ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યહેતુ

From Ekatra Wiki
Revision as of 03:32, 1 September 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કાવ્યહેતુ[1]

‘કાવ્ય એટલે શું?’ — એટલું જાણવા-માત્રથી કોઈ કાવ્યસર્જન કરી શકતું નથી. કાવ્યસર્જન તો કોઈ વિશિષ્ટ શક્તિ માગે છે, માત્ર કાવ્યતત્ત્વની સમજ નહિ. કાવ્યસર્જનમાં કારણભૂત તત્ત્વો કે પરિબળો કયાં તેનો તાત્ત્વિક વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કર્યો છે અને ગૌણ દૃષ્ટિભેદો બાદ કરતાં તેમની વિચારણામાં એકંદરે એકરૂપતા છે એ નોંધપાત્ર છે.

મમ્મટ જ્યારે

शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याधवेक्षणात् ।
काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।।

એમ કહીને શક્તિ એટલે કે પ્રતિભા, નિપુણતા એટલે કે પાંડિત્ય કે જ્ઞાનાનુભવ અને અભ્યાસ એટલે કે સતત પ્રવૃત્તિ - એ ત્રણને કાવ્યસર્જક બળો ગણાવે છે, ત્યારે એ પોતાની પૂર્વપરંપરાને જ અનુસરી રહેલ છે, અને મમ્મટની પછી પણ એ જ પરંપરાનું અનુસરણ થાય છે. દંડી૧[2], રુદ્રટ૨[3], વાગ્ભટ(‘વાગ્ભટાલંકાર’ના કર્તા)૩[4], વાગ્ભટ (‘કાવ્યાનુશાસન’ના કર્તા)૪[5], હેમચંદ્રાચાર્ય૫[6] આદિ એક યા બીજી રીતે પ્રતિભા, વ્યુત્પત્તિ કે જ્ઞાન અને અભ્યાસ કે અભિયોગને કાવ્યસર્જનમાં ઉપકારક તત્ત્વો ગણે છે. વામન જેવા કોઈ વૃદ્ધસેવા કે અવેક્ષણ જેવાં તત્ત્વોનો જુદો ઉલ્લેખ કરે છે, જે મમ્મટના ‘काव्यज्ञशिक्षयाभ्यास’માં અંતર્હિત છે જ. રાજશેખર જેવા સ્વાસ્થ્ય, ભક્તિ, સ્મૃતિ, વગેરેને કવિત્વની માતાઓ તરીકે ગણાવે છે. આમ, એક બાજુથી કાવ્યસર્જક બળોનીસંખ્યા વધતી જાય છે, ત્યારે બીજી બાજુથી ભામહ૧[7] અને જગન્નાથ૨[8] જેવા સીધી રીતે તો કેવળ પ્રતિભાને જ કાવ્યનું સર્જક તત્ત્વ માને છે. પણ ભામહ[9] શબ્દાર્થનું જ્ઞાન મેળવીને, વિદ્વાનોની ઉપાસના કરીને અને બીજાઓની કાવ્યરચનાઓ જોઈને કાવ્યક્રિયાનો આરંભ કરવાનું કહે છે; જ્યારે જગન્નાથ, સામાન્ય રીતે, કાવ્યસર્જન ન કરી શકતા માણસમાં વ્યુત્પત્તિ અને અભ્યાસથી સજ્જ થતાં પ્રતિભા જન્મતી જોવામાં આવે છે. એમ સ્વીકારે છે.૪[10] એટલે કાવ્યસર્જનમાં સીધી રીતે નહિ, પણ સુપ્ત પ્રતિભા જાગી ઊઠે એટલા પૂરતાં તેઓ વ્યુત્પત્તિ, અભ્યાસ આદિ તત્ત્વોને ઉપકારક ગણે છે. આ વિવરણ ઉપરથી સમજાશે કે કાવ્યસર્જક પરિબળો તરીકે મુખ્ય્તવે શક્તિ કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવે છે. કાવ્યસર્જનમાં આ તત્ત્વોના મહત્ત્વ અંગે ચર્ચા કરતાં પહેલાં એ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ સમજી લઈએ. આ પ્રકારની પ્રતિભાને સહજા નહિ, ઉત્પાદ્યા કહી શકાય. રુદ્રટ અને હેમચંદ્રાચાર્ય પણ આવી ઉત્પાદ્યા પ્રતિભા સ્વીકારે છે.

૧. શક્તિ :

પ્રતિભાને મમ્મટ જન્માન્તરથી પ્રાપ્ત થયેલો કોઈ વિશિષ્ટ સંસ્કાર કહે છે, એટલે કે એ જન્મગત છે, મેળવી મેળવાતી નથી. મમ્મટે પ્રતિભાના સ્વરૂપ કે કાર્યનું વિવરણ કર્યું નથી, પણ બીજા કેટલાક આલંકારિકો પ્રતિભાતત્ત્વને સમજાવવા પ્રયત્ન કરે છે. એમાં કાવ્યના સર્વ અંગસૌન્દર્યના જનક તરીકે પ્રતિભાને ગણાવવાનું વલણ દેખાય છે. ‘કાવ્યરચનાને અનુકૂળ શબ્દ અને અર્થની ઉપસ્થિતિ તે પ્રતિભા’૧[11] એ જગન્નાથની તેમજ ‘પ્રતિભા પ્રસન્ન પદ અને નવીન અર્થયુક્તિનું ઉદ્બોધન કરે છે’૨[12] એ વાગ્ભટ્ટની પ્રતિભાની વ્યાખ્યામાં કાવ્યનાં બે મુખ્ય પાસાં — શબ્દ અને અર્થ—ને આવરી લેવામાં આવ્યાં છે. વિદ્યાધર ‘જેનાથી શબ્દ, અર્થ અને તેના ગુણ તથા અલંકાર સૂઝે તે પ્રતિભા’૩[13] એવી વ્યાખ્યા આપી, કાવ્યના અન્ય પરંપરાગત ઘટકોનો પણ ઉલ્લેખ કરી લે છે. પ્રતિભાનું સ્વરૂપવિવરણ વધારે ઊંડાણથી અને માર્મિકતાથી કરે છે તે તો ભટ્ટ તૌત અને એના શિષ્ય આચાર્ય અભિનવગુપ્ત. તેઓ પ્રતિભાને પ્રજ્ઞા તરીકે ઓળખાવે છે અને નવા નવા ઉન્મેષો (દર્શન અને વર્ણનના) સિદ્ધ કરવા — અપૂર્વ વસ્તુનું નિર્માણ કરવું કે વર્ણનીય વસ્તુવિષયને કોઈ નવીન સ્વરૂપે પ્રગટ કરવો — તેને એ પ્રજ્ઞાનું લક્ષણ ગણાવે છે.૪[14] પ્રજ્ઞા એ મનની અંતર્મુખ એકાગ્ર દશા—સમાહિત સ્થિતિમાં ઊઘડતી, સૂક્ષ્મ અને અતીન્દ્રિય વિષયોનો સાક્ષાત્કાર કરી શકતી, સહજ વિશદ બુદ્ધિશક્તિ છે. એથી પ્રતિભાને પ્રજ્ઞા તરીકે ઓળખાવવાથી જગતના પદાર્થોના કોઈક અનન્ય રહસ્યનો સાક્ષાત્કાર કરતી અને એને રૂપબદ્ધ કરતી કવિશક્તિનો એક સાચો ખ્યાલ ઊભો થાય છે અને પ્રતિભા અંગ્રેજી શબ્દ ‘imagination’ના પર્યાયરૂપ બની જાય છે. ત્રણે કાળના ભાવો – પદાર્થોનો સાક્ષાત્કાર કરનાર કવિપ્રતિભાને મહિમ ભટ્ટ ભગવાન શંકરના ત્રીજા લોચન સાથે સરખાવે છે ત્યારે પણ પ્રતિભાનું આ સ્વરૂપ પ્રગટ થાય છે.૫[15]

૨. નિપુણતા :

