથી વેતર્યું હતું ત્યાં-ત્યાં મેં વિરોધ કરેલો! એ લેખ ‘ફાર્બસ ત્રૈમાસિક’માં પ્રગટ થયો જ. આ મુખિયાપણું નહીં? તેમણે આપણા અનેક લેખકોના ડબલ સ્ટાન્ડર્ડની વાતો કરી છે. એમનામાં ડબલ સ્ટાન્ડર્ડ નથી? ‘વિવેચનનું શાસ્ત્ર આલિયા-માલિયા માટે નથી.’ એવી રાધેશ્યામ શર્માને સલાહ આપતા સુમનભાઈએ વિનોદ જાની, રોહિત પંડ્યા, સારંગ બારોટ માટે ‘કથાપદ’માં નથી લખ્યું? ‘સાહિત્યસંશોધન વિશે’ પુસ્તિકામાં તેઓ પહેલી જ પંક્તિ લખે છે – ‘આપણે ત્યાં સંશોધનના નામે વલ્ગરાઈઝેશન વિસ્તર્યું છે.’ પણ, એમના હાથ નીચે થયેલું ગ્રંથસ્થ એકમાત્ર પીએચ.ડી. સંશોધન ‘આધુનિક નવલકથામાં માનવ’ (ઉપેન્દ્ર દવે) શું છે? ટૂંકમાં પરિષદ, અકાદમી, એવોર્ડની ટીકા કરનાર નાનો કે મોટો હોય તે જરૂરી નથી. એની ટીકામાં વિવેકભંગ થતો હોય તો ય ક્ષમ્ય ગણીએ પણ શરત માત્ર એટલી જ હોવી જોઈએ કે ટીકાકાર પોતે સ્વસ્થ-સ્વચ્છ હોવો ઘટે. ‘સાહિત્યમાં રાજકારણ’ની આખી વાત જે સુમન શાહનું લક્ષ્ય છે તે કેવળ જાગૃત વિવેચના આગળ અટકી જવાથી તો સિદ્ધ ન થાય, એના માટે પ્રચંડ સાંસ્કૃતિક આંદોલન ઊભું કરવું પડે. એ માટે પહેલી જરૂર છે સહિષ્ણુતાની અન્યનાં અઢાર વાંકાં આપણે બતાવતા હોઈએ ત્યારે આપણું એકાદ વાંકું બતાવનાર કાન્તિ પટેલ, ભોળાભાઈ પટેલ, ભરત મહેતા, રમણ સોની, ચન્દ્રકાન્ત શેઠ સાથે ભાંડણભાષામાં તો ન ઊતરી પડાય ને? પરિષદ પ્રમુખની ચટણી વાટવામાં કે ‘પુષ્પદાહ’ – કાંડમાં હવે ઘણું મોડું થયું છે. બહુ ઊહાપોહ થઈ ચૂક્યો છે. દાંત પાડી નાખેલા, ઝેરની કોથળી વિનાના સાપને મદારી જ મનોરંજનાર્થે રમાડતા હોય છે એવું સુમનભાઈનો લેખ વાંચતાં અનુભવાય છે.
સંતરામપુર, ૪-૯-૯૬
– ભરત મહેતા
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૪૧-૪૨]