મુકામ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 10:31, 24 June 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

‘મુકામ’ વિશે

ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ મહામાત્ર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીનો સાહિત્યમાં પ્રવેશ કવિ તરીકે થયેલો. ‘ગદ્યપર્વ’ નિમિત્તે ભરત નાયકે ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષી પછી નવોન્મેષ આણવાનો જે પ્રયાસ કરેલો એમાંથી આધુનિકોત્તર એક સક્ષમ વાર્તાકારોની પેઢી પ્રાપ્ત થઈ. એ ગાળામાં ‘જાળિયું’(૧૯૯૪) જેવો મહત્ત્વનો સંગ્રહ હર્ષદ ત્રિવેદીએ આપ્યો હતો. જેમાંની વાર્તાઓએ ભાવકો અને અભ્યાસીઓ બેઉને આકર્ષ્યા હતા. ‘જાળિયું’ પછી ઘણે મોડે ‘મુકામ’(૨૦૨૦) વાર્તાસંગ્રહ લઈને હર્ષદ ત્રિવેદી આવ્યા. નવા સંગ્રહનું કથાવિશ્વ પહેલા સંગ્રહથી સર્વથા અળગું હોઈને એમણે પુનરાવર્તન ટાળ્યું છે. ‘મુકામ’ વર્તાકારનો નવો મુકામ છે. ‘અભિસાર’ વાર્તા દંપતી અવરને ફેન્ટસીમાં કલ્પીને પ્રચુર શરીરસુખ માણી યાંત્રિકતા તોડવાનો પ્રયાસ કરે છે. કથકની તત્સમ અને તળપદાં શબ્દોની સાંકેતિક રજૂઆત વાર્તાને મુખર બનવા દેતી નથી. આ સંગ્રહમાં ઑફીસ-સંસ્કૃતિની વાર્તાઓ પણ છે. ‘ઉત્સવ’ વાર્તા એનો નમૂનો છે. બીજું ઘટક ‘મુકામ’ની પ્રત્યેક વાર્તામાં ‘જેન્તી-હંસા-સિમ્ફની’ની જેમ દંપતી છે. ‘મુકામ’ની વાર્તાઓમાં ઝાલાવાડી વ્યંગ-હાસ્ય-કટાક્ષનો કાકુ તંતુની વણાયેલો છે, સ્પર્શી જાય એવાં રેખાચિત્ર સમા પાત્રોય આ વાર્તાઓની વિશેષતા છે. ગઢીમા, મોડાભાઈ આવા પાત્રો છે. ‘તૈમુરનો માળો’ સંગ્રહની સરસ વાર્તા છે. નાયકની દાદા થવાની એષણા હોલા-હોલી દ્વારા એવી સંતોષાય છે કે વિષાદ ખરી પડે છે. વાર્તાક્ષણનો અભાવ કેટલીક વાર્તામાં ખટકે છે. ટૂંકમાં, માત્ર બે સંગ્રહો જ હોવા છતાં હર્ષદ ત્રિવેદી સ્મરણીય વાર્તાકાર બની રહેવાના.

—ભરત મહેતા