સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/નર્મદનું કાવ્યમન્દિર
(૧) નર્મદનું કાવ્યમન્દિર
સાહિત્યવિવેચનમાં જે વિવિધ ધોરણો પ્રવર્તે છે તેમાં મુખ્ય ત્રણ છે : રસલક્ષી, ઇતિહાસલક્ષી અને વ્યક્તિલક્ષી. આમાં પહેલું રસલક્ષી ધોરણ નિરપેક્ષ છે, અને બીજાં બે સાપેક્ષ છે, એટલે કોઈ પણ સાહિત્યકૃતિની અન્તિમ મૂલવણી કરવી હોય તો પહેલે ધોરણે જ તપાસ કરવી જોઈએ, છતાં એના કર્તાને પૂરો ન્યાય આપવો હોય અને એના કાર્યની બરાબર કદર કરવી હોય તો એક વાર નિરપેક્ષ રસલક્ષી ધોરણે તપાસ કર્યા પછી પાછું બીજાં બે સાપેક્ષ ધોરણે એની સેવાનું અવલોકન કર્યા વિના ચાલે નહિ. નર્મદની કવિતાની રસલથી પરીક્ષા તો ‘વીર નર્મદ'માં થઈ ગઈ છે, એટલે આંહી હવે એને ઇતિહાસલક્ષી તથા વ્યક્તિલક્ષી દૃષ્ટિએ જ જોવાનું રહે છે. શુદ્ધ રસલક્ષી દૃષ્ટિથી જોતાં નર્મદની કવિતામાં સો ટચનું સોનું બહુ ઝાઝું નીકળતું નથી એ તો નક્કી જ છે, પણ સો ટચનું નહિ તો યે એ સોનું તો ખરું કે નહિ? સોનું હોય તો ગુજરાતી સાહિત્યમાં એની કિંમત કેટલી? આપણી કવિતાના વિકાસમાં એનો ફાળો શો? તેના ઇતિહાસમાં એનું સ્થાન ક્યાં? આવા આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના હજુ રહે છે. નર્મદની કવિતાની ખામીઓ તથા મર્યાદાઓનું દિગ્દર્શન તો ‘વીર નર્મદ’માં કરાવી દીધું, તો હવે, એ ખામીઓ ને મર્યાદાઓ સ્વીકાર્યા પછી પણ, જેવી છે તેવી એની કવિતાનું સાપેક્ષ ધોરણે શક્ય હોય તેટલું ગુણદર્શન કરવા આંહી યત્ન કરીએ. પ્રથમ ઇતિહાસલક્ષી ધોરણ લઈએ, જોકે એ દૃષ્ટિએ જોતાં નર્મદે જે કંઈ આપ્યું છે તે એના વ્યક્તિત્વમાંથી સીધું જ આવ્યું છે, એટલે સાથે સાથે વ્યક્તિલક્ષી ધોરણે પણ વિચાર કરતા જવું પડશે. એ રીતે જોતાં તરત જણાશે કે નર્મદે ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી જ દિશામાં નવાં જ પાણીમાં એણે તેને તરતી મૂકી દીધી. છેલ્લા પાંચ સૈકાથી ગુજરાતી કવિતા મુખ્યત્વે પરલક્ષી પ્રકારમાં જ ઘૂમતી હતી તેને એણે આત્મલક્ષી પ્રકાર તરફ વાળી, કેવળ પરજીવન પર જ મીટ માંડીને ચાલતી હતી તેની દ્રષ્ટિને એણે ઈહજીવન ભણી દોરી, ને કેવળ ધર્મનીતિનું ધીરું ગાણું ગાતી હતી, તેને આત્મમન્થન તથા યુગમંથનના મસ્ત ઉદ્ગારોનું વાહન બનાવી. નર્મદે કરેલું આ પરિવર્તન કેટલું મૂલગામી અને મહાન હતું તેનો યથાર્થ ખ્યાલ એક જ રીતે આવી શકે એમ છે : ‘બૃહત કાવ્યદોહન' જેવો કેવળ પ્રાચીન પણ પ્રાચીનનાં સર્વ અંગો તથા યુગોને એકી સાથે પ્રતિબિંબિત કરતો કોઈ કાવ્યસંગ્રહ લેવો અને તેની ‘નર્મકવિતા' સાથે તુલના કરી જોવી. એવી તુલના કરતાં તરત જ પ્રતીતિ થશે કે નર્મદે ગુજરાતી કાવ્ય સરિતાનો પટ ખૂબ વિસ્તારી દીધો અને એમાં અનેક નવા નવા વિષયોનો ઉમેરો કર્યો. નરસિંહથી તે દયારામ સુધીના પાંચ સૈકાનું સઘળું સર્જન સામટું લઈએ તો પણ એક જ દસકામાં રચાએલી ‘નર્મકવિતા' જેટલું વિષયવૈવિધ્ય તે દાખવી શકતું નથી એ હકીકત જ નર્મદની મહત્તા પુરવાર કરવા બસ છે. વિષયની બાબતમાં તો નર્મદે ઘણું નવું આણ્યું તેની સાથે જૂનું પણ કેટલુંક મુખ્ય મુખ્ય જાળવી રાખ્યું છે. ઉદાહરણ તરીકે ‘રુકિમણીહરણ' જેવામાં એણે પ્રેમાનન્દ આદિની આખ્યાનશૈલી ચાલુ રાખી છે, ‘વજેસંગ ચાંદબા'માં સામળ આદિનો વાર્તાપ્રવાહ કંઈક રૂપમાં વહેતો કર્યો છે, અને તેની ઈશ્વર સંબન્ધી કવિતામાં નરસિંહઆદિના જેવાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં પદો તથા પ્રેમસંબન્ધી કવિતામાં દયારામઆદિના જેવી ગરબીઓ પણ પુષ્કળ છે. પણ નર્મદનું ઇતિહાસમાં જે સ્થાન છે તે જૂનાને જાળવનાર તરીકે નહિ પણ નવાને લાવનાર તરીકે જ છે, એટલે એનાં એ જૂની શૈલીનાં કાવ્યોનો વિચાર આંહીં આપણે નહિ કરીએ. આંહીં તો ગુજરાતી કવિતામાં એણે જે નવાં તત્ત્વો આણ્યાં તેનું જ દિગ્દર્શન કરીશું. નર્મદે ઉમેરેલાં એ નવતત્ત્વોનો આ સંગ્રહના જે વિવિધ ખંડો૧[1] પાડ્યા છે તે જ એક રીતે નિર્દેશ કરી દે છે, તેથી એ ખંડોનું જ ક્રમવાર અવલોકન કરી જઈએ તો એટલામાં જ ઇતિહાસદૃષ્ટિએ ગુજરાતી કવિતાની નર્મદ કરેલી ચિરંજીવ સેવાનો સાચો ખ્યાલ આવી જશે. ગુજરાતી કવિતાને નર્મદનું પ્રથમ મુખ્ય અર્પણ તે એનું પ્રકૃતિવર્ણન. પ્રાચીન ગુજરાતીમાં પ્રકૃતિવર્ણન બિલકુલ નહોતું એમ તો નહિ કહી શકાય. નરસિંહનાં પ્રભાતિયાંમાં, પ્રેમાનન્દનાં આખ્યાનોમાં, અને ઇતર કવિઓની છૂટક રચનાઓમાં પ્રકૃતિવર્ણન છે જ, પણ એ સઘળું અત્યંત ગૌણ અને પરોક્ષ પ્રકારનું જ છે. ગુજરાતી ભાષામાં પ્રકૃતિલીલાનું પ્રધાનપણે અને અપરોક્ષ રીતે પ્રથમ વર્ણન કર્યું તે તો નર્મદે જ. અને નર્મદની પ્રકૃતિપૂજા કેવળ સ્વાભાવિક જ નહિ પણ વિશેષમાં અનિવાર્ય પણ હતી. કેમકે નર્મદ એટલે ગુજરાતનો આદ્ય કૌતુકપ્રિય (રોમેન્ટિક) કવિ. સાહિત્યકાર તરીકે કોઈ એક જ વિશેષણ નર્મદને ઓળખાવવા પૂરતું હોય તો તે આ ‘કૌતુકપ્રિય' છે. એને કૌતુકપ્રિય કહો એટલે એનાં સઘળાં લક્ષણોનું સૂચન થઈ જશે. કેમકે નર્મદની કવિતાનાં સર્વ અંગો એના કૌતુકપ્રેમના પરિણામરૂપ છે. એનો આવેશ, એની મસ્તી, એનું બંડ, એનો સુધારાનો ઉત્સાહ, એનું સ્વદેશાભિમાન, એનો સ્વાતંત્ર્યપ્રેમ, એની યુયુત્સા, અને છેવટે એનું વિચારપરિવર્તન તથા ઉપરતિ, એ સઘળું એના કૌતુકપ્રેમમાંથી પ્રકટ્યું હતું. હવે, કૌતુકપ્રિય માનસનું એક આગળ પડતું લક્ષણ તે એનો અહંભાવ છે. આ અહંભાવ જ એની સમસ્ત ચિત્તપ્રવૃત્તિનું પ્રેરક ચાલક તત્ત્વ હોય છે. આપણા નર્મદમાં પણ એ વૃત્તિ સર્વોપરી હતી. એ તો એક રીતે કહીએ તો અહંભાવનો અવતાર જ હતો અને એણે ગુજરાતી કવિતામાં જે કંઈ નવાં રૂપો કે તત્ત્વો દાખલ કર્યાં તે મુખ્યત્વે આ અહંભાવની સન્તતિરૂપ જ છે. ઉદાહરણ તરીકે એ અહંભાવપ્રધાન આત્મલીન પુરુષ હતો તેથી જ એણે અન્તરના ઊભરા ઠાલવતાં આત્મલક્ષી કાવ્યો ગુજરાતીમાં સૌથી પહેલાં લખ્યાં. એને આત્યંતર જગતની પરવા નહોતી તેથી જ એણે લોકો સામે બળવો પોકારી સમાજસુધારાનો વાવટો ફરકાવ્યો. અને એને પોતાનું સઘળું અત્યંત પ્રિય લાગતું હતું તેથી જ એણે સ્વદેશાભિમાન અને પ્રજાસ્વાતંત્ર્યનાં ગીતો ગાયાં. આ જ રીતે એનો પ્રકૃતિપ્રેમ પણ એના અહંભાવપ્રધાન કૌતુકપ્રેમના પરિણામરૂપ છે. કૌતુકપ્રિય પુરુષ એટલો બધો મનસ્વી હોય છે કે એ કેમ કરતાં બાહ્ય પરિસ્થિતિ સાથે પોતાની જાતને અનુકૂળ કરી શકતો નથી. પોતાનાં તરંગ, ધૂન, ભાવના આદિમાં એ એટલો બધો ચકચૂર હોય છે કે જગતને એ છે તેવા વાસ્તવ સ્વરૂપમાં સ્વીકારી શકતો નથી અને તેથી એના જીવનમાં જાતજાતનાં સંઘર્ષણો ઊભાં થાય છે. આવાં સંઘર્ષણોથી એ વારંવાર થાકી જાય છે, ૨[2] અને એક પ્રકારનો નિર્વેદ એ પછી એના ચિત્તનો સ્થાયી ભાવ બની રહે છે. આ થાક ને નિર્વેદને ભૂલવા માટે એને કોઈ રમણીય વિશ્રાન્તિસ્થાનની જરૂર પડે છે, અને કુદરત એને એવું સ્થાન પૂરું પાડે છે, એટલે એ કુદરતનો આશક બને છે. નર્મદના સંબન્ધમાં તો આ વાત સાવ સ્પષ્ટ છે. એણે પોતે પ્રકૃતિવર્ણનોમાં પ્રસ્તાવનારૂપે ઠેરઠેર આ વાતનો એકરાર કર્યો છે. ૩ એ તો કહે છે :–
‘મૈત્રી મારે કુદરતતણી, લેણાદેણી મારે ઘણી;
કુદરત મારી છે માશૂક, એથી પૂરું પામું સુખ.
બહુ ગભરાઉં દુનિયાથકી, એકાન્તે જઈ બેસું નકી;
કુદરતકેરા કરું વિચાર, વીસરી જાઉં દુ:ખને યાર.'
