કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/આવડે છે

From Ekatra Wiki
Revision as of 02:02, 19 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૩. આવડે છે

અમને કહ્યું નજરનું કરતાં ય આવડે છે,
જીવતાં ય આવડે છે, મરતાં ય આવડે છે.

મૃગ જેમ ફાળ લાંબી ભરતાં ય આવડે છે,
ઝરણાંની જેમ ધીરે સરતાં ય આવડે છે.

કે આવડે છે સ્થળ પર પર્વતની જેમ ટકતાં,
ને આ પવનની પેઠે ફરતાં ય આવડે છે.

ખીલી નથી જ જાણ્યું કેવળ અમે ખુશીમાં,
ખીલી અને ખુશીથી ખરતાં ય આવડે છે.

આંખોમાં ડૂબવું તો ડૂબી મર્યા અચાનક,
ને આમ જો જુઓ તો તરતાં ય આવડે છે.

અગ્નિ પિછોડી ઓઢી જાશું નિરાંતે પોઢી,
કે આવડે છે બળતાં ઠરતાં ય આવડે છે.

અવસર તો આવવા દો ‘ઘાયલ' તમે ય કહેશો,
અલગારીઓને આદર કરતાં ય આવડે છે.

માર્ચ, ૧૯૬૮(આઠોં જામ ખુમારી, પૃ. ૪૪૨)