zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/કવિતાની અન્તિમ કસોટી

From Ekatra Wiki
Revision as of 01:40, 28 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


(૧૨) કવિતાની અન્તિમ કસોટી

જીવનમાં કવિતાને આપણે આટલું બધું માન આપીએ છીએ તે શાથી? જીવનને કેળવીને ઉન્નત બનાવવાની તેનામાં અપાર શક્તિ રહેલી છે તેથી જ. જીવનને જો આપણે સફળ બનાવવું હોય, એમાં રહેલી સર્વ શક્યતાઓને જો આપણે ભૂતાર્થરૂપ બનાવવી હોય, તો આપણી સર્વ શક્તિઓનો સર્વતોમુખી વિકાસ થાય એવી રીતે તેને કેળવી સંસ્કારીને પરિશુદ્ધ તેમ કાર્યક્ષમ બનાવવી જોઈએ. આપણી શક્તિઓની આવી કેળવણીમાં કવિતા બહુ મોટો ફાળો આપી શકે છે એ જ એની આટલી બધી મહત્તાનું મુખ્ય કારણ છે.

કવિતાનું એક મુખ્ય લક્ષણ તે એની દર્શનશક્તિ છે. મણિલાલ નભુભાઈ કહે છે તેમ ‘કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જોવા યોગ્ય કાંઈ નથી જણાતું તેમાં પણ કવિને કાંઈ અવણ્ય ખુબી માલુમ પડે છે, ને જેવી તે પોતાના મનમાં ઉતરે છે તેવી તે સામાના મનમાં ઉતારી પોતાને મળ્યો તેવો જ આનન્દ સહૃદયના હૃદયમાં ઉપજાવે છે.[1] પ્રતિભા એટલે સ્વાભાવિક કાવ્ય રચવાની શક્તિ. વિશ્વમાં વસ્તુપદાર્થાદિને તો સર્વ જુએ છે, વિચારે છે, પણ તેમાંથી કાંઈક નવીન ચમત્કૃતિ કાઢી આનન્દ અનુભવવો ને ઉપજાવવો તે પ્રતિભાનું કામ છે.[2] આથી જ સંસ્કૃતમાં કવિને ‘ઋષિ' એટલે કે દ્રષ્ટા કહે છે. ‘कवयः किं न पश्यन्ति,' ‘कान्तदर्शिनः कवय.', ‘नानृषिः कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात्', ‘दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कविश्रुतिः' ઈત્યાદિ સંસ્કૃત વાક્યો એ વાતની સાક્ષી પૂરે છે. ‘ઋગ્વેદ’નાં સૂક્તોના રચનારાઓને આપણા પૂર્વજોએ ‘કવિ' નહિ પણ ‘ઋષિ' એવી સંજ્ઞા આપી છે તે પણ એ જ કારણે. અને એ ‘ઋગ્વેદ' ના ભાષ્યકાર સાયણાચાર્યના શબ્દ ટાંકીને એથી જ સ્વ. આનન્દશંકર ધ્રુવે કહ્યું છે કે ‘कविः क्रान्तदर्शी-‘ “કવિ” તે કે જે વસ્તુની પાર જોઈ શકે, [3]-'ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ "ક્રાન્તદર્શી”-પારદર્શી-છે.![4] કવિ અને સામાન્ય જન વચ્ચેનો ભેદ ‘ભગવદ્ગીતા' ના ‘या निशा सर्व भूतानां तस्यां जाग्रति संयमी’એ પંક્તિમાં વર્ણવ્યો છે તેના જેવો છે. એટલે જ સ્વ. ધ્રુવે કહ્યું છે કે ‘या निशा सर्वभूतानां ‘ માં નિર્દેશેલો દિવસ અને રાત્રિનો, સત્ય અને અસત્યનો, વ્યત્યય લોકોની અને જ્ઞાનીની દૃષ્ટિનો જ નથી, પણ લોકદૃષ્ટિ અને કવિદૃષ્ટિને પણ એ એટલો જ લાગુ પડે છે.[5] સર્વ ભૂતોની રાત્રિમાં જ્ઞાની જેમ જાગે છે, તેમ સર્વ લોકોની રાત્રિમાં કવિ પણ જાગે છે. અર્થાત્, આપણી આસપાસની સૃષ્ટિમાં જે ઇન્દ્રિયગોચર સૌન્દર્ય તેમ મનોગોચર સત્ય રહેલું હોવા છતાં સામાન્ય જનને અગમ્ય રહે છે તેને કવિ પોતાની પ્રતિભાદૃષ્ટિ વડે જોઈને પોતાની કવિતા દ્વારા આપણે માટે ગમ્ય બનાવે છે. થોડીઘણી પણ કવિત્વદૃષ્ટિ ને વૃત્તિ ન હોય એવાં માણસો તો જગતમાં બહુ જ થોડાં હશે, પણ મોટા ભાગનાં માણસોની અંદર રહેલી આ આછીપાતળી કવિત્વશક્તિ સામાન્ય વ્યવહારની ગડમથલના બોજા નીચે દબાઈ જાય છે, આપણી સામાન્ય