આ રીતે નર્મદ કૌતુકપ્રિય હોઈને સ્વભાવથી જ કુદરતપ્રેમી હતો તેમાં એના ચિત્ત પર શિક્ષણ આદિના જે સંસ્કાર પડેલા તેથી એ વિશેષ કુદરતપ્રેમી બનેલો. એનો જમાનો એટલે યૂરોપમાં કૌતુકપ્રિય કવિઓની પૂજાનો જમાનો. એના યુગમાં માન પામતા મુખ્ય અંગ્રેજી કવિઓ વર્ઝવર્થ, શેલી, બાયરન વગેરે કુદરતપ્રેમી કૌતુકપ્રિય કવિઓ. નર્મદના શિક્ષણક્રમમાં પણ આ કવિઓની કૃતિઓનું જ પ્રાધાન્ય. એટલે આ શિક્ષણની અસરથી પણ એ કુદરતમાં વિશેષ રસ લેવા લાગે એ સ્વાભાવિક હતું. પ્રકૃતિવર્ણન એ કવિતાનું એક મહત્ત્વનું અંગ હોવા છતાં ગુજરાતી ભાષામાં તે બિલકુલ નથી, અને તેથી તે આપણે ત્યાં પ્રયત્નપૂર્વક લાવવું જોઈએ એમ એને જે ભાન થએલું તે પણ આ કવિઓના અભ્યાસ દ્વારા જ, અને તેથી જ તે પ્રકૃતિકાવ્યોની રચના કરવા પ્રેરાએલો. આ પ્રમાણે નર્મદના પ્રકૃતિપ્રેમ પાછળ સ્વભાવ તેમ સંસ્કાર ઉભયનું બળ હતું તેથી જ એ ગુજરાતનો આદ્ય પ્રકૃતિગાયક બની ગયો છે. અલબત્ત, એનામાં જેટલો પ્રકૃતિપ્રેમ છે તેટલી કાવ્યપ્રતિભા નથી, એટલે ઘણાંખરાં કાવ્યોમાં એની સ્થિતિ પ્રકૃતિવર્ણનનો સભાન પ્રયત્ન કરનાર નિબન્ધકારના જેવી દેખાય છે. કવિની સર્જનશક્તિ કરતાં નિબન્ધકારની અવલોકનશક્તિનું જ એમાં એકંદરે વિશેષ દર્શન થાય છે, છતાં આંહીં આપેલા વનવર્ણન તથા ઋતુવર્ણનના કેટલાક ખંડો પ્રકૃતિ કવિતાના પ્રારંભ તરીકે ખરેખર યશ આપે એવા અને સંભારીને સાચવી રાખવા જેવા છે. એમાંનું ઘણું ખરું વર્ણન યાત્રિક પ્રકારનું છે, છતાં એની ત્રણ વિશિષ્ટતાઓ એમાં રસ પૂર્યા વિના રહેતી નથી. આમાંની પહેલી વિશિષ્ટતા તે કવિની મુગ્ધતા. પ્રકૃતિની શોભા જોઈને કવિનો આત્મા ખરેખર આનન્દથી નાચી ઊઠે છે અને તેથી એનાં સઘળાં કાવ્યોમાં એ ઉલ્લાસમિશ્રિત અહોભાવથી જ વાતો કરે છે. ‘આહા!' ‘રે!' ‘શી શોભા!' એવાં ઉદ્ગારવચનો એનાં પ્રકૃતિકાવ્યોમાં ઠેરઠેર વેરાએલાં પડ્યાં છે તે એના આ મુગ્ધ અહોભાવને લીધે જ. અલબત્ત, આ મુગ્ધતામાં એની મર્યાદા પણ કેટલીક વાર પ્રદર્શિત થઈ જાય છે. કેમકે ઘણી વાર એનું પ્રકૃતિવર્ણન કેવળ ‘આહા!'થી જ અટકી જાય છે અને આ ‘આહા!' શા માટે થયું તેની વાચકને તો કેવળ કલ્પના જ કરવાની રહે છે. ઉદાહરણ તરીકે ‘બ્રહ્મગિરિ' માં એ પહેલી દોઢ લીટીમાં ગિરિવર્ણન કરીને એકાદ કડી પછી તરત બોલી ઊઠે છે કે ‘લીલા પીતાં નથી રે ધરાતો!' પણ શી લીલા તે તો કંઈ સમજાતું જ નથી. પ્રકૃતિદર્શને કવિને ચિત્તમાં જાણે કંઈક કંઈક થઈ જાય છે પણ એ કેમ વર્ણવવું તે ન સૂઝતાં એકદમ મોઢું વકાસીને ઊભો રહેતો હોય એવી છાપ કેટલીક વાર તો એનાં કાવ્યોમાં પડે છે. છતાં સર્વત્ર એની મુગ્ધ રસવૃત્તિ તો સ્પષ્ટ દેખાઈ આવે છે, અને એના પ્રમાણમાં પ્રકૃતિવર્ણન નહિ હોવા છતાં એ રસવૃત્તિ વાચકને પોતાનો ચેપ લગાડીને કવિની સાથે ઘસડવામાં ઘણી વાર સફળ થતી હોવાથી એનાં કેટલાંક કાવ્યો તો જરૂર રુચિર બની રહે છે. નર્મદનાં પ્રકૃતિકાવ્યોની બીજી વિશિષ્ટતા તે એનાં પ્રકૃતિવર્ણનોમાં ભળેલી ઉત્કટ રાગવૃત્તિ. નર્મદ વદ્વર્ઝવર્થ આદિ કવિઓ જેવો સૌમ્ય ચિન્તક પ્રકૃતિનો નહિ. પણ ‘ઋતુસંહાર'કાર કાલિદાસ આદિ કવિઓ જેવો વિલાસી પ્રકૃતિનો પુરુષ હતો. એટલે એનાં પ્રકૃતિકાવ્યોમાં પશ્ચિમના કવિઓ જેવું ચિન્તન નથી, પણ પૂર્વનાં સંસ્કૃત વર્ણનોમાં છે તેવો શ્રૃંગારભાવ પુષ્કળ છે. નર્મદનાં પ્રકૃતિકાવ્યો જે રસ આપે છે તે એમ ના પ્રકૃતિ સાથે પ્રેમભાવના આ મેલનને લીધે જ. વાંચતાં જ આપણને જણાઈ આવે છે કે આ બધાં જેનું જોબનું જોસ’માં હોય એવા કોઈ મત્ત વિલાસી કવિનાં પ્રકૃતિવર્ણનો છે, એટલે એની ઉત્કટ રાગવૃત્તિ એનાં પ્રકૃતિવર્ણનોને પણ પોતાની માદકતા કેટલાક ટકા આપીને એને મોહક બનાવે છે. અને નર્મદનાં પ્રકૃતિવર્ણનોની ત્રીજી વિશિષ્ટતા તે એની નિર્વ્યાજ સરળતા છે. નર્મદ સ્વભાવથી જ સરળ નિખાલસ હતો, એટલે પ્રકૃતિવર્ણન કરતી વખતે એ શૈલી, અલંકાર, કે ભાષાનો ઠઠારો કરવા માટે જરા યે પ્રયત્ન કરતો નથી, પણ પોતાની દૃષ્ટિ સીધી જ વર્જ્ય પદાર્થ પર રાખી પોતે જેવું જોતો હોય તેવું સીધેસીધું સાદી નિરાડંબરી વાણીમાં વર્ણવે છે. પરિણામે એનાં પ્રકૃતિકાવ્યોમાં એક પ્રકારની ઋજુતા અને સાદું લાવણ્ય વિલસી રહ્યું છે, અને તેથી, એ જેમ પ્રકૃતિદર્શને પ્રફુલ્લ બનીને ‘કૈવું સાદું સલૂણું!' એમ બોલી ઊઠતો, તેમ એનાં પ્રકૃતિવર્ણનને કાવ્યો વાંચીને વાચક પણ એની ઉપર ગણાવેલી અમુક મર્યાદા છતાં ‘કેવું સાદું સલૂણું!' એમ બોલી ઊઠે એવું છે. આ ‘સાદું સલૂણું!' એ બે શબ્દોમાં જ નર્મદનો પ્રકૃતિકાવ્યોની સાચી ઓળખ આવી જશે. ગુજરાતી કવિતાને નર્મદનું પ્રથમ મુખ્ય અર્પણ જેમ એનાં પ્રકૃતિકાવ્યો છે તેમ એનું બીજું મુખ્ય અર્પણ તે એનાં પ્રણયકાવ્યો છે. આમાં પણ એનો ફાળો વિષય કરતાં વિષયનિરૂપણના પ્રકાર પરત્વે વિશેષ હતો. કેમકે પ્રણય એ તો માનવહૃદયની મૂલગત ઊર્મિ છે, તેથી તેનો આવિર્ભાવ કોઈ પણ સાહિત્યમાં કવિતાના જન્મની સાથે જ થવા લાગે છે. ગુજરાતી ભાષામાં પણ છેક પ્રાચીન કાળથી એ ઊર્મિ કોઈ ને કોઈ રૂપમાં પ્રકટતી રહી જ હતી, પણ નર્મદે સાહિત્યપ્રવેશ કર્યો ત્યાં સુધી તે ગમે તો પરલક્ષી આખ્યાનકાવ્યોમાં અથવા તો કૃષ્ણગોપીવિષયક પદોમાં જ પુરાઈ રહી હતી. તેને મુક્ત કરી કશા યે આડપડદા વિના શુદ્ધ પ્રેમકાવ્યરૂપે સીધી વ્યક્ત કરવા માંડી તે તો પહેલવહેલી નર્મદે જ. અને આને માટે તો એની યોગ્યતા પ્રકૃતિકવિતા કરતાં પણ વિશેષ હતી. કેમકે નર્મદ એટલે ઊછળતા જોમથી થનગનતી યૌવનમૂર્તિ, અને યૌવનનો એક પ્રધાન ભાવ તે પ્રણય, એટલે એ અનિવાર્ય રીતે જ પ્રણયકવિ થવાને સર્જાએલો હતો. એનાં પ્રકૃતિકાવ્યો એક રીતે એના શિક્ષણ અને સંજોગોનું પરિણામ છે. પણ એનાં પ્રણયકાવ્યો તો સીધી રીતે જ એના સ્વભાવના આવિષ્કરણરૂપ છે. એ બીજા કોઈ યુગમાં થયો હોત તો કદાચ પ્રકૃતિકવિ કે રાષ્ટ્રકવિ ન થઈ શક્યો હોત, પણ પ્રણયકવિ તો એ કોઈ પણ યુગમાં થયા વિના રહેત જ નહિ. કેમકે પ્રેમ એ એના હૃદયની અકૃત્રિમ અને અદમ્ય લાગણી હતી. પ્રેમથી તો એનું અન્તર સદાનું તપ્ત રહેતું-એનો તો તાવ જ એના શરીરમાં સદા ધીખ્યા કરતો હતો. એના પોતાના શબ્દો છે કે:-
‘નામ મારું નર્મદ રૂડું રે, કહું છું સાચું,
કુળે ઊંચું તે નાગર નામ, તનડે તાવ ધીકે હો,
બાહાર રંગીલો બહુ દીસતો રે, કહું છું સાચું,
રહું દાધ્યો અન્તર આઠ જામ, તનડે તાવ ધીકે હો.
જ્ઞાની ઘણો છઊં તો ય હું રે, કહું છું સાચું,
સ્હેજે સ્હેજ લાગી જાય દિલ, તનડે તાવ ધીકે હો.
નર્મદ તો પ્રેમચૂર છું રે, કહું છું સાચું.
ઠાંસ્યા ઉપર ઠાંસું વણ ઢીલ, તનડે તાવ ધીકે હો.'
('નર્મકવિતા,' પૃ. ૧૬૭)
આ ઊર્મિનું જોર તો એના જીવનમાં એટલું બધું હતું કે ઘણી વાર તેની આગળ એનું જ્ઞાનબળ પણ હારી જતું અને એ સર્વથા પરવશ બની જતો :-
‘મારું હું મન દૃઢ જ્ઞાનથી રે, કહું છું સાચું,
તો યે સેહેજ જવાય પીવાઈ, તનડે તાવ ધીકે હો.
લેખ લખ્યા ન ટળાય તે રે, કહું છું સાચું,
પીવો પડે તો તે ચ્હાઈ ધાઈ, તનડે તાવ ધીકે હો.
પ્રેમ આગળ નેમ ના નભે રે, કહું છું સાચું,
હીરો કાળો ચૂરો થઈ જાઉં, તનડે તાવ ધીકે હો.
નેમ રાખે છે પ્રભુ એટલો રે, કહું છું સાચું,
પ્રીતિ ઊજળીમાં ઝંપલાઉં, તનડે તાવ ધીકે હો.’
('નર્મદકવિતા’, પૃ. ૧૬૬-૬૭)
આ રીતે નર્મદ પ્રકૃતિથી જ પ્રેમનો બંદો હતો, અને ‘ઊજળી પ્રીતિ'ને માટે તો એનું ચિત્ત સતત રીતે ઝંખ્યા જ કરતું હતું. ઊજળી પ્રીતિ-વિશુદ્ધ આદર્શ પ્રેમ-ની નર્મદની આ ઝંખના કદી પૂરી સંતોષાઈ લાગતી નથી, અને એના જીવનમાં જે વિલાસવૃત્તિ જોવામાં આવે છે તે પણ વિશુદ્ધ પ્રેમની એની આ અતૃપ્ત વાસનાએ લીધેલું વિકૃત રૂપ જ જણાય છે. નિર્મળ પ્રીતિને માટે વલખાં મારતું મન પૂરો સંતોષ મેળવી ન શકે ત્યારે પરિણામ કેવું કરુણ આવે તેનું મણિલાલ નભુભાઈની૪[3] પેઠે નર્મદ પણ આપણા સાહિત્યમાં એક ચિરસ્મરણીય દૃષ્ટાન્ત છે. એક ઠેકાણે એ કહે છે :-
‘જનમ ધરી અનુભવ્યું નથી, બહેન તરફનું સૂખ;
એ સુખ લેવા બહુ ફર્યો, દીઠું સગળે દુ:ખ'
('નર્મકવિતા,' પૃ. ૧૬૮)
નર્મદના જીવનનું આખું પ્રેમપ્રકરણ તે આ નિર્મળ પ્રીતિની શોધમાં એ જે બહુ ફરેલો તેના તેમ એવી રીતે બહુ ફરવા છતાં સાચી નિર્મળ પ્રીતિનો અનુભવ એને પૂરતો ન થતાં એમાં જે કંઈ વિકૃતિ પેઠેલી તેના ઇતિહાસ સિવાય બીજું કંઈ નથી. દુર્ભાગ્યે એ આખું પ્રકરણ આપણી પાસેથી લુપ્ત થઈ ગયું છે, અને નર્મદનું સંપૂર્ણ જીવનચરિત્ર લખવામાં જે અનેકવિધ મુશ્કેલીઓ ઊભી છે તેમાંની એક મોટામાં મોટી આ જ છે કે એના ચિત્તની જે પ્રબળ વાસના આ પ્રણયની અને એના જીવનની જે પ્રધાન પ્રવૃત્તિ આ પ્રણયશોધની તેને લગતી વિગતો હવે કદી પણ જાણી ન શકાય એવી રીતે સદાને માટે ગુમ થઈ ગએલ છે. ૫[4] છતાં આ પ્રેમપ્રવૃત્તિ વિષે જે છૂટાછવાયા મોઘમ ઈશારા તેનાં લખાણો તેમ પત્રોમાંથી મળે છે તે ઉપરથી એટલું તો સાબિત થાય છે કે જીવનમાં-ખાસ કરીને જીવનના પૂર્વાર્ધમાં–એણે ‘પ્રીતિદેવીની' રીતસરની સેવા જ આદરી હતી અને તેથી આ વિષયમાં એને અનેક વિ- સંવેદનો તથા અનુભવો થયા હતા. એની પ્રણયકવિતા એટલે એનાં આ સંવેદનો તથા અનુભવોનું શબ્દાવતરણ જ છે. આ પ્રણયકવિતાને સૂક્ષ્મ રીતે તપાસીશું તો તેમાં મુખ્યત્વે બે જાતના પ્રવાહ નજરે પડશે : (૧) પ્રેમમસ્ત દિલનો દર્દમય ઊભરો અને (૨) પ્રેમાનુભવી બુદ્ધિનું પ્રેમવિષયક ચિન્તન, ‘કુમુદચન્દ્ર પ્રેમપત્રિકા' નામે નર્મદનું આ વિષયમાં એક મહત્ત્વનું સુદીર્ઘ કથાકાવ્ય છે, તેમાં ચન્દ્ર કુમુદને કાવ્યરચના કેમ કરવી તે સંબંધમાં સૂચના કરતાં લખે છે કે
‘કુમુદ તું જો કવિતા કરે, દિલ દરદ દરશાય.'
