સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મીરાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મીરાં

[મીરાંનાં આ પદો ભક્તહૃદયના જુદા જુદા ભાવો વ્યક્ત કરે છે. પહેલું પદ આપણી કાયાને જ્ઞાનદૃષ્ટિએ જોવાનું કહે છે. જ્ઞાનીઓ કહે છે : પિંડે તે બ્રહ્માંડે ને બ્રહ્માંડે તે પિંડે. એવું કશું બહારની દુનિયામાં નથી જે આપણી અંદર ન હોય. આમ વિચારતાં આપણી ક્ષણભંગુર કાયા, જેને નિંદવામાં કેટલાક કવિઓએ બાકી રાખી નથી, તે મહત્ત્વની બને છે. મીરાં એનું મહત્ત્વ ગાય છે. પણ જેની દૃષ્ટિ ખૂલી ગઈ છે એ જ આ સમજી શકે. સામાન્ય માણસો વનસ્પતિની શોભા જોવા વનઉપવનમાં દોડી જવાના. પણ જેણે એક વાર દિલમાં દીવો કરીને જોયું છે તે તો આંખ મીંચીને પોતાની અંદર રહેલી વાડીઓમાં જ સહેલ કરવા ઊપડી જવાનો. ત્યાં ભર્યાં ભર્યાં સરોવરો પણ પડ્યાં છે. વાડીઓમાં મોર અને સરોવરમાં હંસ ગાઈ રહ્યા છે. આ ‘મોર’ અને ‘હંસ’ના ગીતનો નાદ તે આત્માનો ઊંડો ઊંડો અવાજ, એમ કવિ સૂચવવા માગે છે. જે બહાર ફાંફાં મારવાને બદલે પોતાની અંદર જુએ છે તે આત્માનો અવાજ સાંભળવા પામે છે, એમ કહેવું છે. મીરાંનાં આ ગીતો કાવ્યશક્તિની પણ અનેક ખૂબીઓ બતાવે છે. કવિતાની મહત્તા થોડા શબ્દોમાં અનેક અર્થો ભરવામાં રહેલી છે. એ સમજવા માટે શબ્દની જુદી જુદી શક્તિનો જે આપણને ખ્યાલ હોય તો સરળ થઈ પડે. દાખલા તરીકે, કેટલાક શબ્દોનો એક જ અર્થ થાય છે, જ્યારે કેટલાક વિશેષ અર્થ પણ સૂચવે છે. ઉદાહરણ તરીકે એક પંક્તિ લઈએ :

ગંગાખોળે ઋષિએ કીધો વાસ જો.

