‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/એક નિવૃત્ત ગ્રંથપાલનો સામયિકપ્રેમ : પ્રકાશ સી. શાહ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:13, 14 October 2025

૧૪
પ્રકાશ સી. શાહ

[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૨, પ્રતીક્ષાખંડોમાં વાસી સામયિકો?]

મુ. રમણભાઈ, નમસ્કાર. કુશળ હશો! કુશળતા ચાહું છું. સાલમુબારક. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૨ના ‘પ્રત્યક્ષ’ના અંકમાં આપનો તંત્રીલેખ ‘પ્રતીક્ષાખંડોમાં વાસી સામયિકો?’ વાંચી ખૂબ જ આનંદ થયો. કારણ નાની-મોટી હૉસ્પિટલો, કન્સલ્ટીંગ રૂમ, ફિઝિયોથેરાપી સેન્ટર જેવાં સ્થળે દરદી તથા તેની સાથે આવેલ વ્યક્તિએ ફરજિયાતપણે નવરાધૂપ બેસી રહેવું પડે છે. જો આ સમયે અખંડ આનંદ, નવનીત સમર્પણ જેવાં સારાં સામયિકોના અંકો ત્યાં સુલભ હોય તો તે જરૂરથી હોંશે હોંશે વાંચી પોતાનો સમય સદ્‌વાંચન કરી પસાર કરશે. ઘણા સમયથી આ વિચાર મારા મનમાં ઘોળાયા કરતો હતો. તમે તે વિચારને ખૂબ જ સુંદર રીતે વાચા આપી તે માટે અભિનંદન અને આભાર. નવા વર્ષના શુભ દિવસે અમારા નગરની આશીર્વાદ હૉસ્પિટલના ડૉ. અરવિંદભાઈ પટેલને મળી તેમને તમારો સુવિચાર પહોંચાડતાં જ તરત તેમણે મને તેમની હૉસ્પિટલ માટે અખંડ આનંદ અને નવનીત સમર્પણનાં એક વર્ષનાં લવાજમ પેટે રૂ. ૫૦૦/- આપ્યા. જે સ્વીકારી બીજા દિવસે MOથી તે બંને સામયિકોનાં લવાજમો ભરી તેની પહોંચ તેમને પહોંચાડી દીધી. દક્ષિણ ગુજરાતના વ્યારાની આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ૩૭ વર્ષ લાઇબ્રેરીયન તરીકે ફરજ બજાવી ૧૫મી જૂન ૨૦૧૨ના રોજ નિવૃત્ત થયો છું. સારું સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનું મિશન સ્વીકારી યથાશક્તિ પ્રયત્ન કરું છું. જેના ભાગ રૂપે ૨૦૧૨માં અખંડ આનંદનાં ૬, નવનીત સમર્પણનાં ૫, આપણું સ્વાસ્થ્યનાં ૧, ઉદ્દેશ ૧, ન્યાયમાર્ગ ૧, વિશ્વવિહારના ૨ મળી કુલ ૧૬ લવાજમો ભર્યાં. વત્તા આ સામયિકોના જૂના અંકો નાનીમોટી હૉસ્પિટલોમાં પહોંચાડું છું. આ રીતે આપના વિચારને વ્યવહારમાં મૂકી મારું નિવૃત્ત જીવન આનંદ અને ઉમંગથી પસાર કરી રહ્યો છું. આભાર.

વ્યારા, ૨૩, નવે. ૨૦૧૨||– પ્રકાશ સી. શાહનાં વંદન [ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૨, પૃ. ૫૫]