અને નર્મદ પોતે એની આ પ્રણયકવિતામાં એ જ કરી રહ્યો છે. દિલનું દર્દ જ એનાં આ બધાં કાવ્યોમાં એ દર્શાવી રહ્યો છે. આ રીતે દિલદર્દ દર્શાવવું એ એને માટે કેવલ શોખની વસ્તુ નહોતી, પણ અનિવાર્ય આવશ્યકતા જેવું હતું. પ્રેમદર્દથી એ એટલો બધો પીડાતો હતો કે દિલના ઊભરા કાવ્ય વાટે બહાર કાઢવા એ જ એને માટે દર્દમુક્ત બનવાનો માર્ગ હતો. એનો પોતાનો એકરાર છે કે
'મારી વાત કહું હું નર્મ, વ્હાલા વિનાનો દુ:ખી,
ઊભરે કહાડી દિલોના મર્મ, મથું છું થવા સુખી.'
દિલદર્દના ઊભરા જ આ પ્રમાણે આમાં કાઢવાના હોવાથી એનાં પ્રથમ પ્રકારનાં કાવ્યો સ્વાભાવિક રીતે જ ખૂબ સચોટ અસરકારક બન્યાં છે. શુદ્ધ કલાદષ્ટિએ તો અલબત્ત તેમાંનાં ઘણાંખરાં અણઘડ જ છે, પણ એની અંદરનો પ્રણયનો તલસાટ અને રાગની મસ્તી ચિત્તને હલમલાવી મૂક્યા વગર રહેતાં નથી. દિલને વલોવી નાખે એવો ઉત્કટ રાગ એ જ નર્મદની આ વિષયની કવિતાનું મુખ્ય લક્ષણ છે. એની પ્રણયકવિતામાં પશ્ચિમનાં અથવા આપણાં આધુનિક પ્રેમકાવ્યો જેવી સૂક્ષ્મતા, અપાર્થિવતા, ઉચ્ચતા, કે નાગરિક સુકુમારતા જોવામાં નથી આવતી, પણ એ તો જેની નસોમાં ‘ધમધમ લોહી વહેતું' હોય એવા કોઈ મત્ત ભોગીના-રાગમસ્ત વિલાસીના-આવેશમય ઉદ્ગાર જેવી છે. નર્મદનાં આ કાવ્યો કેટલેક અંશે દયારામનું સ્મરણ કરાવે એવાં છે. અલબત્ત, એમાં દયારામનું લાલિત્ય માધુર્ય નથી, પણ સાટે ચિત્તને બળપૂર્વક ઘસડી જાય એવો વેગવાન જુસ્સો પુષ્કળ છે. નર્મદની કવિતામાં એની પ્રણયકવિતા સૌથી વધારે પ્રવાહી અને અન્યયમક આદિ છન્દરચનામાં કદાચ સૌથી ઓછી ક્લિષ્ટ દેખાય છે. તેનું કારણ પણ એના હૃદયનો આ વેગવાન પ્રેમજુસ્સો જ છે. દુર્ભાગ્યે એનો આ જુસ્સો ઘણી વાર શિષ્ટતા તથા સુરુચિની પાળો તોડી નાખે એવો ઉન્મત્ત બન્યો છે, તેથી એનાં આ વર્ગનાં સ કાવ્યો આ સંગ્રહમાં લઈ શકાયાં નથી, પણ જેટલાં લઈ શકાયાં છે તેટલાં પણ એને
‘કીર શૃંગારી વનતણો, ને ચન્દ્ર હૃદયનો જેહ'
એવા ‘રસિક કવિ' તરીકે સદાને માટે ઓળખાવવાને પૂરતાં છે. બીજા પ્રકારનાં કાવ્યોમાં પ્રેમવિષયમાં પોતાને જે બહોળો અનુભવ થએલો અને તેનાં વિવિધ પાસાનું જે જ્ઞાન મળેલું તેનું એણે આલેખન કર્યું છે. આમાંનાં કેટલાંક કાવ્યો બોધપરાયણ અને ચિન્તનપ્રધાન છે, એટલે સ્વાભાવિક રીતે જ શુદ્ધ કવિતા તરીકે તે પ્રથમ પ્રકારનાં કાવ્યો જેટલી ઊંચી કક્ષામાં મૂકી શકાય એમ નથી. પણ પ્રેમવૃત્તિના એકવિધ અનુભવ તથા સતત ચિન્તનમાંથી પરિણમેલાં હોવાથી પ્રેમમીમાંસા તરીકે તેમ નર્મદના માનસને સમજવાના સાધન તરીકે એ ઉપયોગી થઈ પડશે. આ રીતે એકંદરે આ ખંડની કવિતા બહુ સુઘડ કલાન્વિત નહિ હોવા છતાં પ્રેમોર્મિના મત્ત ગાયક તથા અનુભવી ચિન્તક તરીકે નર્મદનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં લાંબા વખત સુધી ટકાવી રાખે એવી જરૂર ગણાશે. હવે પછીના બે ખંડો પરસ્પર સંકળાએલા હોવાથી એ બન્ને સાથે લેવા ઠીક પડશે. નર્મદે ગુજરાતી સાહિત્યને ખરેખરું અપૂર્વ કંઈ આપ્યું હોય તો તે આ બે ખંડોમાં જ છે. એની પ્રકૃતિકવિતા તથા પ્રણય-કવિતા સર્વથા અપૂર્વ કહી શકાય એવી નથી, કેમકે એ બન્ને વિપયો કોઈ ને કોઈ રૂપમાં અમુક પ્રમાણમાં તો પ્રાચીન ગુજરાતીમાં પણ મળી આવે છે. એમાં નર્મદની જે નવીનતા છે તે વિષયની નહિ, પણ વિપયનિરૂપણના પ્રકારની જ છે. એટલે એ બે બાબતોમાંનું એનું અર્પણ નવીન હોવા છતાં અપૂર્વ ગણી શકાય એવું નથી. પણ આ બે ખંડોમાં એણે સ્વાતંત્ર્ય, સ્વદેશપ્રેમ, અને શૌર્યની જે કવિતા રચી છે તે તો ગુજરાતી ભાષામાં સર્વથા અપૂર્વ જ છે. ગુજરાતી કવિતાને એનો સૌથી મહત્ત્વનો ફાળો પણ એની આ ખંડોમાંની રચનાઓ દ્વારા જ મળેલો છે. અને આમાં કંઈ નવાઈ જેવું નથી, કેમકે એક બાજૂથી પ્રણય એ જેમ એના ચિત્તનો અતિ પ્રબળ ભાવ હતો તેમ બીજી બાજૂથી સ્વત્ત્વ સ્વાભિમાન, અહંતા એ પણ એના ચિત્તનો એટલો જ પ્રબલ ભાવ હતો. બન્ને વચ્ચે તફાવત હોય તો એટલો જ છે કે આ સ્વત્ત્વનો ભાવ અને એમાંથી જન્મેલી સ્વાતંત્ર્ય, સ્વદેશપ્રેમ, ને શૌર્યની કવિતા સમયની દૃષ્ટિએ જોતાં કંઈક અર્વાચીન સંસ્કૃતિનુ કળ લાગે છે. એટલે પશ્ચિમના સંસ્કારસંપર્ક વિના પણ નર્મદ પ્રણયકવિ થઈ શક્યો હોત એમ આપણે બેધડક કહી શકીએ, પણ એવા સંપર્ક વિના એ રાષ્ટ્રકવિ કે સ્વાતંત્ર્યગાયક થઈ શક્યા હોત એમ કહી શકીએ નહિ. પણ સમયની આટલી અસર સ્વીકારી લઈએ તો પછી નર્મદની આ વિષયની રચનાઓને એનાં પ્રણયકાવ્યો જેટલી જ સ્વભાવપ્રેરિત અને અનિવાર્ય ગણવામાં વાંધો નહિ આવે. વસ્તુતઃ પ્રારંભમાં કહ્યું તેમ પ્રકૃતિથી એ અહમ્નો અવતાર હતો. આથી કુદરતી રીતે જ એ સ્વત્ત્વનો પ્રબલ પુરસ્કર્તા બન્યો હતો. પોતાનો પંડ, પોતાનું નગર, પોતાનો પ્રાન્ત, ને પોતાનો દેશ એ સર્વને માટે એને અનહદ પ્રેમ ને માન હતાં તેનું આ જ કારણ છે. એના જીવનમાં જે અસાધારણ સ્વાતંત્ર્યપ્રેમ જોવામાં આવે છે તે પણ એના આવા ઉદામ સ્વત્ત્વનું જ પરિણામ છે. સ્વાતંત્ર્યને માટે તો એ મરી જ પડે છે. એના જીવનમાં જો કોઈ વસ્તુને માટે અત્યંત આદર હોય અને અતિતીવ્ર ઝંખના હોય તો તે કેવળ સ્વાતંત્ર્યને માટે જ છે. કોઈ પણ પ્રકારનું બંધન એને માથાના ઘા જેવું લાગે છે. કોઈ પણ વિષયમાં પરતન્ત્રતા એને અસહ્ય થઈ પડે છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું સ્વત્ત્વ સહેજ પણ હણાય કે રૂંધાય તે એ સાંખી જ શકતો નથી. જિન્દગીની સૌથી ‘મોટી મતા'-જીવનનું સર્વસ્વ-એ સ્વાતંત્ર્યને જ સમજે છે, અને તેથી એણે તો પ્રતિજ્ઞા જ લીધી છે કે ‘સ્વતન્ત્રતાને માટે ખરા જોદ્ધા પ્રમાણે સર્વસ ખોઈને મરીશું, પણ ધન પદવી માનને માટે ગંડુ કાયર પ્રમાણે સર્વસ સમાલી રાખી ભોગવવાને નહીં જીવીયે.૬[5] એને મન તો
‘જેટલા દીસે છ માનવી હકો ઘણા ઘણા,
મુખ્ય છે સ્વતંત્રતા નથી જ તેહમાં મણા.'
સ્વાતંત્ર્યને જ એ સાચું મનુષ્યત્વ ગણે છે, અને તેથી સ્વતંત્રતાની દેવીને ઉદેશીને એ કહે છે :
‘તું વિના પ્રાણી નવ જીવે, કદી જો જીવે, પ્રાણી તે તને, બાકી જડ મન.'
જીવનનો આધાર જ આ રીતે એ સ્વતન્ત્રતાને માને છે અને તેથી જ જીવ જાય તો ભલે પણ સ્વાતંત્ર્ય કદી ન જ જવા દેવાય એ એનો નિત્ય નિરન્તરનો ઉપદેશ છે.
‘સ્વતંત્રતા ને હક્ક, ન જ ખોવા હુંપણથી;
એ માણસનો ધર્મ, લો સાચું દૃઢ મનથી.
નહિ ખોઈશું અમે, અમારા હક જીવ જાતે,
લડી રાખશું તેહ છોકરાંઓને માટે.
સાચવશું ધરી ટેક, મરીશું સાચવતાં કે
તો છોકરાં તેમ લડી તે હક રાખે.’
એનું આખું જીવન એક રીતે આ સ્વતંત્રતાદેવી કરી છોડ આયુધના જેવું જ હતું. જીવનમાં એણે જે પહેલું મહત્વનું પગલું લીધું, પેલું નોકરી છોડીને કલમને ખોળે માથું મૂકવાનું, તેમાં ઊડે ઊડેથી એની સ્વાતંત્ર્યવાંછના જ કામ કરી રહી હતી. નોકરીની પરાધીનતા સાલતી હતી, અને કોઈ પણ રીતે એને સ્વતંત્ર થવું હતું. તેમાં એને કાવ્યરચનામાં રસ પડવા લાગ્યો તેમ કંઈક સફળતા મળવા લાગી, એટલે એને આધારે કાવ્યરચજીવન ગુજારી શકાશે એવા કંઈક ખ્યાલથી જ એણે એ પગલું લીધું હતું. એમાં સાહિત્યસેવાનો અભિલાષ મુખ્ય હતો એ વાત ખરી, પણ સાહિત્યસેવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ કે બીજી કશી પ્રેરણા એની પાછળ નહોતી જ, એમ કહી શકાય એમ નથી. એ સંબન્ધમાં જ ઉલ્લેખો એનાં લખાણોમાં મળે છે એ લક્ષમાં લેતાં કેવળ સાહિત્યસેવા અર્થે જ નર્મદે ભોળે ભાવે શાળાની નોકરીનું રાજીનામું આપેલું એમ માની શકાતું નથી. એના એ કાર્ય પાછળનો મનોવ્યાપાર એવો છેક સાદો સરળ નહિ પણ સંકુલ હતો, તેમાં એક કરતાં વધુ પ્રેરક હેતુઓ કામ કરી રહ્યા હતા, અને એ સૌમાં સાહિત્યસેવા સાથે સ્વાતંત્ર્યપ્રાપ્તિની એની ઈચ્છા પણ પ્રબળ હતી એમાં શંકા નથી. નોકરી કરતાં સૌને જે થોડી ઘણી પરતન્ત્રતા અનિવાર્ય રીતે જ ભોગવવી પડે છે તે નર્મદ બરદાસ્ત કરી શકે એમ નહોતો એ કારણે જ એણે શાળાની જગા છોડેલી, અને પાછળથી પારાવાર આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ ને પુષ્કળ દુઃખ વેઠવું પડ્યું છતાં લાંબા વખત સુધી એ નોકરી કરવાનું સ્વીકારી શક્યો નહિ તેનું કારણ પણ એનો ઉત્કટ સ્વાતયપ્રેમ જ હતો. એના જીવનમાં જે ભવ્ય કરુણતા જોવામાં આવે છે તે એના એવા ઉદામ-કદાચ મનુષ્ય જેવા સામાજિક પ્રાણીને માટે અસાધ્ય કે અસ્વાભાવિક ગણાય એટલા બધા ઉદામ-સ્વાતંત્ર્યપ્રેમને લીધે જ જન્મી હતી. આ રીતે એના જીવનની એક પ્રધાન પ્રવૃત્તિ જે સાહિત્યસેવાની તે જો સ્વાતંત્ર્યોપાસનાનું ફળ હતું, તો એના જીવનની જે બીજી પ્રધાન પ્રવૃત્તિ સમાજસુધારાની તે પણ એના સ્વાતંત્ર્યપ્રેમના પરિણામ રૂપ હતી. એણે જોયું કે
રૂઢિ ધર્મ ને રાજતણા સહુ છૈયે જ નીચા દાસ,
વેઠવાં બન્ધન દુ:ખ ત્યાં લગી, ઊંચા સુખથી રહ્યું નિરાશ.’
