સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/પ્રાંશુલભ્ય ફલ
(રા. મુનશીના ચોથા સંસદવ્યાખ્યાન ‘રસારવાદનો અધિકાર’ (જુઓ એમનું ‘આદિવચનો,’ પૃ. ૯૫-૧૩૩)ની અંદરનાં એક બે ભ્રામક વિધાનોનું નિરસન કરવા આ લેખ ‘કૌમુદી'ના મનનવિભાગમાં લખવામાં આવેલો. જેમને આની પહેલી કંડિકાની ભાષા કટુ કે કઠોર લાગે તેમને રા. મુનશીનું મૂળ વ્યાખ્યાન વાંચવાની અને તેમાંયે ખાસ કરીને વિવેચકોનાં એમાં જે ‘વિષકન્યા,’ ‘હુંડુશા' વગેરે ઉપહાસનામ એમણે પાડેલાં છે તેનું સ્મરણ કરવાની વિનંતિ છે. વસ્તુતઃ આખા લેખની શૈલી અમુક રીતે એમના એ વ્યાખ્યાનના પડઘા ને ઉત્તરરૂપ જ છે)
'ઉગતું સાહિત્ય'ના ભાષકનો અભિપ્રાય હવે ફરી ગયો છે. જે સૂઝે તે બેધડક લખી નાખવાની સલાહ આપનાર પુરુષ આજે હૃદયાદેશને અનુસરી વિવેચન કરનારથી ફફડી ઊઠ્યા છે. કારણ ખુલ્લું છે. હમણાં હમણાંનું વિવેચન જરા બંડખોર અને બેપરવા બનતું જાય છે. બંડ અને બેપરવાઈના એમના જેવા ઈજારદાર, આ બાબતોમાં બીજા કોઈ એમની સાથે જાણે ભાગ પડાવવા આવે એ કેમ સાંખી શકે? અને એથી યે મોટું દુઃખ તો આ છે કે એમની અસાધારણ બુદ્ધિ, નિઃસ્વાર્થ સેવાભાવના, તથા તેજસ્વી ઉદયસ્વપ્નાંઓ એ બધાનો વિચાર કર્યા વિના, એ કશાથી અંજાયા વિના સાચી વાત કહી દેનારાઓની સંખ્યા દહાડે દહાડે વધતી જાય છે. એકચકવે રાજ્ય કરવાના મહેચ્છુને એવી ઉદ્ધતાઈ કેવી રીતે પાલવે? એટલે સુકાન ફેરવવું જ જોઈએ અને એને ઊગતીજ ડામવી જોઈએ. આ ફેરફારમાં એક બીજી હકીકતનો પણ કદાચ હાથ હોય; બેચાર ઠેકડા મારી જયા છતાં કંઈ નહિ વળવાથી વિવેચનની દ્રાક્ષ કદાચ એમને ખાટી લાગી હોય. પણ જો એમ હોય તો તેમાં કોઈ શું કરે? વિવેચન તો પ્રાંશુલભ્ય ફૂલ છે. અનન્ય નિષ્ઠા, અવિરત ઉદ્યોગ, ખંતીલી શોધ, દીર્ધ ચિન્તન, અને નિર્મળ દૃષ્ટિ એ બધી સામગ્રીવાળો પૃથુપાણિ પુરુષ જ એને ગ્રહી શકે. ક્ષણિક ચાપલ્યથી રાચતા અને ત્વરિત વ્યાપ્તિથી કૂદતા અસ્થિર વામનોનું એમાં શું ગજું? પ્રવાહપતિત સાહિત્યકાર પ્રમાણિક હોય તોપણ તટસ્થ વિવેચક વિશે બોલવા બેસે ત્યારે એને હાથે થોડોઘણો અન્યાય થયા વિના તો જવલ્લે જ રહે છે. એમાં યે એના કથન પાછળ કોઈ ચોક્કસ બદદાનત હોય ત્યારે તો પછી પૂછવું જ શું? વિવેચન સામેના એકાદ બે કટુ આક્ષેપોનો