સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૪ જાનન્તિ યે કિમપિ (વિવેચન) : સંપા. સુરેશ જોષી

Revision as of 01:24, 20 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વિભાગ-૧ : સાહિત્યવિચાર

}૪.૪
‘જાનન્તિ યે કિમપિ’ : સંપા. સુરેશ જોષી, ૧૯૮૪

{{Poem2Open} ખરેખરી ઉપયોગિતા અને ખરેખરી અગવડો પુસ્તક હાથમાં આવતાં જ બે વસ્તુ તરત આંખે ચડે છે. એક, એનું લાક્ષણિક સુરેશ-શૈલીનું પાંડિત્યભર્યું સંસ્કૃત શીર્ષક અને બીજી, એની રેઢિયાળ છપાઈ. સદ્‌ભાવ પ્રકાશને થોડી વધુ કિંમતે પણ સુઘડ પ્રકાશનો આપવાથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો, તેમાંથી પહેલી વસ્તુ એમણે જાળવી રાખી છે, પણ બીજીની બરાબર સંભાળ રાખવાનું એનાથી બની શક્યું નથી. અર્થનો અનર્થ થાય એવી છાપભૂલો પણ રહી ગયેલી છે. જેમ કે, ‘મુદ્રા’ને સ્થાને ‘મુદ્દા’ (પૃ. ૩), ‘ડિટેક્ટિવ નવલકથા’ને સ્થાને ‘ડિરેક્ટિવ નવલકથા’ (પૃ. ૧૪) ‘ઉપયુક્ત’ને સ્થાને ‘ઉપર્યુક્ત’ (પૃ. ૩૭), ‘સંકેતક’ને સ્થાને ‘સંકેત’ (પૃ. ૯૪) ‘ટેસિટસ’ને સ્થાને ‘ટેસિપ્સ’ (પૃ. ૧૨૦), ‘નિર્ભર’ને સ્થાને ‘નિર્ભય’ (પૃ. ૧૬૩), ‘વિકાસની’ને સ્થાને ‘વિકાસથી’ (પૃ. ૧૭૬) વગેરે. પૃ. ૧૦ ઉપર phonetic content છપાયું છે તે બરાબર છે કે poetic content જોઈએ? ઉપરાંત, વિરામચિહ્નો, વચ્ચે ખોટા શબ્દો ઘૂસી જવા કે રહી જવા વગેરે પ્રકારની એટલીબધી ભૂલો આ પુસ્તકમાં છે કે એનું વાચન આપણે માટે વિઘ્નદોડ જેવું બની રહે છે. પુસ્તકનું શીર્ષક ‘જાનન્તિ યે કિમપિ’ કયા અર્થમાં છે એ વિશે વિદ્વાનોમાં તકરાર ઊભી થઈ શકે તેમ છે. કોઈએ તો ભૂલથી ‘જાનન્તિ યે ન કિમપિ’ એમ વાંચી ગુજરાતી વાચકોના અજ્ઞાન સામે તિરસ્કાર વ્યક્ત થતો જોયો. તો કોઈને ‘જાનન્તિ યે કિમપિ’માં પણ અબુધ વાચકો માટે આ પુસ્તક નથી, કંઈક જાણે છે એમને માટે જ છે એ જાતની ઉન્નત-ભૂ મનોવૃત્તિ જણાઈ. મને, વળી, એમ લાગ્યું કે થોડાક જાણકારોના મતો આ પુસ્તકમાં ચર્ચાયા છે એ અર્થમાં આ શીર્ષક છે. જ્ઞાનનો તો મહાસાગર છે. જે જાણે છે એ પણ ‘કંઈક જ’ જાણે છે એમ જ કહેવાય ને? આમ તો આ ભવભૂતિના ‘માલતીમાધવ’ના જાણીતા શ્લોકમાંથી લીધેલો વાક્યખંડ છે. ‘મહાવીરચરિત’ વિશેના ટીકાત્મક અભિપ્રાયોથી દાઝેલા ભવભૂતિ ‘જે કંઈક પણ જાણે છે એમને માટે મારો આ પ્રયત્ન નથી’ એમ કહે છે એમાં ‘જાણે છે’ એ કટાક્ષમાં હોય તો ‘જાણવાનો દાવો કરે છે’ એવો અર્થ હોઈ શકે. પણ સંપાદકે ‘તાન્પ્રતિ નૈષ યત્નઃ’ એ વાક્યખંડ વાપર્યો નથી, એટલે એમને આમ જ કહેવાનું હશે એમ ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકાય? વિવેચનના ક્ષેત્રમાં જે નવી વિચારસરણીઓનો પ્રભાવ પડતો જાય છે એને વિશેની અધિકૃત માહિતી આપવાના હેતુથી નિર્માયેલા આ પુસ્તકમાં છ લેખો સંઘરાયા છે. એમાંથી ત્રણ લેખો જેમને મુખ્યત્વે