માટે જ એણે સુધારાનો ઝંડો ઉપાડયો હતો. એનો સુધારો તે એક પ્રકારનું પ્રચન્ડ સ્વાતંત્ર્યયુદ્ધ જ હતું. વહેમનાં બન્ધન કાપી રૂઢિની ગુલામીમાંથી જાતે મુક્ત થવાનો અને સૌને મુક્ત કરવાનો જ એમાં એનો પ્રયાસ હતો. એ સુધારાપ્રવૃત્તિમાં પડ્યો કારણ કે એને રૂઢિની પરતન્ત્રતા અત્યંત સાલતી હતી, અજ્ઞાન અને વહેમનો જુલમ એનાથી ખમાતો નહોતો, અને પરંપરાગત પ્રણાલિકા માનવીના સ્વાતત્ર્ય પર જે તરાપ મારતી હતી તે એને અસહ્ય લાગતી હતી. આ રીતે એની સુધારાપ્રવૃત્તિની પાછળ એનો પ્રકૃતિસ્થ સ્વાતન્ત્યપ્રેમ જ જોઈ શકાય છે. એ જ પ્રમાણે એની દેશદાઝમાં પણ એના સ્વાતંત્ર્યપ્રેમની પ્રેરકતા ચોખ્ખી દેખાઈ આવે છે. એની સ્વદેશપ્રેમની કવિતાનો મુખ્ય મુદ્દો જ દેશની પરતન્ત્રતા-સામાજિક, ધાર્મિક, તેમ રાજકીય એ સર્વ પ્રકારની પરતન્ત્રતા-ટાળી એને કોઈ પણ રીતે સ્વાધીન બનાવવાનો હતો. હિન્દની રાજકીય પરતન્ત્રતા દેખીને એને જે અકથ્ય ગુજરાતી કવિતામાં અપૂર્વ તો છે જ, પણ તે પછી આટલા બધા કવિઓ થઈ ગયા છતાં વેદના થાય છે તે અજોડ પણ કહી શકાય એવી છે. એના જમાનામાં સૌ નવા અંગ્રેજી અમલથી અંજાઈ ગયા હતા, અને તેથી અહોભાવ ને ધન્યવાદનાં ધોળ ગાવામાં જ એવા દિવસોમાં ને એવી પરિસ્થિતિ વચ્ચે પણ નર્મદ એ પરદેશી અમલના અનર્થો પૂરેપૂરા સમજી શક્યો હતો, અને એ અનર્થો જુસ્સાદાર શબ્દોમાં પ્રકટ કરતાં એ જરા પણ અચકાયો નહોતો તે જ એનો ઊંડો સ્વાતંત્ર્યપ્રેમ પુરવાર કરે છે. ઉદાહરણ તરીકે પરદેશીઓને હાથે હિન્દીની રિદ્ધિસિદ્ધ લૂંટાઈ રહી છે એ એનાથી જોયું જતું નથી :
‘આપણી શ્રીના પરજન ભોગી, સાંખી રહેવું એ શું દહાજો?
આપણે દાસ બીજા ધણિયાતા, ત્રાસ થકી છે આંક આડો.'
પરદેશી અમલની અનિષ્ટતા વિશેના એના શબ્દો તો આટલાં વર્ષોના લાંબા ગાળા પછી આજે પણ અદ્યતન લાગ્યા વગર રહેતા નથી. એના ‘વીરસિંહ' નામે કાવ્યમાં એ કહે છે: -
‘દુઃખમાં દુ:ખ, જંનને મોટ, પ્રદેશી રાજ,
એથી તનમનધન હાણ, કદી ના ઊઠે, કરીથી જન, કરે શા કાજ?
સંધિ શિક્ષામાં મોટ, પ્રદેશી રાજ'
નર્મદ પ્રકૃતિથી જ કેટલો બધો સ્વાતંત્ર્યપ્રિય હતો, અને પરતન્ત્રતા એને કેટલી અકારી લાગતી હતી એ સમજવું હોય તો એનું આ ‘વીરસિંહ' કાવ્ય વાંચવું. આ કાવ્ય છે તો અપૂર્ણ, છતાં એમાં હિન્દ કેવી રીતે પરતન્ત્ર બન્યું તેનો ઈતિહાસ પરલક્ષી પદ્યવાર્તાના રૂપમાં એવી સચોટ રીતે આલેખ્યો છે, અને પરદેશી રાજ્યની હાનિનો એમાં એવો તાદૃશ ચિતાર આપ્યો છે કે એ ટુકડો સદાને માટે સંઘરી રાખવા જેવો છે. પરદેશી સત્તા એ ધીમું છતાં કેટલું કાતિલ ઝેર છે એ વાત એના જેટલી ઉઘાડી રીતે ગુજરાતી કવિતામાં કોઈકે જ મૂકી હશે :
‘પરદેશી રાજ્યોમાંહી, ઉપલું સુખ, મળ્યે જન રોજ, રાજી થઈ રહે,
નરદેહે પશુથી નીચ, મૂંગા ને રાંક, દાસપણતણો, માર નવ લહે,
જ્યાં અન્નવસ્ત્રછત વળી, ઉપરની પ્રીત, સ્વામીની જોઈ, રાચતા દાસ,
જ્યાં નીચે મજા સુખથકી, રાજી ધનવાન, ત્યાં શી હોય, ઊંચી વળી આશ?
નવ જાણે છૈએ દાસ, મૂર્ખ જડભરત, તહાં શું જન, ભીતરના ભેદ,
સત્તાધારીના લહે, સ્વારથી જેહ, પ્રજાને નિત, રાખતા કેદ.
રાખે બહુ રાજી રોજ, ઉપરથી તો ય, દાસ ને મૂર્ખ, જન સહુ હોય.
વણસમજ દાઢ ને છૂટ રિદ્ધિ આ દેશ, ઊંચા સુખ થકી, ઊંચો ક્યમ સ્હોય?'
આવા પરદેશી રાજ્યથી અને કેટલું બધું દુઃખ થતું હતું તે એ કાવ્યના એના આ જુસ્સાદાર શબ્દોમાં જણાઈ આવે છે :
‘મુજ જંન થયા પરતન્ત્ર, હું પણ પરતન્ત્ર, પ્રદેશીતણી, ખાઈએ લાત.
ઓ માત અમારો દેશ, તાહરું ધામ, તેહમાં-અવર, કરે છે વાસ,
નહિં વાસ માત્ર પણ કરે, દેશી ઓતણાં, તનમનધનતણો બહુ નાશ.
જહાં થયા અમારા જન્મ, ઊંછર્યા અમે, રમ્યા ને ભણ્યા, લીધા ઉદ્યોગ.
જહાં મચે કુટુંબપરિવાર, માલ મિલકત, સગાં ને સ્નેહી, સુખનો યોગ,
વિધવિધ સંબન્ધે અમે, રહ્યા ગૂંથાઈ, તહાં શું ધસે, કરી છળભેદ?
પરર્જનરંગમાં રમે, અમુને દમે, તુચ્છ બહુ ગણે, થાય નવ ખેદ?”
કેટલી બળતરા રહી છે આ પંક્તિઓની પાછળ? આપણી રાજકીય પરતન્ત્રતાને લીધે આટલી બળતરા થઈ હોય, અને એ બળતરાને આવા કડક આગ ઝરતા શબ્દોમાં ઠાલવી હોય એવો કોઈ પણ કવિ આજે પણ આપણે બતાવી શકીશું? આ રીતે આખા ગુજરાતી સાહિત્યમાં સ્વાતંત્ર્યનો આવો મસ્ત આશક બીજો કોઈ નહિ મળે. ગાંધીજી છે ખરા, પણ તેઓ સાત્ત્વિક પ્રકૃતિના પ્રભુપરાયણ પુરુપ છે, એટલે એમની સ્વાતત્ર્યભક્તિમાં રાજસી પ્રકૃતિના નર્મદના સ્વાતન્ત્યપ્રેમ જેટલો જુસ્સો કે વેગ નથી. નર્મદના જીવનનો તો પ્રધાન સૂર જ સ્વાતંત્ર્યનો છે. જીવનના ક્ષેત્રેક્ષેત્રમાં એ સ્વાતંત્ર્યને જ ઝંખી રહ્યો છે, અને એને અર્થે જ મથી રહ્યો છે.
‘તોડી નાંખી સહુ બંધ, છૂટો લેવી ઘટતી તે.'
એ જ એની આ સર્વ રચનાઓનો એક કે બીજે સ્વરૂપે પ્રકટ કે અપ્રકટ આદેશ છે. નર્મદનો આ પદ્યસંગ્રહ ગુજરાતી ભાષાનું ઉત્તમ કાવ્યમન્દિર તો નથી જ, પણ ‘સ્વતન્ત્રતાને માટે ખરા જોદ્ધા પ્રમાણે સર્વસ્વ ખોઈને મરીશું, પણ ધન પદવી માનને માટે ગંડુ કાયર પ્રમાણે સર્વસ્વ સમાલી રાખી ભોગવવાને નહીં જીવીયે' એવું અડગ જીવનવ્રત ધારણ કરી
‘નહિ નહિ ખમીએ રૂઢિતાપે કર્મભૂમિમાં વસતાં
નહિ નહિ જોઈએ સન્તતિજનને, દાસપણાથી સસતાં,
મારતાં બાણ, આપશું પ્રાણ.’
એમ અવિરત પોકાર કર્યા કરનાર સ્વાતંત્ર્યભક્તના ઉદગારથી એ ભરપૂર છે, એટલે ઉત્તમ સ્વાતંત્ર્યમન્દિર તો નિઃશંક છે જ, અને તેથી જ એના મુખવચનરૂપે બર્ન્સના શબ્દો મૂક્યા છે કે :
Thou of an independent mind,
With soulresolv'd, with soul resign'd;
Prepar'd power's proudest frown to brave,
Who will not be nor have a slave;
Virtue alone who dost revere,
Thy own reproach alone dost fear,-
Approach this shrine, and worship here.'
સ્વાતંત્ર્યની પેઠ સ્વદેશપ્રેમનો પણ નર્મદ જુસ્સાદાર ગાયક હતો. સ્વદેશાભિમાન એ શબ્દ જ ગુજરાતને સૌથી પહેલો એણે આપ્યો, અને એ સ્વદેશાભિમાનની લાગણીનો સર્વોત્તમ સાક્ષાત્કાર પણ ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલો એણે જ કરાવ્યો. એની સમસ્ત લેખનપ્રવૃત્તિના મૂળમાં એના સ્વદેશપ્રેમ જ રહેલો હતો. દેશની દુર્દશા જોઈને એને પાર વગરનું દુઃખ થતું હતું, અને એ દુર્દશા કોઈરીતે દૂર કરી શકાય એમ હોય તો કરવાના ઉદેશથી જ એ વિવિધ વિષયોમાં કલમ ચલાવી રહ્યો હતો. ખરી રીતે તો, એકલા નર્મદની જ નહિ પણ એ આખા યુગની સઘળી સાહિત્યપ્રવૃત્તિનું મુખ્ય લક્ષ્ય દેશોદ્ધારનું જ હતું, પણ નર્મદ યુગમૂર્તિ હતો, તથી એનામાં એ યુગલક્ષણો સૌથી ઉત્કટ રૂપમાં જોઈ શકાય છે.
‘ખરેખરી છે વાત, રાત છે હિન્દુઓને,
કહારે રે પ્રભાત, થશે નર્મદ તેઓને?
થઈ ફરી પરભાત, પછી મધ્યાહ્ન થઈ રહે,
એ માગ્યું પ્રભુ આપ, દેશ અર્થે નર્મદ કહે.”
આ જ એનાં સર્વ લખાણો-ગદ્યપદ્ય ઉભય પ્રકારનાં સર્વ લખાણો-નો મુખ્ય ભાવ છે. અને આ ભાવ એટલો સાચો તેમ સબળ હતો કે એની સમગ્ર કવિતામાં આ વિભાગની એની રચનાઓ સૌથી વિશેષ ચિરસ્થાયી નીવડે એવી છે. આમાં ‘સુરત,’ ‘જય જય ગરવી ગુજરાત' અને ‘હિન્દુઓની પડતી' એ ત્રણ મુખ્ય છે. નર્મદનું કંઈ યે જો ચિરંજીવ બનશે તો એમાં આ ત્રણનો-તેમાં પહેલી અને ત્રીજી કૃતિઓ આખી નહિ તો એના કેટલાક મહ્ત્વના ખંડોનો–જરૂર સમાવેશ થશે. આમાંથી ‘સૂરત'નું સ્થાન તો ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે. પોતાના નગરની પ્રશસ્તિનું આપણી ભાષામાં એ પહેલું જ અને એ કોટિનું તો હજુ છેલ્લું જ કાવ્ય છે.
