સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૨ ગુજરાતની લોકકથાઓ (લોકકથા-સંચય): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 56: Line 56:
{{Poem2Close}}
{{Poem2Close}}


[‘ગ્રંથ’, ઑગસ્ટ ૧૯૮૪]
[‘ગ્રંથ’, ઑગસ્ટ ૧૯૮૪]<br>
(‘વાંકદેખાં વિવેચનો’)
(‘વાંકદેખાં વિવેચનો’)



Revision as of 01:17, 20 June 2024


૪.૨
‘ગુજરાતની લોકકથાઓ’, સંપા. જોરાવરસિંહ જાદવ ,૧૯૮૪

શું સાચવીશું – જ્ઞાનકોશ કે વિત્તકોશ? સાહિત્ય અકાદેમી ભારતીય ભાષાસાહિત્યોમાં પરસ્પર આદાન-પ્રદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે ઊભી કરવામાં આવેલી સંસ્થા છે. કોઈપણ ભાષાસાહિત્યમાં મૌલિક પ્રકાશનો કરવાં એ એની કાર્યસીમામાં સામાન્ય રીતે આવતું નથી. દરેક ભાષામાં એ કવિતા, એકાંકી, વાર્તા જેવા સાહિત્યપ્રકારોના સંચયો તૈયાર કરાવે છે, પણ એનો હેતુ એ છે કે આવા પ્રતિનિધિરૂપ કૃતિઓના સંચયો પ્રાપ્ય હોય તો અન્ય ભાષાઓમાં એમને અનૂદિત કરવાનું સરળ પડે. સંચયોનો હેતુ, આમ, સમગ્ર દેશનાં અન્ય ભાષાસાહિત્ય સમક્ષ પ્રસ્તુત ભાષાસાહિત્યની છબી રજૂ કરવાનો હોવાથી સંચયો ઘણી કાળજીથી અને ઊંચાં ધોરણોથી થવા જોઈએ એ બાબતમાં બે મત ન હોઈ શકે. ‘ગુજરાતની લોકકથાઓ’ના આ સંચયને આ દૃષ્ટિએ તપાસતાં પરિણામ ઘણું નિરાશાજનક સાંપડે છે. પુસ્તકમાં ગુજરાતની લોકકથાઓના સંચયની સાથે પ્રસ્તાવના રૂપે આ વિષયનો એક અભ્યાસલેખ પણ જોડવામાં આવ્યો છે. આપણે આ બન્ને વસ્તુની પરીક્ષા કરવાની થાય. એમાંથી પહેલી વસ્તુ આપણે પહેલી લઈએ. સંપાદકે પોતે કઈ દૃષ્ટિથી અને કયાં ધોરણોથી આ સંપાદન કર્યું છે એ વિશે કશું કહ્યું નથી. એનો અર્થ એવો થાય કે સંપાદક કોઈ ચોક્કસ દૃષ્ટિ કે ધોરણથી ચાલ્યા નથી. પ્રસ્તાવનામાં લોકકથાનાં સંપાદન-સંશોધનની શિસ્ત સમજાવતાં એમણે સંશોધક-સંપાદકે લોકકથાના મૂળ સ્વરૂપને યથાતથ સાચવવું જોઈએ અને એ કયા પ્રદેશ, ગામ ને કોમની છે તે તથા જેની પાસેથી મળી હોય તેનાં નામઠામ વગેરે નોંધવાં જોઈએ એવો આગ્રહ રાખ્યો છે (પૃ. ૩૪), પણ અહીં સંગૃહીત થયેલી એક પણ લોકકથા સંપાદકે ચીંધેલા આ ધોરણને અનુસરતી હોય એવું જણાતું નથી. મૂળ વાર્તાકથકની માહિતી વગેરે તો ક્યાંય આપવામાં આવેલ નથી ને ઘણીખરી વાર્તાઓ તો અહીં જેમને નામે મૂકવામાં આવી છે એ ‘લેખકો’એ ‘લખેલી’ જણાય છે. (અહીં ઝવેરચંદ મેઘાણીથી માંડીને કુમારપાળ દેસાઈ સુધીના ૧૮ લેખકોને નામે મુકાયેલી ૨૯ લોકકથાઓ છે.) પ્રસ્તાવનામાં સંપાદકે ઇતિહાસકથાને લોકકથા ગણવા વિશે સંદેહ વ્યક્ત કર્યો છે ને સામાન્ય રીતે એમણે ઇતિહાસકથાને અહીં સ્થાન આપ્યું નથી. પરંતુ ‘ભેરિયો ગારુડી અને ભુજિયાનો ભુજંગ’ (દુલેરાય કારાણી) કથ્ય વાર્તામાં ભાગ્યે જ સંભવે એવી ઐતિહાસિક વીગતોથી આરંભાય છે ને ‘ચતુરાઈનું ચાંદરણું’ (ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ) તો મીનળદેવીને લગતી એક ઐતિહાસિક દંતકથા છે. કેટલીક વાર્તાઓ નાટ્યાત્મક રીતે આરંભાય છે, જે રીતિ કથ્ય નહીં પણ પાઠ્ય વાર્તાની છે. જેમ કે – “આખા શહેરમાં અચરજ ફેલાઈ ગયું. સહુ વિચારમાં પડી ગયા કે આમ બને શી રીતે?” (‘વીર પુત્ર વીંઝાર’, કુમારપાળ દેસાઈ) “બોલ બેટા! ઓમ. ગણાનામત્વા... ગણપતિ” (‘થાવાકાળ વિદ્યાનું ભણતર’, જોરાવરસિંહ જાદવ) “પાડમગા પણ જાણજો, નાગમગા નિરધાર; દેવવંશી તો હોય છે, કહીએ વારંવાર.” મરણપથારીએ વૃદ્ધ નાગમગા વહીવંચાને મોટેરો દીકરો પૂછે છે : (‘નાગમગાની કથા’, કાનજી ભૂટા બારોટ) “વ્રજવાણીની આહીરાણીઓ ઢોલીના ઢોલ પર ઘેલી બની હતી.” (‘વ્રજવાણીનો ઢોલી’, દુલેરાય કારાણી) “એ સાંભળ્યું?” (‘નવા નાકે દિવાળી’, જોરાવરસિંહ જાદવ) આ જાતના આરંભો, કથન-વર્ણનની બીજી કેટલીક ખાસિયતો અને કેટલાક શબ્દપ્રયોગો બતાવે છે કે આ લોકોમાં કહેવાતી વાર્તાઓ નહીં પણ એમનાં લેખકોએ લખેલાં રૂપ છે. ચારણી શૈલીની કથાઓને સંપાદક શુદ્ધ લોકકથાના વર્ગમાં ન મૂકતા હોય એવું જણાય છે (પૃ. ૩૧) ને એમાં કેટલુંક તથ્ય છે, પણ અહીં સંગૃહીત કથાઓ અવારનવાર ચારણી શૈલીનો પ્રભાવ વ્યક્ત કરે જ છે. કદાચ કથ્ય લોકવાર્તાની લઢણોને વધુમાં વધુ વશ વર્તતી હોય એવી અહીં તો મેઘાણીની જ વાર્તાઓ છે. સંપાદક અવશ્ય એમ દલીલ કરી શકે કે ગુજરાતની લોકકથાઓ પરત્વે ક્ષેત્રકાર્યપૂર્વકનું શાસ્ત્રીય કામ થયું જ નથી, લોકકથાઓ એના માહિતીદાતા પાસેથી મળેલા મૂળ પાઠ સાથે રજૂ થઈ જ નથી ત્યાં જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે લોકકથાઓનો સંચય કરવાથી વિશેષ શું થઈ શકે? આવી દલીલ એમની હોય તો પ્રસ્તાવનામાં આ સ્થિતિની પૂરતી ચોખવટ થવી જોઈતી હતી. બીજી બાજુથી ડૉ. શાંતિભાઈ આચાર્યે ભીલોની કેટલીક કથાઓ શાસ્ત્રશુદ્ધ રીતે સંપાદિત કરી છે તેવું બીજું પણ કેટલુંક કાર્ય નજીકના સમયમાં થયું હોવાનો સંભવ છે. એનો લાભ લઈ શકાયો હોત. ઓછામાં ઓછું, નાટ્યાત્મક નિરૂપણોવાળી ને ખાસ્સી લેખકોના શબ્દોમાં ચાલતી વાર્તાઓ ટાળી શકાઈ હોત. સંપાદકે કદાચ લોકવાર્તાનાં સંશોધન-સંપાદનમાં જેમનું પ્રદાન છે તેમને લક્ષમાં રાખીને આ સંગ્રહ કરવાનું ઇચ્છ્યું હોય. અહીં આટલી વ્યક્તિઓને સ્થાન મળ્યું છે. અને તેમની કૌંસમાં નિર્દિષ્ટ સંખ્યાની વાર્તાઓ લેવામાં આવી છે : ઝવેરચંદ મેઘાણી (૪), જયમલ્લ પરમાર (૩), જયમલ્લ પરમાર તથા નિરંજન વર્મા (૧), દુલેરાય કારાણી (૨), જોરાવરસિંહ જાદવ (૫), પીંગળશીભાઈ ગઢવી (૨), શંકરભાઈ અને રેવાબહેન તડવી (૧), કુમારપાળ દેસાઈ (૧), સુરગભાઈ વરુ (૧), કાનજી ભૂટા બારોટ (૧), કાલિદાસ સોલંકી (૨), બચુભાઈ દવે (૧), મોટાભાઈ ગઢડાવાળા (૧), ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ (૧). લોકસાહિત્યના ક્ષેત્રમાં આ બધાંની કામગીરી વિશે હું બહુ જાણતો નથી, પણ આમાં જેમણે પ્રત્યક્ષ કામ ભાગ્યે જ કર્યું હોય એવાં કોઈક નામ પણ જડે છે (જેમ કે, કુમારપાળ દેસાઈ). આનો અર્થ એવો થાય કે લોકકથાનું વસ્તુ કોઈ પણ લખીને આપે તો આ સંગ્રહમાં