સાહિત્યિક કહેવાય એવાં આંદોલનોનો પરિચય આપે છે, જ્યારે ત્રણ લેખો જેમને મુખ્યત્વે દાર્શનિક કહેવાય એવાં આંદોલનોનો પરિચય કરાવે છે. લેખોમાંના વિષયો આજના સમયના મહત્ત્વના વિષયો હોઈ એ સૌમાં સ્વાભાવિક રીતે જ આપણને જિજ્ઞાસા હોવાની, પણ સાહિત્યવિવેચન સાથે કામ પાડનારાઓને પહેલા વર્ગના લેખો સીધા પ્રસ્તુત લાગશે. પહેલા વર્ગમાં શિરીષ પંચાલનો ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’, રમેશ ઓઝાનો ‘સંરચનાવાદ અને રોલાં બાર્થ’ તથા હરિવલ્લભ ભાયાણીનો ‘માનવવાદી પાંડિત્યની એક અસાધારણ સિદ્ધિ’ એ ત્રણ લેખોનો સમાવેશ થાય છે. શિરીષ પંચાલે નવ્ય વિવેચન, ચૈતન્યલક્ષી વિવેચન, રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ અને આધુનિક તથા અનુઆધુનિક વિવેચન – એ ક્રમે વીસમી સદીની સાહિત્યવિચારની ગતિવિધિનું સમગ્રપણે દિગ્દર્શન કરાવ્યું છે. આ દિગ્દર્શન સમજણભર્યું ને સમજાવટભર્યું છે ને એમાં ‘હવે’ના લહેકાને કારણે શિરીષને જાણે બોલતા પણ સાંભળી શકાય છે. આવડા મોટા પટના દિગ્દર્શનમાં ક્યાંક કશુંક અધ્ધર-અછડતું કે અસ્પષ્ટ રહી જાય તો એમાં લેખકનો ખાસ દોષ કાઢી ન શકાય. દાખલા તરીકે, રશિયન સ્વરૂપવાદીઓ જગત સાથેનો સંબંધ જતો કર્યા વિના સાહિત્યની સ્વાયત્તતા સિદ્ધ કરવા મથ્યા એમ કહેવાયા (પૃ. ૧૦) પછી રશિયન સ્વરૂપવાદીઓને અભિપ્રેત જગત સાથેનો સંબંધ વિશદતાથી સ્ફુટ કરવામાં નથી આવ્યો અને સાહિત્યની સ્વાયત્તતા વિશેની એમની દૃષ્ટિનું જ સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્વચિત્‌ ભાષાની સંદિગ્ધતા પણ નડતી હોય એવું લાગે છે. જેમ કે લેખના આરંભે જ (પૃ. ૨) વીસમી સદીમાં બધી વિદ્યાશાખાઓ અને સાહિત્યના ક્ષેત્ર પર થયેલા વિજ્ઞાનના આક્રમણની અને એ સંયોગોમાં સાહિત્યનું ગૌરવ સ્થાપવાના રિચડ્‌ર્સ વગેરેના પ્રયત્નોની વાત આવે છે. પણ સાહિત્યના ક્ષેત્ર પર વિજ્ઞાને કરેલું આક્રમણ એટલે શું? સાહિત્યમાં વૈજ્ઞાનિકતાનો પ્રવેશ? એ તો સંભવિત નથી લાગતું. સાહિત્યની સામે વિજ્ઞાનનું આક્રમણ એમ અર્થ જણાય છે. એટલે કે જીવનમાં વિજ્ઞાન કે વૈજ્ઞાનિક મૂલ્યોનો મહિમા થવા લાગતાં, આજ સુધી જીવનમાં સાહિત્યની જે પ્રતિષ્ઠા હતી તે ઘટવા લાગે છે. આ જાતના, નવા ને પરદેશી વિચારપ્રવાહોને આલેખતા લેખોમાં ભાષાને શક્ય એટલી અસંદિગ્ધ બનાવવાની કોશિશ આપણે સૌએ કરવી જોઈએ. એક હકીકતદોષ તરફ પણ ધ્યાન દોરવું જોઈએ. શ્રી પંચાલે એમ નોંધ્યું છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ માન્યતા ગેલેલિયોએ ખોટી જાહેર કરી અને કોપરનિકસે આ શોધને માન્યતા અર્પી. હકીકત આથી ઊલટી છે. કોપરનિકસે પરંપરાગત માન્યતાનું ખંડન કર્યું. ગેલેલિયો તો કોપરનિકસની પછી થયા છે. આ લેખમાં શ્રી પંચાલે નવ્ય વિવેચનને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી એના પર થયેલા પ્રહારો સામે એનો બચાવ કર્યો છે તે એમની સૂક્ષ્મ ન્યાયબુદ્ધિ બતાવે છે ને છેલ્લે આજની પરિસ્થિતિમાં માનવચૈતન્યનો મહિમા ગાતી વિવેચનાને આવકારવાની આવશ્યકતા દર્શાવી છે એ એમની વિશાળ દૃષ્ટિ બતાવે છે. આવી ન્યાયબુદ્ધિ અને વિશાળ દૃષ્ટિ આપણા સાહિત્યદર્શનને સ્વસ્થ અને સમતોલ બનાવી શકે અને ઘણાં ઇષ્ટ પરિણામો લાવી શકે. સવાલ અનેક ઝંઝાવાતો વચ્ચેયે આ ભૂમિકા પર સ્થિર રહેવાનો છે. ‘સંરચનાવાદ અને રોલાં બાર્થ’ એ લેખમાં શ્રી રમેશ ઓઝાએ એક અઘરા, નવી પરિભાષાગ્રસ્ત વિષયને આપણને સમજાય એવી રીતે મૂકવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. છતાં ભાષાવિજ્ઞાનના કેટલાક સંપ્રત્યયોનો જેમને અભ્યાસ નહીં હોય એવા વાચકોને એમાં થોડી અગવડ પડવાની. છાપભૂલો ઉપરાંત લેખકની ભાષાભિવ્યક્તિમાં થોડાં અગવડભર્યાં સ્થાનો પણ જડી આવે છે. ‘પુરાણકલ્પનોમાં મિથના motifની થતી પુનરાવૃત્તિ’ જેવા વાક્યમાં ‘પુરાણકલ્પન’ અને ‘મિથ’ના કયા જુદા અર્થ કરવા તેની મૂંઝવણ થાય જ. પરંતુ થોડોક પ્રયત્ન કરતાં ભાષાભિવ્યક્તિની કેટલીક શિથિલતાઓને સમજી શકાય છે ને સુધારી શકાય છે. જુદીજુદી જ્ઞાનશાખાઓને જોડનાર સંકેતવિજ્ઞાનની છાયામાં વિકસેલો સંરચનાવાદ સાહિત્યકૃતિની આંતરિક અર્થરચનાની તપાસમાં જ ઇતિકર્તવ્યતા માને એ આજના સમયમાં જ્ઞાનવિજ્ઞાનનું કેટલું આત્યંતિક વિશેષીકરણ થાય છે એ બતાવે છે. શ્રી ઓઝાએ સંરચનાવાદ અને બાર્થની વિચારસરણીની કેટલીક અસંગતિઓ અને મર્યાદા તરફ પણ ધ્યાન દોર્યું છે. હરિવલ્લભ ભાયાણીનો લેખ માનવવાદી પાંડિત્યની એક અસાધારણ સિદ્ધિ અનુવાદરૂપ છે. એટલું જ નહીં પણ એમાં જેના વિચારો પ્રસ્તુત થયા છે એ ગાડામેરના કોઈ લખાણનો એ અનુવાદ નથી, તેમ નથી ગાડામેરના સાહિત્યવિચાર વિશે લખાયેલા કોઈ લેખનો અનુવાદ, પણ એ ગાડામેરના એક પુસ્તક ‘ટ્રુથ ઍન્ડ મેથડ’ની નેય્‌થન સ્કૉટે કરેલી સમીક્ષાનો – ને તે પણ તેના મહત્ત્વના અંશનો – અનુવાદ છે. આ રીતે આ ગ્રંથમાં આ એક વિલક્ષણ સમાવેશ છે પણ એક અત્યંત ઉપયોગી ને રસપ્રદ સમાવેશ છે. સંરચનાવાદ વગેરેએ સાહિત્યિક પાઠ(text)ને જે આત્યંતિક મહત્ત્વ આપ્યું તેની સામે ભાવક અને એ દ્વારા માનવીય વિશ્વને સાહિત્યવિચારમાં પુનઃપ્રતિષ્ઠિત કરતી ગાડામેરની વિવેચનદૃષ્ટિનો આ નાનકડો પરિચય દ્યોતક છે ને આપણને આજના સમયની કેટલીક વળગણોમાંથી મુક્ત થવા પ્રેરે એવો પણ છે. મુખ્યત્વે દાર્શનિક કહેવાય એવી વિચારધારાઓને રજૂ કરતા ત્રણ લેખોમાં અરુણ અડાલજાનો ‘હુુસેર્લ અને ફિનોમૅનોલૉજિ’, ભીખુ પારેખનો ‘માર્ક્સનો ચેતનાસિદ્ધાંત’ અને સુરેશ જોષીનો ‘માર્ક્સવાદી અભિગમ’ એ લેખોનો સમાવેશ થાય છે. આમાંથી ભીખુ પારેખનો લેખ નીતિન વ્યાસે અનૂદિત કરીને મૂકેલ છે એટલે એ મૂળ અંગ્રેજીમાં લખાયેલો હશે એમ અનુમાન થઈ શકે. મૂળ લેખ અંગ્રેજીમાં આ ગ્રંથ માટે જ લખાયેલો છે કે અન્યત્ર ક્યાંય પ્રસિદ્ધ થયેલા લેખનો આ અનુવાદ છે તેની માહિતી અહીં આપવામાં નથી આવી. ભીખુ પારેખના લેખના અનુવાદમાં ભાષાકીય સ્ખલનોવાળાં કે સંદિગ્ધ વાક્યો રહી ગયાં છે – “બધી ક્રિયાપ્રવૃત્તિ બાહ્યજગતને કારણભૂત માનવી” (પૃ. ૧૧૧), “બાહ્ય પ્રકૃતિમાં માનવના રૂપનું કલ્પન થાય છે અને માનવ જડ વસ્તુના પરિમાણસ્વરૂપથી જ સીમિત બને છે” (પૃ. ૧૧૧), “લીઓનાર્ડોના કાર્યનું અવલંબન ફ્લૉરેન્સની પરિસ્થિતિ પર નિર્ભર હતું” (પૃ. ૧૩૭), “રાફેલની જેમ અન્ય કોઈ કલાકાર એમની પહેલાં કલાશાસ્ત્રમાં જે પ્રગતિ દા. ત. સમાજસંગઠન, સ્થાનિક શ્રમવિભાજન કે વૈશ્વિક શ્રમવિભાજન વગેરેમાં હાંસલ થઈ હતી તેના દ્વારા કૃતનિશ્ચયી હતા” (પૃ. ૧૩૭) વગેરે. એટલે કે અનુવાદ પૂરતો સંતોષકારક નથી, તેમ છતાં શ્રી પારેખના વિચારપ્રવાહને ઝીલવામાં ખાસ કશી અગવડ પડતી નથી એવી એમની રજૂઆતની વિશદતા અને વ્યવસ્થિતતા છે. ચેતનાનું સ્વરૂપ, માનવચેતનાનો કાળક્રમે થયેલો વિકાસ, ચેતનાની સંરચનાનો માનવના સામાજિક અસ્તિત્વ પર આધાર, પ્રત્યક્ષજ્ઞાન, કલાસંવેદના, દાર્શનિકતા, નૈતિક વર્તણૂક, ભાષાવ્યવહાર એ બધાં ચેતનાનાં અવાંતર રૂપો – આ બધાં વિશેની માર્ક્સની સૂક્ષ્મ સંકુલ વિચારણા લેખકે પોતાના વિશાળ અભ્યાસના નિચોડ રૂપે, જાણે કે બરાબર પચાવી લઈને પોતીકે રૂપે પ્રસ્તુત કરી છે. એમાં વિવાદાસ્પદ સ્થાનો નથી એમ નહીં, લેખકે પોતે અંતે માર્ક્સનાં મંતવ્યોની મર્યાદાઓનો સ્વલ્પ નિર્દેશ કર્યો છે, પણ આ લેખમાં એમની નેમ તો માર્ક્સના મતનો ઊહાપોહ કરવાની નહીં પણ એને સમજાવવાની જ રહી છે. અત્યાર સુધીમાં જે લેખોની મેં વાત કરી તેમાં ભાષાકીય અભિવ્યક્તિની, વિચારોની ક્રમબદ્ધ રજૂઆતની ઓછીવત્તી ખામી મને દેખાઈ છે. છતાં એમાંનાં કથયિતવ્યો બહુધા આપણે પામી શકીએ છીએ; પણ બાકીના લેખો – અરુણ અડાલજા અને સુરેશ જોષીના – સંક્રમણક્ષમતાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એમ લાગે છે કે આપણે જાણે આત્મસાત્‌ કરીને નહીં પણ ઉછીનું-ઉછીનું લખ્યા કરીએ છીએ. એમાં સઘળું અનુવાદિયું રહે છે અને આપણી સમજ ને આપણી ભાષાનું પ્રવર્તન એમાં થતું નથી. અંગ્રેજીમાં ‘Modern Literary Theory’ (સંપા. Ann Jefferson, David Robey, ૧૯૮૨) જેવાં પુસ્તકો વાંચીને હું પ્રસન્ન થઈ જાઉં છું. કશી ઝીણવટનો ભોગ આપ્યા વિના આ લોકો કેવી સરસ માંડણીથી, કેવા ઉપયોગી ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, કેટલી વિચારોની ચોખ્ખાઈથી ને કેટલી વિશદ પ્રવાહી ભાષાભિવ્યક્તિથી લખી શકે છે! (એ પુસ્તકમાં બેએક લેખો જરા આગળના સ્તરના હોઈ દુર્બોધ બન્યા છે. પણ એમાંયે રજૂઆતના કૌશલને તો દાદ આપવી પડે.) મને થાય છે કે ગુજરાતીમાં આધુનિક વિચારપ્રવાહો વિશેના પ્રસન્નકર લેખો ક્યારે મળશે? આપણી સમજણ કાચી પડે છે