હવે આના સાદા અર્થ તો એ થાય કે ગંગાના ખોળામાં ઋષિએ વાસ કર્યો. ખોળો શબ્દનો અર્થ ગોદ થાય. તો ગંગાની ગોદ એટલે શું? એ આપણે નક્કી કરવાનું રહે છે, અને સહેજે આપણે કહી શકીએ કે કિનારો. આમ ખોળાના બે અર્થ થયા. ગોદ એ એનો વાચ્યાર્થ કહેવાય. કિનારો એનો લક્ષ્યાર્થ. આ લક્ષ્યાર્થ શોધી કાઢતાં આ પંક્તિનો અર્થ પૂર્ણ થયેલો લાગે છે? પ્રથમ દૃષ્ટિએ, અલબત્ત, આપણને એમ લાગે જ છે કે, ઋષિએ ગંગાકિનારે વાસ કર્યો એટલો જ એનો અર્થ છે. પણ જરાક વિશેષ વિચાર કરીશું તો વળી નવો અર્થ આપણને દેખાશે. નદીનો કિનારો એટલે શીતળતાવાળું સુન્દર સ્થાન; અને તેમાંય આ તો ગંગા નદી! એટલે પવિત્ર, રમણીય, શીતળ એવા સુન્દર સ્થળે ઋષિએ વાસ કર્યો – આટલો બધો અર્થ એ નાનકડી પંક્તિમાં ભર્યો છે! શીતળતા વગેરે વિશેષણથી એ પંક્તિમાંથી આપણે જે વિશેષ અર્થ ઉપજાવ્યો એને વ્યંગ્યાર્થ કહે છે. આ વ્યંગ્યાર્થ કાવ્યના આત્મારૂપ છે. કાવ્યની એ ખાસ શક્તિ છે. કવિઓ શબ્દોના વિવેકભર્યા ઉપયોગથી તેમ જ અલંકારોથી પોતાનાં કાવ્યોમાં વ્યંગ્યાર્થ ભરે છે. મીરાંનાં કાવ્યો જે અહીં આપણે ઉતાર્યાં છે તેમાં રહેલા વ્યંગ્યાર્થ જો સમજી શકાય તો આ કાવ્યોનો રસ વિશેષ માણી શકાય. ચોથું પદ જુઓ. એનો વાચ્યાર્થ લેતાં, એમાં વર્ષા ઋતુની શરૂઆતની કોઈ એક મેઘલી રાતનું સુન્દર વર્ણન છે. મીરાંને મન તો આ આખી દુનિયા એના ‘રાજા’ની - કૃષ્ણની છે. રાત પડી છે. વાદળ ઘનઘોર ઘેરાયાં છે. ક્વચિત્ ક્વચિત્ આભમાં વીજળી ઝબકે છે. સામે ડુંગર ઉપર મોર ટહુકી રહ્યા છે, અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આવા ઉલ્લાસભર્યાં પ્રસંગે ભક્તનું ચિત્ત ક્યાં હોય? તે કહે છે : ‘રાજા, તારા ડુંગર ઉપર ઝીણા મોર ટહુકે છે અને એ દ્વારા મારા ચિત્તને તું ચારી રહ્યો છે.’ વર્ષા ઋતુના વર્ણન જેવા દેખાતા આ કાવ્યમાં ભક્તના પરમાત્મા પ્રત્યેના પ્રેમનો ઊંડો વ્યંગ્યાર્થ રહેલો છે. કવિતાની એક ખૂબી એ હોય છે કે, દરેક માણસ પોતપોતાના ગજા પ્રમાણે એમાંથી વાચ્યાર્થ, લક્ષ્યાર્થ કે વ્યંગ્યાર્થ તારવી અને માણી શકે. આ કાવ્ય સમજવા પ્રયત્ન કરીએ. કાવ્યમાં પ્રત્યેક શબ્દ સહેતુક હોય છે એ સતત આપણા ધ્યાનમાં રહેવું જોઈએ; અને એથી કેટલીક વાર માત્ર એક જ શબ્દ ઉપરથી આખા કાવ્યનો અર્થ ફરી જાય છે. આ પદમાંથી એક પંક્તિ લઈએ. ‘માઝમ રાતે ભલી વીજળી ચમકે.’ આમાં ‘ભલી’ વિશેષણ કોઈ વિશેષ અર્થ સૂચવે છે? એક અર્થ એનો એમ પણ થઈ શકે કે વરસાદ પડે છે, અને ઝાડપાન અને ડુંગરોને તે લીલાંછમ અને ભર્યાં ભર્યાં બનાવી રહ્યો છે. પણ રાત તો અંધારી છે, અને આ સુન્દરતા જોયા વિનાની જ રહી જાય છે, પણ ત્યાં ‘ભલી’ વીજ ચમકી અને તેના પ્રકાશમાં ધરતી ઉપર આવતાં હજારો મોતીબિન્દુ અને ભરી ભરી સુન્દર કુદરતનાં અચાનક દર્શન થઈ ગયાં. આ અર્થ મન આગળ આવતાં ‘ભલી’ શબ્દ કેટલો બધો અર્થસૂચક બની રહે છે? પણ હજીયે વિશેષ ધ્વનિ એમાં રહેલો છે. મોર ડુંગર ઉપર ટહુકે છે; અને ડુંગર રાજાનો છે - એટલે કે કૃષ્ણ ડુંગર ઉપર છે. મોરના સાદથી પ્રાણ પોતાના રાજા પાસે જવા થનગની રહ્યો છે; પણ જવું કઈ રીતે? રાત તો અંધારી ઘનઘોર છે! ત્યાં એ ‘ભલી’ વીજ ચમકે છે ને રસ્તો દેખાય છે – ને પોતાના ચિત્તચોર પાસે જવાનો રસ્તો સૂઝે છે! આમ આવાં પદો કેટલી બધી અખૂટ કાવ્યશક્તિથી ભર્યાં છે એ તો જેમ જેમ આપણે ફરીથી ને ફરીથી વાંચીએ તેમ તેમ આપણને સમજાતું જાય છે. આપણા સાહિત્યમાં ઠેઠ પ્રાચીન કાળથી વર્ષા ઋતુનું આગમન પ્રેમીઓમાં મિલનની પ્રબળ ઇચ્છા જગાડતું લેખાયું છે તે માન્યતાનો પણ મીરાંએ આમાં ઠીક ઉપયોગ કરી લીધો છે. છેલ્લું પદ પ્રમાણમાં સરળ છે. એમાં મીરાં પોતાને દર્દી તરીકે વર્ણવે છે. તે લોકો કહેશે કે, ‘મીરાંબાઈ, એવું તો કયું દર્દ છે? બોલાવી લો ને કોઈ વૈદ્યને. ઝટ સારું થઈ જશે.’ મીરાં જવાબ આપે છે, ‘ના, ભાઈ, ના. એ દર્દ તો શામળિયા વૈદ્ય સિવાય બીજા કોઈથી પરખાય એમ નથી.’ મીરાંના આ કથનમાં શો વ્યંગ્યાર્થ રહેલો હશે? કયું હશે એ દર્દ? એને કૃષ્ણવિરહરોગ કહી શકાય? આ નાનકડા ભજનમાં લગભગ દરેક લીટી કહેવતરૂપ છે : જેમકે ‘ઘાયલકી ગત ઘાયલ જાને,’ ‘શૂળી ઉપર સેજ અમારી,’ વગેરે. મીરાંનાં પદોની આ ચર્ચા ઉપરથી શબ્દની શક્તિનો કંઈક ખ્યાલ આપણને આવ્યો. એ શક્તિનાં ત્રણ સ્વરૂપ પણ આપણે જોયાં, જેમકે ખોળો એટલે ગોદ એ એક અર્થ, બીજો અર્થ કિનારો, અને ત્રીજો અર્થ શીતળ, શાન્ત, સુન્દર સ્થળ. પહેલો અર્થ સૂચવતી શક્તિને અભિધા કહે છે, બીજામાં રહેલી શક્તિ લક્ષણા કહેવાય છે, અને ત્રીજામાં વ્યંજના છે. વ્યંજનાને ‘ધ્વનિ’ પણ કહે છે. ધ્વનિ તે કાવ્યનો આત્મા ગણાય છે. જે જે કાવ્યો તમે વાંચો કે શીખો તે બધાંમાં શબ્દની શક્તિને આ દૃષ્ટિએ જોવા પ્રયત્ન કરશો તો તમને અખૂટ કાવ્યાનંદ મળશે. ચોથું પદ રૂપકનો નમૂનો છે. ભક્ત કહે છે કે, મને રામરૂપી રમકડું મળ્યું છે. જીવાત્મા તે બાળક અને પરમાત્મા તે રમકડું, એમ રૂપક ગોઠવ્યું છે.]