પરિહાર અનિવાર્ય ન હોત તો જેની એવી દાનત સ્પષ્ટપણે વરતાઈ આવે છે એ ‘રસાસ્વાદનો અધિકાર' નામે સંસદવ્યાખ્યાનનો આંહીં ઉલ્લેખ પણ ન કરત. વિવેચકનું કાર્ય જ્યારે પોતાને અણગમતું રૂપ પકડે છે ત્યારે તેની પ્રતિષ્ઠા તોડવામાં સર્જનલક્ષી લેખકને સ્વાર્થ દેખાય છે. તેથી જેમ તેમ કરતાં તેનું મહત્ત્વ ઘટે એવાં નિમિત્તોને માટે એ ફાંફાં માર્યો કરે છે. વિવેચક સર્જક નથી એ આક્ષેપ સાવ ખોટો ન હોય તોપણ એ ઉપરથી વિવેચનની નિરર્થકતા સૂચિત કરવાનો જે ગર્ભિત આશય એમાં રહેલો છે તે તો જરૂર ખોટો જ છે. વિવેચક કાવ્યકાર કે વાર્તાકાર જેટલો સર્જક નથી એ ઘડીભર ધારી લઈએ તો પણ એ કારણે કંઈ એવા સર્જકોથી એ ઓછા ખપનો ઠરતો નથી. ખરી રીતે તો મેથ્યુ આર્નોલ્ડે વિગતવાર ચર્ચા કરીને બતાવ્યું છે.૧[1] તેમ વિવેચન-જીવનવિવેચન-વિના સર્વાંગસંપૂર્ણ ચિરંજીવ સર્જન સંભવતું જ નથી. કેમકે આવા સર્જનને માટે ઉત્તમ વિચારોથી પરિપ્લુત વાતાવરણની અપેક્ષા રહે છે, અને એવું વાતાવરણ જમાવવું એ સર્જકની નહિ પણ વિવેચકતી શક્તિનું કામ છે. જીવનના ક્ષેત્રેક્ષેત્રમાં ઘૂમી પૃથક્કરણવ્યાપાર દ્વારા સર્વ કચરો કાંકરી ચાળી નાખી સાફ કરેલો શ્રેષ્ઠ વિચારસામગ્રી વિવેચક જ્યારે રજૂ કરે છે, ત્યારે પછી સર્જક એનાથી મુગ્ધ બનીને એને ઉપાડી લે છે અને એમાંથી અપૂર્વ સૌન્દર્યયુક્ત અમર ઘાટ ઘડે છે. એટલે સર્જક જે દિવ્ય સૃષ્ટિ ખડી કરે છે તેના ઉપાદાનને માટે તો એ વિવેચકનો જ ઋણી હોય છે. અને એ જોતાં સાહિત્યસમૃદ્ધિમાં વિવેચનનો ફાળો કંઈ નાનોસૂનો ન ગણાય, આપણું વર્ણવ્યવસ્થાની પરિભાષામાં બોલીએ તો વિવેચક અને સર્જક: વચ્ચેના સબન્ધ અને સાહિત્યમાં એમનું સ્થાન બ્રાહ્મણ અને વૈશ્યનાં જેવાં છે. વૈશો ધાન્ય પેદા કરે છે અને ધન રળે છે છતાં એમને કેળવનાર અને દોરવનાર તો નિષ્કિંચન બ્રાહ્મણો હોય છે. એમના પાકને કેવી રીતે ઊચી કેટિનો બનાવે અને એમની કમાણીમાં કેમ વધારો કરવો એનું શિક્ષણ એ વધ્ય ગણાતા વિદ્વાનોને હાથે જ મળે છે. એટલે વિદ્વાન બ્રાહ્મણને ‘તું ખેડૂત-વૈશ્ય-નથી' એમ કહેવામાં જેવા અબુધવેડા. છે તેવા જ વિવેચકને ‘તું સર્જક નથી' એમ કહેવામાં પણ છે. પણ સર્જક સાહિત્ય અને વિવેચક સાહિત્ય વચ્ચે માની લેવામાં આવે છે એટલો મોટો ભેદ વસ્તુતઃ છે ખરો? ક્ષણમાં ઊપજીને વિલય પામી જતા કોકિલટહુકારે જગાવેલી ઊર્મિઓના આવિષ્કાર જે સર્જન કહેવાય, તે પછી કવિકોકિલના અમર કાવ્યટુહુકારે જગાવેલી ઊર્મિઓનો આવિષ્કાર પણ શા માટે સર્જન નહિ? ચન્દ્રિકાસ્નાનથી પ્રફુલ્લ બનેલા હૃદયનું ગાન જે સર્જન તો પછી ‘શાકુન્તલ' કે ‘કાદમ્બરી'ની સૌન્દર્યચન્દ્રિકાથી પ્રફુલ્લ બનેલા હૃદયના ઉદ્ગારો પણ કેમ નહિ? અને કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે ‘પ્રાચીન સાહિત્ય'માં સુભગ વાણીમાં ઠાલવેલા આવા ઉદ્ગારો એમની અન્ય કૃતિઓના જેવા જ સર્જક નથી એમ કોણ કહી શકશે? આપણા જ સાહિત્યમાં ‘મામેરા'નું નાનકડું રસભર્યું વિવેચન ૨[2] લખનાર નવલરામ પ્રેમાનન્દનો જ જાતભાઈ નહોતો એમ કોણ કહી શકશે? રામ, અર્જુન, કે એકિલિઝના સંગ્રામવિજયમાં જેટલું પરાક્રમ અને તેથી જીવન વસેલું છે, તેટલું જ વાલ્મીકિ, વ્યાસ, કે હોમરના અદ્ભુત વાણીવિજયમાં પણ શું નથી વસેલું? તો પછી સ્થૂલ પરાક્રમને મૂર્ત કરતી કલા જે સર્જક, તો એથી પણ કપરા એવા સૂક્ષ્મ પરાક્રમને મૂર્ત કરતી કલાને કઈ રીતે એથી ઊતરતી કહી શકાય? આથી અધ્યાપક હડસનના૩ [3] શબ્દોમાં કહીએ તો સાચું વિવેચન પણ જીવનમાંથી જ વસ્તુ અને પ્રેરણા મેળવે છે એટલે પોતાની વિશેષ રીતે તે પણ સર્જક જ છે.૪[4] સમકાલીન વિવેચન સદા ખોટું જ હોય, નિકટના સાહિત્યકારને એ કદી ન્યાય આપી શકે જ નહિ, એ વાદનાં મૂળ પણ અળખામણા લાગતા વિવેચનને હલકું પાડી આત્મરક્ષણ કરવાની વૃત્તિમાં જ રહેલાં છે. બાકી નિષ્કામ દૃષ્ટિને તો એ વાદનું સમર્થન કરે એવું કંઈ યે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં દેખાતું નથી. એને તો આપણા વિવેચનને ઇતિહાસ પહેલેથી જ એકધારી ન્યાયશીલતાના નમૂનારૂપ લાગે છે. ઉદાહરણ તરીકે ‘કરણઘેલો,' ‘કાન્તા,’ અને ‘અંધેરીનગરીનો ગંર્ધવસેન' એ ત્રણે કૃતિઓના જે જે દોષો નવલરામે તત્કાલ દર્શાવેલા તેમાંનો એક પણ મિથ્યા હતો એમ આજ ચાળીસ વર્ષ વીત્યાં છતાં કોઈ તટસ્થ સહૃદય તો નહિ કહી શકે. દલપતરામ કે ‘માહરી મજેહ’ની રચતાઓ તરફ રા. રમણભાઈ એ પાંત્રીસચાળીસ વર્ષ ઉપર જે વલણ બતાવેલું તે ખોટું હતું એમ કોઈ વિવેકી સાહિત્યપરીક્ષકને તો અત્યારે પણ નહિ લાગે. અને ‘ઉત્તરરામચરિત'નું ભાષાન્તર કે ‘વિલાસિકા' જેવાં પુસ્તકનાં રા. નરસિંહરાવનાં અવલોકનો સામે બહુ બહુ તો આકરી કસોટી કર્યાંની જ ફરિયાદ થઈ શકે, પણ અન્યાયનો આક્ષેપ તો કોઈ નિષ્પક્ષપાત રસિક નહિ મૂકી શકે. પણ બીજાની વાત શા માટે કરવી? રા. મુનશીની જ દસ વર્ષની કારકિર્દી ગુજરાતી વિવેચકોની ન્યાયવૃત્તિ પુરવાર કરવાને બસ નથી? ગુજરાતના વિવેચકો જે ન્યાયી ન હોત તો એમને જ યથેચ્છ ઝૂડવા જેટલી પ્રતિષ્ઠા રા. મુનશીને કોણ અપાવત? આ પ્રમાણે સમકાલીન વિવેચન અન્યાયી જ હોય એ વાદ ખોટો છે. એ વાદમાં જે કંઈ તથ્ય હોય તો તે એટલું જ છે કે જ્યાં સુધી કોઈ પણ સાહિત્યકારનું લેખનકાર્ય સમાપ્ત થયું ન હોય, એ લેખનકાર્ય કેવી પરિસ્થિતિ વચ્ચે શાની પ્રેરકતાથી થયું તેની સંપૂર્ણ વીગતો જણાઈ ન હોય, એનું જીવન જે વિવિધ દશાઓમાં સંક્રમણ કરીને જુદી જુદી અસરો નીચે ઘડાયું હોય તે પૂરેપૂરી માલૂમ પડી ન હોય, અને એ બધાંનું અન્વેષણ કરી એના યુગમાં એનું સ્થાન નિર્ણીત કરી શકાય સ્થાનનિર્ણય માટે જોઈતું યથાર્થ દર્શન શક્ય બને તેટલો ગાળો પસાર થયો ન હોય, ત્યાં સુધી જે અભિપ્રાયો આપવામાં આવે તેમાં પુનરીક્ષણ (revision) અને પરિવર્તનને માટે હંમેશાં અવકાશ રહે છે, એટલે એવો અભિપ્રાય કદી અન્તિમતાનો દાવો ન કરી શકે. પણ આમ અન્તિમ મત ન આપી શકે એમાં એનો શો દોષ? જ્યાં સાધનો જ મર્યાદિત અને એ મર્યાદિતતા કોટિ ઉપાયે પણ ટાળવી અશક્ય, ત્યાં કોઈ શું કરે? પણ વિવેચક ઉપર આવા આક્ષેપ સદૈવ થયા જ કરવાના. ગમે તેટલી કર્તવ્યબુદ્ધિથી અને શુદ્ધ ભાવે એ પોતાનું કામ કરવાનો, તો પણ એના સંબંધમાં નિરન્તર અસન્તોષ રહેવાનો જ. એનું ક્ષેત્ર જ મતભેદનું અને જેના જેનાથી એનો મત જુદો પડવાનો તે બધા એને દુશ્મન ગણવાના. સૌ એની પાસેથી ઉદારતાની આશા રાખવાના, બધા એની પાસે સમભાવની માગણી કરવાના, સઘળા; એને તાટસ્થ્યનો બોધ આપવાના, પણ એ બધાનો દસમો ભાગ પણ એના પોતાના તરફ કેાઈ બતાવવાનું નહિ. એના એકેએક વચનમાં હેતુનું આરોપણ થવાનું; એ કંઈયે લખે તો હિન્દુને ચડાવવા કે પારસીને ઉતારી પાડવા, મિત્રને આગળ લાવવા કે શત્રુને પાછળ પાડવા; ઉદ્દેશ નિરપેક્ષ એક પણ મત ઉચ્ચારવાની એનામાં તાકાત જ શી? સાહિત્યની દુનિયામાં એનું નામ જ અળખામણું. જોડકણાં જોડનારો પણ ત્યાં કવિ કહેવાય અને