‘તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ,
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.'
એ પંક્તિઓમાં મૂર્ત થતી આદ્ર વતનભક્તિ આટલાં વર્ષ પછી પણ ગુજરાતી કવિતામાં ક્વચિત જ જડશે. નર્મદના પ્રબળ સ્વત્ત્વનો એ ઉત્તમ નમૂનો છે. એને પોતાનું સઘળું કેટલું પ્રિય અને પૂજ્ય લાગતું હતું તે એમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે. એનું બીજું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત' તો એની કાવ્યમાલાનો મેર જ છે. શુદ્ધ કવિત્વની દૃષ્ટિએ સંપૂર્ણતાની વધુમાં વધુ નિકટ પહોંચી શકે એવાં જે થોડાં કાવ્યો નર્મદ રચી શકેલો તેમાં એ મુખ્ય છે. અને તેથી યોગ્ય રીતે જ એ ગુજરાતનું રાષ્ટ્રગીત બની ગયું છે. ગુજરાતને રાષ્ટ્રની પદવી જ સૌથી પહેલી એ કાવ્ય અપાવી. ત્યાં સુધી ‘ગાંડી ગુજરાત'ને નામે વગોવાતી ગુજરાતને ‘ગરવી' કરી તે એણે જ. અને ગુજરાતની અસ્મિતાનો આ ભાવ એના ઘટમાં જીવનભર નિરન્તર ઘૂંટાયા કરેલો તેથી જ ‘ગરવી ગુજરાત' માં એ તેના ભૂતકાલના ગૌરવનું તેમ ભાવિ યશનું આવું પ્રેરક ચિત્ર દોરી શકેલો. નર્મદના કાવ્યસમૂહમાં નિ:શંક અમર ઠરી ચૂકેલી કૃતિને આ અને એનું ત્રીજું કાવ્ય ‘હિન્દુઓની પડતી' તે તો એક રીતે આ યુગનું મહાકાવ્ય ગણાય એવું છે. નર્મદને એક મહાકાવ્ય રચવાના ભારે કોડ હતા, પણ પ્રકૃતિથી એ પરલક્ષી કવિ થવાને યોગ્ય નહોતો, એટલે ઘણી ઘણી વાર પ્રયત્ન કરી જોયા છતાં મહાકાવ્ય રચવાની એની મહેચ્છા એ પાર પાડી શકેલો નહિ. નર્મદયુગે સાચું મહાકાવ્ય તો એક પણ સર્જ્યું નથી, પણ આખા યુગમાં સમસ્ત પ્રજાના ચિત્તમાં પ્રવર્તતી ભાવનાઓને આછાપાતળા કાવ્યરસે રસીને સાકાર કરવા મથતી કૃતિને જો એ નામ આપી શકાતું હોય તો એવી બે કૃતિઓ એ યુગમાં મળે છે : તેમાં એક દલપતનું ‘વેનચરિત્ર' અને બીજી નર્મદની આ ‘હિન્દુઓની પડતી' દલપત અને નર્મદનાં જીવનની પેઠે એમનાં આ બન્ને કાવ્યો પણ પરસ્પર પૂરક જેવાં છે. દલપતના ‘વેનચરિત્ર'ને એ યુગના મહાકાવ્યનો પૂર્વાર્ધ કહી શકીએ, તો નર્મદની ‘હિન્દુઓની પડતી'ને તેનો ઉત્તરાર્ધ કહી શકીએ. એના મુખ્ય ત્રણ ગુણો એને ગુજરાતી ભાષામાં મહત્ત્વનું પદ અપાવશે : (૧) ઊંડા હૃદયની ઊકળતી દેશદાઝ, (૨) દેશની દુર્દશા વિશેનું બહુ માર્મિક નહિ છતાં વ્યાપક ચિન્તન, અને (૩) ઊછળતી જોમદાર બાની.
‘દેખી દારુણ દેશીનાં દુ:ખ, નર્મદદિલ દાઝે છે
પેખી પરદેશીનાં ઊંચાં સુખ, નર્મદદિલ દાઝે છે.’
એમ એ જે અન્યત્ર કહે છે તેનો જીવન્ત પુરાવો જોઈતો હોય તો તે આ ‘હિન્દુઓની પડતી’માં મળશે. એનાં સમસ્ત લખાણોમાં જે ઉત્કટ દેશાભિમાન નજરે પડે છે, અને દેશની કોઈપણ રીતે ઉન્નતિ કરવાની જે પ્રબળ વાસના તેમાં ઠેર ઠેર દેખાય છે તે ઘન કેન્દ્રિત સ્વરૂપમાં રચાઈને ક્યાં ર્ય વ્યક્ત થઈ હોય તો તે આ ‘હિન્દુઓની પડતી'માં જ આ રીતે તે એના જીવનની લાક્ષણિક ગણાય એવી કૃતિ છે. દેશની અવનતિ શાથી થઈ અને એની પાછી ઉન્નતિ શી રીતે થઈ શકે એ વિષે એમાં જે વિચારણા થએલી છે તે પણ એ જમાનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે એવી છે. અને તેનો છેલ્લો ગુણ તે નવલરામ કહે છે તેમ ‘પાણીના રેલાની પેઠે વહેતી' તેની છટદાર જુસ્સાભરી ભાષા. સાચા હૃદયનો જુસ્સો ભાષાને કેવી પ્રબળ અને પ્રેરક બનાવી શકે એનું આંહી સ્મરણીય દૃષ્ટાન્ત મળે છે. આ સર્વ ગુણોને લીધે, નર્મદની સમગ્ર કવિતામાં એનું ‘જય જય ગરવી ગુજરાત' જેમ એની ટૂંકી કૃતિઓમાં સર્વોત્તમ ગણાય છે, તેમ એની લાંબી કૃતિઓમાં આ ‘હિન્દુઓની પડતી' સર્વોત્તમ ગણાશે. સ્વાતત્ર્ય અને સ્વદેશપ્રેમની સાથે નર્મદે જે ત્રીજું તત્ત્વ ગુજરાના કવિતામાં ઉમેર્યું તે શૌર્યનું. ગુજરાતી ભાષામાં સાચો વીરરસ સૌથી પહેલો આણ્યો તે નર્મદ જ. પ્રાચીન ગુજરાતીમાં પ્રેમાનન્દઆદિ કવિઓનાં આખ્યાનકાવ્યોમાં યુદ્ધવર્ણન પ્રસંગે કેટલાક વીરરસ આવતો ખરો, પણ નવલરામ કહે છે તેમ કાલ્પનિક શસ્ત્રોથી ખેલેલાં એ અસંભવિત યુદ્ધોમાંનો વીરરસ આજના વિજ્ઞાનપ્રધાન યુગમાં કોઈને આકર્ષી શકે એવો રહ્યો નથી. એટલે ગુજરાતી સાહિત્યમાં હૃદયને ધમધમાવીને ઉશ્કેરી મૂકે એવો સાચો વીરરસ તો સૌથી પહેલો નર્મદે જ આણ્યો ગણાશે. અને એણે આણેલું આ ત્રીજું તત્ત્વ પણ એની પ્રકૃતિ તેમ પરિસ્થિતિ ઉભયના સીધા પરિણામરૂપ હતું. કેમકે નર્મદ એટલે પ્રકૃતિથી જ જંગમસ્ત જોદ્ધો. આખા ગુજરાતી સાહિત્યમાં જેને શૌર્યમૂર્તિ કહી શકીએ એવો કોઈ કવિ થઈ ગયો હોય તો તે નર્મદ જ છે. અહંતાની પેઠે શૌર્યનો પણ એનામાં અતિરેક હતો એમ કહીએ તો પણ ચાલે. એનો જીવનમન્ત્રજ ‘પ્રેમશૌર્ય'નો હતો, અને એ સૂચવે છે તેમ એના જીવનમાં પ્રાધાન્ય પણ પ્રેમની સાથે શૌર્યનું જ હતું. એની રગેરગમાં શૌર્યનો જુસ્સો ઊછળી રહ્યો હતો, અને એને રોમેરોમ યુયુત્સા વ્યાપી રહી હતી ‘જુદ્ધ, જુદ્ધ'એ જ એની જીવનભરની ઝંખના હતી. આવો શૌર્યોન્માદથી ચક્ચુર પુરુષ કાવ્યરચના કરવા લાગે એટલે વીરરસ ભણી વળે એમાં જરા યે આશ્ચર્ય નથી. તેમાં યે એને તો સ્વભાવની સાથે સમય પણ શૌર્ય તરફ પ્રેરે એવો હતો. નર્મદનો સમય એટલે સુધારાદિત્ય અને વહેમજવન વચ્ચેના દારુણ યુદ્ધનો સમય. એણે પોતે વર્ણવ્યું છે તેમ એ જમાનામાં તો
‘વ્હેમયવનની સાથ, સુધારાદિત્ય લડે છે,
ભરતખંડમાં જુદ્ધ, કહું ચોમેર મચે છે.
વ્હેમી બહુ ગુજરાત, તહાં સુધારાપક્ષી,
સેનાનીમાં એક, કવિનર્મદ છે લક્ષી.
પ્રેમશૌર્યમાં મગ્ન, હાલ કડખેદ બન્યો છે ;
ઝંપલાવવા રણે, વાટ તે જોઈ રહ્યો છે.
દાખવવાને હાથ, નથી રણરંગભૂમિ કો;
દેશ-સમય-જનરંગ, જોઉં છું મૂળે ફીકો.
નથી સેન તૈયાર, એક પણ વાતે હમણાં ;
નથી પ્રેમ ને નેમ, શૌર્યનાં તો છે સમણાં,
તો પછી હોય કેમ, ભલાં હિંમત ને સાહસ?
એમ રડું છું હાલ, લયા વણ હોયે શો જસ?’
નર્મદની શૌર્યકવિતાનાં પ્રેરક બળો આ પંક્તિઓ સંક્ષેપમાં સુન્દર રીતે સમજાવી દે છે. એ પ્રેરક બળો મુખ્યત્વે ત્રણ : (૧) ઉપર જોઈ ગયા તેમ એની લડાયક પ્રકૃતિ-'લડયા વણ હોયે શો જસ?' એવી જીવનપ્રતીતિવાળી અને ‘રણે ઝંપલાવવા વાટ જોઈ' રહેલી એવી પરમ લડાયક પ્રકૃતિ, (૨) સુધારા અને વહેમ વચ્ચે એ જમાનામાં જામેલો ઘોર સંગ્રામ અને નર્મદે લીધેલું એનું સેનાનીપદ, અને (૩) તત્કાલીન ગુજરાતીઓની કાયર મનોદશા અને તે ટાળવા શૌર્યોદ્બોધનની જરૂર. ગુજરાતની પ્રજામાં પહેલેથી જ શૌર્યની કંઈક ખામી છે. મૂળથી જ આ ‘વાણિયા મૂછ નીચી તો સાત વાર નીચી' એવી નામર્દનીતિને અનુસરનારો દેશ છે. એનામાં બુદ્ધિ છે, દક્ષતા છે, વ્યવસ્થાશક્તિ છે, વ્યવહારકૌશલ છે, પણ વીરતા નથી. આજે તો ગાંધીજીના જંગો પછી સમસ્ત હિન્દમાં તેમ ગુજરાતમાં પણ ઠીક ઠીક હિંમત ને બહાદુરી આવેલ છે, પણ નર્મદના સમયમાં તો લોકો જમાનાના ઘા ખાઈખાઈને છેક જ બીકણ બાયલા નામર્દ બની ગયા હતા. તત્કાલીન ગુજરાતીઓની સ્થિતિ દર્શાવતાં એણે જ કહ્યું છે કે
‘થંડા મોળા એહ, દીસે બહુ કાયર બીકણ,
માર ખાય બહુ તેહ, મૂકી દઈ પૂરવનું પણ.
તનમન રોગી જંન, સનેપાતે બકતા સહુ,
ખોઈ દેશ ને ધન, રાંડવા ગંડુ થઈ સહુ.
ઘણા ઘાથી ઘાયેલ, થયા છો પૂરા ભાઈ,
હજુ કરવું છે જુદ્ધ, વ્હેમની સામા ધાઈ.
વૈદ્યરાજ બહુ મથી, ‘સાચવો' એવું કહે જ્યાં,
દૂબળો બુટ્ટી દીએ, ઊઠે સ્હેજે મરતું ત્યાં.
તેમ હું પામર રંક. સૂંઘાડું સ્હેજે મનને,
પ્રેમશૌર્યસદ્ગુણ, જીવાડે મરતા જનને.
માત્ર જીવાડે એમ નહિ, પણ પુષ્ટ કરે છે,
પછી હિંમત દે તેહ. જેથી જન રણે પડે છે.’