દિનચર્યામાં કેવળ ઐહિક સ્વાર્થવૃત્તિને જે પ્રાધાન્ય મળે છે તેને લીધે એ કવિત્વવૃત્તિ ચંપાઈ જાય છે, અને ઘણીવાર તો આપણે પોતે જ ગમે તો જાણીબૂઝીને અથવા અજાણતાં એને રૂંધી નાખીએ છીએ. પણ સાચો કવિ એનું નામ, પછી ભલે એ મોટો કવિ હોય કે નાનો, એનું દૃષ્ટિક્ષેત્ર સંકુચિત હોય કે વિશાળ, પણ સાચો કવિ તો એનું નામ કે જેનામાં સૃષ્ટિની અંદર રહેલું ઇન્દ્રિયગમ્ય સૌન્દર્ય તેમ મનોગમ્ય સત્ય જોવાની અને અન્તરમાં અનુભવવાની શક્તિ અસાધારણ પ્રમાણમાં રહેલી હોય એ વિશેષમાં. વળી જેને પોતે જે કંઈ જોયું અનુભવ્યું હોય તે આપણે પણ એ જ રીતે જોઈ અનુભવી શકીએ એ રીતે તેને વાણીના રૂપમાં વ્યક્ત કરવાની અને એ દ્વારા જેવું રહસ્યદર્શન કરાવી આપણી કલ્પના અને સહાનુભૂતિને જાગ્રત કરીએ સૌન્દર્ય તેમ સત્યના દર્શન અનુભવમાં આપણને પણ સમભાગી બનાવવાની યે બક્ષિસ મળેલી હોય. આથી જ રવિબાબુ કહે છે કે ‘પહેલાં જે આપણી નજરે નહિ ચડવાથી અસત્ય જણાતું, તેને કવિ આપણી દૃષ્ટિ સમક્ષ લાવીને સત્યના રાજ્યની, આનન્દના રાજ્યની મર્યાદા વધારી દે છે. માનવસાહિત્ય પ્રતિદિન સમસ્ત તુચ્છને, સમસ્ત અનાદતને સત્યના ગૌરવમાં આવિષ્કૃત કરીને કલાસૌન્દર્યથી અંકિત કરે છે. જે માત્ર પરિચિત હતું, તેને નિકટ બનાવે છે; જે માત્ર નજરે ચડતું તેના ઉપર મન આકર્ષાય છે.[6] આ રીતે કવિ આપણી એક મહાન સેવા તો એ બજાવે છે, કે કૉલરિજના શબ્દોમાં કહીએ તો, ‘આપણી સમક્ષ વિસ્તરી રહેલી સૃષ્ટિની સુન્દરતા-નિત્ય પરિચયે આણેલાં પડળોને લીધે તેમ સ્થૂલ સ્વાર્થપરાયણ મનોવૃત્તિને કારણે જેના અખૂટ વૈભવ તરફ આપણે છતી આંખે આંધળા, છતાં કાને બહેરા, અને છતાં હૃદયે હૃદયહીન ને બેસમજ જેવા રહીએ છીએ એવી સૃષ્ટિની સુન્દરતા ભણી તે રોજિંદા ઘસડબોરાથી આપણામાં આવેલી જડતાને ભેદીને આપણું લક્ષ ખેંચે છે.[7] આથી જ બ્રાઉનિંગ કવિઓને ‘દૃષ્ટિદાતા' કહે છે અને કાર્લાઈલ ‘પરમાત્માએ સર્જેલા આ વિશ્વની દૈવી માયાનું રહસ્ય પ્રીછવાની શક્તિરૂપી બક્ષિસ પામેલા' એવા શબ્દોમાં કવિઓને વર્ણવે છે. એટલે જ બોટાદકરની નીચેની પંક્તિઓ આપણે કવિદૃષ્ટિને માટે પણ યોજી શકીએ:-

‘એ દૃષ્ટિ આ જગ સફળમાં પૂર્ણ સૌન્દર્ય જોતી,
ને મીઠી કૈં કુદરતતણી લા'ણ સર્વત્ર લેતી;
વ્યક્તિમાત્રે વસી વિમળતા એકતા એ નિહાળે,
જૂઠો પેલો જગવિષયનો ભેદ ના કાંઈ ભાળે.
સંસારી સૌ ગડમથલ ને હું તું ના ભેદભાવ,
એ દૃષ્ટિથી નવીન ધરતા રૂપ પ્રત્યક્ષ થાય.'[8]

અને કવિતા જે વસ્તુનું તે નિરૂપણ કરે છે તેમાં આપણે ન જોએલ હોય એવા નવીન સૌન્દર્યનું તેમ આપણને ખ્યાલે ન હોય એવા અભિનવ સત્યનું દર્શન કરાવીને આપણા જીવનમાં આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગી થઈ પડે છે એટલું જ નથી, પણ વિશેષમાં પરોક્ષ રીતે એ આપણને જીવન પ્રત્યે જાતે પણ કવિના જેવી વેધક દૃષ્ટિથી તેમ વ્યાપક સર્વગ્રાહી સમજશક્તિથી જોતાં શીખવે છે, આપણી પોતાની દર્શનશક્તિને તેમ આપણી સમભાવશક્તિને સબળ બનાવે છે, અને એ રીતે તે આપણી આસપાસની સૃષ્ટિને કવિત્વમય નજરે નિહાળવાની એ કવિસહજ દૃષ્ટિએ તેનું રહસ્ય પારખવાની આપણામાં જે શક્તિ કુદરત તરફથી મળેલી છતાં અનુપયોગને પરિણામે સુપ્ત રહેલી છે તેને કેળવીને વિકસાવે છે.