કે આપણને વિવેચન-વિચારની શિસ્ત હાથમાં નથી આવી કે આપણે આપણી જીવતી ભાષાને આવા વિષયોમાં પલોટી નથી શક્યા – કોણ જાણે! અરુણ અડાલજાનો લેખ મને આ સંગ્રહમાં સૌથી વધુ નિરાશાજનક લાગ્યો છે. લેખકે એમના વિષયનો તો ઊંડો બારીક અભ્યાસ કર્યો હોય એવું દેખાઈ આવે છે, પણ મારા જેવા વાચકો સુધી તો એમાંથી કશું ન પહોંચે એવી સ્થિતિ બની આવી છે. તત્ત્વજ્ઞાનના વિષયના એવા સંદર્ભો લઈને એ લેખ ચાલે છે કે એ વિષયના અભ્યાસીઓ સિવાય બીજાઓને માટે એમાં ગતિ કરવી મુશ્કેલ બની જાય. પચાસ ઉપરાંત પાનાંના આ લેખમાં લેખક પંદર પાનાં પછી હુસેર્લ પર આવે છે અને ત્રીસ પાનાં પછી ફિનોમૅનોલૉજિકલ વિશ્લેષણપદ્ધતિ પર આવે છે. થકવે એવા આ વિચારસંભારમાં મળે છે શ્રી અડાલજાનાં ગુજરાતી પરિભાષા-પર્યાયનાં અપારદર્શક ઘડતરો, અંગ્રેજી, વાચન-વિચારની કઢંગાં ગુજરાતી વાક્યાંતરો ને સતત કાને અથડાતો ‘સંદર્ભ-સંદર્ભિત’ એ શબ્દોનો અતિપ્રયોગ. આપણે વિચાર અને ભાષાના એક જંગલમાં ખોવાઈ જઈએ છીએ. અંગ્રેજી સાહિત્યના એક અધ્યાપકે મને આમાંના કેટલાક પ્રયોગોના સંભવિત અંગ્રેજી રૂપો કહ્યાં એ મને વધારે સમજાય એવાં લાગ્યાં. તેથી મને પ્રશ્ન થાય છે કે જે લોકો આ વિષયમાં ગતિ કરી શકે એમ હશે તેઓ પણ આ ગુજરાતી વાંચવાનું પસંદ કરશે કે આ વિષયને અંગ્રેજીમાં જ વાંચી લેશે? આ પ્રકારનાં આપણાં ઘણાં લખાણો જોતાં મને એક કોયડો વારંવાર સતાવે છે કે આપણે કોને માટે લખીએ છીએ? હું જાણું છું કે અરુણભાઈનો લેખ વાંચવામાં નિષ્ફળ જવામાં મારી જ મર્યાદા છે. થોડાક અભ્યાસીઓ એ લેખને જરૂર સમજી શકશે. પણ એમને માટે અરુણભાઈએ આ શ્રમ ઉઠાવવો અનિવાર્ય હતો ખરો? અંગ્રેજીમાં તો કેટલાં જુદીજુદી કક્ષાનાં લખાણો પ્રાપ્ય હોય છે! અને આ થોડાક અભ્યાસીઓ તો અંગ્રેજી સારી રીતે જાણનારા હોવાના. ગુજરાતીમાં આપણી લેખનપ્રવૃત્તિ ચાલે તો એમાં નવા જ્ઞાન માટે ઝંખતા કે નવું જ્ઞાન જેમના સુધી પહોંચાડવાનું છે એવા જરા વિશાળ વર્ગને નજરમાં ન રાખવો જોઈએ? અને તો સંક્રમણક્ષમતાની જરા વધારે કાળજી લેવી ન જોઈએ? થોડા સમય પહેલાં એક સંમેલનમાં એક શાસ્ત્રીય વિષય પર એક વક્તાએ વ્યાખ્યાન આપેલું તેની વાત એક-બે મિત્રો પ્રભાવિત થઈને કરતા હતા. મારા એક જૂના અનુભવને યાદ કરીને મેં એક મિત્રને પૂછ્યું – એ સંક્રમણક્ષમ હતું? મિત્રે નિખાલસતાથી ના પાડી અને પછી મને જાણવા મળ્યું કે વ્યાખ્યાન, શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઈ સુધી પહોંચ્યું હતું, છતાં સૌ એ વ્યાખ્યાનને વખાણતા હતા ખરા! સમજ્યા વિના, કદાચ સમજાય નહીં માટે જ અભિભૂત થઈને, તાળીઓ પાડવાની આવડત આપણે કેળવી લીધી છે. એ વક્તા એમના વિષયના પૂરા નિષ્ણાત હતા એ હું જાણું છું. પણ સવાલ કોની પાસે, કયો વિષય, કઈ કક્ષાએ આપણે મૂકી રહ્યા છીએ તેનો છે. સવાલ સંક્રમણક્ષમતાનો છે. ખૂંચે