નર્મદ એટલે આવી રીતે મરવા પડેલાં માણસોને શૌર્યબુટ્ટી સૂંઘાડી તેમને પાછાં સચેત બનાવી દેનારો મહાવૈદ્ય. ગુજરાતી સાહિત્યની એણે કરેલી મહાન સેવા તે આ જ-મુડદામાંથી માણસ બનાવી દે એવી જુસ્સાદાર વીરરસભરી જે કવિતા એણે રચી તે જ. એની કવિતા ખૂબ ખીલી નીકળે છે તે પણ આંહીં જ, કેમકે નર્મદમાં કોઈ કાવ્યગુણ પૂર્ણ માપમાં હોય તો તે જુસ્સો જ, અને એકલો જુસ્સો કોઈ રસને માટે અમુક અંશે પણ પર્યાપ્ત ગણાય તો તે વીરરસમાં જ, એટલે શૃંગારની પેઠે આ વીરરસમાં તે પૂર બહારમાં ઝળકી ઊઠ છે. મુખ્યત્વે તત્કાલીન જરૂરિયાતમાંથી ઉદ્ભવેલ હોવા છતાં એની કવિતામાં ચિરસ્મરણીય ગણાય એવો અંશ પણ આ જ છે. કારણ કે સુધારાસંગ્રામને અંગે રચાએલ હોવા છતાં નર્મદનો જુસ્સો એટલી સાંકડી સીમામાં પુરાઈ રહ્યો નથી, પણ એ ઉપરાંત જે જાતજાતનાં યુદ્ધો માનવીને જીવનમાં ખેડવાં પડે છે તેને પણ લાગુ પડે એવી રીતે એણે આ કાવ્યો રચ્યાં છે. એના ‘શૂરવીરનાં લક્ષણો' ની પ્રસ્તાવનામાં એણે પોતે આ વાત સ્પષ્ટ કરી છે : ‘એ પદો ચાર વાતને લાગુ પડે છે. યુદ્ધમાં શત્રુની સામે લડવા જવાને યોગ્ય થવામાં કિયા કિયા ગુણો રાખવા જોઈએ તે એક, આ ભવરણમાં માણસે પોતાની ઉપર આવી પડતી આપત્તિમાં- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપી દુઃખમાં-કેમ વર્તવું તે બીજી, અને વ્હેમરૂપી શત્રુની ઉપર સુધારાએ કેવી રીતે સજ્જ થઈ લડવું અને તેથી શા લાભ થાય છે તે ત્રીજી, અને ઉપરી સરકાર જુલમ કરતી હોય તો રૈયતે કેમ વર્તવું તે ચોથી.' આ રીતે મુખ્યત્વે તત્કાલીન સુધારાપ્રવૃત્તિને નિમિત્તે યોજાએલાં છતાં વિશાળ દૃષ્ટિથી રચાએલાં હોવાથી આ પદોનું ગુજરાતી સાહિત્યમાં બેવડું મહત્ત્વ છે : એક તો, એ સમયે વહેમજવનની સામે લડવા માટે નર્મદ સૈન્ય રચીને ઘૂમતો હતો તથા પોતાના સૈનિક સજ્જ કરવા રૂંવાડાં ઊભાં કરે એવા કડવાં-શૌર્યગીતો–ગાતો હતો તે યુગની સમગ્ર યુયુત્સાને એ હંમેશને માટે સાકાર કરીને જાળવી રાખે છે તેથી, તથા બીજું માનવ-જીવનમાં સનાતન સંગ્રામ મચી રહ્યો છે તેને માટે એ અખૂટ પ્રેરણા આપે છે તેથી. આ પદોએ ગુજરાતના લોકોની કાયરતા ઉડાડી દઈ એમનાં ‘થંભ થએલા' ‘મંનજળને' પ્રવાહી ને ગતિમાન કરવામાં તથા યુગોની કૂપમંડૂકતા તજી વિશાળ ક્ષેત્રોમાં વિહરવા કટિબદ્ધ કરવામાં મોટો ફાળો આપેલો, એટલું જ નહિ પણ લોકોને સ્વમાન, સ્વાતંત્ર્ય, સ્વદેશોત્કર્ષ અર્થે લડવાને પ્રેરે એવું દીર્ઘજીવી સાહિત્ય પૂરું પાડયું છે. ગુજરાતી સાહિત્યનો આ પ્રથમ ‘સિંધુડો' છે. હિંમત, ઉત્સાહ, સાહસ એ બધા ઉદાત્ત ગુણોની એમાં છોળો ઊછળે છે. શૌર્યનો આવો ઉન્માદ, વીરરસનો આવો ઉદ્રેક ગુજરાતી સાહિત્યમાં બીજે જવલ્લે જ જણાશે અને જીવનમાં ઝૂઝવાનું બળ તો આ જુસ્સાથી ઊભરાતાં પદો જેવું કોઈ જ નહિ આપે. ખરું છે કે આ બધી આંહી સુધી ગણાવેલી રચનાઓ અણઘડ છે. એમાંની કેટલીક પંક્તિઓ તો તે તે વિષયના દૃષ્ટાન્ત તરીકે ઉપર ટાંકવી પડે તે ટાંકતાં પણ સંકોચ થાય એવી રસહીન છે, એ એકંદરે મોટા ભાગની કૃતિઓ અસ્પષ્ટતા, ક્લિષ્ટતા, ઔચિત્યભંગ આદિ ‘વીર નર્મદ'માં ગણાવેલી કોઈ ને કોઈ ગંભીર ક્ષતિથી દૂષિત થએલી છે, એટલે શુદ્ધ કવિતાની કસોટીએ કસી જોતાં એ કાવ્ય કરતાં લખાણ નામને જ વધારે લાયક ઠરે એવી છે, ને કવિતાના ઉચ્ચ વર્ગમાં મૂકી શકાય એવી તો તેમાંથી વિરલ જ નીકળે છે. પણ આમાં આશ્ચર્ય જેવું છે જ નહિ. નર્મદ પ્રકૃતિથી મહાકવિ થવા સર્જાયો જ નહોતો, એ તો મહાપુરુષ થવા જ સર્જાયો હતો. ગુજરાતી સાહિત્યમાં એનું સ્થાન છે તે ઉચ્ચ કોટિના કવિ તરીકે નહિ જ, પણ વિરાટ માનવી તરીકે જ છે. એની આ બધી રચનાઓ આકર્ષી રહી છે તે પણ તેમાંના ઉત્તમ કવિત્વથી નહિ, પણ વિરલ વ્યક્તિત્વથી જ. નર્મદ મોટો કવિ નહોતો છતાં એના જમાનામાં મોટો મનાઈ ગયો અને નવલરામ જેવા એનાથી આટલા બધા અંજાઈ ગયા તે પણ ઇતિહાસલક્ષી દૃષ્ટિએ તેમાં જે અપૂર્વતા રહેલી છે તેમ વ્યક્તિત્ત્વલક્ષી દૃષ્ટિએ તેમાં જે અનન્યતા રહેલી છે તેથી જ. આજે આટલાં વર્ષે હવે આપણે એ વ્યક્તિત્વની અનન્યતા એથી એથી જમાના જેટલા અંજાઈ જઈએ એવી ધાસ્તી નથી, એટલે આજે એની એકે કવિતાને કવિતા ગણવાની કે નિકૃષ્ટ કવિતાને ઉત્કૃષ્ટ કવિતા તરીકે છાપરે ચડાવવાની ભૂલ આપણે નહિ કરીએ. પણ એની કવિતાની નિકૃષ્ટતા પૂરેપૂરી સ્વીકાર્યા પછી પણ એક બાજૂથી અર્વાચીન કવિતાની ઉપા—ગુજરાતી સાહિત્યના આકાશમાં અવનવા રંગો પૂરનારી ઉપા તરીકે એમાં જે ગૌરવ રહેલું છે તે જેમ સ્વીકાર્યા વિના ચાલે એમ નથી, તેમ બીજી બાજૂથી નર્મદના વિરલ વ્યક્તિત્વના વાહન તરીકે તેમાં જે વિશિષ્ટતા રહેલી છે-વિલક્ષણ પ્રકારનો રસ આપવાની તેમાં જે શક્તિ રહેલી છે-તે પણ સ્વીકાર્યા વિના ચાલે એમ નથી. આંહી સુધીના ચાર ખંડોમાં આપણે એની કવિતાની ઇતિહાસલક્ષી દ્રષ્ટિએ મહત્તા સમજવા પ્રયત્ન કર્યો, તો હવે પછીના છેલ્લા બે ખંડોમાં તેની વ્યક્તિલક્ષી દૃષ્ટિએ રહેલી મહત્તા સમજવા પ્રયત્ન કરીએ. સર્જનને બાજૂ પર રાખી કેવળ જીવનનો વિચાર કરીએ તો નર્મદ જેવું વિલક્ષણ, વિવિધરંગી, ને વિક્રમશાળી જીવન આખા ગુજરાતી સાહિત્યમાં ક્વચિત જ જડશે. કોઈ ખરેખરો ચૈતન્ય ઓઘવન્તો પ્રચંડ આત્મા ગુજરાતે એ અવતરેલો. એણે ભલે ઉત્તમ કવિતા સર્જી ન હોય, પણ એ ઉત્તમ કવિતા જીવી ગયો છે. સર્જન દ્વારા કાવ્યામૃતનું પાન કરાવનારા તો ઘણા હોય છે, પણ ખુદ જીવનમાંથી કાવ્યામૃતનું પાન કરાવનારો તો આ એક નર્મદ જ થઈ ગયો. એના સ્મરણની સાથે આપણી આંખ આગળ ખડી થાય છે તે કોઈ મામૂલી ‘સાક્ષર'ની મૂર્તિ નહિ, પણ જીવનભર જંગો ખેલી જનાર અતુલબળધારી વીર યોદ્ધાની જ મૂર્તિ ખડી થાય છે. એના જીવનનો વિચાર કરતાં એ કોઈ પંચમહાભૂતનું પૂતળું નથી લાગતો, પણ જગતના મહાન કલાધરે સર્જેલ કોઈ પરમ ઉદાત્ત કરુણકથાના વીર નાયક જેવો એ લાગે છે. ચરિત્રકારને જોતાં જ મુગ્ધ કરી દે અને નવેસરથી નીંગળતી કોઈ ચિરંજીવ ચરિત્રકૃતિના ઉપાદાનરૂપે એને તત્ક્ષણ આકર્ષે એવું રંગીલું ને પ્રભાવશાળી એનું જીવન હતું. એ જીવનની એવી બધી સામગ્રીનો સંભાળપૂર્વક સંચય કરનારો બોઝવેલ ન પાક્યો એથી ગુજરાતને જબરી ખોટ ગઈ છે. રોમાંચક અદ્ભુતકથા જેવું અતીવ રસપ્રદ જીવનચરિત્ર એથી આપણી પ્રજાને સદાને માટે ગુમાવ્યું છે. રાજકારણ, સમાજ, વેપાર આદિ ક્ષેત્રો છોડી દઈને કેવળ સાહિત્યક્ષેત્ર લઈએ તો આવા રસિક પ્રેરક ચરિત્રની સામગ્રી પૂરી પાડે એવું પ્રભાવશાળી સત્ત્વસોહંતુ જીવન એક ગાંધીજી સિવાય બીજે ક્યાં યે નહિ મળે. એમાં યે કેવળ રસિકતાની દૃષ્ટિએ તો ગાંધીજીનું જીવન પણ નર્મદની તોલે નહિ આવી શકે. કેમકે ગાંધીજી ગુણસંપત્તિ તેમ કાર્યસિદ્ધિ ઉભય દૃષ્ટિએ નર્મદ કરતા અનેકગણા મહાન હોવા છતાં પહેલેથી શાન્ત સ્વભાવના પ્રૌઢ પુરુપ છે, ત્યારે નર્મદ સદાયે ચેતનથી થનગનતો, ‘જોસ્સા’માં તણાતો, અને વમળોમાં ગોથાં ખાતો એવો સનાતન યુવાન છે, એટલે સ્વાભાવિક રીતે જ એની લાક્ષણિક માનવતા–માનવસહજ ગુણ તેમ દોષ બન્નેથી ભરેલી છતાં અત્યન્ત ઓજસ્વી એવી લાક્ષણિક માનવતા-ગાંધીજી કરતાં વિશેષ રસિક થઈ પડે છે. ગાંધીજીના જીવનમાં નર્મદ જેવાં સ્ખલનો, મન્થનો, કે પરિવર્તનોને સ્થાન નથી. સુખદુઃખ, ચડતીપડતી, હારજીત આદિ દ્વન્દ્વોને લીધે ચરિત્રમાં જે રસ ઝરે છે તે પણ ‘મદભરપૂર' નર્મદ જેટલો સ્વસ્થ સ્થિતપ્રજ્ઞ ગાંધીજીમાં સંભવતો નથી. એટલે શુદ્ધ ચરિત્ર તરીકે તો નર્મદનું જીવન આખા ગુજરાતી સાહિત્યમાં લગભગ અદ્વિતીય કહી શકાય એવું છે. ગુજરાતમાં હજુ સ્વતન્ત્ર ચિત્તશાસ્ત્રીઓ જન્મ્યા નથી, નહિ તો એમને નર્મદના સંકુલ મન્થનભરપૂર જીવનમાંથી અન્વેપણ ચિન્તનને માટે પાર વગરની સામગ્રી મળે એમ છે. ઉદાહરણ તરીકે એનું વિખ્યાત વિચારપરિવર્તન જ મોટામાં મોટા ચિત્તશાસ્ત્રી તેમ ચરિત્રશાસ્ત્રીની શક્તિઓને બરાબર કસે એવો અટપટો કોયડો રજૂ કરે છે. અને એવા તો બીજા અનેક કોયડા એના જીવનમાં ભર્યા છે. એ તો જાણે કે સૌ ચિત્તશાસ્ત્રીઓ તથા ચરિત્રશાસ્ત્રીઓને સદાનો પડકાર કરી રહ્યો છે કે ‘આવો, તમે બધા તમારા ચિત્તશાસ્ત્રના નિયમો લઈને આવો અને મને સમજો ને સમજાવો એ નિયમો વડે તમારામાં તાકાત હોય તો.' પ્રાણથી ધબકતી આવી માનવતા ગુજરાતી સાહિત્યમાં બીજે ક્યાં ય નહિ મળે. એવી માનવતાનું કોઈ સામાન્ય લેખક પોતાનાં ભાંગ્યાતૂટયા શબ્દોમાં વર્ણન કરે તો પણ તે આકર્ષક થઈ પડે એવું છે, તો પછી નર્મદ પોતે પોતાની અણઘડ છતાં અનોખી બાની વડે પદ્યરચનામાં એનો નિખાલસપણે પરિચય કરાવે તો, એની અંદરનો કાવ્યાંશ સઘળો અલગ રાખીએ તો પણ, તે વિશિષ્ટ પ્રકારનું રુચિરત્વ ધારણ કરી રહે એમાં આશ્ચર્ય નથી. વ્યક્તિલક્ષી દૃષ્ટિએ નર્મદની કવિતાની જે કિંમત કહી તે આ જ. એમાં વામય કાવ્યરસ ઉત્તમ પ્રકારનો નથી એ ચોક્કસ, પણ એમાં જે ચરિત્રરસ રહેલો છે તે તો આપણા સાહિત્યમાં ક્યાંયે સાંપડવાનો નથી, અને તેથી એ દૃષ્ટિએ એનો આ નાનકડો સંગ્રહ જ નહિ, પણ મૂળ ‘નર્મકવિતા'નો આખો બૃહદ્ગન્થ ગુજરાતી ભાષામાં ચિરકાળ સુધી અસાધારણ મહત્ત્વનું સ્થાન ધરાવશે.