આમ હોવાથી કવિતા સંસાર સાથેના આપણા લગભગ સર્વ સંબંધોનો સ્પર્શ કરે છે, આપણી લગભગ સર્વ પ્રકારની મનોદશામાં આપણને પ્રિય થઈ પડે છે, અને યોગ્ય રીતે નિરૂપણ કરતાં જેમાંથી રસની નિષ્પત્તિ થઈ શકે અથવા તત્ત્વનું દર્શન કરાવી શકાય એવો એકેએક પદાર્થ તેનો વિષય બની શકે છે. એટલે સર્વ પ્રકારની કવિતાને-તત્ત્વતઃ અલ્પ કે ક્ષુદ્ર વસ્તુઓને પણ પોતાના સ્વભાવને અનુસરીને સૌન્દર્યની દીપ્તિથી મઢનારી કવિતાને પણ-સાહિત્યમાં સ્થાન છે તેમ તેનો ઉપયોગ પણ છે. છતાં કવિતા એટલે જો કલ્પના અને ઊર્મિના વાહન દ્વારા જીવનનું અર્થદર્શન છે, તો એની તાત્ત્વિક મહત્તાનો અન્તિમ નિર્ણય તો જીવનની પરમ મહત્ત્વની તેમ ચિરકાળ પર્યન્ત ટકનારી વસ્તુઓનું-આપણા જીવનમાં આપણા ઉત્કૃષ્ટ કોટિના અનુભવ અને રસનો વિષય બનનારી વસ્તુઓનું એ જેટલા ગૌરવ અને સામર્થ્યપૂર્વક નિરૂપણ કરી શકે તેને આધારે જ થઈ શકે. ખરી વાત છે કે કવિતા એ કલા છે, અને તેથી એની મૂલવણીમાં એની કલામયતા અને આયોજનકૌશલના તત્ત્વ પર પણ દૃષ્ટિ રહેવી જોઈએ. પણ એ ઉપરથી આપણે

ભૂલવું ન જોઈએ કે કવિતાની કલા આખરે તો આત્માની કલા તેમ વિચાર તથા ઊર્મિનું વાહન છે, એટલે એ જે પ્રકારના આત્માનું આવિષ્કરણ કરે, અને જે વિચારો તથા ઊર્મિઓને વ્યક્ત કરે તેના સ્વરૂપ ઉપર જ એના તાત્ત્વિક મૂલ્યનો આધાર રહે છે. આમ કહેવાનો અર્થ એવો નથી કે અન્ય સર્વ કલાઓની પેઠે કવિતાનો પણ પ્રત્યક્ષ અને પ્રધાન હેતુ તો આનન્દ આપવાનો જ છે એ સત્યનો આપણે વિરોધ કરીએ છીએ. આપણું વક્તવ્ય આંહીં એટલું જ છે કે કવિતા જે પ્રકારનો આનન્દ આપે તેનો પણ એ જે વિષયનું નિરૂપણ કરે અને એ નિરૂપણ જે રીતે કરે તેના પર આધાર રહે છે. સાહિત્યની સૃષ્ટિમાં ‘કલા ખાતર કલા' નો વાદ અનેક વાર ખૂબ જોરશોરપૂર્વક રજૂ કરાતો આપણે સાંભળીએ છીએ. પણ ધૂમ્રગોટામાં વીંટળાએલા જેવા એ અસ્પષ્ટ વાદની પોકળતા કવિતાની કલા પૂરતી તો એના પુરસ્કર્તાઓની પદવી અને પ્રતિષ્ઠા ઉપરથી જ પુરવાર થઈ જાય છે. કેમકે મોટે ભાગે નીચી પંક્તિના ગૌણ કવિઓ અને તત્ત્વદૃષ્ટિરહિત રસલોલૂપ વિવેચકો તરફથી જ એ વાદની હિમાયત કરવામાં આવે છે. જગતના ખરેખર મહાન કવિઓએ તો એ વાદની સામે નજર સરખી કરી નથી, એ ટેનિસન જેવાએ જો કદી કરી હોય [9]તો તે એનો તિરસ્કાર કરવા પૂરતી જ કરી છે. બાકી જગતના સર્વ મહાકવિઓ તો એક પણ અપવાદ વગર પરિપક્વ વિચારશક્તિવાળા શાણા સમજુ પુરુષો જ માલૂમ પડ્યા છે. એ સૌએ તો કવિતાનું ઉપાદાન જીવન છે, એનો પ્રદેશ જીવન છે, અને એનું અસ્તિત્વ પણ જીવનને અર્થે જ છે એ સત્યનો જ સદા યે સ્વીકાર કર્યો છે. એ પ્રાથમિક સિદ્ધાન્તનો સ્વીકાર કરીને પછી જ એમણે પોતાની કાવ્યપ્રવૃત્તિ ચલાવી છે અને એમની જે મહત્તા મનાય છે તેનો ખુલાસો પણ મોટે ભાગે એમણે જીવનનું સ્વરૂપ સમજવામાં જે પ્રભુત્વ દાખવેલું અને તેનું રહસ્યદર્શન કરાવવામાં જે સામર્થ્ય પ્રકટ કરેલું તેને આધારે જ કરી શકાય એમ છે. જીવનમાં કવિતા અને કલા તરફ આટલા બધા માનભાવથી જોવામાં આવે છે તેનું કારણ પણ તે જીવને ઉન્નત બનાવવામાં બહુ મોટો ફાળો આપવાની શક્તિ ધરાવે છે એ જ છે, રા. બલવન્તરાય