વસ્તુવિધાન કે પાત્રાલેખનના ભાન વિના ગપ્પાં હાંકનારે ત્યાં નવલકથાકારનું મોટું નામ મેળવે. પણ ગમે તેટલી સફળ રીતે વિવેચન કરનારને તો એમાં નિષ્ફળ ગ્રન્થકાર કે સર્જનશક્તિહીન લેખકનો જ ઈલકાબ મળવાનો. સાહિત્ય પ્રદેશનો કોઈ ગાઝી (martyr ધર્મયોધ્ધો) હોય તો તે એની શુદ્ધિ, સમૃદ્ધિ, અને સુન્દરતાને માટે આવી અનેક વિટંબણાઓ સહન કરી અવિરત તપ કરતો વિવેચક છે. કોઈ પણ જાતની લાલચમાં લપટાયા વિના કે ડરામણથી દબાયા વિના નગ્ન સત્યનું કથન કરવું એ એનું વ્રત છે. ઉત્કૃષ્ટતાના શુધ્ધ નિરપેક્ષ આદર્શને જ એ વળગી રહે છે, અને જ્યાં સાહિત્યકાર આત્મકૃતિથી મુગ્ધ થઈ અકારણ કૃતકૃત્યતા અનુભવવા જતો હોય ત્યાં એની પાસે પહોંચી જઈ સોક્રેટિસની પેઠે એની પરીક્ષા દ્વારા એની અપૂર્ણતા એને દેખાડી દેવી અને એ રીતે પ્રગતિની કૂયમાં એને આગળ ધકેલવો એ એનો મોજનો વ્યાપાર છે. સૌન્દર્યના સ્વર્ગીય પક્ષીની શોધમાં નીકળી પડનારાઓ જ્યારે ભ્રમણામાં એના પીંછા માત્રથી તૃપ્ત થઈ જાય છે. ત્યારે એમને ઢંઢોળીને સમજાવવું કે એ કંઈ દિવ્ય પક્ષી નથી પણ કેવળ પીંછું જ છે એ એની કડવી ફરજ છે. આવી કડવી ફરજ બજાવનારા ગાઝી આપણા સાહિત્યમાં હજુ વિરલ જ છે. બધા એવા ગાઝી ન થઈ શકે ત્યાં સુધી તેમને કોઈ સાહિત્યકાર વધુ દબાવવા આવે તો એટલી જ પ્રાર્થના કરવાની રહે છે કે :-
यो मे राजन्युज्यो वा सखा वा स्वप्ने भयं भीरवे मह्यपाद ।
इतेनो वा यो दिप्सति वृकों वा त्वं तस्माडू वरुण पाह्यस्मान् ॥૫[5]
‘વિવેચનકલા’ પૃ. ૩૦ થી ૩૭
- ↑ ૧. ‘Essays in Criticism, First series : The Functional of Criticism in the Present Time’
- ↑ ૨. ‘નવલગ્રંથાવલિ’, ૨, ૩૧૪ -૬
- ↑ ૩. ‘An Introduction to the Study of Literature,' p. 349: ‘True criticism also draws its matter and inspir- ation from life, and in its own way it likewise is creative.' આપણે ત્યાં વિવેચનને સર્જન કે કલાના વર્ગમાં ગણવાની જેમની જેમની હિંમત ન ચાલતી હોય તે સૌને હડસનના પુસ્તકનું છેલ્લું પ્રકરણ અને તેમાં બે ખાસ કરીને એનાં પહેલાં ચાર પાનાં વાંચવાની ખાસ ભલામણ છે.) સાચું વિવેચન પણ જીવનમાંથી જ વસ્તુ અને પ્રેરણા મેળવે છે એટલે પોતાની વિશેષ રીતે તે પણ સર્જક જ છે.