‘ભવરણનો જોદ્ધો' નામે પ્રસ્તુત સંગ્રહના પાંચમા ખંડમાં ‘કલમને ખોળે માથું મૂકી’ નોકરી નહિ કરવાના પોતાના નિશ્ચયને લીધે નર્મદને જીવનમાં જે ‘અદ્ભુત યુદ્ધ' કરવું પડેલું-રામ રાવણ વચ્ચે એણે પોતે વર્ણવ્યું છે તેના કરતાં વિશેષ લાંબું ને વિશેષ ભયંકર તેથી એ નામને વિશેષ લાયક એવું જે ખરેખરું ‘અદ્ભુત યુદ્ધ' કરવું પડેલું—તેનો એના જ શબ્દોમાં સંક્ષિપ્ત વૃત્તાન્ત આપવાના આશય રાખ્યો છે. આમ તો નર્મદનું વ્યક્તિત્ત્વ અતિ વિપુલ હતું, અનેક વિષયોમાં શ્રેષ્ઠતાવાચક વિશેષણનું અધિકારી ગણાય એવું સર્વતોમુખી અને મહાન હતું, એટલે એવા વિપુલ વ્યક્તિત્વનો પૂરો પરિચય તો આ ખંડની રચનાઓમાંથી નહિ મળી શકે. આંહીં તો એના એ વિશાળ વ્યક્તિત્વના એક જ પાસાની ઝાંખી થશે. પણ એક રીતે એનું આ પાસું એના સમગ્ર વ્યક્તિત્વની સરટોચ જેવું છે, કેવળ એના જીવનનું જ નહિ પણ સમગ્ર ગુજરાતની સાક્ષરતાનું પરમ યશસ્વી ગણાય એવું પ્રકરણ છે, એટલે એને સદાને માટે સંભારી રાખવા માટે આ રચનાઓ આંહીં સંઘરી છે. નર્મદના જીવનનાં અનેકમાંનું એક જ પાસું હોવા છતાં એના ચારિત્ર્યનાં કેટલાંક અગ્રવર્તી ગુણલક્ષણો આમાં વ્યક્ત થયાં છે, એટલે એ દૃષ્ટિએ પણ આ રચનાઓ કિંમતી છે. નર્મદ શૌર્ય સ્વાતન્ત્ય આદિ વિષયોનાં જે કાવ્યો રચી ગયો છે તે કાંઈ પોથીમાંનાં રીંગણાં નહોતાં, પણ તે તો એના હૃદયમાં હરદમ અનુભવાઈ રહેલી ઊર્મિઓનું તથા જીવનમાં અખંડ આચરાઈ રહેલા ભાવોનું આવિષ્કરણ માત્ર જ હતું-જીવનમાંથી છલકાઈને બહાર ધસી આવતો ઊભરો જ હતો-એ આમાં પદે પદે પ્રતીત થાય છે. સર્જન એટલે જીવનની ન્યૂનતાપૂર્તિ જ, જીવનમાં વણમહોરેલી ઈચ્છાઓ કલ્પનામાં માણવા માટે ઊભું કરેલું ગન્ધર્વનગર જ, એમ કોઈ માનતું હોય તો એ માન્યતા કેટલી એકપક્ષી છે એનું અચૂક ઉદાહરણ જોઈતું હોય તો આંહીં મળશે. વસ્તુતઃ નર્મદ પોતે શૌર્ય સ્વાતંત્ર્ય આદિ સર્વ ગુણોનો કોઈ મહાનલ હતો, અને એના એ વિષયનાં કાવ્યો તો તેમાંથી પ્રતિપળે અનાયાસે ઊડ્યા કરતાં સ્કુલિંગ માત્ર હતા એ આમાં પગલે પગલે પુરવાર થાય છે. ગુજરાતી ભાષામાં શૌર્ય, સ્વમાન, સ્વાતંત્ર્ય, ધૈર્ય, ટેક, નિઃસ્પૃહતા આદિ ઉદાત્ત ગુણોના કોઈ મહાપિંડનાં દર્શન કરવાં હોય તો તે આ રચનાઓ જ કરાવી શકશે. એમાંની થોડી વાનગી જુઓ. પહેલાં એની નિઃસ્પૃહતા લ્યો. નોકરી નહિ કરવાની એની ટેકને લીધે એને પાર વગરનું કષ્ટ વેઠવું પડેલું એ આપણે સૌ જાણીએ છીએ. વરસોના વરસ સુધી એને ‘વસુ વણ' અસહ્ય ‘મૂંઝવણ' ભોગવવી પડેલી. એ મૂંઝવણમાંથી આજ છૂટાશે, કાલ છુટાશે એવી આશા પર એ દહાડા વિતાવ્યા કરતો હતો. એની આ મનોદશા મિત્રમંડળમાં એટલી જાણીતી થઈ પડી હતી કે લોકોએ તો એનું નામ જ ‘આશાનન્દાચાર્ય' એવું પાડેલું. પણ એની એ બધી આશાઓ વારંવાર નિષ્ફળ ગએલી ‘નથી આશ ફળતી કહીં' એમ એને અનેકવાર નિસાસા નાખીને કહેવું પડેલું. છતાં આવી કપરી સ્થિતિમાં પણ એણે ક્યાં યે લાચારી બતાવેલી? ક્યાં યે હાથ લાંબો કરેલો? નહિ જ. એણે તો પોતાની જાતને પહેલેથી કહી રાખેલું કે
‘ગરજુ થઈ જાચીશ નહિ કેથે, પાડ ન રાખીશ કોહોનો.’
અને આ નિશ્ચયમાંથી એ કદી પણ ચળેલો? પૈસા ખાતર એણે કોઈની પણ ખુશામત કરેલી? જરા યે નહિ. જુઓ એના જ શબ્દો :
‘દુનિયાને દોરંગી જોઈ, પ્યાર અને પૈસાને જોઈ,
રૂડી ચિત્તવૃત્તિ નથી ખોઈ રે ખુશામત નથી કોઈની કરી રે.'
અને અસહ્ય નાણાંભીડ ભોગવી રહેલો છતાં એની ખુમારી તો જુઓ :
‘તમે મગન ધનમાં છો સહુ, અમે મગન ગરીબીમાં બહુ,
તમ સરખા હૈયે રે સુખી, ગરીબ અસન્તોષી ને દુ:ખી.'
લીટીઓ તો બે જ છે, કલાદૃષ્ટિએ બહુ ઉચ્ચ પ્રકારની પણ નથી, છતાં ‘અમીરી ફકીરી' રંગે રમતા આ નિઃસ્પૃહ બાદશાહની બેપરવાઈ એમાં સચોટ અંકિત થએલી હોવાથી એ વરસો સુધી યાદ રહી જાય એવી નથી? આર્થિક મુશ્કેલીઓ સામે ઝૂઝતાં એણે વ્યક્ત કરેલો એક ગુણ તે આ નિઃસ્પૃહતા, તો બીજો ગુણ તે એની નીતિશ્રદ્ધા અને સત્યનિષ્ઠા. એના ચિત્તમાં જે જાતજાતનાં મન્થનો ચાલી રહ્યાં હતાં તેમાંનું એક મહામન્થન જગતની નીતિવ્યવસ્થા વિશેનું હતું. એ પોતે પ્રકૃતિથી જ સત્યનિષ્ઠ હતો, સદ્ગુણ, નીતિ, પ્રમાણિકતા એ બધાં પર એને અન્તરની પ્રીતિ અને શ્રદ્ધા હતી, અને જગતમાં એનો જ જય થવો જોઈએ એમ એની દૃઢ માન્યતા હતી. છતાં જીવનમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ એને જે અનુભવ થતો ગયો તે એથી સાવ ઊલટી જ જાતનો હતો. એટલે એના ચિત્તમાં એક જબરું મન્થન જાગેલું કે ‘સાચને આંચ કેમ આવે છ?' ‘સદ્ગુણી દુ:ખી થાય એ તે કેવી કુદરત!' એનું આ મથન તો એવું ઉગ્ર બનેલું કે એનાં કાવ્યોમાં આ પ્રશ્ન એણે વારંવાર કર્યો છે એટલું જ નહિ, પણ એટલાથી સન્તોપ ન થતાં એણે એ વિષે ખાસ નાટક રચ્યું છે. આ નાટક તે ‘કૃષ્ણાકુમારી.' એમાં નાટક તરીકે તો બહુ દમ નથી, પણ પોતાના હૃદયને સતત દમી રહેલા પ્રશ્નને સાહિત્યાકાર આપવાનો એમાં એણે જે યત્ન કર્યો છે એ દૃષ્ટિએ એ લક્ષમાં રાખવા જેવું છે. નાટકના પૂર્વરંગમાં જ એ કહે છે :
‘જોજો જોજો રે સભાસદ રંગ જોજો
જોજો સાચને પણ આંચ કેવી લાગે જોજો.’
દુનિયામાં સાચને આમ આંચ લાગતી જોઈને એને પુષ્કળ સન્તાપ થતો. આ ખંડમાં પણ એ ભાવ ઠેર ઠેર જોવામાં આવે છે. એ કહે છે :
‘સદ્ગુણીને વળી દુ:ખ શા સારુ
એ જોઈ એવું બધે દાઝું આગે.’
પછી તો અનુભવથી ઘડાતાં એને સમજાયું કે દુનિયા સાચાની નહિ પણ જૂઠાની જ છે : -
‘દુનિયા જૂઠાની જૂઠાની
એ અનુભવવાત પ્રમાણી.’
પણ એ અનુભવવાત સમજાયા છતાં એનો યશ એ છે કે એ પછી પણ એની સત્યનિષ્ઠામાં લેશ પણ ફેર પડેલો નહિ, અને જીવનભર એ મૂળથી હતો તેવો ને તેવો જ સત્યપરાયણ પુરુષ રહેલો. દુનિયામાં સાચું નથી ફાવતું એ જોયા અનુભવ્યા પછી પણ એનો આખરી નિર્ણય તો એ જ હતો કે
‘સાચું ફાવે થોડું જગમાંહી, તોએ સાચું તે સાચું જ ભાઈ,
વિના શ્રમ દુ:ખ ચડાએ ન ઊંચાં, ઊંચા નર્મદ મુક્તિમાં તું છાં.’
વરસોનાં વરસો સુધી અસહ્ય દુઃખ વેઠ્યા પછી પણ એવી ને એવી રહેલી આ નીતિશ્રદ્ધા અને સત્યનિષ્ઠા કેટલી બધી આદર પાત્ર છે? છેલ્લે એના ચારિત્ર્યના પરમોન્નત શિખર જેવી એની ટેક લ્યો. ‘કેમ નોકરી કરું? ‘એવી એની ટેકને લીધે એને કેટલી બધી યાતનાઓ સહન કરવી પડેલી? જુઓ :
‘પણ નર્મદ શું ખાવું કાલ, કુટુંબના એવા જહાં હાલ;
જ્ઞાન શું આવે આડે તહાં, શૂર ન થાય શું કાયર તહાં ?
કુટુંબ રોયાં કરતું રોજ, માણવિ શું તેમાં રે મોજ?
જશાળ ઉદ્યમ ફળે ન કોય, વસુ વણ ક્યમ જન પશુ ન હોય?
માંદગિમાં રીબાતાં જન, જોઈ ઠારવું શું રે મન ?
ઉમંગભંગ સહુ સંખાય, પોતાથી ભૂખ્યા રહેવાય,
નિજજનૂનું દુ:ખ ક્યમ જોવાય, જ્ઞાનશૂર પણ ખોટાં થાય.’
સાચી વાત છે, પોતાથી દુઃખ વેઠાય, પોતાથી ભૂખ્યા પણ રહેવાય, પણ પોતાનાં કુટુંબીઓને ભૂખ અને માંદગીમાં રિબાતાં જોઈને હિંમત કેમ રહે? એ વખતે ‘શૂર પણ શું કાયર ન થાય?' થાય જ. પ્રતાપ જેવો અટંક ટેકી વીર પણ થયો હતો. એટલે વીસમી સદીના નર્મદ થયો હોત તો એમાં જરા યે નવાઈ જેવું નહોતું. છતાં એવા વિષમ સંજોગોમાં પણ નર્મદ કાયર થએલો? એવે કટોકટીને વખતે પણ એણે ટેક મૂકેલી? નહિ જ.
‘સિંહ ડરે વીજગરજથી પણ, જ્ઞાની નરમદસિંહ નીડર થઈ રમે રણ.'
સિંહ એવા કડાકાથી ડરી જાય, પ્રતાપ જેવો અડગ સિંહ પણ એથી ડરી જાય, પણ ખરેખરો ‘વીરસિંહ'-નર્મદના એ અપૂર્ણ મહાકાવ્યનો નાયક એને પોતાને જ આપણે સમજવાનો છે, એટલે ખરેખરો ‘વીરસિંહ'-નર્મદ એથી પણ ડરે કે ડગે ખરો? એવા સંજોગોમાં પણ એણે તો પોતાના મનને સંભળાવી દીધું કે,
‘મરી જજે પણ મૂકિશ નહીં, સત્ય ટેક પરમારથ કહીં.'