ઠાકોરના શબ્દો યોજીએ તો ‘કવિ તો ગુરુ, ઋષિ, દેવદૂત, કવિતા તો દેવી',[10] એવી ભાવના કવિતા વિષે સર્વત્ર જોવામાં આવે છે, કેમકે દુનિયામાં જીવવું અને પ્રાપ્ત કાર્યો કરવાં તે ભાવનામય હ્રદયે થાય તેમાં જ સાચું જીવન છે અને કર્તવ્યપાલનની શાન્તિ છે, તથા હૃદયની આવી ભાવનામયતા ખિલવવા, પોષવા અને ટકાવવા માટે કવિતા અને કલાનાં સાધન નિર્મલ, આકર્ષક, આનન્દ જેનો સ્થાયી ભાવ છે એવાં, અને ફલપ્રાપ્તિ સદ્દ આપે એવા છે. વ્હાલી ગૃહિણી અને સન્મિત્ર જ એ ડગલે ડગલે સદ્બોધ આપે છે, અને સાત્ત્વિકતાનું વાતાવરણ જમાવે છે. સદ્ગુરુ અને સન્તસમાગમ તેમ મહત્સમાગમના જેવાં એ પાવક અને શ્રેયસ્કર છે.[11] સ્વ. આનન્દશંકર ધ્રુવે પણ કાવ્યતત્ત્વનો વિચાર કરતાં અનેક સ્થળે[12] આ જ અભિપ્રાય દર્શાવ્યો છે તેમાંથી ‘કલા ખાતર કલા'ના વાદની ચર્ચા કરતાં એમણે યોજેલા શબ્દો આંહીં ટાંકવા જેવા છે : ‘ટેનિસન અને સ્વિન્બર્નના પક્ષ વચ્ચે “કલામાં ઉચ્ચ ઉપદેશ રહેલો હોવો જોઈએ" કે “કલા તે કલા જ" (Art for Art's sake) એ વિષે ભારે ચર્ચા ચાલી હતી, અને જોકે હજી કલાને ઉપદેશથી છૂટી પાડવાના પક્ષમાં ઘણા વિદ્વાનો છે તોપણ કલામાં ઉપદેશ સમાવવાનો પ્રાચીન પક્ષ મને તો વધારે સ્થિર આસન ઉપર બેઠેલો લાગે છે. હું તો ધારું છું કે આપણા સાહિત્યાચાર્યોએ કાવ્યને “कान्तासंमिततयोपदेशयुजे” એમ કહીને આ ફૂટ પ્રશ્નનો મધુર અને તાત્ત્વિક ખુલાસો આપીને હાથ ધોયા છે....જગતનાં મહાન કાવ્યો તો તે જ ગણાયાં છે કે જેણે મનુષ્યનો જીવનપંથ ઉજાળ્યો છે, એની સંસ્કૃતિને ઉન્નત ભાવનાથી પોષી છે, દીપાવી છે, એક પગલું એને આગળ ભરાવ્યું છે’ [13] પણ કોઈને આ શબ્દોમાં આપણી પ્રાચીન પ્રણાલિકાનું અન્ય અનુસરણ લાગે, અને પૂર્વના સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓનો પડઘો માત્ર સંભળાય, તો તેમને માટે પશ્ચિમના એક સુપ્રતિષ્ઠિત વિવેચક મેથ્યુ આર્નોલ્ડના શબ્દો આ રહ્યા:-'કવિતા એ મૂળે જીવનની સમીક્ષા જ છે, અને કોઈ પણ કવિની મહત્તાનો આધાર, જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપી, જીવનને ઉન્નતિપન્થે પ્રેરે એવા વિચારોનો પોતાની કવિતામાં જેટલા સૌન્દર્ય અને સામર્થ્યપૂર્વક એ વિનિયોગ કરી શકે તેના પર જ રહેલો છે એ સિદ્ધાન્તને સજજડ રીતે વળગી રહેવાની ખાસ જરૂર છે. નીતિતત્ત્વની ચર્ચા ઘણી વાર ખોટી અને સંકુચિત દૃષ્ટિએ કરવામાં આવે છે, એના વિચારો આજે જરીપુરાણાં બની ગએલાં શાસ્ત્રો અને માન્યતાઓ સાથે સંકળાએલાં છે, એ આખો વિષય અત્યારે દંભી પંડિતો અને ધંધાદારી ધર્માચાર્યોના હાથમાં જઈ પડ્યો છે, અને કેટલાકને તે અળખામણો થઈ પડે એ સમજાય તેવું છે. એટલે કેટલીક વાર એ નીતિવિચારો સામે બંડ ઉઠાવતી કવિતા- "શરાબખાનામાં જઈને ચાલો આપણે મસીદમાં બરબાદ કરેલા વખતનું સાટું વાળીએ' એ ઉમ્મર ખય્યામના શબ્દોને ભાવનાસૂત્ર તરીકે સ્વીકારતી કવિતા-તરફ આપણે આકર્ષાઈએ છીએ, અથવા નીતિના વિષયમાં ઉદાસીનતા દર્શાવતી કવિતા તરફ જેમાંના વિષય ને વિચાર ગમે તે હોય પણ જેની બાહ્યાકૃતિ ખંતપૂર્વક સૌષ્ઠવભરી કરવામાં આવી હોય એવી કવિતા તરફ પણ આપણે ઘણીવાર