બાબુ સુથારની કવિતા/લખવું એટલે સમુદ્ર અને રણ
૩૪. લખવું એટલે સમુદ્ર અને રણ
લખવું એટલે કે
સમુદ્ર
અને
રણ વચ્ચે
પ્રાસ બેસાડવો
એટલે કે
જે ભીનું છે
અને
જે કોરું છે
એ બેની વચ્ચેના તૂટેલા લયને સાંધવા
એક પતંગિયાને મોકલવું
પણ એ પહેલાં કવિએ
એવું પતંગિયું મેળવવા
ખોળો પાથરવો પડે
એના પૂર્વજો પાસે.
(‘લખવું એટલે કે...’ માંથી)