છે તે નિખાલસ થઈ શકવાની આપણી કમજોરી. દેખીતી રીતે જ આ વસ્તુ આપણને ડોળઘાલુ બનાવે અને અંદરથી ખોખલા જ રાખે. અરુણભાઈએ લેખના શીર્ષકમાં ‘ફિનોમૅનોલૉજિ’ એવી, ડૅન્યલ જોન્ઝ કે વેબ્સ્ટરથી જુદી પડતી જોડણી કરી છે. તે મૂળ જર્મન ઉચ્ચારણ અનુસાર હશે? આટલી કાળજી રાખનાર લેખકે ગુજરાતી વાચક અને ગુજરાતી ભાષાભિવ્યક્તિની પણ એવી કાળજી રાખી હોત તો? આવું બધું જોઈએ ત્યારે થાય છે કે આવા પુસ્તકના સંપાદનમાં સંપાદકનું કર્તવ્ય શું હોય છે – હોવું જોઈએ? એણે પોતાને શ્રદ્ધેય જણાતા હોય એવા બે-ચાર માણસો પાસે લેખો લખાવીને પ્રેસને મોકલી જ આપવાના? એ શું ટપાલી છે? આપણા બે અત્યંત નામાંકિત વિદ્વાનો – જે સામયિકોના સંપાદકો પણ હતા – એમણે મને એ મતલબનું કહેલું કે લખનાર શ્રદ્ધેય માણસ હોય એટલે બસ; પ્રતિષ્ઠિત છે તે પોતાની પ્રતિષ્ઠાની સંભાળ રાખશે. મેં પૂછેલું – પણ સંપાદકની પ્રતિષ્ઠાનું શું? આનો જવાબ એમની પાસે નહોતો. મુદ્દો એ છે કે સંપાદકે લેખો વાંચી, આવશ્યક જણાય તો લેખક સાથે ચર્ચા કરી, વિચાર-ભાષા-રજૂઆત વગેરેની દૃષ્ટિએ આવશ્યક સંમાર્જન કરી-કરાવી, લેખનું એક સુંદર સુઘડ રૂપ નિપજાવી વાચકો પાસે ધરવું ન જોઈએ? ‘સંપાદક’ નામની સાથે આવી કોઈ જવાબદારી સંકળાયેલી નથી? ખેર, આપણે હવે સંપાદકના પોતાના લેખ પર જ આવીએ. લેખનું શીર્ષક છે ‘માર્ક્સવાદી અભિગમ.’ આપણે અપેક્ષા રાખીએ કે એમાં વિવેચનમાં જે માર્ક્સવાદી વિચારધારાઓ પ્રવર્તી છે તેનું દિગ્દર્શન હશે. પરંતુ લેખ વાંચતાં અંદરથી જુદું જ નીકળે છે. એમાં તો છે માર્ક્સ અને એન્ગેલ્સની સૌંદર્યમીમાંસાનો – સુરેશ જોષીએ વાપરેલો શબ્દ વાપરીએ તો રસમીમાંસાનો – પરિચય. એટલે જ તો એ લેખને મેં મુખ્યત્વે સાહિત્યવિવેચન સાથે સંકળાયેલા લેખોના વર્ગમાં નહીં પણ મુખ્યત્વે દાર્શનિક કહેવાય એવા લેખોના વર્ગમાં મૂક્યો છે. એનું સ્થાન ‘માર્ક્સનો ચેતનાસિદ્ધાંત’ એ લેખની તદ્દન બાજુમાં જ ગણાય. એક જ પ્રકારના બે લેખો સંઘરાયા છે તેથી સમજાય છે કે વિષયોના ગંભીર વિચારપૂર્વકના આયોજન સાથે આ ગ્રંથનું નિર્માણ થયું નથી. મારે નિખાલસતાથી સ્વીકારવું જોઈએ કે સુરેશ જોષીના લેખમાં પણ હું સરળતાથી ગતિ કરી શક્યો નથી. આ વિષયની અપેક્ષિત પૂર્વભૂમિકા મારી પાસે ન હોય કે વિચારોની કેટલીક સૂક્ષ્મતા મારી પહોંચ બહાર રહી હોય એમ બને, પરંતુ સુરેશભાઈનું ગદ્ય મને સાફ લાગ્યું નથી અને એમાં તાર્કિક અન્વયો સરળતાથી ઊપસી આવતા નથી એવી પણ છાપ પડી છે. પણ આ લેખ વિશેની એક ઘણી વિસ્મયકારક વાત તો મને પછી જાણવા મળી કે સમગ્ર લેખ એક અંગ્રેજી લેખના અનુવાદ રૂપે છે. એક મિત્રે ‘The Journal of Aesthetics and Art Criticism’ના વૉ. ૨૮ અં. ૩ (વસંત ૧૯૭૦)માં છપાયેલા સ્ટિફન મૉરવ્સ્કીના લેખ ‘The Aesthetic Views of Marx and Engels’ તરફ મારું ધ્યાન દોર્યું. સુરેશભાઈએ લેખનું શીર્ષક બદલી નાખ્યું છે ને ખોટું બદલ્યું છે એ તરત ખ્યાલમાં આવ્યું. સુરેશભાઈએ પોતાના લેખના ત્રીજા પાને મૉરવ્સ્કીનો નામોલ્લેખ કરી એને આધારે માર્ક્સ ને એન્ગેલ્સની રસમીમાંસાને સમજાવાનો પોતાનો ઉપક્રમ જાહેર કર્યો છે, પરંતુ અહીં માત્ર આધાર નથી, અનુવાદ છે અને આ ત્રીજા પાનાથી નહીં, પહેલા પાનાની પહેલી લીટીથી જ અનુવાદ ચાલે છે. સુરેશભાઈએ મૉરવ્સ્કીના કયા ને ક્યાં છપાયેલા લેખનો પોતે આધાર લીધો છે એ નોંધવાની પણ કાળજી લીધી નથી. કોઈ સારા લેખનો અનુવાદ કે આધાર હોય એમાં શો વાંધો હોઈ શકે? આપણે મમ્‌મમ્‌થી કામ છે. ટપ્‌ટપ્‌થી નહીં. પરંતુ મૂળ પદાર્થોનો નિર્દેશ કરવાથી આપણી પ્રામાણિકતાને તથા વસ્તુની પ્રમાણભૂતતાને પ્રગટ થવાની તક મળતી હોય છે અને જિજ્ઞાસુઓને આગળ જવાની દિશા સૂચવાતી હોય છે. સુરેશભાઈ જેવા પાસેથી તો આ ચોકસાઈનો આગ્રહ રાખવાનો આપણને હક છે. મેં આગળ આપણી ગુજરાતી અભિવ્યક્તિ વિશે થોડી ફરિયાદ કરી હતી તેનું એક વિચિત્ર રીતનું સમર્થન મને આ લેખમાંથી સાંપડ્યું. સુરેશભાઈના લેખમાં હું જે સરળતાથી ગતિ નહોતો કરી શક્યો તે સરળતાથી અંગ્રેજી લેખમાં ગતિ કરી શક્યો! થોડાં કૂટ સ્થાનોએ મારે સહેજ થોભવું પડ્યું. પણ અંગ્રેજી લેખમાં લેખકનો વિચાર-નકશો તાર્કિક રીતે ખૂલતો જતો હતો. એનો અર્થ એ કે અનુવાદ પૂરતી પ્રવાહિતાથી થયો નથી કે મૂળની વાત એમાં બરાબર રીતે ઊતરી નથી. એક નાનકડું ઉદાહરણ નમૂના રૂપે લઈએ. લેખના આરંભમાં મૉરવ્સ્કી માર્ક્સ અને એન્ગેલ્સના વિભિન્ન પ્રકારના ઘડતરની વાત કરે છે અને પછી લખે છે : “Yet their early writings indicate converging trends of intellectual development; and with the beginning of their lifelong intimate collaboration (September ૧૮૪૪), their aesthetic views interpenetrated. One can speak confidently of the coalescence of their major aesthetic ideas, a unity of approach, while noting that their temperaments were not identical and that each had his special interests.” સુરેશભાઈના લેખમાં આ વાત આ શબ્દોમાં મળે છે : “આમ છતાં એ બન્નેની પ્રારંભિક લેખનપ્રવૃત્તિમાં જ એમની બૌદ્ધિક પ્રવૃત્તિના છેડાઓ એક સ્થાને ભેગા મળતા હોય એનું સૂચન તો રહેલું જ છે. પછી તો એમનો બૌદ્ધિક પુરુષાર્થ જીવનભર સાથે જ ચાલતો રહ્યો. એકબીજાની રસમીમાંસાની આલોચના એઓ કરતા રહ્યા. પછીથી ક્રમશઃ એમનો અભિગમ સમાન બનતો લાગે છે; રસમીમાંસાની મુખ્યમુખ્ય વીગતો પરત્વે બન્ને વચ્ચે સંમતિ પ્રવર્તતી હોય એવું દેખાય છે. એ બન્નેની પ્રકૃતિ જુદી હતી અને બંનેના ખાસ રસના વિષયો જુદા હતા, છતાં આમ બની શક્યું છે.” (પૃ. ૧૬૭-૬૮) સુરેશભાઈએ વાક્યો છૂટાં પાડી આપી એક જાતની સરળતા ઊભી કરી છે તેમ છતાં અંગ્રેજી ફકરો મને જેટલો