સ્થાન પામી શકે. આ જાતની સંપાદનપદ્ધતિનો બચાવ ભાગ્યે જ થઈ શકે. એવું જ કરવાનું હોય તો સંપાદક જ બધી વાર્તાઓ કેમ ન લખે? લોકવાર્તાના સંશોધન-સંપાદનમાં કાર્યરત સઘળી કલમોનો અહીં લાભ લેવાયો છે કે નહીં તે વિશે હું કશું કહી શકું તેમ નથી. પણ એક વસ્તુ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. પ્રસ્તાવનામાં સંપાદકે ગુજરાતીમાં થયેલી લોકકથાનાં સંપાદન-સંશોધનની પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો છે. એમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરી જનાર જે લોકોનો થોડો વીગતે પરિચય છે અને એમણે કરેલા લોકકથાઓના સંગ્રહોના ઉલ્લેખો પણ છે, એમાંના કેટલાક આ સંગ્રહમાં ગેરહાજર છે. જેમ કે, ફાર્બસ, ફ. બ., કિનકેઇડ, હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી, જગજીવન કાલિદાસ પાઠક, ગિજુભાઈ બધેકા, ગોકુલદાસ રાયચુરા, મનુભાઈ જોધાણી, પુષ્કર ચંદરવાકર વગેરે. આમાંના કેટલાક ઇતિહાસકથા સાથે કામ પાડનારા છે, જે સંપાદકના ધોરણ મુજબ અહીં કદાચ સ્થાન ન પામી શકે, પણ બધાને વિશે આવો બચાવ સંપાદકને મળે તેમ નથી. મેઘાણી પૂર્વેના તો કોઈ સંશોધકને સંપાદકે સ્થાન આપ્યું નથી. આમ થવાથી પ્રસ્તાવના અને કથાસામગ્રી વચ્ચે કોઈ અનુબંધ રચાતો નથી. આની પાછળ સંપાદકનો કોઈ હેતુ હોય તો એ સ્પષ્ટ થતો નથી. છાપ એવી પડે છે કે અત્યારે હયાત લેખકોને રાજી રાખવા એમણે જાણે કોશિશ કરી હોય. આ સંદર્ભમાં આ ગ્રંથની સામે સાહિત્ય અકાદેમીએ જ પ્રસિદ્ધ કરેલો અન્ય ગ્રંથ મૂકી શકાય – ‘ગુજરાતનાં લોકગીતો’ (ખોડીદાસ પરમાર), ત્યાં સંપાદકે લોકગીતોના સર્વ સંચયોનો લાભ લેવા પ્રયત્ન કર્યો છે. સામગ્રીને વિષયવાર ગોઠવી છે અને ગીતો જ્યાંથી લેવામાં આવ્યાં હોય એ સ્થાન પણ દર્શાવ્યાં છે. અહીં વાત ક્યાંથી લેવામાં આવી છે એ પણ જણાવવામાં આવ્યું નથી. આ બાબતમાં પણ સંપાદક એમ કહી શકે કે એમણે લોકકથાના સંશોધનના ઇતિહાસને અનુલક્ષીને વાર્તાઓની પસંદગી કરવાનું ઇચ્છ્યું નથી. તો પછી વાર્તાઓની પસંદગીનું કયું ધોરણ કામ કરી ગયું છે એમ માનવું? પસંદગીનાં બીજાં ધોરણો શક્ય તો છે. જેમ કે, ગુજરાતની વધુ જાણીતી કે સર્વવ્યાપક વાર્તાઓનો સંચય કરી શકાય. પણ અહીં સંગૃહીત થયેલી વાર્તાઓ એ પ્રકારની વાર્તાઓ છે એમ કહેવું મુશ્કેલ છે. ગુજરાતના જુદાજુદા પ્રદેશોને પ્રતિનિધિત્વ આપવાની દૃષ્ટિએ પણ વાર્તાઓની પસંદગી થઈ શકે. આ વાર્તાઓ ગુજરાતના જુદાજુદા પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી હોય એવું જણાતું નથી – સંપાદકે એવી કોઈ માહિતી આપી નથી. ગુજરાતના લોકજીવનનું પ્રતિબિંબ પડતું હોય તે રીતે કે વિષયવૈવિધ્યની દૃષ્ટિએ પણ વાર્તાઓની પસંદગી થઈ શકે. વાર્તાઓ આવા કોઈ ધોરણને અનુવર્તે છે કે કેમ તે તપાસવા જેવું છે. એ માટે વાર્તાઓનાં વિષયવસ્તુઓનો પરિચય આપણે કરીએ : ૨૯માંથી ૯ વાર્તાઓ સ્ત્રીચરિત્ર, પ્રેમપરાક્રમ, સ્વામીભક્તિ, ચતુરાઈ-ધૂર્તતાની