ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧) શબ્દસંકેત

From Ekatra Wiki
Revision as of 08:29, 1 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ

(૧) શબ્દસંકેત : (પૃ.૧૫) :

અમુક શબ્દમાંથી અમુક અર્થ લેવો એ આપણે નક્કી કરેલું છે; પણ જગતમાં આપણા વ્યવહારમાં અર્થ કે પદાર્થોનું સ્વરૂપ સાદુંસીધું નહિ, પણ અત્યંત સંકુલ હોય છે. દરેક પદાર્થને ભિન્નભિન્ન ધર્મો, લક્ષણો ને અંશો છે. જેમ દરેક ઘોડાને વિશિષ્ટ રંગ હોય છે. અંગોનો વિશિષ્ટ મરોડ હોય છે, ચાલવાની વિશિષ્ટ છટા હોય છે, તેમ બધા ઘોડાઓમાં સામાન્યપણે અને અવિનાભાવે કેટલાક જાતિધર્મો પણ રહેલા હોય છે. તો ‘ઘોડો’ શબ્દ બોલતાં આપણને એમાંથી શાનો બોધ થાય છે? એટલે કે ‘ઘોડો’ શબ્દના અર્થનો સંકેત એ પ્રાણીનાં કયાં લક્ષણોને—ગુણોને અનુલક્ષીને છે? શબ્દના સંકેત અંગેનો આ જાતનો પ્રશ્ન ભારતીય દાર્શનિકોએ વિચાર્યો છે અને તે વિષે તેઓમાં ઠીક ઠીક મતાંતર જોવા મળે છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ આવા પાંચેક મતનો ઉલ્લેખ કરે છે અને એમાંથી બેત્રણનું વિવરણ કરે છે.

૧. કેવલવ્યક્તિવાદ :