અને પોતાનાં કુટુંબીઓના દુઃખ સંબંધમાં પણ કહેલું કે
‘અંગીઓ મૂંઝાય બહુ, તેથી હું મૂઝાઉં;
સુખ પાછલું સાંભરે, પણ કોને હું સાહું?
હું તો રણમાં છું પડ્યો, હવે શી બીજી વાત?
રણ જીતું કે રણ પડું, રણ રણ દિન ને રાત.'
એકવાર મેદાન પડ્યા પછી ‘બીજી વાત શી?’ પછી તો ‘રણ જીતું કે રણ પડું' એ જ નિશ્ચય હોય. એનો તો પહેલેથી જ એ નિશ્ચય હતો કે
‘કંટક ઝાડી ભવની આ ભાઈ, તેમાં ઘુસી ઘુસી કરવી લડાઈ,
હું છું સિપાઈ સમજીને એવું, દુઃખ શી વસ્તુ છે એમ જ કહેવું.
દુઃખને તો મળવાની જૂમમાં ફરવું, ઘાયલસિંહ ઉપનામ ધરવું,'
પણ આ વિષયમાં પંક્તિઓ ઉતાર્યે પાર આવે તેમ નથી. એક જ વાક્યમાં કહેવું હોય તો ‘રમે નર્મદો તરવાર પર ખરી' એવું જે એણે પોતાને માટે કહ્યું છે તે આ બધું વાંચતાં સર્વથા સાચું લાગ્યા વગર રહેતું નથી. અને જે થોડી પંક્તિઓ આંહી ઉતારી છે તે પરથી પણ સ્પષ્ટ નથી થઈ જતું કે નર્મદ કોઈ અસાધારણ શૌર્યમૂર્તિ હતો? જમાને જમાને જનતાને સામાન્યતામાં સરી જતી અટકાવવા માટે કુદરત કોઈ એકાદ મહાગુણની ઓજસ્વી મૂર્તિ આપણી વચ્ચે થોડાં વરસ મૂકી જાય છે એવી આ નિ:સ્પૃહતા, દૃઢતા, ટેક, વીરતા આદિ મહાગુણોની ભરેલી કોઈ અલૌકિક શૌર્યમૂર્તિ હતો એમ નથી સ્પષ્ટ થઈ જતું આટલાં અવતરણો પરથી પણ? નર્મદ મહાકાવ્ય રચી નથી શક્યો, પણ કોઈ વીરરસભર્યા મહાકાવ્યને પણ શોભાવે એવું અસાધારણ જીવનયુદ્ધ એ નથી લડી ગયો? એની આ બધી અણઘડ પંક્તિઓની પાછળ એક પરમ રસિક કાવ્યમૂર્તિ નથી પ્રકટ થતી?-સત્ય નીતિને દૃઢતાથી વળગી રહેલી, ઘોર, વિપત્તિની ઝડી પર ઝડી વરસી રહે-વરસોનાં વરસો સુધી વરસી રહે-છતાં સ્મશાનવાસી શંકરની પેઠે અલિમ ને નિશ્ચળ રહેલી એવી, નિઃસ્પૃહતા, સ્વમાન, શૌર્ય આદિથી ઊભરાતી અને કરુણ રસની છોળો ઉછાળતી એવી કોઈ પરમરસિક કાવ્યમૂર્તિ નથી પ્રકટ થતી? હજારો વાઙમય કાવ્યો કરતાં વિશેષ કવિત્વ એનાં આ અણઘડ પદ્યો પાછળ ડોકિયાં કરી રહેલા લોકોત્તર વ્યક્તિત્ત્વમાં નથી છુપાઈ રહ્યું? કોઈ ગ્રંથસ્થ મહાકાવ્ય કે ઉદાત્ત નાટક જેવો જ રસાસ્વાદ એનું આ અદ્વિતીય ભવરણયુદ્ધ નથી કરાવતું? ખરું છે કે એ ભવરણયુદ્ધમાં આખરે એ હારેલો, નોકરી નહોતી કરવી છતાં થોડો વખત એને નૌકરી કરવી પડેલી, પણ ‘ચોવીસ વરસે ટેક ગુમાવ્યો છે, ચોવીસ અવતારે પણ લાજ નથી રાખી.' એમ બોલી ગમગીન મુખે નોકરી કરવા જનાર અને તે પછી જિંદગીમાં કદી પણ સ્મિત ન કરી શકનાર આ વીર પુરુષ હાર્યા છતાં જીત્યો જ નથી લાગતો?-બ્રૂટસ્ હાર ખાઈને મરી જાય ને પાછળથી એનો દુશ્મન એન્ટની આવીને એની પ્રશંસા કરે કે : ‘The elements so mixed in him, that Nature might stand up And say to all the world, "This was a man!"'
એ જ કોટિનો એનો આ પરાજય નથી લાગતો? હાર્યા છતાં ખરો વીરનર તો એ જ થઈ ગયો એમ સમસ્ત જગત પોકારી ઊઠે એવી જ એની હાર નહોતી? ‘હારે પણ કરતો ડંકો' એ એના જ શબ્દો એને આંહીં લાગુ નથી પડતા? અને તેથી પોતાને માટે જે અન્તિમ કાવ્ય એ રચી ગયો છે તે અક્ષરેઅક્ષર યથાર્થ નથી લાગતું?-કે
‘આહા કેવાં યશગીત ગવાએ, જોદ્ધો રણે લડતો પડી જાએ.
લાંબો ચતોપાટ એ પડ્યો શોભે, વ્હે છાતી ઘાએ કપાળ તો જોભે.’
કેવળ જીવનમાં જ નહિ પણ સાહિત્યમાં પણ નર્મદ આવો જોદ્ધો જ હતો. એનું આ બધું સર્જન કોઈ સૈનિકનું જ સર્જન છે. અને સૈનિકના સર્જનમાં લાલિત્ય ન હોય, માધુર્ય ન હોય, સુકુમારતા ન હોય, કલા ન હોય, ઔચિત્ય કે સુરુચિની બહુ પરવા પણ ન હોય. એમાં હોય કેવળ અનર્ગળ જોમ. નર્મદની કવિતામાં પણ છે એકલું ઊભરાતું જોમ. ‘જોસ્સો’ એ જ એનો પરમ કાવ્યગુણ છે. એ જોસ્સાની સાથે મૅથ્યુ આર્નોલ્ડ બાયરનમાં જુએ છે એવી insensibility of a barbarian પણ પુષ્કળ છે, ખુદ બાયરન કરતાં પણ અનેકગણી વધારે છે–એટલે શુદ્ધ કવિતા તરીકે એ બહુ ઊંચા વર્ગમાં મૂકી શકાય એવી નથી. પણ જેવું છે તેવું આ અર્વાચીન કવિતાનું મૂળ છે. એ બહુ સુન્દર નથી, બહુ મધુર નથી, એ નાનું છે, ડહોળું છે એવા બધા ઘણા દોષો એમાં છે, છતાં આપણી નવીન કવિતાનો ઊગમ આંહીંથી થાય છે. આમાં પ્રખર પ્રતિભા નથી, આંજી નાખે એવો પ્રકાશ નથી, પાછલી રાતનું અંધારું હજુ આંહીંથી પૂરું ખસ્યું નથી, ધુમ્મસ હજુ આમાંથી સાવ વીખરાયું નથી, છતાં અર્વાચીન કવિતાની ઉપા આંહી ઊગી છે, નવીન ગુર્જરકાવ્યનું વહાણું આંહી વાય છે, એનો બાલસવિતા પોતાની પહેલવહેલી કોર આંહી કાઢે છે, એટલે આ કવિતા ગુજરાત સમક્ષ ધરતાં નર્મદના જ શબ્દોમાં કહેવું યોગ્ય થશે કે :
‘જૂવો જૂવો રે, મેદાનોમાં આવી કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
ખોળાં ધોળાં રે, નિરમળ નીર નીરજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
સૂણો સૂણો રે, છેટેના અવાજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
છૂપાં છૂપાં રે, ઝરણો કરે છણછણ કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
બોલે બોલે રે, પંખી દુર ક્રમમાં કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
ઊગ્યો ઊગ્યો રે, પેલી ગમ સૂરજ કે, વ્હાણેલાં કેવાં વાર્ય રે!
દીપે દીપે રે, તડકે તરુ લીલાં કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
ગાથે ગાયે રે, જોગી જન ગીત કે, વ્હાણેલાં કેવાં વાયે રે!
વાગે વાગે રે, દેહેરાંઓના ઘંટ કે, વ્હાણેલાં કેવાં વાથે રે!
દેખી દેખી રે, નર્મદમન રીઝ્યું કે, વ્હાણેલાં ભલાં વાયાં રે!'
આપણે પણ એ જ કહીશું કે અર્વાચીન ગુર્જર કવિતાનાં આ ‘વ્હાણેલાં ભલાં વાયાં રે!’
સં. ૧૯૯૧ નોંધ :-
- ↑ ૧. આ લેખ ‘નર્મદનું મન્દિર' નામે સંગ્રહના પ્રથમ પદ્યવિભાગના ઉપોદ્ઘાત રૂપે મૂળ લખાએલો છે. એ સંગ્રહના ખંડોનાં નામ : (૧) પ્રકૃતિલીલા, (૨) પ્રેમચરિત, (૩) સ્વદેશપ્રેમ (૪) શૌર્યોદ્બોધન, (૫) ભવરણનો જોદ્ધો, (૬) ઉપરતિ.
- ↑ ૨. આને માટે ‘ભવરણનો જોદ્ધો' એ ખંડમાંનાં કાવ્યો જોવાં. ૩. ‘બેનચનીપણાં બેવફાઈ-ના જખમથી હું રાતદાહડો એટલો રીબાતો હતો કે જો કે દર્દી ગ્રન્થો વાંચવામાં, નાટકો જોવામાં, ગાનતાન સાંભળવામાં, મિત્રોને મળવામાં ઘણો ગાળ ગાળતો, તોપણ એકલો પડતો કે કે પાછો ‘મમ્હેલ કરવત મોચીના મોચી-' એ હાલતમાં આવી રહેતો ગઈ વસ્તુના શોકથી નહીં, પણ સાચને આંચ કેમ લાગે છે, ને ઈશ્વર પણ એમ સાચને આંચ કેમ લાગવા દે છે અને અપરાધીને અહીં શિક્ષા કેમ નથી કરતો એ વિચારોથી હું ઘણો જ ખિન્ન રેહેતો-મને ઘરમાં રહેવું કે કોઇને મળવું ગમતું નહીં. મેં મહાલક્ષ્મી, વાલકેશ્વર, કુલાબા, પરેલ વગેરે મુંબઈનાં દૂરના એકાન્ત ઠેકાણામાં, અને બ્હાર ગામડાંઓમાં ફરવા માંડ્યું. હું ભરચોમાસામાં એ ડુંગરોમાં જઈ જઈને બેસતો, ને એ રીતે મને સૃષ્ટિસૌન્દર્યમાં જરા વિશ્રામ મળવા લાગ્યો. હું એકાન્તમાં કુદરતના વિચારમાં બેસતો ત્યારે મને લાગતું કે, હું સૃષ્ટિસૌન્દર્યના આનન્દમાં તરું છઊં-એ આનન્દમાં મેં ‘વનવર્ણન' રચ્યું છે.’–'વનવર્ણન'ની પ્રસ્તાવનાઃ ‘નર્મકવિતા,'.
- ↑ ૪. જુઓ એમની આત્મકથામાંના શબ્દો:-
‘આ સ્થળે કહેવાની જરૂર છે કે મારી જિંદગીની મુખ્ય શોધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી, તેવું સ્થાન આ મળે, નેતે વળી પોતાની પરણેલી હોય તો ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ! સ્ત્રીના અભાવે કોઈ પણ પુરુષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યા જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર એકપ્રેમ રાખે તેવો પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ હું એક પ્રકારનો આનન્દમય તથા પોતાપણું ભૂલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારું વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઈશ તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ. પણ સ્ત્રીપુરુષ ઉભય પક્ષે મને મારી ઈચ્છા મુજબ ફળ મળ્યું નહિ, ને એ પ્રેમ અન્તે વિરાગરૂપે પરિણામ પામ્યો.’-વસન્ત, ૨૯, ૨૪૯. - ↑ ૫. ‘મારી હકીકત'માં આ પ્રકરણની કેટલીક વાતો પ્રકટ થવાનો સંભવ હતો, પણ અતિનિકટતાને લીધે એવું પ્રકાશન પોતાને તો નહિ પણ પોતાનાં સંબન્ધીઓને હાનિકારક નીવડે એ કારણે નર્મદ તેમાં એ વિષે કશું લખી શકેલો નહિ. એને આ સંબન્ધમાં કેટલુંક કહેવાનું તો હતું જ એ ‘મારી હકીકત' ના અન્તિમ શબ્દોમાં સ્પષ્ટ છે: ‘પ્રીતિમૈત્રી સંબન્ધી, દ્રવ્યસંબન્ધી, ધર્મસંબન્ધી સુધારાસંબન્ધી કરેલા વિચાર તથા કૃત્યો સંબન્ધીઅને મારા સ્વાભાવિક ગુણ વિષે મારા જ ઠરેલાં વિવેચન સંબન્ધી હાલ લખવાથી મને તો થોડું પણ મારાં સંબન્ધીઓને ઘણું જ નુકશાન થાય અને સાધારણ બુદ્ધિનાં બીજા લોકમાં પણ વેળાએ નઠારું પરિણામ થાય તેવી હોહો થઈ રહે માટે તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય તેમ લખવાને મુલતવી રાખું છઉં,– હાલ એટલું જ.'-'ગુજરાતી', ૨૭મી ઑગસ્ટ, ૧૯૩૩, પૃ. ૧૨૭૧.
- ↑ ૬. ‘જૂનું નર્મગદ્ય', પૃ. ૪૧૩.
Note
Content of ref No. 3 was missing
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૧૩ થી ૧૩૩