અદ્‌ભુતરસિક કૃતિઓ છે, જેનાં પગેરાં કદાચ ‘બૃહત્કથા’ સુધી નીકળે : ‘વિક્રમ અને ખાપરો’, ‘ઘરઘોડા કુંવર અપચળા’, ‘લાલદેકુંવર અને હીરાંદેકુંવરી’, ‘વીરપુત્ર વીંઝાર’, ‘મનસાગરો’, ‘ચાર ભાઈબંધ’, ‘હાલો પૂતળી મહેલે જાઈં તમે રાંધો ને અમે ખાઈં’, ‘આગલા અવતારની કથા’, ‘વીરોજી’. આમાંથી ૪ વાર્તાઓ જયમલ્લ પરમારની, ૩ ઝવેરચંદ મેઘાણીની ૧ તડવીદંપતીની અને ૧ કુમારપાળ દેસાઈની છે. આ કૌતુકભરી વાર્તાઓ અવશ્ય રસપ્રદ છે, પણ એમાં લોકજીવનના પ્રતિબિંબ માટે ભાગ્યે જ અવકાશ છે. ૮ વાર્તાઓ બાઘાઈ-બુદ્ધિચાતુર્ય-ડહાપણની મનોરંજક વાર્તાઓ છે : ‘લાજનું સાચ’, ‘કોઠાસૂઝની કૂંચી’, ‘મોરનાં ઈંડાંને થોડાં જ ચીતરવાં પડે?’, ‘વીરસંગ અને ધૂતણા નગરી’, ‘અનુભવનું અમૃત’, ‘માટી પણ માથાનો મળ્યો’, ‘પિતાની શિખામણનું પારખું’, ‘નવા નાકે દિવાળી’ – આમાંથી ૪ વાર્તાઓ જોરાવરસિંહ જાદવની છે, ૨ કાલિદાસ સોલંકીની છે, ૧ મોટાભાઈ ગઢડાવાળાની ને ૧ તારાચંદ અડાલજાની છે. તારાચંદ અડાલજાની ‘પિતાની શિખામણનું પારખું’ નબળી વાર્તા છે પણ તે સિવાયની સઘળી વાર્તાઓ સરસ રીતે કહેવાયેલી છે. આ વાર્તાઓ કેટલીક વાર લોકજીવનનો સંદર્ભ લઈને આવે છે. ગુજરાતી લોકસમાજના કેટલાક વર્ગોની આછીપાતળી રેખાઓ એમાં દોરાય છે, પણ વિષય મનોરંજક ચાતુર્ય આદિનો હોઈ લોકજીવનને નિરૂપતી વાર્તા તરીકે એને ઘટાવી શકાય તેમ નથી. ‘એવરત-જીવરત’ (ઝવેરચંદ મેઘાણી) વ્રતકથા છે, તો ‘નવ નોળિયા, દસમા દવે અને અગિયારમા બાઈ તમે’ (બચુભાઈ દવે) પુરુષોત્તમ-માહાત્મ્યની કથા છે. બીજી કથામાં ભોજાઈની નણંદ પ્રત્યેની અપ્રીતિનું લોકજીવનનું વસ્તુ પણ ગૂંથાયેલું છે એ નોંધપાત્ર છે. ઇતિહાસકથાઓને તેમ જ ચારણી શૈલીની દુહાશ્રિત કથાઓને સંપાદકે પ્રસ્તાવનામાં ખરેખરી ‘લોક’કથાઓથી જુદા વર્ગમાં નાખી છે (પૃ. ૩૧-૩૨), પરંતુ આ સંગ્રહમાં બે દુહાશ્રિત પ્રેમકથાઓ છે : ‘માલવો અને નાયકદે’ (પીંગળશીભાઈ ગઢવી), ‘લાખો અને ગોરાંદે’ (સુરગભાઈ વરુ). તો પછી ‘શેણીવિજાણંદ’ વગેરેની વધારે જાણીતી લોકકથાઓને અહીં ન સમાવવા માટે કારણ રહેતું નથી. શુદ્ધ ઇતિહાસકથાઓ નહીં, પણ ઐતિહાસિક દંતકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી ૬ વાર્તાઓ આ સંગ્રહમાં છે : દુલેરાય કારાણીની ‘ભેરિયો ગારુડી અને ભુજિયાનો ભુજંગ’ તથા ‘વ્રજવાણીનો ઢોલી’, કાનજી ભૂટા બારોટની ‘નાગમગાની કથા’, ખોડીદાસ પરમારની ‘સાપુતારાનો નાગદેવ’, પીંગળશીભાઈ ગઢવીની ‘સીમાડે સાપ ચિરાણો’ અને ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટની ‘ચતુરાઈનું ચાંદરણું’. વ્યક્તિ જાતિ કે સ્થળને લગતી આ કથાઓમાં ગુજરાતના લોકજીવનની ઘટનાઓ છે એમ કહેવાય, પણ એમાં લોકસંસ્કારોને પ્રગટ કરતું તત્ત્વ ઓછું છે. ભવિષ્યજ્ઞાનની નિરર્થકતા બતાવતી ‘થાવાકાળ વિદ્યાનું ભણતર’ (જોરાવરસિંહ જાદવ) તથા પરોપકારના બદલાનું ચિત્રણ કરતી ‘નાગનું વરદાન’ (જેઠાલાલ ત્રિવેદી) પ્રકીર્ણ પ્રકારની