ખેંચાઈએ છીએ. પણ એ બન્ને બાબતમાં આપણે ભૂલ જ કરીએ છીએ, અને આપણી એ ભૂલનો સારામાં સારો ઈલાજ એ છે કે અપાર રહસ્યથી ભરપૂર જીવન શબ્દના અર્થનો બરાબર ખ્યાલ ન આવે ત્યાં સુધી એ મહાશબ્દ પર આપણે ચિત્તને ચોટાડી રાખવું. કેમકે નીતિવિચારો સામે બંડ કરનારી કવિતા એ ખુદ જીવન સામે જ બંડ કરનારી કવિતા છે તેમ નીતિવિચારોના વિષયમાં ઉદાસીનતા પરાવનારી કવિતા ખુદ જીવનના જ વિષયમાં ઉદાસીનતા ધરાવનારી કવિતા છે.’ [14]

એટલે કોઈ કવિની કવિતાના વિષયના પ્રકાર ઉપર, એની વિચારશક્તિ ઉપર તેમ એના નીતિબળ અને નૈતિક અસર ઉપર ખૂબ ભાર મૂકતાં આપણે સંકોચાવાનું કારણ નથી. કોલરિજ કહે છે કે ‘કવિની સાથે સાથે ગંભીર તત્ત્વચિન્તક પણ ન હોય એવો કોઈ પણ પુરૂષ કદી પણ મહાકવિ બની શક્યો નથી.[15] ઈમર્સન પણ એના એક તલસ્પર્શી સૂત્રમાં કહે છે કે ‘કવિઓની મહત્તાનો નિર્ણય તેઓ જે જાતની ચિત્તવૃત્તિ પ્રેરે છે. તે ઉપરથી કરવામાં આવે છે.[16] આથી જ સ્વ. આનન્દશંકર ધ્રુવે જીવનના (૧) તત્કાલીન, (૨) ચિરન્તન, અને (૩) સનાતન એવા ત્રણ વિભાગ પાડી તત્કાલીન કરતાં ચિરન્તન જીવનનું નિરૂપણ કરતી કવિતા ચડિયાતી અને ઉત્તમ વર્ગની કવિતા તો સનાતન જીવનને મૂર્ત કરતી હોય તે જ એમ પ્રતિપાદન કરતાં કહ્યું છે કે ‘સામાન્ય નિયમરૂપે કહી શકાય કે લૌકિક મનુષ્ય સ્વભાવ કરતાં બ્રહ્માંડનાં પારમાર્થિક સત્યો જેટલાં મ્હોટાં છે તેટલો ત્રીજો (સનાતન) વર્ગ બીજા (ચિરન્તન) વર્ગ કરતાં ઉચ્ચતર છે. મહાભારત રામાયણ આનાં સ્પષ્ટ ઉદાહરણો છે. ‘પેરેડાઈઝ લૉસ્ટ', ‘ફાઉસ્ટ' અને બ્રાઉનિંગનાં કેટલાંક કાવ્યો આનાં કંઈક સંદિગ્ધ ઉદાહરણો છે.[17] લેન્ડોર પણ સ્વતન્ત્ર રીતે આ જ મતને પુષ્ટિ આપે છે. એ કહે છે, ‘આપણે નાનાં નાનાં સુન્દર કાવ્યો ભલે ગમે તેટલા કૌશલપૂર્વક રચીએ, અને એવાં અનેક નાનાં કાવ્યોનો એક ઢગ પણ બનાવીએ, પણ એવાં નાનાં કાવ્યો રચવાથી કોઈને મહાકવિની પદવી વાજબી રીતે નહિ આપી શકાય. મહાકવિની પદવી તો જેણે કોઈ મહાન વિષયનું એની મહત્તાને ઉચિત શૈલીમાં નિરૂપણ કર્યું હોય તેને જ આપી શકાય. કવિ તો પ્રણયી જનો કે આળસુ વિલાસી લોકોને માટે પણ કવિતા રચે, હરિયાળાં ખેતરો અને મોજીલા સમાજની પણ એ કવિતા રચી શકે, પણ જે કેવળ આવી જ અને આટલી જ કવિતા રચતો હોય તે કવિ સામાન્યથી ઉચ્ચતર કોટિમાં કદી પણ સ્થાન ન પામી શકે. રાજસિંહાસન કંઈ પંખીઓનાં નાજુક પીંછાંનું ન બની શકે, અને હજારો બરુ એકઠાં કરવાથી પણ એનું કંઈ રણવાદ્ય ન થઈ શકે.[18] વિશેષમાં વળી એ કહે છે કે ‘મેષશિશુ કે વનસ્પતિના છોડ પર પણ એક મજાની સૉનેટ ખુશીથી લખી શકાય, કેમકે કૂણા કૂણા કાન અને લીલાં લીલાં પાનમાં પણ આર્દ્રતા અને સ્વભાવોક્તિને મારે પૂરતો અવકાશ છે, પણ મહાકવિએ તો એથી ઉચ્ચતર પ્રકારની ઊર્મિઓને સજ્જડ પકડવી જોઈએ, અને પોતાની સમસ્યાઓના ઉત્તર એમની પાસેથી સત્તાવાહી ઢબે પ્રશ્નો પૂછીને કઢાવવા જોઈએ, [19]

આનો અર્થ એવો નથી કે પોતાની કવિતાને મહાન બનાવવા માટે કવિએ સીધી રીતે જ્ઞાનનો પ્રચાર કરવા બેસવું જોઈએ અથવા તો કોઈ નૈતિક ઉદ્દેશ નજર આગળ રાખીને પોતાની કૃતિઓ નિરપવાદ રીતે એ દૃષ્ટિએ જ રચવી જોઈએ. ‘કવિતાકલા પ્રતિપાદન પણ કરવા મંડી પડે ત્યાં જ તેમાંથી કલા-પરી ઊડી જાયઃ શકુન્તલાનો જન્મ થતાં જ, એ ના બાલકનાં પોષણ ઉછેર આદિ વ્યવહારકર્તવ્ય આવી લાગતાં જ, મેનકા ઊડી ગઈ હતી તેમ,[20] એ રા. બલવન્તરાય ઠાકોરના શબ્દો આ સંબંધે તદ્દન સાચા છે. ‘કવિતાનો હેતુ' સ્વ. રમણભાઈએ કહ્યું છે તેમ ‘ઉત્કૃષ્ટ હૃદયોર્મિના આવિર્ભાવથી આનન્દ આપવાનો હોય છે, અને માત્ર ઉચ્ચ ભાવના અને આદર્શ દ્વારા જ પરોક્ષ રીતે બોધ આપવાનો હોય છે. ગુરુ પેઠે પ્રકટ ઉપદેશ કરતાં હૃદયને આર્દ્ર કરી આનન્દિત કરવાનો કવિતાનો હેતુ નિષ્ફલ થાય છે.[21] તેથી આપણે આ વિષયમાં કવિ અને ધર્મોપદેષક કે પ્રવચનકારની પ્રવૃત્તિ વચ્ચે ગોટાળો કરવાનો નથી, કેમકે ધર્મોપદેષક કે પ્રવચનકારનું કામ ઉપદેશ આપવાનું તેમ માર્ગદર્શન કરાવવાનું છે, ત્યારે કવિનું કામ તો આપણને પ્રેરણા અને આનન્દ આપીને આપણામાં ચેતન, તાજગી, અને જીવનનો સંચાર કરવાનું છે. કવિતા એટલે જીવનનું નિરૂપણ એ સિદ્ધાન્તની ચર્ચા કરતાં ઉપદેશક અને કવિ વચ્ચેના આ ભેદનું આપણે પ્રારંભમાં સૂચન કરેલું જ છે, અને એ ભેદ ઉપર જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. પણ સામી બાજુએ એટલા જ ભારપૂર્વક કહેવું જોઈએ કે જ્ઞાન કે વિચારનું નિરૂપણ કરતી અને સ્પષ્ટ નૈતિક ઉદેશપૂર્વક લખાએલી કવિતા સામે કહેવાતા કલા-ખાતર-કલા-વાદી વિવેચકો નિરન્તર જે સૂગ દર્શાવે છે તે સર્વથા અકારણ છે. કવિતાની બોધપરાયણતા સામે એ લોકો જે વાંધા રજૂ કરે છે તેમાંના કેટલાક આપણે જરૂર કબૂલ રાખીએ, છતાં એ બોધપરાયણતાનો તેઓ જે સદંતર વિરોધ કરે છે તે તો ન જ સ્વીકારી શકાય. ‘ફિલસૂફી પહેલી, અને કવિતા તો ફિલસૂફીનો ઉત્તમ ઉદ્બેદ માત્ર હોવાથી ફિલસૂફીની પછી,[22] એમ જે બ્રાઉનિંગ કહ્યું છે અને ‘જેમાં ફિલસૂફીનું એકાદું સત્ય એક નહિ ને બીજી રીતે પ્રતિપાદિત કરવામાં ન આવ્યું હોય એ કાવ્ય બદલ એના કર્તાને આદર આપવાનું મને કદી મન થતું નથી',[23] એમ જે લૉવેલે કહ્યું છે. તે બન્ને અભિપ્રાયોમાં કવિતાનો કાર્યપ્રદેશ અને પ્રભાવ બન્ને અનુચિત રીતે સંકુચિત કરી નાખવામાં આવેલ છે એમ આપણને અવશ્ય લાગે છે. પણ કવિતા તરીકેની પોતાની સુન્દરતા અને તાત્ત્વિક લાક્ષણિકતાનો લેશમાત્ર ભોગ આપ્યા વગર કવિતા ફિલસૂફીનું સન્તાન કે ફિલસૂફીના સત્યનું વાહન ન જ બની શકે એમ માનવાનું કશું કારણ નથી. બોધપરાયણ કવિતાને નામે ઓળખાતા ઘણીખરી રચનાઓ સામે જે વાંધો લેવામાં આવે છે તેનું કારણ તો એ બોધપરાયણ છે એ નહિ પણ એ કવિતા નથી એ છે. સ્વ. રમણભાઈના શબ્દો ટાંકીએ તો ‘કવિતા જ્ઞાનથી કે જ્ઞાનના અન્વેષણથી વિમુખ છે એમ નથી, પણ એ વિષયમાં કવિતાના અને તત્ત્વચિન્તનના નિરૂપણ પ્રકાર જુદા છે. જે જ્ઞાનની પ્રાપ્તિ માટે તત્ત્વચિન્તકને દીર્ઘ અને સપ્રયાસ અન્વેષણ કરવું પડે છે તેનો પ્રકાશ કવિના અન્તઃકરણમાં સહસા પ્રેરણા દ્વારા પ્રવિષ્ટ થાય છે. એ જ રીતે જ્ઞાનની પ્રાપ્તિ માટે તત્ત્વચિન્તકને દીર્ઘ અને સપ્રયાસ અન્વેષણ કરવું પડે છે તેનો પ્રકાશ કવિના અન્તઃકરણમાં સહસા પ્રેરણા દ્વારા પ્રવિષ્ટ થાય છે. એ જ રીતે જ્ઞાનની પ્રસિદ્ધિના