સ્થાવરજંગમ લોકવ્યવહાર, છંદ, વ્યાકરણ આદિ શાસ્ત્રો, મહાકાવ્યો અને ઇતિહાસ આદિના પરિશીલનના પરિણામે આવતું પાંડિત્ય પણ કાવ્યસર્જનમાં ઉપકારક છે. આમ, નિપુણતા – વ્યુત્પત્તિ – એટલે જીવનનો વ્યાપક અનુભવ અને શાસ્ત્રો અને કાવ્યોનું જ્ઞાન. મમ્મટ આદિ કાવ્યશાસ્ત્રીઓ છંદ, વ્યાકરણ, કોશ, કલા આદિ શાસ્ત્રોના જ નહિ, પણ ચાર પુરુષાર્થો અંગેનાં શાસ્ત્રોના અને હાથી, ઘોડા, શસ્ત્ર વગેરેનાં લક્ષણો વર્ણવતાં શાસ્ત્રોના જ્ઞાનને પણ કવિને માટે આવશ્યક ગણે છે. અલબત્ત, આ સૂચિને જડપણે વળગી રહેવાની ભાગ્યે જ જરૂર હોય. દેશકાલાદિ અનુસાર એનો અર્થ ઘટાવી શકાય. ભારતીય કાવ્યશાસ્ત્રીઓ કાવ્યમાં ઇતિહાસ, પુરાણ વગેરેનો પણ સમાવેશ કરે છે. તેમનો વ્યુત્પત્તિનો આદર્શ આ રીતે ખૂબ ઊંચો છે.

૩. અભ્યાસ :

કાવ્યરીતિના જાણકાર કવિ અથવા શાસ્ત્રકારની પાસે કેળવણી લઈ સતત કાવ્યપ્રવૃત્તિ કરવી એ કાવ્યસર્જનમાં ત્રીજું કારણરૂપ તત્ત્વ છે. ગુરુગમને બધી જ વિદ્યાઓમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી કવિને માટે પણ ગુરુની આવશ્યકતા જોવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. વળી, સંગીતકારને ‘રિયાઝ’ની અને નૃત્યકારને પણ સતત મહાવરાની જરૂર હોય, તો કવિને કેમ નહિ? જોકે કવિનું સર્જન પ્રેરણા —જે ક્યારે આવશે તે કહેવાય નહિ – પર આધારિત છે, એટલે એને સતત કાવ્યપ્રવૃત્તિ કરવાનું કહેવું એ સ્થૂળ અર્થમાં બરોબર ન કહેવાય. પણ પ્રેરણાની ક્ષણોને વ્યર્થ જવા દીધા વિના એ લખે, મઠારે, ફરી લખે એવો ક્રમ એને માટે આવશ્યક ગણી શકાય ખરો. મમ્મટ જણાવે છે કે આ ત્રણે ભિન્ન ભિન્ન હેતુઓ છે એમ નહિ, પણ ત્રણે મળીને એક જ હેતુ બને છે; છતાં પ્રતિભાને એ ‘કવિત્વબીજરૂપ’ ગણાવે છે અને કહે છે : ‘यां विना काव्यं न प्रसरेत् प्रसृतं वा उपहसनीयं स्यात् ।’ આનો અર્થ એ થયો કે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ વચ્ચે મમ્મટ તારતમ્ય કરે છે અને નિપુણતા તથા અભ્યાસને એ પ્રતિભા જેટલાં અનિવાર્ય નથી ગણતા. કાવ્યના નિર્માણ અને સમુલ્લાસમાં આ ત્રણે મળીને એક હેતુ થાય છે એમ મમ્મટે કહેલ છે.૧[16] તેથી પ્રો. ગજેન્દ્રગડકર તો એમ ફલિત કરે છે કે કાવ્યના નિર્માણમાં તો એકલી પ્રતિભા ચાલે, પણ એના સમુલ્લાસમાં, એટલે કે ઉચ્ચ કાવ્યના સર્જનમાં વ્યુત્પત્તિ અને અભ્યાસ મહત્ત્વનાં ખરાં. ‘કાવ્યાનુશાસન’કાર વાગ્ભટ અને હેમચંદ્રાચાર્ય કેવળ પ્રતિભાને જ કાવ્યહેતુ ગણે છે અને વ્યુત્પત્તિ તથા અભ્યાસને પ્રતિભાનાં સંસ્કાર ગણે છે; ‘વાગ્ભટાલંકાર’ના કર્તા વાગ્ભટ વ્યુત્પત્તિને विभूषण અને અભ્યાસને भृशोत्पतिकृत કહે છે; એ બધે પ્રો. ગજેન્દ્રગડકરે મમ્મટમાંથી ઘટાવ્યું છે તેવું વલણ જોવા મળે છે. ઉચ્ચ કાવ્યમાં વ્યુત્પત્તિ અને અભ્યાસનું સંસ્કારક તરીકે ઓછું મહત્ત્વ નથી જ. કાવ્ય વિશેની સાચી સમજ (ગુરુ પાસેથી પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલી કે ગ્રંથો દ્વારા કેળવાયેલી) અને પૂરતા ઉદ્યોગ વિના ઘણી કવિત્વશક્તિ વેડફાઈ જવાનો સંભવ છે. જીવનનો અનુભવ, ભિન્ન ભિન્ન વિદ્યાઓનું જ્ઞાન અને કાવ્ય-ઇતિહાસ વગેરેનું પરિશીલન કવિને બે રીતે ફળે છે : એક તો એ કે એ કવિતાના અવતરણ માટે યોગ્ય ભૂમિકા બની રહે છે,૧[17] અને બીજું, કવિના નિરૂપણમાં એ ઔચિત્ય અને સચ્ચાઈ લાવે છે. એ વાત સાચી છે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે૨[18] અને તાજમહાલ જોયા વિના પણ કવિ એનું વર્ણન કરી શકે, પણ સામે પક્ષે બીજી વાત પણ સાચી છે કે પ્રતિભા અને અનુભવનો જ્યારે સુમેળ સધાય છે, ત્યારે કાવ્ય સમુલ્લાસ સાધે છે. જગતનાં મહાકાવ્યો એકલી પ્રતિભાથી લખાયાં હશે એમ માનવું ઉચિત નથી લાગતું. વ્યુત્પત્તિ અને અભ્યાસ જેવાં તત્ત્વોની આવશ્યકતા ભારતીય કાવ્યશાસ્ત્રે જ બતાવી છે અને પાશ્ચાત્યો કેવળ પ્રતિભાવાદી છે એવું નથી. બેન જોનસન નૈસર્ગિક શક્તિ ઉપરાંત ઉદ્યોગ, સાહિયસ્વામીઓનું અનુકરણ, અધ્યનની ચોકસાઈ અને વાચનની વિપુલતાને પણ કવિ માટે આવશ્યક ગણાવે છે. વર્ડ્ઝવર્થ, કોલરિજ, ગટે, વગેરે એક જાતની વિચારસાધના કવિએ કરવાની હોય છે એવું દર્શાવે છે અને છેક આધુનિક સમયમાં વોલ્ટર પેટર જેવા કહે છે : ‘The literary artist is of necessity a scholar.’ અને કવિતાસામાન્ય માટે પણ વ્યુત્પત્તિ, અભ્યાસ જેવાં તત્ત્વોનો સદંતર ઈન્કાર કરવો એ ઈષ્ટ છે ખરું? કવિની પ્રતિભા સાથે આ જગતમાં એના જન્મથી જ અનુભવ તો વણાયેલો હોય છે; એને જુદો કેમ કરી શકાય? કવિનું જે માધ્યમ-ભાષા-છે, તેની શક્તિનું ભાન એ જન્મથી જ મેળવીને આવે છે એમ કહી શકાય એમ નથી. ભાષાનો પરિચય એને થોડોઘણો તો લોકવ્યવહારમાંથી જ થાય છે. પછી ભલે એ પોતાના પ્રતિભાબળે એનો પૂરો કસ કાઢે. ખરી વાત તો એ છે કે કવિતાસામાન્ય અને ઉચ્ચ કવિતા વચ્ચે વ્યુત્પત્તિ, અભ્યાસ વગેરેની આવશ્યકતામાં જો ભેદ હોય, તો તે પ્રમાણનો હોય. મહાન કવિતામાં જીવનનો અત્યંત વિશાળ અનુભવ અને દીર્ઘ અભ્યાસ જોઈએ એનો અર્થ એવો નથી કે કવિતાસામાન્યમાં એની મુદ્દલ જરૂર નથી. જયદેવ નામના આલંકારિક આ ત્રણે કાવ્યસર્જક પરિબળોનો સંબંધ અત્યંત સુંદર રીતે સ્પષ્ટ કરી બતાવે છે :

प्रतिभैव श्रुताभ्याससहिता कवितां प्रति ।
हेतुमृदभ्बुसंबद्घबीजव्यक्तिर्लतामिव ।।

લતા બીજનો જ વિસ્તાર છે, પણ એ બીજને થોડી માટી અને થોડા પાણીની જરૂર તો રહે જ છે; અને જો વધુ સારી અને વિપુલ પાણી મળે, તો એ લતા ફાલીફૂલી ઊઠે. કવિતાના મૂળમાં પણ આ જ રીતે જ્ઞાન અને અભ્યાસનો ઓછોવત્તો સહકાર પામેલી પ્રતિભા હોય છે.