વાર્તાઓ છે. એમાં પહેલીમાં લોકજીવનનું થોડું ચિત્રણ છે, પણ બીજીમાં તો ચમત્કાર કેન્દ્રસ્થાને છે. જોઈ શકાય છે કે અહીં અમુક પ્રકારનું વિષયવૈવિધ્ય છે. છતાં પહેલા બે વર્ગોની વાર્તાઓનું પ્રમાણ વધારે પડતું થઈ ગયું છે, જોકે એ વાર્તાઓમાં જ લોકશૈલીની વધુમાં વધુ મુદ્રા છે અને એ વાર્તાઓ વધારે રસિક પણ છે. લોકજીવનની કેટલીક રેખાઓ અહીં અંકાતી હોવા છતાં આ સંગ્રહની વાર્તાઓ ગુજરાતના લોકવર્ગો, એમનાં સમાજજીવન-કુટુંબજીવનની તાસીરો, એમના વીરત્વ-ખાનદાની આદિના સંસ્કારો, એમની માન્યતાઓ ને એમનો પરિવેશ (પ્રકૃતિ, પ્રાણીઓ આદિ) – આ બધાંનો સંતોષકારક પરિચય કરાવવામાં નિષ્ફળ જાય છે. લોકસંસ્કૃતિનાં આ બધાં અંગોનું પ્રતિબિંબ લોકકથાઓમાં પડે છે એવી સંપાદકે પ્રસ્તાવનામાં (પૃ. ૧૩) કરેલી નોંધનું ઉચિત સમર્થન આ વાર્તાપસંદગી કરતી નથી. પસંદગીનાં અનેક ધોરણો સામે ખડાં થતાં હોવાથી લોકકથાના સંચયનું કામ ઘણું કપરું બની જાય છે. શ્રી જાદવે આ બધા પ્રશ્નો વિચાર્યા હોય એવું જણાતું નથી. કદાચ એ રસપ્રદતાના સહેલા ધોરણથી ચાલ્યા હોય. જ્યારે સાહિત્ય અકાદેમી તરફથી અખિલ ભારતીય કક્ષાએ મૂકવા માટે સંચય થતો હોય ત્યારે શાસ્ત્રીય શિસ્ત અને પસંદગીના ચોક્કસ ધોરણથી કામ થાય એવો આગ્રહ રહેવો જ જોઈએ. ગુજરાતની લોકકથાઓનો એક પ્રતિનિધિરૂપ સંગ્રહ થવો જોઈએ. એમ નથી થઈ શક્યું એ ખૂંચે એવું છે. કેટલીક લોકકથાઓ શિષ્ટ શૈલીમાં ચાલે છે. તો કેટલીકમાં એવા તળપદા શબ્દપ્રયોગો છે, જે શબ્દકોશોમાં પણ સાંપડવાના નહીં. અહીં સંપાદકે વાચકની (અને ભવિષ્યના અનુવાદકની) મદદે આવવાની જરૂર હતી. તડવીદંપતીએ પોતાની વાર્તામાં આવતા અલ્પપરિચિત શબ્દોના અર્થો આપ્યા છે (માત્ર ઉચ્ચારણભેદવાળા શબ્દો પણ એમાં સમાવિષ્ટ થયા છે). પરંતુ અન્ય કોઈએ એમ કર્યું નથી અને સંપાદકે પોતે પણ આ શ્રમ ઉઠાવ્યો નથી. શબ્દકોશ સંપાદકનું એક મહત્ત્વનું વિદ્યાકાર્ય બની રહેત. ‘ગુજરાતનાં લોકગીતો’માં શબ્દકોશ આપવામાં આવ્યો જ છે. કથાસંચયની કચાશો છતાં એની વાચ્યતા કે સુવાચ્યતા પણ આપણે સ્વીકારવી પડે, પરંતુ ‘લોકકથાની દુનિયામાં ડોકિયું’ એ શીર્ષકથી મુકાવેલા પ્રસ્તાવનાલેખની કચાશો માટે શ્રી જાદવને માફ ન કરી શકાય એવું છે. સમજદોષ, માહિતીદોષ, ભાષાદોષ, પદ્ધતિદોષ, લેખન-મુદ્રણદોષ – સર્વ પ્રકારના દોષો એમાં પૂરી માત્રામાં છે. આ દરેક પ્રકારના દોષનાં થોડાંક ઉદાહરણો આપણે જોઈએ. પહેલાં સમજદોષનાં ઉદાહરણો પૃ. ૧૧-૧૨ પર લોકકથાઓનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે પણ એમાં ધોરણોની ભેળસેળ છે. એમાં એક બાજુથી ‘પશુપ્રાણીની કથાઓ’ વગેરે વિષયદૃષ્ટિએ પાડેલા પ્રકારો છે. બીજી બાજુથી ‘કહેવત-કથાઓ’ જેવા પ્રયોજનદૃષ્ટિએ પાડેલા પ્રકારો છે, તો ત્રીજી બાજુથી ‘ઐતિહાસિક, અર્ધઐતિહાસિક અને દંતકથાઓ’ જેવા હકીકતનિષ્ઠતાને ધોરણે પાડેલા પ્રકારો છે. દંતકથાઓ પણ પશુપ્રાણીની, વીર-વીરાંગનાની, જાતિઉત્પત્તિની હોઈ શકે ને? કહેવતકથાઓમાં પણ ઘણા વિષયોની શક્યતા છે. શ્રી જાદવને વર્ગીકરણના કૂટપ્રશ્નનો મુકાબલો કરવાનું ફાવ્યું નથી તે સ્પષ્ટ છે. સંપાદક આ પ્રસ્તાવનામાં ચારણી કથાઓ ને ચારણી શૈલીને લોકકથાના સામાન્ય પ્રવાહથી જુદાં મૂકવાનું વલણ બતાવે છે. તો પૃ. ૧૪ પરના અલંકારોની હારમાળાથી થયેલા સૌન્દર્યવર્ણનને ‘લોકકથાકાર’ના સર્વસામાન્ય શૈલીપ્રકાર તરીકે ઉદ્ધૃત ન કરવું જોઈએ. એ ચારણી શૈલીનું વર્ણન છે. એમ જણાય છે કે શ્રી જાદવની દૃષ્ટિ પોતે કરેલા ભેદ પર સ્થિર રહી શકી નથી. શ્રી જાદવની ‘મોટીફ’ (વળું) વિશેની સમજ પણ સંદિગ્ધ જણાય છે. પૃ. ૧૯-૨૦ પર એમણે વળાંની સૂચિ આપી છે એમાં ઘણે ઠેકાણે આખો વાર્તાપ્રસંગ જ સમાવી લીધો છે. અને કોઈ પણ વળું એકથી વધુ વાર્તામાં એ બતાવી શક્યા નથી! મોટીફ એટલે રૂઢકથાંશ, અનેક રચનાઓમાં વપરાયેલું વાર્તાતત્ત્વ એ વાત બરાબર સમજાઈ હોય તો આ રીતે ઉદાહરણો આપવાનું બને નહીં. પૃ. ૨૫ પર ગુજરાતમાં લોકકથાનાં સંશોધન-સંપાદનના શ્રીગણેશ અઢારમી સદીની અધવચ મંડાણા એમ કહીને શ્રી જાદવ ઈ. સ. ૧૮૪૬માં ગુજરાતમાં આવેલા ફાર્બસને સૌથી પહેલાં મૂકે છે. તો પ્રશ્ન થાય છે કે શ્રી જાદવ ૧૮મી સદી કોને કહે છે? ૧૮૦૧થી શરૂ થાય છે તેને? એ તો ૧૯મી સદી કહેવાય એટલી સાદી સમજનો એમનામાં અભાવ માનવો કે લેખનદોષનો એમને બચાવ આપવો? માહિતીદોષ તો આ પ્રસ્તાવનાલેખમાં ગણ્યા ગણાય નહીં એટલા છે. નમૂના રૂપે જ થોડા જોઈએ. (વધુ દૃષ્ટાંતો માટે જુઓ, ‘ગુજરાતની લોકકથાઓ’ પર નજર નાખતાં’, કનુભાઈ જાની, ‘પરબ’, જુલાઈ ૧૯૮૪, પૃ. ૧૩-૨૪) પૃ. ૭ પર ‘કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથામંજરી’ને પ્રાકૃત ગ્રંથો કહ્યા છે. વસ્તુતઃ એ સંસ્કૃત ગ્રંથો છે. (પૈશાચી પ્રાકૃતનો મૂળ ગ્રંથ ‘બૃહત્કથા’ પ્રાપ્ય જ નથી.) પૃ. ૨પ પર ફ. બ. પારસીનો ઉલ્લેખ થયો છે તેમાં પારસી ઓળખ હોવાનું સમજાય છે. વસ્તુતઃ ‘ફઃ બ.’ની સંજ્ઞાથી એક પારસી લેખકે ગ્રંથ પ્રગટ કર્યા છે. અંગ્રેજી શીર્ષક છે (ને પ્રસ્તાવના પણ અંગ્રેજીમાં છે) પણ અંદરની સામગ્રી ગુજરાતીમાં છે એ સ્પષ્ટતા અહીં થઈ નથી. પૃ. ૨૬ પર કહાનજી ધર્મસિંહના ‘કાઠિયાવાડી સાહિત્ય’ના બે ભાગ છે તે હકીકત નોંધાઈ નથી. પૃ. ૨૭ પર ‘સોરઠી બહારવટિયા’ના ભાગ ૧થી ૪ નિર્દેશ્યા છે તે ૧થી ૩ જોઈએ. (‘દરિયાપારના બહારવટિયા’ નામે જુદો ગ્રંથ છે.) પૃ. ૨૮ પર ‘દાદીમાની વાતો’ છે તે ‘ડોશીમાની વાતો’ જોઈએ. પૃ. ૨૯ પર જયમલ્લ પરમારના પુસ્તકનું નામ ‘સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ’ નોંધાયું છે તે ‘આપણી લોકસંસ્કૃતિ’ જોઈએ. એમાં અનેક રૂપકડી લોકકથાઓ હોવાની વાત પણ સાચી નથી. એ સમગ્ર લોકસંસ્કૃતિની મીમાંસા કરતો અભ્યાસગ્રંથ છે. હવે ભાષા કે અભિવ્યક્તિના દોષ જોઈએ. લેખક લોકસાહિત્યના સંશોધકો માટે ‘લોકસાહિત્યકારો’ એ શબ્દ વાપરે છે (પૃ. ૧૧) અને લોકકથાને શાસ્ત્ર કહે છે (પૃ. ૧૨, ૨૨, ૨૩) એ એમનો સમજદોષ ગણવો કે