આ મત પ્રમાણે કંઈ પણ અર્થ અગર હેતુસાધક ક્રિયા કરનાર તો વ્યક્તિ છે. અને આપણો સઘળો વ્યવહાર પણ વ્યક્તિ સાથે જ હોય છે. એટલે કોઈ પણ શબ્દમાંથી આપણને વ્યક્તિનો બોધ થાય છે એમ માનવું ઈષ્ટ છે. ‘ગાય’ શબ્દ બોલતાં આપણને ગાય વ્યક્તિનો બોધ થાય છે અને ‘ધોળું’ શબ્દ બોલતાં ધોળા પદાર્થને બોધ થાય છે, કારણ કે ‘ધોળાશ’નો આપણો ખ્યાલ કોઈ ધોળા પદાર્થને અનુલક્ષીને જ હોય છે. વ્યવહારની દૃષ્ટિએ આ મત સાચો લાગે છે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ એમાં ત્રણ દોષ છે. જ્યારે આપણે એમ કહીએ કે શબ્દનો સંકેત વ્યક્તિમાં રહેલો છે, ત્યારે તે બે પ્રકારે સંભવિત છે. કાં તો એ શબ્દ દ્વારા સૂચવાતી જગતની બધી જ વ્યક્તિઓનો આપણને બોધ થતો હોય અથવા તો આપણે જોયેલી-જાણેલી પાંચદશ વ્યક્તિઓનો કે કોઈ એક જ વ્યક્તિનો બોધ થતો હોય. જો આપણે એમ માનીએ કે ‘ગાય’ શબ્દ બોલતાં આપણને જગતની બધી ગાયોનો બોધ થાય છે, તો આપણને થયેલો બોધ સંપૂર્ણ અને સાચો તો ગણાય, પણ એ અશક્ય છે. જગતની અનંત ગાયોનો બોધ આપણને કેવી રીતે થાય? આમ, આ વિચારસરણીમાં ‘આનન્ત્ય’નો દોષ રહેલો છે. આપણે એમ માનીએ કે ‘ગાય’ શબ્દ બોલતાં આપણને આપણે જોયેલી-જાણેલી પાંચદશ ગાયો કે કોઈ એક જ ગાયનો બોધ થાય છે, તો તે શક્ય છે, પણ એથી આપણું જ્ઞાન અધૂરું કે અર્ધસત્ય હોવાનો સંભવ રહે છે. દા.ત. આપણે જે પાંચદશ ગાયોમાં ‘ગાય’ શબ્દનો સંકેત માન્યો હોય તેમાં કોઈ ગાય રાતી ન હોય, તો પછી જ્યારે આપણને રાતી ગાય જોવા મળે ત્યારે તેને ‘ગાય’ કેમ કહી શકાય? અને જો કહીએ તો ‘શબ્દમાંથી એના નિશ્ચિત થયેલા અર્થનો જ બોધ થવો જોઈએ’ (संकेतितस्य एव शब्दबोधः) એ નિયમનું ઉલ્લંઘન થાય. જેમાં આપણે શબ્દનો સંકેત માનેલો છે, તે સિવાયના પદાર્થ માટે શબ્દનો પ્રયોગ ન જ થાય. આ દોષને ‘વ્યભિચાર’ (એટલે કે નિયમનું ઉલ્લંઘન) કહે છે. વ્યક્તિમાં શબ્દનો સંકેત માનવામાં એક ત્રીજો દોષ પણ છે. ભાષાના જુદા જુદા શબ્દો પદાર્થોનાં ભિન્ન ભિન્ન લક્ષણો કે ગુણો દર્શાવે છે. આથી વૈયાકરણો ચાર પ્રકારની ‘ઉપાધિ’ ગણાવે છે. (૧) કોઈ પણ વ્યક્તિને આપણે વિશેષ નામ આપીએ, જેમ કે દેવદત્ત. તે આપણી ઈચ્છાથી આરોપેલી ‘ઉપાધિ’ છે, જેને આપણે ‘સંજ્ઞા’ કહીએ છીએ. (૨) કેટલાક ધર્મો વસ્તુ સાથે સ્વાભાવિકપણે સંકળાયેલા હોય છે. એ સિદ્ધિ થઈ ચૂકેલા હોય અથવા સાધ્ય અવસ્થામાં હોય. દા.ત. ‘ચાલવું’માં પૂર્વાપર અવયવો છે, એટલે એ સાધ્ય વસ્તુધર્મ કહેવાય. એને આપણે ‘ક્રિયા’ તરીકે ઓળખીએ છીએ. (૩) સિદ્ધ વસ્તુધર્મમાંથી કેટલાક ધર્મ એવા હોય છે કે જે સિદ્ધ થઈ ચૂકેલા હોવા છતાં પદાર્થ કે વ્યક્તિના અસ્તિત્વ માટે આવશ્યક નથી હોતા, જેમ કે ગાયનો ધોળો રંગ. આને આપણે ‘ગુણ’ કહીએ છીએ. (૪) કેટલાક સિદ્ધ વસ્તુધર્મ એવા હોય છે કે જેના વગર એ પદાર્થનું અસ્તિત્વ જ ન સંભવે. એ પ્રાણપ્રદ સિદ્ધ વસ્તુધર્મ હોય છે, જેમ કે, ગાયનું ગોત્વ એટલે કે ગાયપણું. આને આપણે વર્ગલક્ષણ કે ‘જાતિ’ કહીએ છીએ. હવે જ્યારે આપણે શબ્દમાં વ્યક્તિનો સંકેત માનીએ, ત્યારે શબ્દની આ ભિન્ન ભિન્ન ઉપાધિઓનું જ્ઞાન થવાપણું રહેતું નથી. દા.ત. ‘ડિત્થ નામે ધોળો આખલો ચાલે છે’ એ વાક્યમાં ‘ડિત્થ’ શબ્દ વ્યક્તિનો એટલે કે આખલાનો બોધ કરાવે છે; ‘ધોળો’ શબ્દ પણ વ્યક્તિનો જ, ‘આખલો’ શબ્દ પણ વ્યક્તિનો જ અને ‘ચાલે છે’ એ શબ્દથી પણ એ જ વ્યક્તિનો બોધ થાય છે. આમ, વ્યક્તિમાં શબ્દનો સંકેત માનવાથી અહીં વિષયવિભાગની પ્રાપ્તિના અભાવ ‘વિષયવિભાગાપ્રાપ્તિ’નો દોષ આવે છે. આ દોષોને કારણે આ ‘કેવલવ્યક્તિવાદ’ સ્વીકારી શકાય તેમ નથી.

૨. ‘જાત્યાદિવાદ’