માર્ગ પણ જુદા છે. કવિતામાં સૂત્ર આવતાં નથી અને યુક્તિ અને પ્રમાણનું સવિસ્તર વિવેચન આવતું નથી. સામાન્ય ધર્મના સૂક્ષ્મ તર્કાન્વિત વિવરણને બદલે કવિતામાં માત્ર નિર્દિષ્ટ વ્યક્તિઓની વિશેષતાનું દર્શન ભાવ અને રાગથી રચેલી રસિક કૃતિમાં આપવામાં આવે છે. સામાન્ય ધર્મ અને પૃથકકૃત જ્ઞાન, રસાસ્વાદનો આનન્દ લેતાં, ફલિત થાય છે અને સુન્દર રૂપથી આકર્ષણ કરે છે. કવિતા આખરે સત્યનું અને નીતિનું જ પ્રતિપાદન કરે છે, અને કર્તવ્યનો અને ધર્મનો જ બોધ કરે છે; પણ, તે સર્વ પરોક્ષ રીતે.[24] આમ હોવાથી બોધપરાયણતા અને કાવ્યમયતા વચ્ચે કોઈ અનિવાર્ય વિરોધ જેવું કંઈ નથી, અને બોધપરાયણ હોવા છતાં રચના કાવ્યમય બની શકે કે નહિ તેનો સઘળો આધાર કવિના પોતાના પર જ રહે છે. અંગ્રેજીમાં વર્ડ્ઝવર્થ અને ગુજરાતીમાં પ્રાચીનોમાં નરસિંહ અખા વગેરે તેમ અર્વાચીનોમાં નરસિંહરાવ ખબરદાર વગેરેનાં કેટલાંક કાવ્યો સ્પષ્ટ રીતે બોધપરાયણ જ છે. વર્ડ્ઝવર્થે તો ‘જગત મને ઓળખે તો ઉપદેષક તરીકે જ ઓળખે, નહિ તો કંઈ નહિ' એવી ઈચ્છા દર્શાવેલી તે પણ સૌના સ્મરણમાં હશે. એટલે જ એની કવિતા વિષે લૉર્ડ મોર્લીએ કહ્યું છે કે તેમાં ‘ઉપદેશનાં લાંબાં વિસ્તરેલાં મરુક્ષેત્રો વચ્ચે એકબીજાની દૃષ્ટિમર્યાદામાં શુદ્ધ કવિતાનાં રમણીય મરુકુંજો જોવા મળે છે. [25] પણ એની આ ‘શુદ્ધ કવિતા'ની પણ પરીક્ષા કરીએ તો તેમાં પણ કેવળ પ્રવચનભરપૂર ખંડોની પેઠે વર્ડ્ઝવર્થનું ચિત્ત ઘણીવાર જ્ઞાન અને વિચારોથી અખંડ રીતે વ્યાવૃત રહેવું જોવામાં આવે છે. એટલે કોઈ રચના કવિતા બની શકે કે નહિ તેનો આધાર એમાં જ્ઞાન કે વિચારનો ભાવ કે અભાવ છે એના પર નહિ પણ એ જ્ઞાન કે વિચારનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેના પર રહે છે. વર્ડ્ઝવર્થનું ‘ટિન્ટર્ન એબે' એ કાવ્ય આનુ સારું ઉદાહરણ છે. એમાં વિચારો છે, પણ તે કાવ્યમય રીતે રજૂ થયા છે, અને તેથી એ આખી રચના કવિતા છે, ત્યારે એની બીજી રચનાઓ પદ્યમાં હોવા છતાં જ્ઞાનની જડ વાતોથી શુષ્ક બની ગએલી હોવાથી એને કવિતા તરીકે સ્વીકારી શકાતી નથી. આ ઉપરથી આપણે શીખવાનું છે કે કોઈ કવિની બોધપરાયણતા સામે વાંધો લેવાનો આપણને કશો વાજબી હક્ક નથી, વાંધો કાઢવા જેવું કંઈ હોય તો તે એના વિચારોને કાવ્યમય આકારમાં રજૂ કરવાની એની અશક્તિ જ છે. એટલે જે કોઈ કવિ કવિતાના રૂપમાં ફિલસૂફીનું નિરૂપણ કરે તેનો આપણે કદી દોષ કાઢવાનો નથી. એની ફિલસૂફી કલ્પના અને ઊર્મિથી રસમય રૂપાન્તર પામેલી હોવી જોઈએ, એનો ઘાટ સૌન્દર્યમય અને રસપૂર્ણ હોવો જોઈએ, તત્ત્વ-વિચારનું આવિષ્કરણ સાચા કાવ્યમય રૂપમાં થવું જોઈએ, અને એ રચના વાંચતી વખતે ફિલસૂફીના સત્યને એણે જે રીતે નિરૂપેલ હોય તેની અને કેવળ શુષ્ક ગદ્યમાં તે નિરૂપવામાં આવેલ હોય તો તેની વચ્ચે જે ફરક પડે તેની આપણને સચોટ રીતે પ્રતીતિ થવી જોઇએ. આટલી શરતો પાળવામાં આવે તો પછી કવિ ઉપદેષ્ટા કે નીતિ-શિક્ષક બને એ વાત તો ઊલટી આપણને આવકારપાત્ર લાગવાની, કેમકે પછી આપણને ખાતરી રહેવાની કે એના હાથમાં જીવન અને આચરણનાં સત્યો વિશેષ જોમ, પ્રભાવ, અને મહત્ત્વ ધારણ કરવાનાં.