અભિવ્યક્તિદોષ એ કોયડો છે. પેન્ઝર અને ટોનીના ‘કથાસરિત્સાગર’ને લેખક કથાશાસ્ત્રનો ગ્રંથ કહે છે તેમાં આ જ દોષ કામ કરી રહ્યો છે, એ મૂળભૂત રીતે કથાગ્રંથ છે. “પ્રાદેશિક રંગો અને એ પ્રદેશની લાક્ષણિકતા” (પૃ. ૧૭) જેવા શિથિલ ભાષાપ્રયોગો આ પ્રસ્તાવનાલેખમાં અન્ય પણ જડશે, તો અર્થ ન સમજાય એવાં વાક્યો પણ રહી જાય છે : “લોકકથાની લોકપ્રિયતા અને એનું અસ્તિત્વ વળાંના માધ્યમથી જ સિદ્ધ થાય છે.” (પૃ. ૧૯) નીચેના ફકરામાં ભાષાની ચોકસાઈનો અભાવ છે કે લેખકના મનમાં હકીકતની કંઈ ગરબડ છે તે પ્રશ્ન છે : “લોકકથાઓનું પ્રાગટ્ય સંસ્કૃતિના સર્જનકાળ જેટલું પુરાણું હોવા છતાં સ્વતંત્ર વિષયના સ્વરૂપે એના અભ્યાસનો ઇતિહાસ બે સદીથી વધુ સમય પુરાણો નથી. ૧૯મી સદીના વચગાળાના સમયમાં પશ્ચિમના વિદ્વાનોએ પછાત જાતિઓના સાહિત્યના સંશોધનનું કામ હાથ ધર્યું પછી જેમજેમ ભાષાવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર જેવાં શાસ્ત્રો અલગઅલગ વિકાસ પામતાં ગયાં તેમતેમ પશ્ચિમના દેશોમાં લોકસાહિત્યને વિજ્ઞાનનું સ્વરૂપ સાંપડતું ગયું... એ રીતે એનો અભ્યાસ આરંભાયો.” ૧૯મી સદીના વચગાળા પછી અભ્યાસ આરંભાયો એનો ઇતિહાસ બે સદીથી વધુ સમય પુરાણો નથી એમ કહેવાય કે બે સદી જેટલો પણ પુરાણો નથી એમ કહેવાય? કાં તો લેખકની સમયની ગણતરી કાચી છે, કાં તો લેખક તર્કબદ્ધ રીતે વિચારતા નથી, કાં તો એ શિથિલ રીતે લખી નાખે છે. સમગ્રપણે જોતાં પણ શ્રી જાદવની જાણકારીની કચાશ હોવા ઉપરાંત વક્તવ્યને ચોકસાઈથી, લાઘવથી ને વિશદતાથી મૂકી આપતી અભ્યાસલેખની ભાષા એમને સિદ્ધ થઈ નથી એમ લાગે છે. અભ્યાસલેખમાં લોકભાષાની લઢણો વરવી પણ લાગે છે. પુનરુક્ત થતી લઢણો બતાવે છે કે લેખક પાસે પોતાનાં મૂલ્યાંકનો કે તારણો નથી. હવે પદ્ધતિદોષ જોઈએ. આ પ્રસ્તાવનાલેખમાં લોકકથાઓમાંથી દૃષ્ટાંતો આપ્યાં છે તે અહીં સંગૃહીત લોકકથાઓમાંથી જવલ્લે જ છે. પ્રસ્તાવના અને સામગ્રીના કમેળનું આ બીજું ઉદાહરણ છે, જે સંપાદનની કચાશનો પણ નિર્દેશ કરે. આ માત્ર પદ્ધતિદોષ હોય તોપણ એ ગંભીર પદ્ધતિદોષ છે. સમજૂતી અને સામગ્રી વચ્ચે અનુબંધ ન રચાય તો વિષય ઊઘડે કેવી રીતે? ગ્રંથનામો આપવાની કોઈ ચોક્કસ પદ્ધતિ લેખકે અપનાવી નથી. મનુભાઈ જોધાણીના સને ૧૯૨૭માં પ્રગટ થયેલા લોકકથાના પહેલા સંગ્રહનું નામ ન આપ્યું અને પછીના ત્રણ સંગ્રહોનાં નામ આપ્યાં! ગિજુભાઈના કે દુલેરાય કારાણીના કોઈ કથાસંગ્રહનાં નામ ન આપ્યાં ને મેઘાણીમાં પણ ‘સોરઠી સંતો’ જેવાં કોઈ નામ જતાં કર્યાં, ત્યારે લેખકે પોતાનાં વીસમાંથી ઓગણીસ ગ્રંથોનાં નામ નોંધ્યાં! આ પ્રકારના અભ્યાસલેખમાં બિનજરૂરી એવી અમુક ગ્રંથ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક થયાની કે રૂપકડું પ્રકાશન થયાની નોંધ પણ અહીં મળે છે. ગંભીર અભ્યાસનું વસ્તુલક્ષી ધોરણ અહીં અળપાય છે. એક જ ફકરામાં કેટલાંક ગ્રંથનામોને અવતરણચિહ્નમાં મૂક્યાં હોય અને કેટલાંકને ન મૂક્યાં હોય એને લેખન-મુદ્રણનો દોષ ગણવો કે પદ્ધતિનો એની વિમાસણ થાય એવું છે. પાદટીપમાં ગ્રંથનામો ક્યાંય અવતરણચિહ્નમાં મુકાયાં નથી કે બીજી રીતે અલગ પાડ્યાં નથી. તેથી આવી પાદટીપ મળે છે : ૮. જુઓ રંગ છે બારોટને : પૃષ્ઠ-૨૦ અહીં ‘પૃષ્ઠ’ આખો શબ્દ છે. તો અન્યત્ર ‘પૃ.’