આ મત પ્રમાણે શબ્દનો સંકેત તેની ઉપાધિમાં, એટલે કે સંજ્ઞા વગેરે જે ભિન્ન ભિન્ન વિષયો છે તેમાં, રહેલો છે. ‘ગાય’ શબ્દ બોલતાં ‘ગોત્વ’ જાતિનો, ‘શુક્લ’ શબ્દ બોલતાં ‘શુક્લત્વ’ એ ગુણનો, ‘ચાલતો’ શબ્દ બોલતાં ચાલવાની ક્રિયાનો અને ‘ડિત્થ’ શબ્દ બોલતાં એ સંજ્ઞાના સ્ફોટરૂપનો૧[1] બોધ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઉપાધિઓનું સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહિ, એમનો આશ્રય તો વ્યક્તિમાં જ છે. વળી આપણો સઘળો વ્યવહાર વ્યક્તિ સાથે છે, તો આ મતની સાથે એનો મેળ કેમ બેસાડવો? આ મતમાં માનનારાઓ કહે છે કે શબ્દમાંથી સૌપ્રથમ આપણને એની જાતિ વગેરે ઉપાધિનો જ બોધ થાય છે, પણ પછી આક્ષેપ અગર અનુમાનથી આપણને વ્યક્તિનું જ્ઞાન થાય છે. જેમ કે ‘ધોળુ’ શબ્દ બોલતાં ‘ધોળાશ’ એ ગુણનો અને પછી અનુમાનથી ધોળી વ્યક્તિનો બોધ થાય છે. જાત્યાદિવાદીઓની આ વિચારણામાં એક મુદ્દો ચિંત્ય છે. સ્ફોટરૂપ તો બધા શબ્દોને હોય છે, તો તેમણે માત્ર સંજ્ઞાવાચક શબ્દોમાં જ સ્ફોટરૂપનો બોધ થાય છે એમ કેમ કહ્યું છે? આનો ખુલાસો એમ અપાય છે કે જાતિ, ગુણ અને ક્રિયાનું બળ રહેલું છે, જ્યારે સંજ્ઞા તો સ્વેચ્છાએ આરોપવામાં આવે છે; એટલે એના વાચકત્વ પાછળ એવું કોઈ બળ રહેલું નથી. તેનું સ્ફોટરૂપ દર્શાવવાથી તેનું વાચકત્વ નિત્ય સ્વરૂપ ધારણ કરે છે. પણ આ જાતનો ખુલાસો કોઈ રીતે સંતોષકારક નથી, કારણ કે સ્ફોટને ઉચ્ચારણ સાથે સંબંધ છે, અર્થ સાથે નહિ; અને એથી સ્ફોટનો સિદ્ધાંત માત્ર સંજ્ઞાવાચક શબ્દોને જ નહિ, પણ જાતિવાચક, ગુણવાચક અને ક્રિયાવાચક એ બધી જાતના શબ્દોને સરખી રીતે લાગુ પડે. ખરી વાત તો એ છે કે સંજ્ઞાવાચક શબ્દોમાં આપણને વ્યક્તિનો બોધ થાય છે, એમ માનવું જ વધારે ઉચિત છે; કારણ કે સંજ્ઞા કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને જ દર્શાવે છે.૧[2] એનાં કોઈ અંતર્ગત લક્ષણો સાથે એને સંબંધ નથી.

૩. ‘જાતિરેવવાદ’ :

‘જાત્યાદિવાદ’ અને ‘જાતિરેવવાદ’ વચ્ચે કદાચ નામકરણના ભેદ સિવાય કોઈ મહત્ત્વનો ભેદ નથી. જાત્યાદિવાદીઓ જાતિ વગેરે ચાર પ્રકારની ઉપાધિમાં શબ્દનો સંકેત માને છે, ત્યારે જાતિરેવવાદીઓ માત્ર જાતિમાં જ શબ્દનો સંકેત માને છે. જાતિ સિવાયની ત્રણ ઉપાધિઓ — ગુણ, ક્રિયા ને સંજ્ઞા — છે તેમાં પણ આ મતનું સમર્થન કરનારાઓ માત્ર જાતિનો સિદ્ધાંત જ જુએ છે. દા.ત. શંખ, દૂધ અને બરફ ત્રણે શુક્લ—સફેદ—છે, પણ તેમના રંગમાં ભેદ થાય છે. આનું કારણ શું? જાત્યાદિવાદીઓ એમ કહે છે કે કે શુક્લત્વ ગુણ તો એક જ છે, પણ આશ્રયભેદને કારણે એ ભિન્ન ભિન્ન દેખાય છે, — જેમ તેલ, તલવાર અને આયનામાં મોં જુદું જુદું દેખાય છે તેમ; ત્યારે જાતિરેવવાદીઓ એમ કહે છે કે એ ત્રણેના શુક્લ રંગ જુદા જુદા છે; એને આપણે ‘શુક્લ’ એવો એક જ નામથી ઓળખીએ છીએ તેનું કારણ તે બધામાં રહેલી ‘શુકલત્વ’ જાતિ છે, ગુણ નહિ. આ જ રીતે તેઓ લાડુ, ભાત, વગેરેની ભિન્ન ભિન્ન પાકક્રિયાઓમાં પણ ‘પાકત્વ’ જાતિ જુએ છે, ક્રિયા નહિ. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ બંને મત વચ્ચે ભેદમાત્ર નામનો છે. એક જાતિ, ગુણ, ક્રિયા, સંજ્ઞા એવા વિભાગો સ્વીકારે છે, બીજો બધે જાતિ જુએ છે. બંનેને જાતિ વગેરે ઉપાધિઓનો કે જાતિનો બોધ થાય છે એમ સ્વીકાર્યા પછી આક્ષેપ કે અનુમાનવ્યાપાર વડે પાછળથી વ્યક્તિનો બોધ થાય છે એમ માનવું પડે છે. પણ સંજ્ઞાવાચક શબ્દોમાં પણ જાતિનો સિદ્ધાંત જોવાનો જાતિરેવવાદીઓનો પ્રયત્ન લૂલો છે. જાતિનો સિદ્ધાંત એવો છે કે એ ‘એક’ પણ ‘અનેકાનુગત’ હોય. ‘ગોત્વ’ એક છે, પણ એ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં વસેલ છે. આ સિદ્ધાંત સંજ્ઞાવાચક શબ્દોમાં લાગુ પાડવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે સંજ્ઞા ધરાવનાર પ્રાણી ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, પણ સંજ્ઞા તો એની એ જ રહે છે. આખલો નાનામાંથી મોટો થાય છે, પણ કહેવાય તો છે ‘ડિત્થ’ જ. ‘ડિત્થ’ સંજ્ઞા એક છે અને આખલાનાં અનેક સ્વરૂપોમાં રહેલ છે, તેથી ‘ડિત્થત્વ’ જાતિ કલ્પી શકાય. પણ આ દલીલમાં એક પાયાનો દોષ છે. જે પદાર્થનું અસ્તિત્વ ક્ષણિક છે, જે ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, જેનું સ્વરૂપ અનિત્ય છે, તેનું સામાન્ય લક્ષણ ક્યાંથી પામી શકાય? આમ, જાતિનો સિદ્ધાંત સંજ્ઞાવાચક શબ્દોની બાબતમાં લાગુ પડે તેમ નથી. જાત્યાદિવાદની ચર્ચામાં કહ્યા પ્રમાણે સંજ્ઞાવાચક શબ્દોનો સંકેત તો વ્યક્તિમાં માનવો જ ઈષ્ટ લાગે છે.