સ્પષ્ટ ને તર્કબદ્ધ લાગે છે તેટલો ગુજરાતી ફકરો લાગતો નથી. writingsનું ‘લેખનપ્રવૃત્તિ’, intellectual developmentનું ‘બૌદ્ધિક પ્રવૃત્તિ’, trendsનું ‘છેડા’, interpenetratedનું ‘આલોચના કરતા રહ્યા’ એ અનુવાદો ઓછેવત્તે અંશે અયથાર્થ કે અસુભગ છે. ‘બૌદ્ધિક પુરુષાર્થ’ ને ‘ક્રમશઃ’ માટે મૂળમાં કોઈ શબ્દો નથી, ‘છતાં આમ બન્યું છે’માં વ્યક્ત થતો વિરોધ મૂળમાં એવો પ્રગટ હોવાનો મને ભાસ થતો નથી. મારે અનુવાદ કરવાનો હોય તો હું કંઈક આવો કરું : “આમ છતાં એમનાં આરંભનાં લખાણો બતાવે છે કે એમના બૌદ્ધિક વિકાસનાં વલણો સમાન થતાં જતાં હતાં; અને ૧૮૪૪ના સપ્ટેમ્બરથી એમના જીવનભરના ગાઢ સહકાર્યનો આરંભ થયો ત્યારથી તો એમનાં સૌંદર્યશાસ્ત્રીય દૃષ્ટિબિંદુઓ પરસ્પર અંતર્ગત થવા લાગ્યાં. બન્નેની પ્રકૃતિ એકબીજાથી જુદી હતી ને બન્નેના રસવિષયો પોતાના આગવા હતા એ હકીકત નોંધવા છતાં આપણે નિશ્ચયપૂર્વક કહી શકીએ કે એમના મહત્ત્વના સૌંદર્યશાસ્ત્રીય વિચારો એકરૂપ બની જતા હતા, એમના અભિગમ સમાન હતા.” સુરેશભાઈએ મૉરવ્સ્કીના લેખનો આ જરા મુક્ત અનુવાદ કંઈક ઉતાવળે કર્યો હોવાનો સંભવ છે. મૂળની વિચારશ્રેણી ઘણે સ્થાને યથાતથ ઝીલી શકાઈ નથી અને કેટલેક ઠેકાણે વાક્યો પણ દૂષિત રહી ગયાં છે. અનુવાદ કર્યા પછી લેખ ફરીથી જોઈ જવાનું પણ એમનાથી કદાચ બની શક્યું નથી. દશ-બાર લીટીનું લખાણ તો સામાન્ય શાબ્દિક ફેરફારો સાથે બેવડાયેલું જોવા મળે છે. પૃ. ૧૭૮ પં. ૬થી પં. ૧૯ સુધીની “માર્ક્સની દૃષ્ટિએ.. થોડો અણસાર મળે છે” એ વાત તરત જ એ જ પૃષ્ઠની પં. ૧૯થી પૃ. ૧૭૯ પં. ૬ સુધીમાં “રસકીય અને... કરી છે ખરી” એ વાક્યોમાં ફરીને કહેવાયેલી છે. કેટલાક ‘કેવળ લેખકો’ હોય છે, તેઓ પોતાનું લખેલું પણ વાંચતા નથી હોતા ને એની કબૂલાત પણ કરતા હોય છે, પણ સુરેશભાઈ એમાંના નથી એ હું જાણું છું. એ આપણા મૂર્ધન્ય વાચક અને વિચારક છે, એમની પાસેથી ઘણી વધારે અપેક્ષા છે માટે જ આટલું લખવું પ્રાપ્ત થાય છે. સુરેશભાઈ હવે થાક્યા તો નથી ને? આ પુસ્તકની જે કંઈ મુશ્કેલીઓ મને વરતાઈ છે તેમાં છાપભૂલોનો ગણનાપાત્ર ફાળો હોવાની શક્યતા છે એ મારે ફરીને કહેવું જોઈએ. ખરેખર તો આટલી છાપભૂલોવાળા પુસ્તકને ચલાવી જ ન શકાય. પણ આપણે ત્યાં એવાં ધોરણો ક્યાં સ્થાપિત થયાં છે? બીજી બાજુથી આપણે ત્યાં નવી વસ્તુ પર ઘેલા બનીને તૂટી પડનારા લોકોની અછત નથી. એમને કહેવું જોઈએ કે આ સમગ્ર સંપાદનમાં કેટલીક ખરેખરી ઉપયોગિતા છે તેમ કેટલીક ખરેખરી અગવડો પણ છે. વાંચનારે પોતાની સૂઝસમજ વાપરીને ને વિવેકપૂર્વક એને કામમાં લેવું જોઈએ. ગ્રંથમાં ચર્ચા ખમે એવા સાહિત્યવિચારવિષયક ઘણા મુદ્દાઓ પડેલા છે. એ ચર્ચા જુદા જ લેખ કે લેખોનો વિષય બને. આવા અવલોકનમાં એને ન્યાય કરવો મુશ્કેલ છે.

[‘ગ્રંથ’, ડિસેમ્બર ૧૯૮૫]
[‘વાંકદેખાં વિવેચનો’]

*