  1. ૧. સામાન્ય રીતે ‘હેતુ’ એટલે ઉદ્દેશ કે પ્રયોજન એવો અર્થ કરવામાં આવે છે. પણ સંસ્કૃતમાં ‘હેતુ’નો મુખ્ય અર્થ ‘કારણ’ કે ‘સાધન’ છે. આથી અહીં ‘કાવ્યહેતુ’ એટલે કાવ્યસર્જનમાં પ્રયોજનો નહિ, પણ કાવ્યસર્જનમાં કારણભૂત પરિબળો એમ સમજવાનું છે.
  2. ૧. नैसर्गिकी च प्रतिभा श्रुतं च बहुनिर्मलम् ।
    अमन्दश्वाभियोगोऽस्याः कारणं काव्यसंपदः ।।
  3. ૨. तस्यासारनिरासात्सारग्रहणाच्च चारुणः करणे ।
    त्रितयमिदं व्याप्रियते शक्तिर्व्युत्पत्तिरभ्यासः ।।
  4. ૩. प्रतिभा कारणं तस्य व्युत्पत्तिस्तु विभूषणम् ।
    भूशोत्पत्तिकृदभ्यास इत्याधकविसंकथा ।।
  5. ૪. प्रतिभैव कवीनां काव्यकरणकारण् । व्युत्पत्त्यभ्यासौ
    तस्या एव संस्कारकारकौ ... ।
  6. ૫. प्रतिभा अस्य हेतुः । ... व्युत्पत्त्यभ्यासाभ्यां संस्कार्या ।
  7. ૧. गुरुपदेशादध्येतुं शास्त्रं जडधियोऽप्यलम् ।
    काव्यं तु जायते जातु कस्यचित्प्रतिभावतः ।।
  8. ૨. तस्य कारणं च कविगता केवला प्रतिभा ।
  9. ૩. शब्दाभिधेये विज्ञाय कृत्वा तद्विदुपासनम् ।
    विलोक्यान्यनिबन्धांश्च कार्यः काव्यक्रियादरः ।।
  10. ૪. कियन्तं चित्कालं काव्यं कर्तु मशक्नुवतः कथमपि संजा-
    तयोर्व्युत्पत्त्यभ्यासयोः प्रतिभायाः प्रादुर्भावस्य दर्शनात् ।
  11. ૧. सा च काव्यघटनानुकूलशब्दार्थोपस्थितिः ।
  12. ૨. प्रसन्नपदनव्यार्थयुक्त्युद्बोधविधायिनी ।
  13. ૩. शब्दार्थगुणालङ्काराः प्रतिभान्ति अनया इति प्रतिभा ।
  14. ૪. જુઓ ભટ્ટ તૌત: प्रज्ञा नवनवोन्मेषशालिनी प्रतिभा मता । તથા અભિનવગુપ્ત : प्रतिभा अपूर्ववस्तुनिर्माणक्षमा प्रज्ञा । અને शक्तिः प्रतिमानं वर्णनीयवस्तुविषयनूतनोल्लेखशालित्वम् ।
  15. ૫. सा हि चक्षुर्भगवतस्तृतीयमिति गीयते ।
    येन साक्षात्करोत्येष भावांस्त्रैकाल्यवर्तितनः ।।
  16. ૧.. त्रय़ः समुदिताः, न तु व्यस्ताः, तस्य काव्यस्योद्भवे निर्माणे समुल्लासे च हेतुः, न हेतवः ।
  17. ૧. ભામહ અને જગન્નાથનાં આગળ ઉલ્લેખેલાં મંતવ્યોમાં આને મળતું વલણ જોવા મળે છે.
  18. ૨. જુઓ પૃ.૧૩૭