૪. ‘જાતિવિશિષ્ટવ્યક્તિવાદ’ :

કેવલવ્યક્તિવાદમાં આનન્ત્યાદિ દોષો આવવાથી અને જાત્યાદિવાદ તથા જાતિરેવવાદમાં વ્યક્તિનો બોધ થવા માટે અનુમાનવ્યાપાર સ્વીકારવો પડતો હોવાથી કેટલાક લોકોએ એ બંને મતોનો સમન્વય કરવાનો વ્યવહારુ પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે શબ્દમાંથી જાતિથી વિશિષ્ટ બનેલ વ્યક્તિનો બોધ થાય છે. આમ માનવાથી શબ્દના વિષયનું સાચું જ્ઞાન થવા ઉપરાંત આ પ્રશ્નની વ્યાવહારિક બાજુ પણ સચવાય છે. ૫. ‘અપોહવાદ’ : બૌદ્ધો જગતના સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. જ્યાં પદાર્થો પળે પળે પરિવર્તન પામતા હોય, ત્યાં તેમનું નિરીક્ષણ ન થઈ શકે અને તેમના સ્વરૂપનું કોઈ ચોક્કસ જ્ઞાન ન થાય એ સ્વાભાવિક છે. આથી બૌદ્ધો એમ માને છે કે શબ્દમાંથી ‘તદિતરવ્યાવૃત્તિ’ એટલે કે શબ્દથી સૂચવાતો પદાર્થ બીજા પદાર્થોથી જુદો છે એટલું જ સૂચવાય છે. ‘ગાય’ શબ્દમાંથી આપણને ‘ગાય તે અ-ગાય નથી’ એટલો જ બોધ થાય છે. આ નિષેધાત્મક દૃષ્ટિ છે, પણ જગત ક્ષણિક હોય ત્યાં વિધેયાત્મક કશું કેવી રીતે કહી શકાય? આમ, શબ્દના સંકેત અંગે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. એમાં જાત્યાદિવાદ વધારે સ્થિર પાયા પર ઊભેલો હોય એમ લાગે છે. પરંતુ એમાં અનુમાનવ્યાપાર સ્વીકારવાથી શબ્દસંકેત સમજવાની પ્રક્રિયામાં પૌર્વાપર્ય આવે છે, જે શબ્દોના અર્થોનો આપણને સાક્ષાત્ બોધ થતો હોઈ ઉચિત નથી લાગતું. એ દૃષ્ટિએ જોતાં જાતિવિશિષ્ટવ્યક્તિવાદે સાધેલો સમન્વય આવકારપાત્ર છે. છતાં સંજ્ઞાવાચક શબ્દોની બાબતમાં તો વ્યક્તિનો જ બોધ થાય છે એમ માનવું ઈષ્ટ જણાય છે.


  1. ૧. સ્ફોટવાદ માટે જુઓ પરિશિષ્ટ (૯)
  2. ૧. પ્રો. સુકથંકર પણ સંજ્ઞાવાચક શબ્દોમાં વ્યક્તિનો બોધ થાય છે એમ માને છે.