એટલે કવિતા અને જીવન વચ્ચેના સંબંધને લગતી આ સંક્ષિપ્ત ચર્ચા આટોપતાં આપણે પ્રારંભમાં કહેલી વાત ફરીથી કહીશું કે કોઈ પણ કવિની મહત્તાનો અન્તિમ આધાર એના વિષયના ગૌરવ ઉપર, એ વિષયના નિરૂપણમાં એ દાખવી શકે તે જ્ઞાનસમૃદ્ધિ અને એના નીતિબળ તેમ નીતિવિચારોની આખા સમાજ ઉપર અસર કરવાના એના સામથ્ર્ય પર રહેલો છે. આમ કહેતાં કવિતાના નીતિતત્ત્વ પર વધારે પડતો ભાર મૂકવાનો આરોપ આવે તો, અર્વાચીન અંગ્રેજી વિવેચકોમાં કલાના વિશિષ્ટ અધિકારોના સમર્થક તરીકે આગળ તરી આવેલા એક વિદ્વાનના શબ્દો જ પુરાવામાં આંહી ટાંકીશું. એ વિદ્વાન વિવેચક તે વૉલ્ટર પેટર, અને તે કહે છે કે ‘સાહિત્યકલાની મહત્તાનો આધાર એ જે વિષયનું પ્રતિપાદન કરે તેના પ્રકાર ઉપર, એના વિસ્તાર અને વૈવિધ્ય ઉપર, જીવનના મહાપુરુષાર્થ કે પ્રયોજન સાથેના એના સંબંન્ધ ઉપર, એ ક્રાન્તિનો સૂર કાઢતી હોય તો તે સૂરની વેધકતા ઉપર, ને આશા અને આશ્વાસનનો સંદેશો આપતી હોય તો એ સંદેશાની મહાનુભાવતા કે ઉદાત્તતા પર રહેલો છે, અને “ડિવાઈન કૉમેડી,” “પેરેડાઈઝ લૉસ્ટ,” “લે મિઝરેબ્લ”, ને અંગ્રેજી બાઈબલને જગત મહા કલાકૃત્તિઓ તરીકે પૂજે છે તે એની અંદરના આ બધા ગુણોને કારણે જ પૂજે છે.[26] તેથી અન્ય સર્વ પ્રકારના સાહિત્યની પેઠે કવિતાના સ્વાધ્યાયમાં પણ આપણે આપણું લક્ષ સૌથી પહેલું તો ખુદ કવિ પ્રત્યે જ દોરવાનું છે એનું માનસ કેવું છે, એની વિશિષ્ટતા શી છે, ને જગત ભણી એ કેવી દૃષ્ટિથી જુએ છે, એ બધી બાબતોનો જ આપણે સૌથી પહેલો વિચાર કરવાનો છે. એની કૃતિમાં ગમે તો સ્પષ્ટ શબ્દોમાં અથવા આખી કૃતિના અન્તિમ તાત્પર્યરૂપે એ જીવનનું રહસ્ય કઈ જાતનું બતાવે કે સૂચવે છે, અને એમાં એના પોતાના સ્વતંત્ર વ્યકિત્વ જેવું શું છે એ બધું આપણે તપાસવાનું છે. કવિતાના સ્વાધ્યાયમાં એની કળા અને એની બાહ્યાકૃતિ, પૂર્વાચાર્યોની એના ઉપરની અસર અને સમકાલિનો સાથેનો એનો સંબન્ધ વગેરે પ્રશ્નોમાં આપણે ચિત્ત ભલેને ગમે તેટલાં વ્યાપૃત બની જાય તોપણ કવિના વ્યક્તિત્ત્વ અને માનસને લગતા ઉપલા પ્રથમ મહત્ત્વના પ્રશ્નોનું કવિતાના સ્વાધ્યાયમાં કદી વિસ્મરણ ન થાય એની આપણે ખાસ કાળજી રાખવાની છે.


નોંધઃ

  1. ‘સુદર્શનગદ્યાવલિ,’ પૃ. ૮૦૬.
  2. સદર. પૃ. ૮૪૭.
  3. ‘કાવ્યતત્ત્વવિચાર', પૃ. ૩૭.
  4. સદર, પૃ. ૧૧,
  5. સદર, પૃ. ૧૦૮.
  6. ‘સાહિત્ય', પૃ. ૬૩.
  7. ‘બાયોગ્રાફિયા લિટરેરિયા', પ્રકરણ ચૌદમું.
  8. ‘કલ્લોલિની’. પૃ. ૪૯.
  9. જુઓ ‘મેમ્વોર’, ૨, ૯૨.
  10. ‘આપણી કવિતા સમૃદ્ધિ', પહેલી આવૃત્તિનો પ્રવેશક, પૃ. ૨૬.
  11. સદર પૃ. ૨૮.
  12. જુઓ ‘કાવ્યતત્ત્વવિચાર,' પૃ. ૫-૮, ૧૧, ૩૭, ૧૦૮-૧૪, ૧૨૫-૮, ૧૪૯-૫૦.
  13. ‘કાવ્યતત્ત્વવિચાર,' પૃ. ૧૧૪.
  14. ‘એસેઝ ઈન ક્રિટિસિઝમ,' દ્વિતીય શ્રેણીમાનો ‘એસે ઑન વર્ડ્ઝવર્થ.’
  15. ‘બાયોગ્રાફિયા લિટરેરિયા,' પ્રકરણ પંદરમું.
  16. ‘પાર્નેસસ' ની પ્રસ્તાવના.
  17. ‘કાવ્યતત્ત્વવિચાર,' પૃ. ૧૨૭.
  18. ‘ધ પેન્ટામેરોન,’ ૪.
  19. સદર, ૨.
  20. ‘આપણી કવિતાસમૃદ્ધિ' (બીજી આવૃત્તિ), પૃ. ૧૫૫.
  21. ‘કવિતા અને સાહિત્ય’. ૨, ૭૧.
  22. અધ્યાપક વિલિયમ નાઇટને લખેલા પત્રમાં,
  23. ‘લેટર્સ’, ૧, ૭૩.
  24. ‘કવિતા અને સાહિત્ય,’ ૨, ૭૩.
  25. ‘વર્ઝવર્થ પોએટિકલ વર્કસ'ની ‘ગ્લોબ એડિશન’નો ઉપોદ્ઘાત, પૃ.૧૩.
  26. ‘એપ્રીસિએશન્સ’, પૃ. ૩૬.

‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૩૨ થી ૩૯