- ↑ ૪. યૂરોપીય સાહિત્ય વિશેનાં રા. મુનશીનાં વિધાનોનો રદિયો તો એ વિષયમાં બોલવાના ખરા અધિકારી અધ્યાપક બાબુરાવ ઠાકોરે ‘પ્રજાબંધુ'માં આપી દીધો છે, એટલે એ સંબંધી આંહીં કંઈ કહેવાનું રહેતું નથી. પણ વિવેચનને દૂણવા માટે કીટ્સના નામનો હજુ પણ હાલતાં ચાલતાં દુરુપયોગ થાય છે, તેથી રા. બાબુરાવે એ વિશે જે કહ્યું છે તેમાં બે બાબતો ઉમેરવાની જરૂર છે :-
(૧) Quarterly Review' ના જે અવલોકને કીટ્સને મારી નાખ્યાનું કહેવાય છે તે પહેલાં તો એને ક્ષય લાગુ પડી ચૂકયો હતો. એ અવલોકન ૧૮૧૮ ના સપ્ટેમ્બરમાં પ્રકટ થએલું. પણ કીટ્સના ક્ષયની શરૂઆત ૧૮૧૮ના જુલાઈ પહેલાંની હતી એમ નીચેના પુરાવા ઉપરથી સાબિત થાય છે:-
'The Quarterly critique was published in September 1818, and the first rupture of a blood-vessel occurred in February 1820. Whether the mortificatiou felt by Keats at the critique was small (as is now generally opined) or great (as Shelley thought) it cannot reaso- nably be propounded that this caused, or resulted in the rupture of the pulmonary blood-vessel, Keats belonged to a consumptive family; his mother died of consumption and also his younger brother; and the preliminaries of his mortal illness (even if we do not date them further back, for which some reasons appear) began towards the July of 1818. --W. M, Rossetti : ‘Shelley's Adonais,' p. 98
(૨) એ જ લેખક ‘Quarterly Review' એ કરેલા ‘Endym- ion ’ના અવલોકન વિશે કહે છે :-
'It cannot be denied that some of the blemishes which it points out in Endymion are real blemishes and very serious ones.' - ‘Adonais,' p. 46, એટલે સમકાલીન વિવેચન બધા લઈ ભાગ્યા છે એવું અન્યાથી નહોતું, વસ્તુત: કીટ્સની એ કૃતિમાં જ એટલી બધી ક્ષતિઓ હતી કે એના મરણ બાદ જે લેખમાં મૃત્યુ આર્નોલ્ડ એને શેકસપિયરના વર્ગમાં મૂકે છે તે જ લેખમાં એ · Endy- mion' વિષે તો કહે છે ‘His Endymion, as well saw, is a failure and his Hyperion, fine things he himself as it contains, is not a success, Essays in Criticism, Second series, p. 120, એટલે સમકાલીન વિવેચનને વગોવતા Endymion ‘al નો જે ઉપયોગ કરાય છે તે નકામો છે. - ↑ ૫. (હે રાજન, નિદ્રામાં છળી ઊઠેલા મને મારો જે કોઈ સંબન્ધી કે મિત્ર ભયજનક વચનો કહે છે, અથવા જે કોઈ ચોર કે વધુ મારી હિંસા કરવા માગે છે, તે બધાથી હૈ વરુણ! તું અમારું રક્ષણ કર.-ઋગ્વેદ, ૨, ૨૮, ૧૦,)
૧૯૮૩