થી ચલાવ્યું છે. વસ્તુતઃ સાહિત્ય અકાદેમી જેવી સંસ્થા પાસે તો પોતાની ચોક્કસ લેખન-મુદ્રણશૈલી હોવી જોઈએ. લેખન કે મુદ્રણના ગણાય એવા દોષો તો આખા પુસ્તકમાં વ્યાપ્ત છે. એમાં જોડણીના દોષો છે – સ્ત્રોત (પૃ. ૭), ઝીલાય (પૃ. ૧૭), નવકૂળ (પૃ. ૨૧), સમકાલિન (પૃ. ૨૮), ઊલેચવાનું (પૃ. ૩૦), ઊતારીને (પૃ. ૩૨), ઉતરવું (પૃ. ૩૩), ભભૂતી (પૂ. ૪૦), પોઠીઆ (પૃ. ૬૧), મિષ્ટાન (પૃ. ૧૧૬), રુડુંરૂપાળું (પૃ. ૧૪૦), ઢુંકડો (પૃ. ૧૪૪), મુંડ્યા (પૃ. ૧૪૫), જીગર (પૃ. ૧૪૭), નિરવ, શીલા (પૃ. ૧૪૯), અહિંયાં (પૃ. ૧૫૦), ગિધા મેરાઈ (પૃ. ૧૯૮), દિવાનપદાની (પૃ. ૨૦૦), અક્ષયતૃતિયા (પૃ. ૨૪૨), ઉદયમતિ (પૃ. ૨૮૮) વગેરેવગેરે; કાનામાતર, અનુસ્વાર-અક્ષરના વધારાઘટાડા ને અદલાબદલીના દોષો છે – પુરોણો (પૃ. ૭ : પુરાણો), વરતલરતુલા (પૃ. ૯ : વરતવરતુલાં), વિરહતા (પૃ. ૧૩ : વિહરતા), ઘાટી (પૃ. ૧૮ : ધાટી), લોકથાઓનું (પૃ. ૨૧ : લોકકથાઓનું), વસજી (પૃ. ૨૬ : વસનજી), ફેરકાર (પૃ. ૩૨ : ફેરફાર), વધું (પૃ. ૩૩), ઇચ્છીનીય (પૃ. ૩૩), પઠાંતરો (પૃ. ૩૪), તલબચી (પૃ. ૨), ધોડ્યે (પૃ. ૧૪૧ : ઘોડ્યે), વાળું (પૃ. ૨૬૪), છેલ્લા ડાળે (પૃ. ૨૬૫), દામ (પૃ. ૨૯૬ : ડામ) વગેરેવગેરે; ને અવતરણચિહ્નોની અરાજકતા છે. અમુક પ્રકારના જોડણીદોષો સતત થયા છે, ‘ફાર્બસ’ અને ‘ફોર્બ્સ’ (પૃ. ૨૫) કે ‘દીવાનપદું અને ‘દિવાનપદાની’ (પૃ. ૨૦૦) એકસાથે જ મળે છે અને બધે જ ‘દશ્ય’ (= દિશા)ને સ્થાને ‘દૃશ્ય’ છપાયું છે તે જોતાં જોડણીનું જ અજ્ઞાન છે એમ નહીં, પણ લેખન અને પ્રૂફવાચનની કક્ષાએ ઘણી બેજવાબદારી દાખવવામાં આવી હોય એવું જણાય છે. આ પ્રકારની ભૂલોનું પ્રમાણ એટલું મોટું છે કે માત્ર આ કારણે જ આ ચોપડી રદ કરવી જોઈએ એમ કહેવું પડે. પણ એમ ચોપડી રદ કોણ કરે છે? ગાંધીજીએ ગોખલે વિશેની ચોપડી નબળા અનુવાદને કારણે ભલે બળાવી નાખી હોય, આપણે તો આટલીબધી ખોટી માહિતી ને નબળા કથાસંકલનવાળી ચોપડી દુનિયા સમક્ષ ધરવાના. લોકમિલાપ યશવંત શુક્લ વગેરેના અનુમોદનથી આ ચોપડી ૧૯૮૪ના વાચકપરિવારને ચુનંદા પુસ્તક તરીકે પહોંચાડવાનું. આપણી સાહિત્ય ને સંશોધનની અગ્રણી સંસ્થાઓએ ખોટી માહિતીવાળા કેટલાક ગ્રંથો લોકો સમક્ષ ધર્યા જ છે અને એ સંસ્થાઓમાં બેઠેલા આપણા સંમાન્ય વડીલોએ એમને રોકવા-ટોકવાનું ઇચ્છ્યું નથી. એમાં હવે એક વધુ સંસ્થાનો ઉમેરો થાય તો એથી શી વધુ આપત્તિ સર્જાવાની હતી? જ્ઞાનકોશને થતી હાનિ કરતાં વિત્તકોશને થતી હાનિનો વધારે વિચાર કરવો એ જ ગુજરાતી પ્રજાની વણિકબુદ્ધિને શોભે ને? ૨૫ જુલાઈ ૧૯૮૪

[‘ગ્રંથ’, ઑગસ્ટ ૧૯૮૪]
(‘વાંકદેખાં વિવેચનો’)

*